Magazines

નેપોલિયન-બીજો વિજય .

By GS TEAM
19 Jun 20264 mins read
નેપોલિયન-બીજો વિજય                                 .

- 'કાં તો તું પાગલ છે કે પછી હું!'

- 'તું મારા કરતાં લાંબો છે, મોટો તો નહિ જ!'

- આ મહાન ફ્રેન્ચ સમ્રાટનો પ્રભાવ આખા વિશ્વમાં ફેલાયેલો હતો

- હરીશ નાયક

નેપોલિયનને એક આદત હતી. મોટા સમ્રાટોને એવી કોઈક આદત હોય છે જ. એ પોતાના દરેક સૈનિકને ત્રણ સવાલો પૂછતો ઃ 

(૧) તું મારા લશ્કરમાં કેટલાં વર્ષથી છે ?

(૨) તારી ઉંમર કેટલી ?

(૩) તું મારા છેલ્લા બે યુદ્ધમાં સામેલ હતો ?

એ ત્રણ સવાલોના જવાબો પરથી તે સૈનિકની કારકિર્દી સમજી જતો.

એક વખત એક બહાદુર સૈનિક તેના સૈન્યમાં સામેલ થયો. ત્રણ વર્ષમાં તેણે એવાં સાહસ-હિંમતનાં કામ દાખવ્યાં કે તેને એકદમ બઢતી મળી. સમ્રાટે પણ તેને મળવાની હોંશ જાહેર કરી.

એ બહાદુર સૈનિક આજ પહેલાં કદી સમ્રાટને મળ્યો ન હતો. તેને લડતાં આવડતું, વાતો કરતાં આવડતું નહિ. એટલે સમ્રાટને જવાબ આપવાની ગડમથલમાં તે ગૂંચવાઈ ગયો અને ત્યારે જ સમ્રાટે પેલા ત્રણ સવાલો પૂછ્યા, તું મારા લશ્કરમાં કેટલાં સમયથી ?

ત્રીસ વર્ષથી.

સમ્રાટ આશ્ચર્યચકિત થયો. અલ્યા, ત્રીસ વર્ષથી તો હું રાજા નથી. તેણે બીજો સવાલ પૂછ્યો.

 'તારી ઉંમર ?'

 'ત્રણ વર્ષ.'

સમ્રાટ પાછો ખળભળ્યો. એ બંને પ્રશ્નોના જવાબ આ રીતે સાંભળવા તે ટેવાયેલો ન હતો. તેણે જોરથી પૂછ્યું,  'કાં તો તું પાગલ છે કે પછી હું ?'

પેલા સૈનિકે જવાબ આપ્યો,  'બંને જનાબ !'

નેપોલિયને જોરથી ત્રાટકીને કહ્યું,  'કાઢી મૂકો એને!'

તેને કઢાય તેમ ન હતો. લશ્કરનો એ સૌથી બહાદુર સૈનિક હતો પણ જ્યારે કાઢી મૂકવાની વાત આવી ત્યારે એ સાવધ થઈ ગયો અને પોતે ખુલાસો આપતાં જણાવ્યું,  'હજૂર, મારા ત્રણે જવાબો સાચા છે. મારું નિશાન ખોટું હોય નહિ !'

 'કેવી રીતે ?'

 'એ રીતે કે આપના લશ્કરમાં બીજાએ ત્રીસ વર્ષમાં જેટલા શત્રુઓ નથી માર્યા એટલા મેં ત્રણ વર્ષમાં માર્યા છે. એટલે હું ત્રીસ વર્ષથી આપના સૈન્યમાં હોઉં એવો લાગું છું. આપ મારું બહુમાન એ રીતે જ કરો છો. સૈનિકની ઉંમર લડાઈ શરૂ થાય ત્યારથી જ મનાય છે. હું ત્રણ વર્ષથી લડી રહ્યો છું. માટે મારી ઉંમર ત્રણ વર્ષની જ કહી શકાય. આપ એકના એક પ્રશ્ન બધાને પૂછો છો. એ એક ધૂન છે. કોઈ પાગલ માનવી જ એકની એક વાત ફરી ફરીને કર્યા કરે છે. આપની એવી વાતનો અમારે જવાબ આપવો પડે છે. એટલે આપ તો પાગલ ખરા જ, સાથે અમેય ખરા.'

