મીઠો જાસૂસ ; મીઠું રહસ્ય
લાંચ, લોભ, લાલચનાં ફળ તો સદાય મીઠાં લાગે પડે પેટમાં, થાય રે ગડગડ, ત્યારે સપાઇડા ભાગે
ચાખ્યા વગર ને ચૂસ્યા વગરના સિપાઇ બચ્ચા જાગેઆદત પડી ગઇ ચોરી ચપાટીનીકેમ રે આતમા જાગે ?
'એઈ... ! કોણ છે ત્યાં ?' સિપાહીઓએ હાં-ક લગાવી. કોઈક ફળવાળો હતો. તેની પાસે ફળફળાદિની પોટલી હતી. ઊભો રહી ગયો.
સિપાહી તેને શોધવા સંશોધવા લાગ્યા. તેની પૂછપરછ કરવા લાગ્યા.
વાત એવી હતી કે આ તરફ જાસૂસ આવી ગયાના સમાચાર હતા. અહીંની બધી વાતો કોઈ બીજાં રાજ્યોને પહોંચાડતું હતું. એ છૂપા જાસૂસને પકડવાનો હતો.
એવામાં સમાચાર આવ્યા કે પાદરે કોઈક જાસૂસ ફરે છે. અંદર આવવાની પેરવી કરે છે.
સિપાહીઓ શોધતા હતા અને મળી ગયો આ ફળવાળો. હા, જાસૂસો બહુરૂપી હો છે. તે કોઇ પણ રૂપમાં રાજ્યમાં પ્રવેશ કરી શકે.
આ ફળવાળો પાછો લાગતો હતો જ ભેદી. એવો ભોળો ભલો કે જાણે બાઘો જ જોઈ લો.
સિપાહી પૂછે ; 'ક્યાંથી આવે છે ?'
'પાસેના ગામથી.'
'શું કામ આવે છે ?'
'ફળ વેચવા.'
'ફળ ક્યાંથી લાવ્યો છે ?'
'વડવાળા વનેચંદની વાડીમાંથી.'
'ફળ જ છે કે બીજું કંઇ ? બતાવ.'
'જોઈ લો, આ રહી પોટલી...'
ફળવાળાએ પોટલી છુટ્ટી મૂકી. સરસ મઝાનાં ફળ હતાં. સિપાહીઓ એક પછી એક જોવા લાગ્યા, સૂંઘવા લાગ્યા.
ફળવાળો કહે ; 'ચાખી જુઓ. બહુ મઝાનાં છે.'
સિપાઈઓએ ત્રાંસી આંખે જોયું.
ફળવાળો કહે ; 'લો, આ ફળ ખાવ. આ સારામાં સારાં છે. તમને એવાં ભાવશે, એવાં ભાવશે.'
'અમને બેવકૂફ સમજે છે ?' એક સિપાહીએ કહ્યું ; 'ફળમાં ઝેર છે, એટલે ખાવાનું કહે છે ?'
ફળવાળો કહે ; 'રામ રામ રામ ! ફળમાં તે કદી ઝેર હોતું હશે ? ફળ તો અમૃત, ફળ તો ઔષધ, ફળ તો મિષ્ટાન્ન.'
બંને સિપાહી એકબીજા સામે જોવા લાગ્યા. ઇશારત થઈ. શરત થઈ.
એક કહે ; 'પહેલાં તું ખા, પછી અમે ખાઇશું.'
બીજો કહે ; 'હા. પછી જ અમે ખાઇશું. અમે સિપાહી બચ્ચા, એમ છેતરાઇએ નહિ. ખાતરી કર્યા વગર અજાણ્યાનાં અજાણ્યાં ફળ ખાઇએ નહિ.'
ફળવાળો હસીને કહે ; 'કયું ફળ ખાઉં ?'
'લે, આ ખા...'
'ના, ઓલું ને પેલું કંઈ જ નહિ. અમે જે આપીએ તે જ ખા.'
