નખની માવજત : શારીરિક તંદુરસ્તીમાં નખ મહત્ત્વનો ભાગ ભજવે છે

હાથની સુંદરતામાં નખ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા હાથ દ્વારા તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત છો તેની જાણ થાય છે. આથી હાથ અને નખની સંભાળ રાખવી જરૂરી છે. નખની માવજત માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખો.
* સપ્તાહમાં એક અથવા બે વખત નાહ્યા બાદ ક્યુટીકલ્સ પર મસાજ કરવો. ક્યુટીકલ્સને ક્યારેય કાપવા નહિ પણ ભીના કપડાથી હળવેથી તેને પાછળ કરવા. ક્યુટીકલ્સ સરખા હશે તો નખમાં કોઈ ચેપ નહિ લાગે. નખના છેડાને ફાઈલ કરવાથી નખ નબળા થઈને તૂટી શકે છે.
* નખ તૂટી ન જાય તે માટે નખ વડે કંઈ ખોતરવું કે સાધન ઉપાડવું કે ઉઘાડવું નહિ. નખની તંદુરસ્તી જાળવવા માટે પાણી ખૂબ પીઓ.
* નખને કાપવાના હોય ત્યારે નાનકડી કાતરથી તેને સીધા જ કાપો. પગના નખ થોડા કડક હોય તો નહાયા બાદ નખ કાપવા અથવા તો પગ પહેલાં થોડીવાર પાણીમાં રાખવા અને પછી નખ કાપવા. ત્યારબાદ ફાઈલરથી નખને શેપ આપવો.
* હંમેશા એક જ દિશામાં નખને ફાઈલ કરો એટલે કે ફાઈલરને આગળ-પાછળ ન ફેરવું પણ એક જ દિશામાં ફેરવવું. આગળ-પાછળ ફાઈલર ફેરવવાથી નખ બટકી શકે છે.
* નખ કેરોટીન નામના કડક પ્રોટીનના સ્તરથી બનેલા છે. આ જ કેરોટીન ત્વચા અને વાળમાં પણ હોય છે. એટલે વાળ અને ત્વચાની જેમ નખ પણ શુષ્ક, નિસ્તેજ થઈને તૂટી શકે છે. ખાસ કરીને શિયાળામાં આ તકલીફ થઈ શકે છે. એટલે દરરોજ નખ અને ક્યુટિકલ્સ પર ક્યુટિકલ ઓઈલ અથવા ઓલીવ ઓઈલથી મસાજ કરો.
* નખને તેજસ્વી બનાવવા માટે બફ કરો. બફીંગથી રૂધિરાભિસરણ સુધરે છે અને નખની તંદુરસ્તી જળવાય છે. તંદુરસ્ત નખ તેજસ્વી દેખાય છે.
* નખ પર નરીશીંગ ઓઈલનો મસાજ કરવાથી તે પીળા પડતા નથી અને ક્યુટિકલ્સની સ્થિતિ પણ સુધરે છે. ત્યારબાદ નખ પર સરસ બેઝ કોટ લગાડવાથી તે ચમકશે.
* ક્યારેય નખના છેડા પાસે વધેલી ત્વચા જેને 'નયુ' કહેવામાં આવે છે તે ખેંચીને કાઢવી નહીં. નયુ ખેંચવાથી કે કાપવાથી ઈન્ફેક્શન અને દુખાવો થાય છે.
* વધુ પડતા પહોળા નખ પર લંબગોળાકાર શેપમાં નેઈલપોલીશ લગાડો. જ્યારે લાંબા અને ગોળ નખ પર પેસ્રલ અને ન્યુટ્રલ શેડની નેઈલપોલીશ સરસ દેખાય છે.
* એસીટોનયુક્ત નેઈલ પોલીશ રિમૂવર ક્યારેય વાપરવું નહિં. એસીટોનથી નખને નુકસાન થાય છે. તેના બદલે નેઈલ વાર્નિશ રિમૂવર વાપરવું જોઈએ. નેઈલ વાર્નિશ રિમૂવરથી જુની નેઈલ પોલીશ કે નખ પર રહેલા અન્ય ડાઘ નીકળી જશે અને નેઈલ પોલીશ પણ લાંબો સમય ટકશે.
* નખની તંદુરસ્તી જાળવા સલ્ફર અને સિલિકોન હોય તેવા પદાર્થ જેમ કે, બ્રોકોલી, માછલી, કાંદા લેવા જોઈએ. બાયોટીનયુક્ત સોયા તથા અન્ય અનાજ પણ નખ માટે જરૂરી છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ નખને મજબૂતી બક્ષે છે.
- અવન્તિકા








