આસો શારદીય નવરાત્રિ અનુષ્ઠાન
નવરાત્રિ દરમ્યાન માતાજી નવદુર્ગાનું અનુષ્ઠાન, કળશ સ્થાપન, જ્વારાનું રોપણ, માતાજીની યથાશક્તિ આરાધના, ઉત્તમોત્તમ શ્રેષ્ઠ ફળદાયી છે.
આસો સુદ એકમ તા. ૨૯-૦૯-૨૦૧૯ રવિવારથી આસો શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવરાત્રિમાં તિથિની વધઘટ નથી.
નવદુર્ગા
પ્રથમં શૈલ પુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી
તૃતિયં ચન્દ્ર ઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમં સ્કન્દ માતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ
સપ્તમં કાલરાત્રિતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્
નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા:
ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના
- પુરાણોમાં જણાવ્યા પ્રમાણે -
* ગિરીરાજ હિમાલયની પુત્રી પાર્વતી દેવી બધાની અધીશ્વરી છે.
તે હિમાલયની તપસ્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ કૃપાપૂર્વક તેમની પુત્રીના રૂપમાં પ્રકટ થઈ.
- બ્રહ્મ ચારયિતું શીલં યસ્યા: સા બ્રહ્મચારિણી...અર્થાત્ સચ્ચિદાનન્દમય બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવાનો જેનો સ્વભાવ છે તે બ્રહ્મચારિણી છે.
* ચન્દ્ર: ઘંટાયાં યસ્યા: સા
આનંદકારી ચન્દ્રમા જેના ઘંટામાં રહેલી છે તે દેવીનું નામ ચન્દ્રઘંટા છે.
- કુત્સિત: ઉષ્મા કુષ્મા ત્રિવિધ તાપ યુત: સંસાર: સ અંડે માંસપેશ્યાદરરુપાયાં યસ્યા સા કુષ્માંડા
અર્થાત્ ત્રિવિધ તાપયુક્ત સંસાર જેના ઉદરમાં સમાયેલ છે તે મા ભગવતી કુષ્માડા કહેવાય છે.
- છાન્દોગ્ય શ્રૂતિ અનુસાર ભગવતીની શક્તિથી ઉત્પન્ન થયેલ સનતકુમારનું નામ સ્કન્દ છે. માતા હોવાથી તે સ્કંદમાતા કહેવાય છે.
- દેવતાઓના કાર્ય સિદ્ધ કરવા માટે દેવી, મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થયા અને મહર્ષિએ તેને પોતાની કન્યા માન્યા તેથી તેમની પ્રસિદ્ધિ કાત્યાયની માતાના નામથી થઈ.
- બધાને મારવાવાળી કાલની રાત્રિ વિનાશિકા હોવાથી તેનું નામ કાલરાત્રિ છે.
- તેમણે તપસ્યા દ્વારા મહાન ગૌરવર્ણ પ્રાપ્ત કર્યો છે તેથી તે મહાગૌરી કહેવાય છે.
- સિદ્ધિ અર્થાત્ મોક્ષને આપવાવાળી તે છે તેથી તેનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા નામ વેદ ભગવાન દ્વારા પ્રતિપાદિત થયેલા છે.
શારદીય આસો નવરાત્રિ દરમ્યાન માતાજી નવદુર્ગાનું અનુષ્ઠાન, કળશ સ્થાપન, જ્વારાનું રોપણ, સ્થાપન, ભક્તિ- પૂજા- મંત્રજાપ, માતાજીની યથાશક્તિ આરાધના, ઉપવાસનું ફળ ઉત્તમોત્તમ શ્રેષ્ઠ ફળદાયી છે.
સાંજના ૭ ક. ૦૬ મિ. સુધી અમૃત સિદ્ધિયોગ છે. માતાજીની ભક્તિ-પૂજા ગરબાનો પ્રારંભ થશે.
* દુર્ગા સપ્તમી *
આસો સુદ છઠ્ઠ તા. ૪-૧૦-૨૦૧૯ શુક્રવાર
* દુર્ગાષ્ટમી - મહાઅષ્ટમી *
આસો સુદ આઠમ તા. ૬-૧૦-૨૦૧૯ રવિવાર
* મહાનવમી - નવરાત્રિ સમાપ્ત *
આસો સુદ નોમ તા. ૭-૧૦-૨૦૧૯ સોમવાર સાંજના ૫ ક. ૨૫ મિ. પછી વિસર્જન
* વિજયા દશમી - દશેરા *
આસો સુદ દશમ- દશેરા તા. ૮-૧૦-૨૦૧૯ મંગળવારે દશેરા, વિજયા દશમી છે.
દશેરા વિજયાદશમીએ આયુધ પૂજન, શસ્ત્ર- અસ્ત્ર- વાહનનું પૂજન, શમી વૃક્ષનું પૂજન થશે.
- સમય સવારના ૯ ક. ૩૫ મિ.થી બપોરના ૧ ક. ૦૫ મિ.
* દશેરા વિજયા દશમીએ ચોપડા નોંધાવવા, ખરીદવા, સોનુ- ચાંદી- આભૂષણ ખરીદવા ઉત્તમોત્તમ શ્રેષ્ઠ છે *
આસો સુદ દશમ તા. ૮-૧૦-૨૦૧૯ મંગળવાર દશેરા- વિજયા દશમી)
સમય: સવારના ૯ ક. ૩૫ મિ.થી બપોરના ૧ ક. ૫૦ મિ.
બપોરના ૩ ક. ૩૦ મિ.થી સાંજના ૪ ક. ૫૦ મિ.
* શરદ પૂનમ - વ્રતની પૂનમ * નાળિયેરી પૂનમ *
આસો સુદ પૂનમ તા. ૧૩-૧૦-૨૦૧૯ રવિવારે શરદપૂનમ- કોજાગરી- માણેકઠારી પૂનમ, વ્રતની પૂનમ છે.
* કરવા ચોથ *
(આસો વદ ત્રીજ તા. ૧૭-૧૦-૨૦૧૯ ગુરૂવાર)
આસો વદ ત્રીજ (બીજી ત્રીજે) તા. ૧૭-૧૦-૨૦૧૯ ગુરૂવારે કરવા ચોથ છે. સંકષ્ટ ચતુર્થી છે. ચંદ્રોદય રાત્રે ૮ ક. ૪૫ મિ.
- પદ્મનાભ અગ્નિહોત્રી