'ખાઉં...?'
'કેમ બચ્ચા, ડરી ગયો ને ! બોલ, ઝેર છે કે નહિ એમાં ?'
'ખાઉં...?' ફરી પાછું ફળવાળાએ કહ્યું, એટલે સિપાહીઓ કહે ; 'ખાઉં ખાઉં શું કરે છે ? ખા ને ખાતો હોય તો ! હમણાં જ તરફડી પડશે એટલે ખબર પડશે !'
ફળવાળાએ ફરી એક વાર પૂછ્યું ; 'ખાઉં ?'
સિપાહીઓએ ફળ તેના મોઢામાં જ ખોસી દીધું.
ફળવાળો નિરાંતે ફળ ખાવા લાગ્યો. મજેથી ફળ ખાતો રહ્યો, ખાતો જ રહ્યો.
તે કહે ; 'તમે બીજું કહો તો બીજું ખાઉં, ત્રીજું કહો તો ત્રીજું.'
સિપાહીઓને ખાતરી થઈ ગઈ કે આ ફળવાળો જ છે, જાસૂસ નથી. તેનાં ફળ સાચાં જ છે.
તેમણે તો પસંદ કરીને બે સરસ મઝાનાં ફળ પસંદ કર્યાં. ખાવા લાગ્યા. મીઠાં હતાં. રસદાર હતાં. ચટાકેદાર હતાં. ઝેર જેવું તો કંઇ જ ન હતું. ફળ જરાય ખાટાં, ખારાં, તૂરાં કે સ્વાદ વગરનાંય ન હતાં.
તેઓ ખાતાં રહ્યા ફળ....
... અને આ બાજુ તરફડી પડયો ફળવાળો. ઓ.. ઉઇ... અરરર... ઉંઉંઉં...'
તે તો આળોટે, ઊછળે, કૂદે, અરરર કરે, ઓયવોય કરે, ઊલટી કરે, ઊબકા કરે. અરે, આખું પેટ બહાર કાઢી નાખે ગળામાંથી.
પોતપોતાનાં ફળ ખાતાં સિપાહીઓ રોકાઇ ગયા. ચમકી ગયા. ચોંકી ગયા.
પેલા ફફડતા અને ચીસો પાડતાં ફળવાળાને કહે ; 'તું તો કહેતો હતો કે ફળમાં ઝેર નથી, પછી આ શું થયું ?'
'અબબબ' કરતો તે કહે ; 'કદાચ... કદાચ... ધીમું ઝેર હશે, ધીમું જ હશે, મોડેથી ચઢતું હશે, પણ ચઢે છે એટલે... ઓઈઈઈ...'
બંને સિપાહીઓએ પોતપોતાનાં ફળ ફેંકી દીધાં. ભાગ્યા.
એક કહે ; 'જલદી જઈએ કોઇક વૈદ પાસે, ઉપાય કરીએ, નહિ તો...'
બીજો કહે ; 'અબબબ...'
પહેલો કહે ; 'શરૂ થયું ?'
બીજો કહે ; 'કંઈ સમજ નથી પડતી, પણ સમય થાય એટલી વાર, પેલાને પણ ખાધા પછી થોડી વારે જ થયું હતું ને ?'
'શું ?'
'અબબબબ... ઉઈઈઈઈ.... ઓયવોયવોય..'
બંને ભાગ્યા અને ભાગતા જ રહ્યા. ફળવાળાએ બધાં ફળ ભેગાં કર્યાં. પોતાનું અધૂરું ફળ પૂરું કર્યું. પછી કહે ; 'શંકા જાય એટલે મીઠા ફળ ઉપર પણ જાય જ. શંકા જ ઝેર છે. ચાલો વગર વિષે આપણું કામ વિશેષ થઇ ગયું. હવે નગરમાં જઇએ. વાંધો નહિ આવે.'
અને તે નિરાંતે નગરમાં દાખલ થયો.