આંદોલન એ ખરેખર કોઈ વિરોધ નહીં પરંતુ ચળવળ હોય છે
- ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૨. આ દરેક વર્ષોમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડાયા હતા જે આગળ જતા ચળવળ બની ગયા હતા અને પછી સ્વતંત્રતાની લડતનું સ્વરૂપ આકાર પામ્યું હતું
- અર્થસંહિતા ઃ પી. ચિદમ્બરમ્
રજવાડાના ભૂતપૂર્વ શાસકોને અપાતા શાલિયાણાં પાછા ખેંચવાના એક્ઝિકયૂટિવ ઓર્ડરને સુપ્રીમ કોર્ટે ૧૯૭૦માં જ્યારે રદ કર્યો હતો તે દિવસે હું તથા અન્ય એક યુવા એડવોકેટ તામિલનાડૂમાં યુવા કોંગ્રેસમાં જોડાયા હતા. આ જજમેન્ટ વિરુદ્ધ ચેન્નાઈમાં યુવા કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રદર્શનમાં અમે ભાગ લીધો હતો. અમારી ધરપકડ કરીને થોડીકવારમાં છોડી દેવાયા હતા. બંધારણમાં સુધારો કરી શાલિયાણાંને છેવટે નાબુદ કરાયા હતા ત્યારે, અમને લાગ્યુ હતુ કે અમારા પ્રદર્શન-ધરપકડને કારણે જ આ સુધારો આવી પડયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે અમારા તે દેખાવ શાંતિપૂર્ણ હતા. દેશમાં અનેક સ્થળોએ આવા દેખાવો થયા હતા. સુપ્રીમ કોર્ટે અમને કોર્ટના અવમાન કર્યું હોવાનું નિરીક્ષણ કર્યું નહોતું એટલું જ નહીં કોઈએ પણ અમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા નહોતા અને પોલીસે અમારી પર દેશદ્રોહનો ગુનો નોંધ્યો નહતો.
અસહમતિના પ્રકાર
અસહમતિની પ્રકૃત્તિ ધરાવતા સારી વિચારધારા ધરાવતી વ્યક્તિ હોય છે. રમતના ક્ષેત્રોમાં અસહમતિ જોરદાર દલીલ કરીને દર્શાવવામાં આવે છે. વેપાર ક્ષેત્રમાં અસહમતિ વર્ક ટુ રુલ કરીને અથવા તો હડતાળ પાડીને બતાવવામાં આવે છે.
રાજકારણ તથા જાહેર જીવનમાં અસહમતિ દેખાવો મારફત દર્શાવવામાં આવે છે. ક્યારેક કેટલાક દેખાવોને વ્યાપક ટેકો મળીરહે છે જે આંદોલન બની જાય છે. આ આંદોલનમાં કયારેક હજારો લોકો પણ જોડાઈ જતા હોય છે. દરેક 'આંદોલનકારીઓ' જુસ્સો ધરાવતા હોય છે. આમાંના કેટલાક લોકો સહન કરીને ત્યાગ આપવાનું વલણ ધરાવતા હોય છે તો, થોડાઘણાં સ્વાર્થી હોય છે જ્યારે માત્ર જુજ જ આંદોલનકારી વ્યૂહ રચનાવાળા હોય છે. આવા લોકોને વડાપ્રધાને ૮ ફેબુ્રઆરીએ રાજ્યસભામાં પોતાના સંબોધન વેળાએ આંદોલનજીવી તરીકે નામ આપી દીધું છે.
મહાન આંદોલનકારી
વીસમી સદીના પ્રથમ પચાસ વર્ષમાં મહાત્મા ગાંધી એક આદર્શ આંદોલનજીવી રહ્યા હતા અને તેમાં કોઈ બેમત નથી. મીઠા સત્યાગ્રહ અને સ્વદેશી ચળવળના તેઓ પ્રણેતા રહ્યા હતા. તેઓ શબ્દકાર રહ્યા હતા અને તેમના સંદેશા જુસ્સો જગાડે તેવા રહેતા હતા. સત્યાગ્રહ અને ભારત છોડો -જેવા શબ્દો તેમણે જ પૂરા પાડયા હતા. ચિહ્નોમાં શક્તિ હોય છે તેમ પણ તેઓ માનતા હતા. સ્વતંત્રતાની લડત લડવા તેમણે આમરણ ઉપવાસ અને દાંડી યાત્રા જેવા શસ્ત્રો પણ પૂરા પાડયા હતા. ભજન તથા પ્રાર્થના સભાઓ જેવી ઊર્જા પૂરી પાડતી પ્રવૃત્તિઓને પણ તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ ખરેખરા આંદોલનજીવી હતા અને તેમને રાષ્ટ્ર પિતા કહેતા આપણે ગર્વ અનુભવીએ છીએ.
