Magazines

પ્રકૃતિની જાળવણી .

By GS TEAM
3 Apr 20266 mins read
પ્રકૃતિની જાળવણી                                                   .

- કાચબો એક શરત મૂકે છે,  'હું તમારી સાથે મિત્રતા કરીશ, પરંતુ તમારે બધાએ મારી એક વાત માનવી પડશે.' સોનુ બોલે છે, 'કઈ વાત, કાચબાભાઈ?'

- 'અમે અહીં ખૂબ જ ચોખ્ખાઈ રાખીએ છીએ. અમે બધા શાંતિથી અવાજ કર્યા વગર જમીએ છીએ. જો તમે માણસો અહીં આવીને આ રીતે રહેશો તો અમને નહીં ગમે.'

- ગાયત્રી જાની

સો નુ, ગોપી અને રામુ પાક્કા મિત્રો હતાં. સાથે જ રમે અને સાથે જ ફરવા જાય. શાળાએ જાય ત્યારે બીજા મિત્રો એમની સાથે જોડાય, પરંતુ આ ત્રણની જોડી તો નક્કી જ હોય - કાયમ સાથે જ રહેવાની. 

એક વખત શાળાના મિત્રો સાથે રામુ વાત કરતો હતો. 'હવે તો વેકેશન પડવાનું છે. આપણે બધાં પોતાના ઘરે જઈશું. હું તો ગામડે જઈશ, ત્યાં મને ખૂબ મજા આવે છે..' 

ત્યાં શાળાનો એક મિત્ર જનક બોલ્યો, 'હું પણ મારા મામાના ત્યાં જઈશ. ગામડામાં મને પણ ખૂબ મજા આવે છે..'

બધા આવી વાતો કરતા હતા ત્યારે સોનુ બોલી, 'આ વખતે આપણે વેકેશનમાં જુદા નથી રહેવું. અને જો જુદા ન રહેવું હોય અને ભેગા રહેવું હોય તો આપણે એક કામ કરીએ - આપણે બધાં જ સાથે મળીને ક્યાંક ફરવા જઈએ, જેથી આપણે સાથે રહી શકીશું અને વેકેશનમાં ફરવાનો સમય પસાર થશે.'

'હા, સોનુ, આ વાત તારી સાચી છે. પરંતુ એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે બધા સાથે જઈ શકીએ?.'

હજી તો બધા જગ્યા વિચારી રહ્યાં હતાં, ત્યાં જ ગોપી બોલી, 'અમારા ઘરથી થોડી દૂર એક સરસ વાડી આવેલી છે. ત્યાં બધી જ સગવડ છે અને આપણને તડકો પણ નહીં લાગે. ત્યાં ઝાડ છે, મોર, કાચબો, સસલા જેવાં પશુ-પંખી પણ  છે. ત્યાં એમની સાથે રમત રમવાની અને એમને જોવાની ખૂબ મજા આવશે. હું તો ત્યાં અવારનવાર જતી હોઉં છું, પરંતુ સોનુ અને રામુ એવાં છે જે ક્યારેય પશુ-પંખી પાસે જતાં નથી. તો આપણે ત્યાં જઈએ...'

'ગોપી, તારી વાત બિલકુલ સાચી. અમને તો ક્યારેય એવાં પશુ-પંખી જોવા મળતાં નથી. તો આ વખતે આપણે ત્યાં જઈએ.'

'હા, આપણે જઈએ, પરંતુ એક વાત તમારે ધ્યાન રાખવી પડશે - રામુ, તારાં તોફાન તો ખૂબ મોટાં છે. ત્યાં તું એવા તોફાન કરીશ તો ચાલશે નહીં. એટલે શાંતિ જાળવવી પડશે, તો જ આપણે ત્યાં જઈએ.'

'ગોપી, હું ચોક્કસ શાંતિ જાળવીશ અને તું કહીશ એમ કરીશ. પરંતુ મારે મોર અને સસલું જોવા છે.'

