Magazines

સંગીત, સમાજ અને શંકર-એહસાન-લોય

By GS TEAM
2 Apr 20263 mins read
સંગીત, સમાજ અને શંકર-એહસાન-લોય

- સિને મેજિક- અજિત પોપટ

- શંકર-એહસાન-લોયે ખાસ કરીને દિવ્યાંગો માટે અને એઇડ્સ અવેરનેસ જેવા ઉદ્દેશો માટે કદી આયોજકોને ના પાડી નથી. સંગીતકાર કલ્યાણજી-આણંદજી પછી આ સંગીતકારો એવા સાબિત થયા કે જેમણે ચેરિટી ઉદ્દેશ માટે કાર્યક્રમો કરીને મબલખ ફંડ ભેગું કરી આપ્યું હોય.  

છેલ્લા થોડાક શુક્રવારથી આપણે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અમર અકબર એન્થનીના હુલામણા નામે સંગીત પીરસતા શંકર-એેહસાન- લોયના સંગીતથી હિટ નીવડેલી ફિલ્મોનાં ગીતોનો આસ્વાદ લઇ રહ્યા છીએ. આ સંગીતકાર ત્રિપુટીને વિદાાય આપતાં પહેલાં એમણે ફિલ્મ સંગીત ઉપરાંત વિવિધ કાર્યક્રમો દ્વારા સંગીત ક્ષેત્રે કરેલા પ્રદાનની વાત કર્યા વિના ચાલશે નહીં. એમણે ઉત્તમ સંગીત પીરસ્યું હોવા છતાં ફ્લોપ નીવડેલી ફિલ્મોનો ઉલ્લેખ પણ કરીશું. એ પહેલાં એમના અન્ય પ્રદાનની વાત કરીએ.

આ પ્રકારના કાર્યક્રમોનો આરંભ ૨૦૦૪થી થયો. ભારતીય લોકશાહીને બિરદાવતો એક કાર્યક્રમ પ્રતિતિ અંગ્રેજી અખબારના સંચાલકોએ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ફરહાન અખ્તર, આમિર ખાન વગેરે સેલેબ્રિટીઝ હાજર હતી અને શંકર-એહસાન-લોયે એમનાં હિટ ગીતોનો લાઇવ શો રજૂ કર્યો હતો. આ કાર્યક્રમ હિટ નીવડયા પછી આ ત્રણેએ લાઇવ કાર્યક્રમોની વણઝાર સર્જી હતી. લિજેંડરી સંગીતકાર રાહુલ દેવ બર્મન (પંચમ)ને બિરદાવતો એક લાઇવ પ્રોગ્રામ 'સલામ બોસ ૨૦૦૬'માં યોજાયો. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ, ઇફ્ફી) નિમિત્તે યોજાએલા કાર્યક્રમને તો એટલી સફળતા મળી કે એ કાર્યક્રમ ફરી ફરીને કરવાની ફરમાયેશ આવતી રહી. જોકે સમયના અભાવે આ ત્રિપુટી એ કાર્યક્રમ ફરી રજૂ કરી શકી નહીં.

સૂર્યશક્તિ દ્વારા વીજળી પેદા કરીને ભારતના દરેક  ઘરમાં વીજળીનો પ્રકાશ લાવવાની મહત્ત્વાકાંક્ષી યોજનાના પ્રચાર રૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. લાઇવ અર્થ ઇન્ડિયા કોન્સર્ટ નામે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે જગવિખ્યાત અમેરિકી ગાયક-સંગીતકાર-ગિટારવાદક જોન બોન લોવી આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને પણ ધૂમ સફળતા મળી હતી.

ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી નિવારવા 'અમન કી આશા' નામે થોડાક લોકો દ્વારા એક આંદોલન શરૂ કરાયું હતું. એ પ્રસંગે આ ત્રણે સંગીતકારોએ ઇન્સપીરેશન 'અમન કી આશા વર્લ્ડવાઇડ ટુર' નામે વિશ્વપ્રવાસ યોજ્યો હતો. દુનિયાના દરેક દેશમાં આ ત્રણે સંગીતકાર પોતે સ્વરાંકિત કરેલાં ગીતો રજૂ કરવાના હતા. આ પ્રવાસનો આરંભ અમેરિકાના ન્યૂ જર્સી શહેરથી શરૂ થયેલો. એમના કાર્યક્રમોને ઠેર ઠેર જબરદસ્ત આવકાર મળેલો. દુનિયાભરમાં  ભારતીય લોકો વસેલા છે. એમને આવો લ્હાવો ક્યારે મળે! પરિણામે ઘણીવાર એમના શોની જાહેરાત થતાંની સાથે ગણતરીના કલાકોમાં ચપોચપ ટિકિટો વેચાઇ જતી. 

વાત ૨૦૧૧ની છે. તમે ક્રિકેટની રમતના ચાહક હો તો તમને જરૂર યાદ હશે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સ્પર્ધા ૨૦૧૧માં યોજાઇ હતી. એ પ્રસંગે આયોજકોએ આ ત્રિપુટીને એક જવાબદારી સોંપી હતી. તમે આ સ્પર્ધા યાદગાર બની રહે એવું કોઇ ગીત તૈયાર કરી આપો. શંકર-એહસાન-લોયે 'દે ઘુમા કે' ટાઇટલ ધરાવતું ક્રિકેટ સોંગ તૈયાર કર્યું  હતું. લાખ્ખો ક્રિકેટ રસિકો હોંશે  હોંશે આ ગીત ગણગણતા હતા. ક્રિકેટર્સ ઉપરાંત ક્રિકેટ રસિકોને પણ પાનો ચડે એ રીતે આ ગીતનાં તર્જ-લય તૈયાર કરાયાં હતાં અને સંગીતકારોની મહેનત ફળી હતી. આ ગીત લોકપ્રિય બની ગયું હતું. આયોજકો અને મિડિયા પણ આ ગીતથી સંતુષ્ટ હતા.

૨૦૧૧માં જ સપ્ટેંબર મહિનામાં આ ત્રણેએ પહેલીવાર બ્રિટનમાં 'એશિયા રાક્સ' નામે કોન્સર્ટ યોજી. લંડનના વિશ્વવિખ્યાત રાયલ આલ્બર્ટ હાલમાં આ કાર્યક્રમ યોજાયો ત્યારે આખો હાલ છલોછલ ભરાઇ ગયો હતો. એમનાં ગીતો સાથે યુવા સંગીત રસિકો ઉત્સાહમાં આવી જઇને ડાન્સ કરવા માંડયા હતા. ઘણાં ગીતોને વન્સમોર પણ મળેલો.

૨૦૧૮માં ફરહાન અખ્તરે પોતાની ફિલ્મોને કેન્દ્રમાં રાખીને અમેરિકા અને કેનેડાનો મ્યુઝિકલ પ્રવાસ યોજ્યો  હતો. ફરહાનની મોટા ભાગની ફિલ્મોમાં શંકર-એહસાન-લોયનું સંગીત હતું એટલે ફરહાને આ ત્રિપુટીને પોતાની સાથે આ પ્રવાસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. આ ત્રણે અને એમના કેટલાક સાજિંદા તથા ગાયકો એમની સાથે જોડાયા. આ પ્રવાસ પણ સંગીતના કાર્યક્રમોની દ્રષ્ટિએ ખૂબ સફળ રહ્યો.  

આવા કાર્યક્રમો ઉપરાંત આ ત્રણેએ કેટલાક ચેરિટી શો પણ કર્યા. ખાસ કરીને દિવ્યાંગો માટે અને એઇડ્સ અવેરનેસ જેવા ઉદ્દેશો માટે એમણે કદી આયોજકોને ના પાડી નથી. સંગીતકાર કલ્યાણજી-આણંદજી પછી આ સંગીતકારો એવા સાબિત થયા કે જેમણે ચેરિટી ઉદ્દેશ માટે કાર્યક્રમો કરીને મબલખ ફંડ ભેગું કરી આપ્યું હોય.