જબાં મેં આંખ નહીં ઔર આંખ મેં જબાં નહીં...

- રિલેશનના રિ-લેશન- રવિ ઇલા ભટ્ટ
- આંખ વાંચવાની કળા આવડવી જોઈએ. આપણા અનુભવો, આપણા જીવનમાં ખાધેલી થાપ, અનુભવેલો તાપ, જીવનની ગણતરીઓ, જોયેલા અને અનુભવેલા માણસો અને સંબંધો આ બધાનો સરવાળો થાય ત્યારે માણસને બીજા માણસની આંખ વાંચતા આવડે.
આંખોની વાત આવે, ઈશારાની વાત આવે ત્યારે પુરુષનો પનો કાયમ ટૂંકો જ પડે છે. દરેકને તેનો અનુભવ થયો જ હશે. કદાચ સંબંધની શરૂઆતમાં થોડાઘણા ઈશારા સમજી જનાનો પુરુષ સમયાંતરે આંખો વાંચવામાં અભણ થવા લાગે છે. તેમાંય ખાસ કરીને જ્યારે પરિવારની વાત આવે ત્યારે પુરુષ પત્નીના ઈશારા સમજી શકતો નથી અને સંતાનો સાથેની ટ્રીટમેન્ટ ઘણી વખત નિષ્ફળ જાય છે. સ્ત્રીઓ પાસે આંખો વાંચવાની, ઈશારા કરવાની, ઈશાર સમજવાની અદભૂત આવડત છે. જો ઘરમાં માતા અને દીકરી હોય તો પિતાની હાલત ખરાબ હોય છે. બંને જણા ઘણી વખત આંખોથી વાત કરી લે અને પિતા બિચારો બાઘો બનીને જોયા કરે. તેને ના કશું સમજાય ન કશું દેખાય અને છતાં કામ પૂરું થઈ ગયું હોય, વાત થઈ ગઈ હોય.
દ્રશ્યમ ફિલ્મનો ત્રીજો ભાગ આવશે તેવી જાહેરાત થઈ છે. આ એક એવી ફિલ્મ છે જેમાં જે દેખાય છે તે વાસ્તવિક રીતે હોતું નથી અને જે થઈ ગયું છે તે દેખાતું જ નથી. વાત એવી છે કે, આંખો જે જૂએ છે તે દરેક બાબત સાચી હોતી નથી. તેના કારણે જ કહેવત છે કે, આંખે દેખેલું બધું માની લેવું નહીં. આંખો જે જૂએ છે તે સંદેશો મગજ સુધી જાય છે અને તેમાં તેનું અર્થઘટન થાય છે. આપણી સાથે થયેલા અનુભવો, આપણે જાણેલી બાબતો, આપણે સાંભળેલી વાતોના આધારે આપણે જે જોઈએ છીએ તેનું અર્થઘટન કરીને સારા અને નરસાનો તફાવત કરીએ છીએ.
આંખો એટલે બસ આંખો. તેને જોતા, તેના વાંચતા, તેને અનુભવતા આવડે તે માણસ અડધું જગત એમનેમ જીતી જાય તેમ છે. આવી આવડત કેળવાતી નથી. સ્ત્રી પાસે જન્મજાત આંખ વાંચવાની આવડત છે. તે સારી અને ખરાબ નજર તરત જ પારખી જાય છે. ઘણી વખત કોઈ આંખ હેત વરસાવતી હોય તો તેને સમજે છે અને ક્યારેક કોઈની આંખો તેને ખુંચતી પણ હોય છે. આંખોની આ અદભૂત દુનિયા વિશે ખરેખર જાણીએ તેટલું ઓછું છે. માણસને જાણવો હોય તો તેની આંખોમાં જોઈને વાત કરીએ તો તે ધીમે ધીમે સમજાવા લાગે છે. સાઈકોલોજી કહે છે કે, આંખમાં આંખ પરોવીને વાત કરનારો માણસ વધારે સ્પષ્ટ અને આત્મવિશ્વાસુ હોય છે. દર વખતે આંખો વાંચી શકવી કે વાંચી લેવી શક્ય બનતું નથી. તેના કારણે જ જીગર મુરાબાદી કહે છે કે,
તિરે જમાલ કી તસવીર ખીંચ દું લેકિન,
જબાં મેં આંખ નહીં, આંખ મેં જબાં નહીં.
વાત એવી છે કે, માણસ શું જૂએ છે તે અગત્યનું નથી. તેની સામે આવું દ્રશ્ય તેના મનમાં શું ભાવ ઊભા કરે છે, તેને શું સમજાય છે તે મહત્ત્વનું છે. આમ જોવા જઈએ તો આંખ આપણા શરીરની પાંચ ઈન્દ્રીયમાંથી એક મહત્ત્વની ઈન્દ્રીય છે. મેડિકલની રીતે જોઈએ તો આંખ શરીરનું એક અંગ છે, મહત્ત્વનું અવયવ છે પણ મનની રીતે જોઈએ તો તે માણસ માટે કેટલું મોટું સાધન છે. એક વ્યક્તિને વ્યક્ત થવાનું માધ્યમ છે તો સામેની વ્યક્તિને સમજી શકવા માટેનું માધ્યમ છે. આપણી આંખો આપણા વ્યક્તિત્વનું પ્રતિબિંબ રજૂ કરતી હોય છે. સામેની વ્યક્તિની આંખોમાં પણ કંઈક એવું જ હોય છે અને તે જ આપણે વાંચતા શીખવું પડે છે.
