વડીલોને માથે સંતાનોના 'પોકેટ મની'નો બોજો
વડોદરાની એક કોલેજના ગીરીશ અને મહેશ બહુ ઉત્સાહી છોકરાઓ છે. તે બંને એસ. વાય. બી. કોમમાં અભ્યાસ કરે છે. તેઓ સાંજે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટયુશન આપે છે. ગીરીશ કહે છે કે તેઓને ટયુશન કરવાની પ્રેરણા એક સિનિયર વિદ્યાર્થી પાસેથી મળી, જેણે અંગ્રેજીના વર્ગો ચલાવીને ત્રણ વર્ષની અંદર સ્કૂટર (સેકન્ડ હેન્ડ) લીધું. ગીરીશ-મહેશ તેઓની કમાણી ખિસ્સાખર્ચીમાં નથી વાપરતા. એ તો બચત માટે હોય છે
કોલેજના વિદ્યાર્થીઓના આગવા ખર્ચાઓ હોય છે. કોલેજિયનોને તેમના વડીલો તરફથી આપવામાં આવતી ખિસ્સાખર્ચી હંમેશાં એક ખેંચતાણનો મુદ્દો બની રહેતો હોય છે. કોલેજિયનને લાગે કે હજી થોડા વધુ પૈસા મળવા જોઈએ. વડીલોને લાગે કે હજી થોડા ઓછા પૈસા આપ્યા હોય તો ચાલે. મોટા ભાગના કોલેજિયનો ઘરેથી મળતા પૈસા વડે કામ ચલાવી લે છે. તો વળી કેટલાક થનગનતા યુવાનો વધારે ખિસ્સાખર્ચી માટે છૂટુંછવાયું કામ કરી લે છે.
સામાન્ય રીતે કોલેજિયનોને ઘરેથી મહિને પચાસથી માંડીને પાંચસો રૂપિયા જેટલી ખિસ્સાખર્ચી મળી રહેતી હોય છે. જોકે કેટલાક કોલેજિયનોનું જણાવવું છે કે રકમ જ્યાં સુધી અમુક વ્યવહારુ મર્યાદાથી વધુ ન હોય ત્યાં સુધી તેઓને છૂટથી પૈસા મળી રહે છે. જોકે આવા કોલેજિયનો પેલી વ્યવહારું મર્યાદાને વ્યાખ્યાયિત કરવા તૈયાર નથી. દીના કહે છે, મારા મમ્મી-પપ્પી મારી તમામ જરૂરિયાતો પૂરી થઈ રહે તેટલા પૈસા મને આપે છે.
હું તો ઘરે રહું છું (હોસ્ટેલમાં નહીં). એટલે મારે કોલેજ આવવા-જવાનો અને ક્યારેક કોલેજની કેન્ટિનમાં નાસ્તા-પાણીનો ખર્ચ થાય એ સિવાય પૈસાની ખાસ જરૂર પડતી નથી. દીનાની બહેનપણી ગીતાને લાગે છે કે દીના નસીબદાર છે કારણ કે તેના મમ્મી-પપ્પા તેની પાસેથી ખર્ચનો હિસાબ નથી માગતા. ગીતાનાં મમ્મી-પપ્પા તો પાઈ-પાઈનો હિસાબ માગે છે.
ગીતાને મહિને અમુક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. ત્યાર બાદ તેને વધારે પૈસા નથી આપવામાં આવતા, સિવાય કે તેની પાસે કોઈ સચોટ કારણ હોય. જોકે ગીતા પણ સ્વીકારે છે કે તેને જે પૈસા આપવામાં આવે છે, તે પૂરતા જ હોય છે. ગીતા પોતાને મળતી ખિસ્સાખર્ચીમાંથી પૈસા બચાવીને ટી-શર્ટ કે પછી ફૂટપાથ પરથી મળતાં ફેશન આભૂષણો પણ ખરીદે છે.
તેમના જ ગુ્રપનો હીરેન મહિનાના પહેલા પંદર દિવસો દરમિયાન ધૂઆંધાર મૂડમાં હોય છે.ત્યારે એ બધાને નાસ્તા-પાણી કરાવતો રહે છે. હીરેન હસતાં-હસતાં જણાવે છે, અડધા મહિના પછી હું પપ્પા પાસેથી આવી રહેલા મહિનાની ખિસ્સાખર્ચીમાંથી એડ્વાન્સ માગું છું. પપ્પા એડવાન્સ આપી દે તો ઠીક છે નહીંતર મારા તાજિયા તો અડધા મહિને જ ટાઢા થઈ જાય છે.
