કોરા પાનાં ફેરવું ? .
મહેમાનને એમ લાગવું જોઇએ કે ચતુર નામામાં તથા ધંધામાં હોશિયાર છે
છ ગનલાલ શેઠની દુકાનમાં એક મુનીમજી તથા ભગો નામનો નોકર કામ કરતા હતા. મુનીમજી નામું લખતા, હિસાબ રાખતા તથા શેઠની ગેરહાજરીમાં દુકાનનો વહીવટ પણ કરતા હતા. તેથી મુનિમજીનો પગાર વધુ હતો. પરંતુ ભગાને મનમાં વિચાર આવતો હતો કે મારા કરતા મુનીમજીનો પગાર કેમ વધારે છે ? એટલે એકવાર ભગાએ શેઠને પૂછ્યું કે મારા કરતા મુનિમજીનો પગાર વધારે કેમ છે ? છગનલાલ શેઠ મનમાં સમજી ગયા અને બોલ્યા કે કાલે તને સમજાવીશ.
બીજા દિવસે ભગાને મુનીમજી જગ્યાએ કામ કરવાનું ગોઠવી દીધું. હવે ભગાને નામામાં કે હિસાબમાં ગતાગમ પડે નહીં અને મુંજાઇ ગયો. પછી તેણે શેઠને કીધું કે હવે મને બરાબર સમજાઇ ગયું છે. તેના કામે લાગી ગયો.
છગનલાલ શેઠને એક દીકરો હતો. તેનું નામ ''ચતુર'' હતું, પરંતુ નામ તેવા ગુણ હતા નહીં. ચતુર ભણતર તથા ગણતરમાં ઢ હતો. ચતુર ને ભણવામાં રસ હતો નહીં એટલે છગનભાઇએ તેને દુકાને ધંધો કરવા માટે બેસાડી દીધો. અને ધીમે ધીમે તેને ધંધાના પાઠ ભણાવવા લાગી ગયા. પણ ઉંમરલાયક થયો એટલે તેના માટે કન્યાની શોધ કરવામાં આવી. તેમનાં સગા મારફત કન્યા પક્ષ વાળા સાથે ચતુરની વાત કરવામાં આવી. કન્યા પક્ષવાળા મુરતીયાને જોવા આવવાનું નક્કી કર્યું. એટલે છગનલાલ શેઠે તેમનાં સુપુત્ર ''ચતુર''ને કન્યા પક્ષવાળા આવે ત્યારે શું કરવાનું છે તેના બરાબર પાઠ ભણાવી દીધા.
છગનલાલ : જો બેટા, મહેમાન આવે એટલે તારે નામું કરવા બેસી જવાનું છે.
ચતુર : પણ મને નામું ક્યાં આવડે છે ?
છગનલાલ : જો તારે નામું લખવાનું નથી. તારે તો ફક્ત દેખાવ જ કરવાનો છે. તારે ચોપડાનાં પાના એક પછી એક ફેરવવાનાં છે. આ તો મહેમાનને એમ લાગવું જોઇએ કે ચતુર નામાંમાં તથા ધંધામાં હોશિયાર છે.
ચતુર : ભલે.
પછી તો નક્કી કરેલા દિવસે કન્યા પક્ષવાળા આવ્યા. ચા-પાણી પીધા. ચતુર ગાદીતકીયા ઉપર બેસીને ચોપડાનાં પાના ફેરવવા લાગ્યો. તેમ કરતા ચોપડાનાં લખેલા પાના પૂરા થઇ ગયા. એટલે ચતુર બોલ્યો કે બાપા લખેલા પાના ફેરવી લીધા તો હવે કોરા પાનાં ફેરવું ? પેલા મહેમાન સમજી ગયા અને પોતાના ગામ ભેગા થઇ ગયા.
- નટુભાઇ ઠક્કર