અસહમતિએ અનેક રાષ્ટ્રોના ઈતિહાસ રચ્યા છે, અસહમતિએ નવા ધર્મોને જન્મ આપ્યા છે, અસહમતિને કારણે લાખો લોકોની ગુલામીમાંથી મુક્તિ થઈ છે. ત્સાર નિકોલસ-બીજાએ ગાદીનો ત્યાગ કર્યા બાદ સ્થપાયેલી કામચલાઉ સરકાર વિરુદ્ધ લેનિને બળવો કર્યો હતો અને પ્રથમ કમ્યુનિસ્ટ રાષ્ટ્રનો જન્મ થયો હતો. સિદ્ધાર્થ ગૌતમ, માર્ટિન લુથર અને ગુરુ નાનકે તેમણે જે ધાર્મિક પ્રથામાં જન્મ લીધો હતો તે સામે અવાજ ઉઠાવ્યો હતો અને નવી સુધારાવાદી ધાર્મિક પ્રથાની સ્થાપના કરી હતી. આને કારણે આપણને આજે બુદ્ધિઝમ, સુધારાવાદી ખ્રિસ્તી સંપ્રદાય તથા શીખ સમુદાયનું અસ્તિત્વ જોવા મળી રહ્યું છે.
વીસમી સદીના પ્રથમ પચાસ વર્ષમાં ભારતે ઓછામાં ઓછા ત્રણ ક્રાંતિકારી વર્ષો જોયા હતા. ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૨. આ દરેક વર્ષોમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડાયા હતા જે આગળ જતા ચળવળ બની ગયા હતા અને પછી સ્વતંત્રતાની લડતનું સ્વરૂપ આકાર પામ્યું હતું. અસહકારની ચળવળ સવિનય ભંગની ચળવળ બનીને છેવટે ભારત છોડો ચળવળમાં પરિણમી હતી, જે આપણા દેશમાંથી બ્રિટિશરોની હકાલપટ્ટી માટેનો અંતિમ પ્રહાર હતો. આંદોલન એ ખરેખર કોઈ વિરોધ નહીં પરંતુ ચળવળ હોય છે.
અન્ય દેશોમાં આંદોલનો લોકચળવળ બની ગયાના અનેક ઉદાહરણો છે. વિયેતનામ યુદ્ધ વિરોધી દેખાવો જે ૧૯૬૮માં અમેરિકાભરની યુનિવર્સિટીઓના કેમ્પ્સમાં ફૂટી નીકળ્યા હતા તેણે અમેરિકન સરકારાના જુઠાણાને બહાર પાડયા હતા અને થોડાક જ વર્ષોમાં દક્ષિણ વિયેતનામમાંથી અમેરિકાએ શરમજનક પીછેહઠ કરવી પડી હતી અને સંયુકત વિયેતનામની રચના થઈ હતી. આ ઉપરાંત ૧૯૮૯ની ઝેકોસ્લોવાકિયાની વેલ્વેટ ક્રાંતિ અને રોમાનિયાની રોમાનિયન ક્રાંતિએ તેના શાસકોને ઉખાડ ફેંકી દીધા હતા.
સ્વતંત્રતા જળવાઈ રહેશે
નાગરિકોના રાજકીય હક્કો/આઝાદી અને અખબારી સ્વતંત્રતા વચ્ચે રસપ્રદ આપસી જોડાણ રહેલા છે. એક દેશ જ્યાં નાગરિકોના હક્કો ઉચ્ચ સ્તરે હોય છે ત્યાં અખબારી સ્વતંત્રતાનું સ્તર પણ ઊંચુ હોય છે. આ નિષ્કર્ષ તર્કબદ્ધ છે કારણ કે, માત્ર મીડિયા જ એક એવું માધ્યમ છે જે નાગરિકોના હક્કો માટે લડત ચલાવે છે. આ બન્નેમાં ફિનલેન્ડ અને યુરોપના કેટલાક દેશો ઊંચા સ્કોર ધરાવે છે. આમાં ચીનનો સ્કોર એકદમ નીચો છે. જ્યારે ભારત મધ્યમાં કયાંક છે. આશા છે કે ભારતનો સ્કોર આમાં વધશે, પરંતુ તે ઘટવાનો પણ ભય છે. પત્રકારો અથવા અખબારો પર અન્યાય થયાની કોઈને કોઈ ફરિયાદો પ્રેસ કલબ ઓફ ઈન્ડિયા અથવા એડીટર્સ' ગિલ્ડ દ્વારા દર પંદર દિવસે કરાતી હોવાનું જોવા મળે છે. પરંતુ અંતે તેમણે સત્તા સામે શરણે થઈ જવું પડે છે અથવા સત્તા ધરાવનારાઓના જ ગાણાં ગાતા થઈ જવું પડે છે. રામનાથ ગોએન્કા એક એવા અંતિમ અખબારી માલિક રહ્યા હતા જે ભયમુકત અને આંદોલનજીવી હોય.
આંદોલનજીવી અંતે એવા લોકો પર ભારી પડે છે જેઓ તેમના અવાજ, લખાણ, વાણી, અસહમતિ, આંદોલન અથવા ચળવળને દબાવવાનો પ્રયાસ કરે છે.