વડોદરાની એક કોલેજના ગીરીશ અને મહેશ બહુ ઉત્સાહી છોકરાઓ છે. તે બંને એસ. વાય. બી. કોમમાં અભ્યાસ કરે છે. તેઓ સાંજે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટયુશન આપે છે. ગીરીશ કહે છે કે તેઓને ટયુશન કરવાની પ્રેરણા એક સિનિયર વિદ્યાર્થી પાસેથી મળી, જેણે અંગ્રેજીના વર્ગો ચલાવીને ત્રણ વર્ષની અંદર સ્કૂટર (સેકન્ડ હેન્ડ) લીધું.
ગીરીશ-મહેશ તેઓની કમાણી ખિસ્સાખર્ચીમાં નથી વાપરતા. એ તો બચત માટે હોય છે. મેં એમને પૂછ્યું કે તમે તમારી બચતની રકમ વડે શું કરવાના છો, ત્યારે તેઓએ જણાવ્યું કે તેઓ કોઈ ગૂઢ યોજના માટે પૈસા એકઠા કરી રહ્યા છે.
આ બન્ને કોલેજિયનો વડીલો તરફથી મળતી ખિસ્સાખર્ચીની રકમમાંથી જ નાના-મોટા ખર્ચાઓ કાઢી લેવાનું પસંદ કરે છે.
માનસી, પલ્લવી અને નીતા જણાવે છે કે તેમના મોટા ભાગના પૈસા અનુક્રમે નાસ્તા-પાણીમાં ફિલ્મો જોવામાં અને ફૂટપાથિયાં આભૂષણો પાછળ ખર્ચાઈ જાય છે. આ ત્રણેય છોકરીઓ કોલેજમાં ભણે છે અને ત્રણેયને ખિસ્સાખર્ચી માટે મહિને નિશ્ચિત રકમ મળે છે. પલ્લવી જણાવે છે કે રકમ પૂરાતી હોય છે, લાંબી અને પાતળી નીતાને પ્રદર્શનોમાંસેલ્સગર્લ તરીકે કામ કરવાની મજા પડે છે. ત્યાં તેને અનેક લોકોને મળવાની તક મળે છે. તે કહે છે કે બની શકે છે કે સેલ્સ ગર્લ તરીકે કામ કરતાં-કરતાં મોડેલ બનવાની તક મળી જાય.
કપડાં ખરીદવાં માટે તેઓ કાં તો પૈસા બચાવે છે અથવા તેમના માતા-પિતા કપડાં ખરીદવા તેઓને અલગ પૈસા આપે છે. નીતા અને માનસી ફેશન સ્ટ્રીટનાં નિયમિત ગ્રાહકો છે. જ્યારે પલ્લવીને મોંઘાં કપડાં પસંદ છે. એ કહે છે કે તેને વધારે કપડાં કરતાં વધારે સારાં કપડાંમાં વધુ રસ છે. તેને જ્યારે આશા વિશે પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે આશા તેમના જ ગુ્રપની એક છોકરી છે, જે કેટલીક કંપનીઓની જાહેરાતમાં ભાગ લે છે.
અન્ય એક મેનેજમેન્ટ કોલેજના તમામ કોલેજિયનો હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં જમવા અને રહેવાની તમામ સાવલતો ઉપલબ્ધ છે. એ કોલેજનો રોહન કહે છે કે અમને બહાર જઈને પિક્ચરો જોવાની તેમ જ નાસ્તા-પાણી કરવાની ખૂબ મજા પડે છે. અમે જ્યારે ગુ્રપમાં ફરવા નીકળીએ છીએ ત્યારે અમારામાંના મોટા ભાગના મિત્રો તો ભૂખ્યાડાંસ જ હોય છે. રોહન તેની મોટર સાઇકલ પાછળ ઘણા પૈસા ખર્ચે છે. તે કહે છે કે મોટરસાઇકલ હોવાથી મોંઘા રિક્ષાભાડાંથી અને બસની લાંબી લાઈનોથી બચી શકાય છે.