મોતની પરવા વગર સૈનિકે સમ્રાટને એવો જડબાતોડ જવાબ આપ્યા કે નેપોલિયન જેવો નેપોલિયન બોલી ઊઠયો,  'તું સાચે જ બહાદુર છે, સૈનિક ! તને મળીને મને આનંદ થયો છે. તારા જેવા નીડર મારા સૈનિકો છે એથી હું મારી જાતને ધન્ય અનુભવું છું.'

નેપોલિયન બોનપાર્ટ- ધી બોનાફાઈડ રૂલર

૧૧ એપ્રિલ ૧૮૫૪ના રોજ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે ગાદી છોડી દીધી. ગાદી છોડેલા નેપોલિયનને ઇટલી પાસેના નાનકડા ટાપુ એલ્બા પર મોકલી આપવામાં આવ્યો.

એની પત્ની પુત્ર સાથે પોતાના પિતા ઓસ્ટ્રિયાના શહેનશાહ પાસે ચાલી ગઈ. ત્યારબાદ નેપોલિયનની સાથે કદી તેમની મુલાકાત થઈ નહિ.

આમ તો ૧૮૧૩ થી જ નેપોલિયનની નાસભાગ શરૂ થઈ ગઈ હતી. બ્રિટન, રશિયા, પ્રશિયા, સ્વીડનની સંયુક્ત સેનાઓએ તેને હરાવી દીધો હતો.

એક વર્ષની આવી ભાગંભાગ બાદ નેપોલિયન પૂરા દોરદમામ સાથે ૧૮૧૫ માં ફરીથી પૅરિસ આવ્યો. તેણે પોતાના વફાદાર સૈનિકોનું લશ્કર તૈયાર કર્યું. ફ્રાન્સના લોકોમાં તે જેવો હતો તેવો પણ લોકપ્રિય હતો. ફ્રાન્સે ફરીથી તેને સમ્રાટ જાહેર કરી દીધો. આ નવા સમય દરમિયાન તેણે પૂરા સો દિવસ રાજ્ય કર્યું.

અંતમાં વૉટર-લૂ ની લડાઈમાં ડયુક ઓફ વૅલિંગ્ટનને હાથે તેની હાર થઈ. આ વખતે તેને પૂરા જાપ્તા સહિત સેન્ટ હેલિના ટાપુ પર મોકલી આપવામાં આવ્યો. ત્યાં કેદી અવસ્થામાં જ તે મૃત્યુ પામ્યો.

કહે છે કે નેપોલિયન રાજ્યના નાના લોકોનો બહુ ખ્યાલ રાખતો હતો. બાળપણમાં જેનાં ફળ ખાધાં હતાં. એ ફળ વેચનારીને તેણે રાજ્યમાતા તરીકે સ્થાપી હતી.

એકવાર તે ઘોડા પર જતો હતો ત્યારે બંધાતી ઇમારતનું મોટું બીમ મજૂરો ઉપાડી શકતા ન હતા. મુકાદમ તેમની પર જબરજસ્તી કરતો હતો. નેપોલિયને કહ્યું કે 'તેઓ પોતાનાથી બનતા પ્રયાસો કરેછે. શા માટે એમને મારો છો ?' મુકાદમે કહી દીધું 'મારે આ બીમ ઉપર ચડાવવું છે. બસ તને દયા આવતી હોય તો તું જ મદદ કર.' અને નેપોલિયને ખરેખર ઘોડા ઉપરથી ઉતરી બીમ ચઢાવવામાં મજૂરોને મદદ કરી હતી.

તે ખોટી બડાઈ હાંકનારને સહન કરી શકતો ન હતો. તેની ઊંચાઈ ઓછી હતી. પુસ્તકાલયમાં ઊંચેનું પુસ્તક લેવા માટે તેણે કર્મચારીની મદદ માગી. એ લાંબા કર્મચારીએ કહ્યું ઃ 'શાહ ! જુઓ તમારા કરતાં હું કેટલો મોટો છું ?' કહીને ઊભા ઊભા જ પુસ્તક ખેંચીને આપી દીધું. જવાબમાં નેપોલિયને કહ્યું : 'તું મારા કરતાં લાંબો છે, બસ મોટો નહિ જ.'

અશક્યતા એ મૂર્ખાઓના શબ્દકોશોનો શબ્દ છે, એવું યાદગાર સૂત્ર યાદ કરી આજે પણ લોકો નેપોલિયનની પ્રેરણા મેળવે છે.