ભગવાન શિવજીનું નટરાજ સ્વરૂપ
શિવજી ભગવાન સંગીત-કલાનાં આદ્ય-અધિષ્ઠાતા દેવ ગણાયા છે. એમને કળામાં નૃત્ય કરવાનું ખૂબ પસંદ હતું. નૃત્ય દ્વારા તેઓ પોતાનાં મનોભાવો વ્યકત કરતા. જેમકે જ્યારે ક્રોધી ભાવદશામાં હોય ત્યારે, શિવજી તાંડવનૃત્ય કરતા.
ભગવાન શિવજીનું તાંડવ નૃત્ય એક અદ્ભૂર્ત- કળાનો પ્રકાર ગણાયો છે. પુરાણકથા અનુસાર, એક સમયે પતંજલિઋષિ તથા વ્યાધ્રપાદ મુનિઓએ શિવજીએ વિધ વિવિધ પ્રકારનાં નૃત્ય શીખવવા માટે આગ્રહભરી વિનંતિ કરી. શિવજી ભગવાને હાલનાં મદ્રાસમાંનાં વ્યાધ્રપુરમ તરીકે પ્રખ્યાત સ્થળે નિજાનંદમાં નૃત્ય કરીને વિષ્ણુ, દેવો, ગંધર્વો અને મનુષ્યોને નૃત્યકળાનાં ચરણો બતાવ્યા. એ પાર્વતીજી પણ ત્યાં દર્શક તરીકે બિરાજમાન હતા. તેમણે પણ શિવજી સાથે નૃત્ય કરવાની ઇચ્છા પ્રગટ કરી.
ત્યારે તેમણે શિવનાં પ્રત્યેક અંગ-ભંગ-તાલને બેવડાવીને, પોતાની અનોખી નૃત્યકળા રજુ કરી. અંતમાંના એક ચરણમાં, નૃત્ય કરતાં તાલબધ્ધતાથી પગથી પોતાનાં કાનમાંનાં કુંડળો કાઢયા અને પગથી જ પાછા પહેર્યા. આવી અઘરી અને અશક્ય લાગતી ભંગિમા પાર્વતીજી કરી શક્યા નહિ અને એમણે શિવજી ભગવાનનું આધિપત્ય સ્વીકાર્યું. આ આકાર ભંગિમા 'નટરાજ' તરીકે પ્રચલિત થઈ. અને નૃત્યનો એક 'નટરાજ' તરીકેનો વિશેષ દરજ્જો મળ્યો.
આ રૂપકકથાનો જો ઉંડો વિચાર કરવામાં આવે તો, આપણા મંત્ર દ્રષ્ય ઋષિ-મુનિઓએ સાંખ્યયોગમાં જણાવ્યા પ્રમાણે પરમતત્ત્વ એટલે કે શિવપુરુષ અને તેમનાં અર્ધાગિનિ નારીરૂપ, પાર્વતી શક્તિ એક બીજાનાં પુરક સમાન છે. એક બીજા વગર અધુરા, અપૂર્ણ છે. એટલે જ તો ક્યારેક 'અર્ધ નારીશ્વર' જેવા શબ્દનો પ્રયોગ થાય છે.
શિવજીના આ 'નટરાજ' મુદ્રા ઉત્તર દસતાલ પરિણામ પ્રમાણે રચાયેલ 'ભુજંગ' ત્રાસની પ્રતિકૃતિમાં છે. આ મૂર્તિમાં અદ્ભૂત અને અનોખી કલાત્મકતા એટલી બધી ઠાંસોઠાંસ ભરેલી દેખાય છે કે વિશ્વનાં પ્રત્યેક ખ્યાતનામ સંગ્રહાલયોમાં નટરાજની પ્રતિકૃતિને સ્થાન મળેલું છે. તો દેશનાં મોટા મહાલયોમાં તે ઘરની શોભા ઓર વધારતી જોવા મળે છે.
તો આ'નટરાજ'ની ભંગિમામાં વિશેષતા શી છે ? મૂર્તિ ચતુર્ભુજ અને ત્રિનેત્રી છે. મસ્તકે બીજચંદ્ર, સર્પો અને મુંડ છે. અને નૃત્ય સમયે જટા એકતાલથી લહેરાય છે. પાછલા જમણા હાથમાં ડમરૂંવાધ છે. જેનાં નાદથી નૃત્યનાં તાલ-ધ્વનિને એક લય મળ્યો. તો પાછલા બીજા હાથમાંનો પ્રજવલિત અગ્નિ સૌને અવિનાશી પવિત્ર, પ્રકાશમય જ્ઞાાન દર્શાવે છે. આગલા હાથની અભયમુદ્રા, ભક્તોને ભયમુક્તિ પ્રદાન કરે છે.
નીચે તરફનો હાથ અસુરો તરફ દર્શાવીને જણાવે છે કે સંસારમાંની અહંકાર, મમતા, વાસનાઓ, અને દુષ્ટવૃત્તિઓનો ત્યાગ કરીને પ્રકાશમય જીવનનો રાહ મેળવીને મોક્ષનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. ત્રણ નેત્રો જળ, વાયુ અને અગ્નિનું સૂચન કરે છે. એ ત્રણેય તત્ત્વો ભલે ઉપરથી જુદા લાગતા હોય પણ તે પુરુષ, પ્રકૃતિ, અને જીવની જેમ એક જ તત્વમાંથી સર્જાયા છે.
ચતુર્ભુજામાં એક હસ્ત નિર્માણ, બીજું રક્ષા, ત્રીજાથી વિનાશ અને ચોથાથી શાંતિનાં ગુણો મૂર્તિ દ્વારા દર્શાવાય છે. સર્પને પસાર થવા માટે જે પગ ઉંચો થાય છે. તે બતાવતી મુદ્રા 'ભુજંગત્રાસ' કહેવાય છે. ઉંચો રાખેલો ડાબો પગ જગતને ભુજંગ સમજી મોક્ષ પ્રાપ્તિનું પ્રતીક છે. મદુરામાંની નટરાજની મૂર્તિમાંનો જમણો ઉંચો પણ આનંદનો ભાવ સૂચવે છે. આમ ભગવાન શિવજીનું આ નટરાજ સ્વરૂપ સૌને ધર્મ અને ભક્તિની ઉચ્ચ અનોખી પ્રેરણા આપે છે.