પગરખાં અને કપડાં જેવા મોટા ખર્ચાઓ તો તેઓ જ્યારે ઘરે જાય છે ત્યારે જ કરે છે. તો પણ હોસ્ટેલનાં પણ નાના-મોટા ખર્ચા તો થતા જ રહે. તેમના જ જૂથની છોકરી મોના જણાવે છે કે મોટા ભાગની છોકરીઓ સૌંદર્ય પ્રસાધનો તથા આભૂષણો પૈસા ખર્ચે છે. નેહા ઉમેરે છે કે વાંચનના શોખને કારણે પણ પૈસા ખર્ચાય છે. જોકે તે લાઇબ્રેરીની સભ્ય તો છે જ. છતાં તેની ફરિયાદ છે કે પુસ્તકોના ભાવો ખૂબ ઊંચા હોવાથી ઘણી વાર સારાં પુસ્તકોથી વંચિત જ રહેવું પડે છે.
મુકેશ, અમર અને નરેશ પૈસાદાર કુટુંબમાંથી આવે છે. નરેશ પાસે મોટરકાર છે. તે કહે છે કે પેટ્રોલ બહુ મોંઘું છે. એટલે પપ્પા હું ક્યાં-ક્યાં જાઉં છું તેનું ધ્યાન રાખે છે. મારો મુખ્ય ખર્ચ તો હોટેલોનો છે. નાસ્તો મારી નબળાઈ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ વિલેપાર્લાની કોલેજમાં અભ્યાસ કરે છે.
અશોક, સોનલ, રોહિત અને ચંદ્રા ચર્ચગેટની એક કોલેજમાં ભણે છે. તેઓનો મુખ્ય ખર્ચ કોલેજ આવવા. જવાનો તથા શહેરની રેસ્ટોરાંમાં ખાવા-પીવાનો છે. ચંદ્રા કહે છે કે ફેશન સ્ટ્રીટ મને બહુ આકર્ષે છે. કારણ કે ત્યાં મારી પસંદગીનાં કપડાં સસ્તા ભાવે મળે છે એટલે જ હું દર છ મહિને નવાં કપડાં ખરીદી શકું છું.
દીપક, કિશોર અને બાદલ તેમની ખિસ્સાખર્ચીનો મોટો હિસ્સો ટ્રેકિંગનાં સાધનો ખરીદવામાં વાપરે છે. તેઓ પર્વતારોહણમાં ભાગ લેવા ઇચ્છે છે. બાદલ જણાવે છે કે પર્વતારોહણ માટે ખાસ પગરખાંની જરૂર પડે છે અને બહુ જ મોંઘાં ભાવે મળે છે. એટલે અત્યારે આ ત્રિપુટી એક એક પાઇ ટ્રેકિંગનાં સાધનો ખરીદવા માટે બચાવી રહી છે. તેમણે આવતા વર્ષે કૈલાસ-માનસરોવર જવાનો પ્રોગ્રામ પણ ઘડયો છે.
જુદી-જુદી કોલેજોના વિદ્યાર્થીઓમાં એક વાત સામાન્ય છે. તે બધાને સાથે ફરવામાં અને ખાણી-પીણીમાં આનંદ આવે છે. તેઓ ડઝનેક જેટલા ચા-કોફીના કપ પી જઈ શકે છે અને ઘણીબધી સેન્ડવિચ આરોગી શકે છે. બધા વિદ્યાર્થીઓને ખિસ્સાખર્ચી પેટે અલગ-અલગ રકમ મળતી હોવા છતાં તેઓ આરામથી પોતાનું ગાડું ગબડાવી શકે છે અને જલસા કરે છે.
કોલેજના દિવસોનો ખરેખર, જોટો જડવો મુશ્કેલ છે. કેટલાંક એવા વિદ્યાર્થીઓ પણ છે જે તેમના ઘરમાંથી મળતાં પોકેટમની કરતાં વધુ ઉડાવ ખર્ચ કરે છે. આમ કરવા તેઓ વારંવાર બીજા મિત્રો પાસેથી ઉછીના પૈસા લે છે. આવી નીતિ બહુ સારી ન હેવાય.
- નયના