'સારું, તો આપણે બધા અત્યારે પોતપોતાના ઘરે જઈએ. આવતીકાલે સવારે નવ વાગે આ જ જગ્યાએ ભેગા થઈશું. હું થોડો નાસ્તો લઈને આવીશ. તમે બધા પણ જુદો જુદો નાસ્તો લઈને આવજો.'

'હું પાણી અને બેસવાનાં આસન લાવીશ.'

'હું રમવા માટે બોલ લઈને આવીશ.'

આમ દરેકે અલગ અલગ વસ્તુ લઈને આવવાનું નક્કી કરી દીધું. સરસ આયોજન બનાવ્યું. હવે બધાં પોતપોતાના ઘરે જવા નીકળ્યાં. આવતીકાલે સવારે નવ વાગે જવાનું છે એની જ રાહ જોતા હતાં. મનોમન સૌ ખૂબ ખુશ હતાં. સૌ મનમાં વિચાર કરતા હતા કે કાલે સરસ નવા કપડાં પહેરીને જઈશું.

આ રીતે આખો દિવસ પસાર થઈ ગયો.

***

બીજા દિવસે તો વહેલા ઊઠીને તૈયાર થઈ જાય છે.  સોનુ સરસ ડ્રેસ પહેરીને નીકળે છે, ગોપી માથામાં સરસ રીંગ નાખીને, નવાં કપડાં પહેરીને જાય છે અને રામુ મોટી બેગ ભરીને નાસ્તો લઈને નીકળે છે. જે જગ્યા નક્કી કરી હતી ત્યાં બધાં ભેગા થાય છે.

રામુ, સોનુ, જનક અને ગોપી બધાં જ હાથમાં પોતપોતાની થેલી લઈને ચાલતાં થાય છે. વાતો કરતાં કરતાં આગળ વધે છે. વાડી નજીકમાં જ હોય છે. 

સોનુ કહે છે, 'હવે કેટલું ચાલવાનું છે? મારાથી ચાલી શકાતું નથી.'

'બસ, આ રહ્યું. હવે બિલકુલ નજીક છે. આપણે પહોંચવા જ આવ્યા છીએ. ત્યાં જઈને તું બેસજે એટલે તને ખૂબ મજા આવશે.'

મોટાં મોટાં ઝાડ દેખાવા લાગે છે એટલે રામુ બોલે છે, 'જુઓ જુઓ... વાડી આવી ગઈ છે! આટલાં મોટાં ઝાડ દેખાય છે - આપણે ત્યાં જ જવાનું છે એવું મને લાગે છે.'

'હા, એ જ વાડીએ જવાનું છે.'

જેમ વાડી નજીક આવે છે તેમ બધાં ઉતાવળાં થાય છે. તેઓ વાડીમાં પ્રવેશ કરે છે. ત્યાં સરસ મોટું લીમડાનું ઝાડ હોય છે.  એની નીચે બેસીને સૌ વાતો કરે છે.

બધા ંવાતો કરતા હોય છે ત્યારે રામુ ઉભો થઈને લીમડો તોડવા ડાળી પકડે છે. જેમ તેમ લીમડાની ડાળી તૂટે છે, ત્યાં બાજુમાંથી હરણ પસાર થાય છે. 

હરણ કહે છે, 'તમે આમ ઝાડને તોડશો નહીં. એ અમારા માટે ખૂબ ઉપયોગી છે. અમે એના છાંયડા નીચે બેસીએ છીએ.'

'હા, હવેથી નહીં તોડીએ,' રામુ હરણને જવાબ આપે છે. 

પછી બધાને ખૂબ ભૂખ લાગે છે એટલે ભેગા થઈને નાસ્તો કરવા લાગે છે. રામુ અને જનક ખાતાં ખાતાં ખાવાનું આજુબાજુમાં ખૂબ ઢોળે છે.

