ચોમાસુ એટલે કલરફુલ વસ્ત્રોની મોસમ

જામી ગયો વરસાદ. ભલે બે-ત્રણ દિવસ જ દેખાયો પણ હવે તો આવવાનો જ, માટે એની તૈયારીઓ શરૂ કરી દો. અને આપણા માટે દરેક સીઝનમાં જો મહત્ત્વનું હોય તો એ છે ડ્રેસિંગ સ્ટાઈલ. વરસાદની મોજ માણવા આ મોસમને અનુરૂપ ચીજો વાપરશો તો ફાયદો થશે. કારણ કે જેમ ઉનાળામાં જાડાં અને ડાર્ક કપડાં ન પહેરાય તેમ વરસાદમાં ભીંજાતી વખતે લાઈટ અને સેમી-ટ્રાન્સપરન્ટ શર્ટ તો ન જ ચાલેને, તો જોઈએ મોન્સૂનમાં કલર અને ફેબ્રિકમાં કયા ઓપ્શન મોજૂદ છે.
- ઘેરા રંગો પહેરો
ઘેરા, ડીપ અને ઊઠીને દેખાય એવા બોલ્ડ રંગો વરસાદમાં ચોક્કસ બ્રાઈટ લાગે છે. ઑરેન્જ કલર ચામડીની પીળાશ પર પડછાયા જેવો બને છે. તે વાતાવરણમાં ભળીને તમને લોકોથી જુદા પાડશે. વરસાદમાં બહાર નીકળો ત્યારે બ્રાઈટ કલરના ડ્રેસ સાથે થોડા ઘેરા રંગની હૅન્ડબેગ, બ્રાઈટ કલરનાં જ ફૂટવેર અને મલ્ટિ કલરનો સ્કાર્ફ રાખો. મૉન્સૂનમાં સ્ટાઈલિશ લાગવા માટે આ એક પર્ફેક્ટ લુક છે. પિન્ક, એક્વા બ્લુ, ઓલિવ ગ્રીન, લેમન યલો જેવા ચોમાસા માટે બેસ્ટ છે. આ રંગો ફક્ત મૉન્સૂનમાં જ નહીં, પણ આખા વર્ષમાં જ્યારે પણ સૂર્યદેવતા મહેરબાન ન હોય ત્યારના ડલ વાતાવરણમાં મૂડને સુધારવા પહેરી શકાય છે.
- મિક્સ અને મૅચ
કલર્સમાં થતું મિક્સ અને મૅચ મૉન્સૂનની ફેશનમાં વધારે સ્ટાઈલ ઉમેરે છે. ખાસ કરીને જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે એ રંગો વધારે ખીલીને દેખાય છે. આ સીઝનમાં બ્લેક કલર પણ જાદુની જેમ કામ કરે છે. તમારા કોઈ પણ ડ્રેસમાં કાળા રંગની છટા પણ તમને ભીડમાંથી જુદા તારવશે. એક ટાઈટ ફિટિંગ પુલ ઓવર શર્ટ, જેકેટ કે સ્વેટર મિક્સ-મેચ કરવા માટે સારો ઓપ્શન છે. કારણ કે આ વધારે પડતું પણ નથી લાગતું અને વરસતા વરસાદમાં દેખાવમાં પણ સ્ટાઈલિશ લાગે છે.
- કાપડની પસંદગી
લાઈટ વેઈટ સિલ્ક અને સૉફ્ટ પણ જાડું કૉટન મૉન્સૂન વેઅર તરીકે વધારે સૂટેબલ છે, કારણ કે આ મટીરિયલ આસાનીથી મેનેજ કરી શકાય છે અને એમાં વધારે પડતી કરચલીઓ નથી પડતી. વળી સિલ્કમાં ઘણાં રંગો મળી રહે છે અને તે શરીરને હૂંફાળું પણ રાખે છે. અલબત્ત, તે સિન્થેટિક સિલ્ક હોવું જોઈએ.
- હળવા રંગના તથા શ્વેત વસ્ત્રો ન પહેરવા
મોન્સૂનમાં સફેદ તેમ જ કોઈ પણ આછો રંગ પહેરવો સલાહભર્યું નથી, કારણ કે આવા રંગો તડકો ન હોય એવા વાતાવરણમાં વધારે ડલ લાગે છે. વધુમાં આવા રંગોમાં માટી કે પાણીના ડાઘ આસાનીથી દેખાઈ આવે છે. વળી વરસાદમાં ભીંજાઈ જઈએ તો તે પારદર્શક લાગે છે પરિણામે આંતરવસ્ત્રો સ્પષ્ટ દેખાવા લાગે છે. ચોમાસામાં શિફૉન અને જ્યોર્જટ જેવાં મટીરિયલ પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે આવાં મટીરિયલ ભીંજાતા જ એની શાઈન ઊડી જાય છે અને એ ડલ દેખાવા લાગે છે.









