Magazines

મા- એક વ્રત-નિષ્ઠ સાધ્વીઃ ગાંધીજી .

By GS TEAM
22 May 20262 mins read
મા- એક વ્રત-નિષ્ઠ સાધ્વીઃ ગાંધીજી                                  .

ગાંધીજી પોતાની બા વિશે એક સરસ મજાની વાત કહે છે. એમના જ શબ્દોમાં સાંભળો...

'બા ! બા ! સૂરજ દેખાયો'

અમે બાળકો બૂમ પાડતાં. અને બા આવે તે

પહેલાં જ સૂરજ ચાલ્યો જતો.

માતા સાધ્વી સ્ત્રી હતી. તે બહુ ભાવિક હતી. પૂજા પાઠ વિના કદી ન જમે. હવેલી (વૈષ્ણવ મંદિર)માં હંમેશા જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્મરણ નથી.

કઠણમાં કઠણ વ્રતો તે આદરતી. નિર્વિઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તો પણ ન જ છોડે.

એવો એક સમય મને યાદ છે કે જ્યારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી, પણ વ્રતને ન છોડેલું.

ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો એને મન સામાન્ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાં-પારણાં કરેલાં.

બે ત્રણ સામટા ઉપવાસ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાયને ક્યારે મા જમે ?

ચોમાસામાં ઘણી વેળા સૂર્ય દર્શન દોહયલાં થાય, એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, 'બા બા સૂરજ દેખાયો.' કહીએ, ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. 'કંઈ નહિ. આજે નસીબમાં ખાવાનું નહિ હોય.' કહી બા પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.

માતા વ્યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મૂકાતી. હું બાળક હોઈ, કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઈ જતી. બા-મા સાહેબ (ઠાકુર સાહેબની વિધવા માતા) સાથે થતાં સંવાદો મને કેટલાક હજી યાદ છે.