આંખને સમજવા જેવી એટલા માટે છે કે, તે જૂએ છે ઉંધું અને બતાવે છે સીધું. વાત સાચી છે. કુદરતે આંખોની રચના અદ્વિતિય રીતે કરી છે. તેમાં કોઈપણ બાબતનું પ્રતિબિંબ ઉંધું પડે છે અને ત્યારબાદ તેના સંકેતો મગજ સુધી જાય છે અને મગજ તેને છત્તું કરીને રજૂ કરે છે. તે રીતે આપણે સીધા દ્રશ્યો દેખાય છે. સીધું દેખાવું કે ઉંધું દેખાવું એ બધું જ ગૌણ છે પણ વ્યક્તિત્વ સીધું દેખાવું ખૂબ જ મહત્ત્વનું છે. બિમારીના કારણે, ચિંતાના કારણે, થાકના કારણે ઘણી વખત આંખો ઉંડી ઉતરી ગયેલી દેખાય છે પણ આ માત્ર શારીરિક સંકેત છે. આપણે હકિકતે જરૂર છે આંખોના ઉંડાણને જાણવાની, વાંચવાની, સમજવાની.
આંખોની ભાષા જ અનોખી હોય છે. તેના ભાવ સમજવા ખરેખર ઘણી વખત કપરાં હોય છે. ઘણી વખત સાવ સરળ હોય છે. આપણે આંખો વાંચતા શીખવું જ જોઈએ અને આ કળા આવડવી જ જોઈએ. આંખ વાંચવાની કેળવણી આમ તો બાળપણથી જ શરૂ થઈ જાય છે. ઘરમાં મહેમાનોની હાજરીમાં માતા-પિતા દ્વારા અપાતા સુચક સંદેશા આંખોથી જ થતા હોય છે. માતા અને પિતામાંથી જેનો થોડો ડર લાગતો હોય તેની હાજરીમાં અન્ય સાથે સંવાદ સાધવા અથવા તો તેની વાત કરવા કે વાત સમજવા માટે આંખોનો જ ઉપયોગ થતો હોય છે. બહાર ગયા બાદ વસ્તુની માગણી કરવાની નથી, વસ્તુ લેવાની નથી કે લઈને ચુપચાપ જતા રહેવાનું છે તેવા તમામ ઈન્સ્ટ્રક્શન એક મા પોતાના સંતાનોને આપતી હોય છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ માટેનો ગમો કે અણગમો, તેની હાજરી કે ગેરહાજરીની નોંધ પણ આંખો દ્વારા લેવાઈ જ જતી હોય છે. હજારો માણસના ટોળામાં પણ આંખો ગમતી વ્યક્તિ શોધતી હોય છે અને પાંચ માણસની વચ્ચે પણ આંખો ન ગમતી વ્યક્તિ તરફ જતી નથી.
તેવી જ રીતે જ્યારે બે વ્યક્તિ વચ્ચે આકર્ષણ હોય છે, પ્રેમ હોય છે, સ્નેહ હોય છે ત્યારે આંખોની ભાષા કંઈક અલગ જ હોય છે. આ તબક્કો એવો હોય છે જેમાં ભાષા દ્વારા વ્યક્ત થતી લાગણીઓ કરતા આંખો દ્વારા કહેવાતી વાતો વધારે મહત્ત્વ ધરાવતી હોય છે. જીવનના દરેક તબક્કે માણસની લાગણીઓ અને આંખની ભાષા અને વાતો બદલાતી હોય છે. માણસ જ્યારે પ્રેમમાંથી આગળ વધે અને લગ્ન તરફ જાય છે ત્યારે તેમની ભાષા બદલાવા લાગે છે. પરિવાર બન્યા બાદ પતિ અને પત્નીની આંખોની ભાષા બદલાવા લાગે છે.
તેનાથી આગળ વધીએ તો માણસ જ્યારે બહારની દુનિયા સાથે કામ કરતો થાય, ધંધો, વેપાર, નોકરી, કામ કરતો થાય ત્યારે દુનિયાના અલગ અલગ લોકો સાથે તેનો રોજિંદો વ્યવહાર થતો હોય છે. આ તમામ લોકો સાથે પણ ઘણી વખત તેનો જીભ થકી નહીં પણ આંખો થકી વાતચીતનો દૌર ચાલતો હોય છે. માણસ સારો છો, ખરાબ છે, ખોટો છે, સાચો છે, લુચ્ચો છે, ભલો છે, દયાળુ છે, પ્રેમાળ છે તે બધું જ આંખો દ્વારા સમજાઈ જાય છે. જીવનની સાચી દિશા, સાચા કે ખોટા માણસો સાથેનું જોડાણ બધું જ આંખો દ્વારા વ્યક્ત થાય છે અને સમજાય છે. આંખો માણસના મનના ભાવને વ્યક્ત કરતું વ્યક્ત કરી શકે. આ ભાવનાત્મક સુરક્ષા વિશ્વાસ અને ઘનિષ્ઠતા કેળવવા મહત્વના છે કારણ કે તેનાથી ખુલ્લાપણુ અને પ્રમાણિક વાર્તાલાપને પ્રેરણા મળે છે. બંને પાર્ટનરોને તેઓ પોતાની લાગણીઓ અને વિચારો અપમાનિત થયા વિના વ્યક્ત કરી શકશે તેવી ખાતરી થાય ત્યારે સંબંધ સમર્થન અને સમજદારીનું ઘર બને છે.