ત્યાં જ એક સસલું આવે છે. સસલાને જોઈને બધા ખુશ થઈ જાય છે. સસલું કહે છે, 'તમે ખાતાં ખાતાં ખૂબ ઢોળો છો. એ બધું વેરાયેલો નાસ્તો એક બાજુ મૂકો તો કીડી-મકોડા વગેરે એને ખાઈ શકે.'

જનક નીચે વેરાયેલું ખાવાનું  લઈને એક બાજુ મૂકે છે. ત્યાં સુધી રામુ, ગોપી અને સોનુ સસલાને રમાડે છે. સસલા સાથે મિત્રતા થઈ જાય છે. 

બધાએ નાસ્તો કરી લીધો છે. જનક પણ સસલા સાથે રમવા લાગે છે.

બધાને તરસ લાગે છે એટલે બોટલમાંથી સૌ પાણી પીવે છે. પાણી પીને પ્લાસ્ટિકની મિનરલ વોટલની બોટલો ફેંકી દે છે. 

ત્યાં કાચબો નીકળે છે અને સસલાને કહે છે,'સસલા, આ બધા કોણ છે?'

'આ લોકો અહીં આપણી સાથે રમવા આવ્યા છે - આપણા મિત્રો જ છે.'

સસલું સૌની કાચબા સાથે ઓળખાણ કરાવે છે. કાચબાને પણ ખૂબ મજા આવે છે. પણ કાચબો એક શરત મૂકે છે. કહે છે, 'હું તમારી સાથે મિત્રતા કરીશ, પરંતુ તમારે બધાએ મારી એક વાત માનવી પડશે.'

સોનુ બોલે છે, 'કઈ વાત, કાચબાભાઈ?'

'હું આવ્યો ત્યારે મેં જોયું કે લીમડાની ડાળ ચારે કોર પડેલી છે. પાણીની પ્લાસ્ટિકની બોટલો આમતેમ ફેંકાયેલી છે. નાસ્તો ખાઈને કચરો પણ કોઈએ  ફેંક્યો છે. તમે લોકો અવાજ એટલો કરો છો કે કબૂતર દાણા ચણતા હતા એ ઉડી ગયા. પાણી પણ ઘણું ઢોળ્યું છે. આવી રીતે તમે માણસો પ્રકૃતિને બગાડો છો. અમે અહીં ખૂબ જ ચોખ્ખાઈ રાખીએ છીએ. અમે બધા શાંતિથી અવાજ કર્યા વગર જમીએ છીએ. જો તમે અહીં આવીને આ રીતે રહેશો તો અમને નહીં ગમે. સૌથી પહેલાં  તો તમારે બધાએ પ્રકૃતિની રક્ષા કરવાની છે, એની જાળવણી કરવાની છે. તમે આજથી જ એક નિયમ લો કે હવે ક્યારેય આવું નહીં કરો - માત્ર અમારી વાડીમાં જ નહીં પરંતુ તમારા ઘરમાં અને આસપાસ પણ સ્વચ્છતા જાળવો અને પ્રકૃતિની રક્ષા રાખો.'

બધા એકસાથે બોલ્યાં, 'અમે ચોક્કસ એમ જ કરીશું. આજે અમને અહીં આવીને તમારી પાસેથી ખૂબ સરસ વાતો શીખવા મળી.'

પછી કાચબાભાઈ, સસલાભાઈ અને બાળકો બધાં સાથે રમવા લાગ્યાં. 

સૌએ ખૂબ મોજ કરી. સાંજ પડતાં બાળકોએ વાડીમાંથી વિદાય લીધી. કાચબાભાઈ અને સસલાભાઈએ ગુડ બાય કર્યું અને કહ્યું, 'આવી જ રીતે અમને મળવા આવતા રહેજો અને પર્યાવરણને જાળવવાની જે વાત કરી છે તે હંમેશા યાદ રાખજો... પ્રોમીસ?'

બધાં બાળકોએ એક સાથે કહ્યું, 'પ્રોમીસ!'