Magazines

GST પત્રકમાં બાહ્ય સપ્લાયની નેગેટીવ રકમ ભોગવી શકાતી નથી

By GS TEAM
24 May 20262 mins read
GST પત્રકમાં બાહ્ય સપ્લાયની નેગેટીવ રકમ ભોગવી શકાતી નથી

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ જ્યારે કોઈ માસમાં આઉટવર્ડ સપ્લાય ઉપર GST ભરવામાં રકમ ક્રેડિટ નોટના લીધે નેગેટીવ આવતી હોય તે વખતે સ્વાભાવિક છે કે કોઈ વેરો ભરવાનો થાય નહીં. પરંતુ જો તે જ સમય માટે વેપારીને વેરાશાખ પરત કરવા માટે ડેબીટ નોટ પ્રાપ્ત થાય અને જમા વેરાશાખનું બેલેન્સ ન હોય અથવા ચાલુ માસમાં વેરાશાખ પૂરતી ના હોય તે વખતે વેપારીની ખૂબ જ કફોડી હાલત થાય છે. આ બાબતે GST  કાયદા હેઠળ સુધારો કરવો અનિવાર્ય છે જેથી વેપારીની તકલીફ દૂર થાય. ઘણી વખત GST ના અધિકારીઓ ક્રેડિટનોટના લીધે ઉપસ્થિત થતું રિફંડ આપતા નથી અને વેપારીને અપીલનો માર્ગ લઈ ડંડા પછાડવા પડે છે. આજના લેખમાં આ મુદ્દા બાબતે ચર્ચા કરવામાં આવી છે.

GST ના પત્રકો

GST કાયદા હેઠળ GSTR1 ના માધ્યમથી બાહ્ય સપ્લાયની જવાબદારી દર્શાવવાની થાય છે જેના આધારે GSTR 3B માં તે રકમ ઓટો પોપ્યુલેટ થઈને આવી જાય બાહ્ય સપ્લાયની જવાબદારી તરીકે. ઘણા સમય સુધી, GST પોર્ટલ ઉપર બાહ્ય સપ્લાયમાં નેગેટીવ રકમ બતાવવાની કોઈ સુવિધા કે પ્રાવધાન હતું નહીં અને આ બાબતે કોઈ રાહત પણ હતી નહીં. હવે GST પોર્ટલ ઉપર જ્યારે ક્રેડિટનોટ વધુ હોય બાહ્ય સપ્લાય કરતા તે વખતે માઇનસ રકમ દર્શાવવામાં આવે છે જે રકમ વેપારી વાપરી શકતા નથી. દાખલા તરીકે જો IGST માં આવું થાય તો તે રકમ નેગેટીવ તરીકે IGST હેઠળ ઉભી રહેશે પણ તે રકમ બીજી કોઈ પણ પત્રકની વેરાકિય જવાબદારી સામે સરભર કરી શકાશે નહીં. GST નિયમોના ચેપ્ટર IX હેઠળ તેવી કોઈ જોગવાઈ નથી કે આ રકમ વેપારી વાપરી શકે અન્ય કોઈ જવાબદારીની સામે એવા ખાલી ફાકા જ મારવામાં આવે છે કે એક રાજ્ય એક વેરો અને જો ખરેખર એવું હોત તો આ નેગેટીવ રકમ અન્ય જવાબદારીની સમક્ષ સરભર કરી શકાત.

પરિપત્ર

સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક ૧૩૭/૦૭/૨૦૨૦- GST તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૦ના માધ્યમથી તેમ કોવીડ સમય વખતે ચોખવટ કરી હતી કે જો ક્રેડિટ નોટનો વેરો આવનારા સમયના પત્રકોમાં વાપરી શકાય તો વાપરવાનો થાય અને જો ના વાપરી શકાય તો વધુ ભરેલા વેરા તરીકે રિફંડની અરજી કરવાની થાય. ખાસ નોંધ લેવી કે આવી રકમ એડજસ્ટ કરવા માટે કોઈ સમય મર્યાદાનું બંધન નથી પણ રિફંડ માંગવા માટે બે વર્ષની સમય મર્યાદા ચોક્કસ છે.

અન્ય

ક્રેડિટ નોટના વેરાની રકમ જો વાપરી ના શકાય તો તે રકમને પત્રકમાં વેરાશાખ તરીકે બતાવીને ભોગવી ના લેવાય. આવું કરવાથી પત્રકો ખોટા ગણવાના થાય અને વિવાદ ઉપસ્થિત થાય.