સહાનુભૂતિ
સંબંધમાં સહાનુભૂતિ અને પ્રેમની જગ્યા બને તેની ખાતરી કરવી જરૂરી છે. એનાથી પાર્ટનરની લાગણી સમજવી આસાન બની જાય છે. જોડીદારો જ્યારે સહાનુભૂતિ રાખે છે ત્યારે તેઓ સમર્થનની લાગણી રચે છે જે તેમને જીવનના ચઢાવઉતારને પાર કરવાનું સામર્થ્ય આપે છે. આ ભાવનાત્મક પડઘો સંબંધને ગાઢ બનાવે છે અને શબ્દોથી વ્યક્ત ન થઈ શકે તેવી સમજદારી કેળવે છે.
લાગણી
એકબીજાને શારીરિક અથવા તો પ્રેમભર્યા શબ્દોથી લાગણી દર્શાવવાથી વ્યક્તિને સંબંધમાં પોતાની કદર થતી હોવાની લાગણી થાય છે.
આલિંગન અને ચૂંબનો જેવો શારીરિક તેમજ શાબ્દિક સ્નેહ પાર્ટનરને પ્રેમ અને સરાહની લાગણી કરાવે છે. પ્રેમના આ નાનકડા સંકેત મજબૂત ભાવનાત્મક સંબંધ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જોડીદારોને એકબીજા પ્રત્યે તેમના પ્રેમ અને પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.
જોડાણ
લક્ષ્યાંકો અને મહત્વાકાંક્ષાઓ શેર કરવાથી લઈને જોડીદારને સમજવા માટે ઉત્સુક રહેવા જેવી બાબતો સંબંધમાં લાગણી પૂરવાનું કામ કરે છે.
લક્ષ્યાંકો, સ્વપ્નો અને હિતો શેર કરવાથી સહિયારા હેતુની લાગણી સર્જાય છે અને ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બને છે. પાર્ટનરો જ્યારે સમાન લક્ષ્યાંકો પર કામ કરે છે અને એકબીજાની સફળતાને માણે છે ત્યારે તેઓ સમર્થનકારી અને સંતોષજનક સંબંધ બનાવે છે.
સમર્થન
આપણા શબ્દો, કાર્યો, હાજરી અને ધ્યાન દ્વારા પાર્ટનરને ખાતરી કરાવી શકીએ કે આપણને તેની દરકાર છે.
કઠિન સમયમાં પાર્ટનરની સાથે હોવું તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે અને સંબંધને મજબૂત બનાવે છે. આ અતૂટ સમર્થન કોઈપણ ભાગીદારીનો પાયો છે જેમાં બંને વ્યક્તિઓને પોતાની સંભાળ થઈ રહી હોવાની અને પોતાની કદર થઈ રહી હોવાનો અહેસાસ થાય છે.
આદર
જોડીદાર પ્રત્યે આદર હોવો એક સુરક્ષિત સંબંધનું મુખ્ય ઘટક છે. કોઈપણ સંબંધમાં પારસ્પરિક આદર મહત્વનો છે. પાર્ટનર સાથે કોઈ બાબતમાં અસહમતિ હોય ત્યારે પણ તેના પ્રત્યે આદર જળવાઈ રહેવો જોઈએ. આ આદર અને સન્માનથી પાર્ટનરને ખાતરી થાય છે કે તેનું સ્વાભિમાન જળવાઈ રહ્યું છે.
સુરક્ષિત જોડાણની રચના
સુરક્ષિત સંબંધ કેળવવા બંને પાર્ટનરોએ સંનિષ્ઠ પ્રયાસ કરવા જરૂરી છે. ખુલ્લો વાર્તાલાપ, સક્રિય ધ્યાન અને અનુકૂળ થવાની ઈચ્છા એક સ્વસ્થ સંબંધ જાળવવા માટે જરૂરી છે. ઉપરાંત સ્વસંભાળને પ્રાથમિક્તા આપવી અને પોતાનો આદર જળવાઈ રહે તેની ખાતરી કરવી પણ એટલું જ જરૂરી છે. આવા તત્વોને પોષવાથી એક એવો ચિરકાલીન અને સંતોષજનક સંબંધ કેળવી શકાય છે જે જીવનને સમૃદ્ધ બનાવવા ઉપરાંત અંગત સુખાકારી માટે પણ મજબૂત પાયો નાખે છે.
- ઉમેશ ઠક્કર








