Magazines

વિજ્ઞાનનો ચમત્કાર : 'માસિક' બંધ થયા પછી પણ 'માતા' બની શકાશે

By GS TEAM
30 Mar 20264 mins read
વિજ્ઞાનનો ચમત્કાર : 'માસિક' બંધ થયા પછી પણ 'માતા' બની શકાશે

- 'ઓવરી' પ્રત્યારોપણ વડે મેનોપોઝની મુદત લંબાવવાની ટેકનિક શોધાઈ

સામાન્ય રીતે ૪૫-૫૦ વર્ષની વયે મહિલાઓ રજોનિવૃત્તિ (મેનોપોઝ)ના  તબક્કામાં પ્રવેશતાં તેની પ્રજનન શક્તિ ખતમ થઇ જાય છે પરંતુ હવે ઓવેરી (નારીદેહની રજ:પિંડ ગ્રંથિ)ના પ્રત્યારોપણ દ્વારા મેનોપાઝને આગળ ઠેલી માતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે. આ માટે ઓવરીના થોડા હિસ્સાને કાઢીને તેને  સંગ્રહી રાખવામાં આવે છે અને પછી તેને પ્રત્યારોપિત કરવાથી મેનોપોઝને થોડા સમય માટે સ્થગિત કરી શકાય છે એમ ડોકટરો કહે છે. આથી હવે મહિલાઓએ 'બાયોલોજીકલ કલોક'ની ચિંતા કરવી નહિ પડે.

ઇસ્તંબુલમાં યોજાયેલી એક પરિષદમાં જણાવવામાં આવ્યું કે  ઓવરી ટીસ્યૂનું પ્રત્યારોપણ કરાવનારી બિનફળદ્રુપ મહિલાઓની કૂખે ૨૮ બાળકોનો જન્મ થયો છે. અને મોટાભાગના બાળકોનું ગર્ભાધાન આઇવીએફ કે દવાઓની જરૂર વગર કુદરતી રીતે જ થયો છે. 

મિસોરીની સેટ. લુઇસ હોસ્પિટલમાં ૧૧ મહિલાઓના પ્રત્યારોપણ સાથે સંકળાયેલા અમેરિકન સર્જન ડો. શર્મન સિલબરે કહ્યું કે આજની મહિલાઓ પાસે ૧૦૦ વરસ જીવવાની ૫૦ ટકા  તક છે. આનો અર્થ એ થયો કે તેઓ તેમનું અડધું  જીવન મેનોપોઝ બાદ વિતાવે છે. આ મહિલાઓ યુવા વયે ઓવરીનો થોડો હિસ્સો કઢાવી લે અને મેનોપોઝનો તબક્કો આવતાં તે પ્રત્યારોપિત કરાવી શકે છે. 

વિજ્ઞાનીઓ કહે છે કે મેનોપોઝ બાદ હૃદયરોગ અને ઓસ્ટિયોપોરોસીસનું જોખમ રહે છે .જે પ્રત્યારોપણ દ્વારા ટાળી શકાય છે. જો કે પ્રત્યારોપણને કારણે સ્તન કે કૂખનું કેન્સર થવાનું જોખમ રહે છે એની કબૂલાત પણ તેમણે કરી છે. 

ડો. સિલબરે કહ્યું કે આઠ વર્ષ અગાઉ પ્રત્યારોપણ કરાવનારી મહિલા હજુ પણ ફળદ્રુપ છે  જે  આ ટેકનીકની સફળતા પુરવાર કરે છે. પહેલાં એમ હતું કે પ્રત્યારોપણ થોડા મહિના કે  વધુમાં વધુ થોડા વર્ષ જ ટકશે જેથી મહિલાને ગર્ભાધાન માટે ટૂંકો ગાળો જ મળશે,પરંતુ હવે તો લાંબા ગાળાની આશા બળવતર બની છે. 

બેલ્જિયમમાં એક મહિલાના ઓવેરિયન ટિસ્યૂને એક દાયકા સુધી ફ્રોઝન કરવામાં આવ્યા બાદ  તેણે બાળકને જન્મ આપ્યો હતો. જયારે ઇટાલીમાં  એક મહિલાના ટિસ્યૂને સાત વર્ષ સુધી ફ્રોઝન રાખવામાં આવ્યા હતા જે પ્રત્યારોપિત કરાતા તેણે હાલમાં જ એક સુંદર તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. ડો. સિલબરે કહ્યું કે આ અદભૂત વાત છે .ઓવેરીયન ટિસ્યૂનો નાનો ભાગ આટલા લાંબા સમય સુધી અસરકારક રહેશે એવી અમને અપેક્ષા નહોતી. હવે તો દાયકાઓ સુધી ઓવેરીના હિસ્સાને ફ્રોઝન કરીને રાખવામાં આવે છે. અને જરૂર પડે ત્યારે તેને પ્રત્યારોપિત કરી શકાય છે. આ ટિસ્યૂઓને વધતી વયની અસર થતી નથી આથી તે મહિલાની બોડી કલૉકને સ્થગિત કરે છે.એક દરદીના ટિસ્યૂ તો ૧૨ વર્ષ અગાઉ ફ્રોઝન કરવામાં આવ્યા હતા અને તેનો હાલમાં ઉપયોગ કરતાં બાળકનો જન્મ થયો છે. 

ડો. સિલબર અને તેમના યુરોપીઅન  સાથીઓએ પોતાના આ અભ્યાસને યુરોપીઅન સોસાયટી ઓફ હ્યુમન રિપ્રોડકશન અન્ડ એમ્બ્રિયોલોજીમાં પ્રકાશિત કર્યો છે. તેમણે લખ્યું છે કે તમામ આધુનિક મહિલાઓ કારકિર્દી ઘડીને કે આર્થિક  રીતે સ્થિર થઇને માતા બનવા ઇચ્છતી હોવાથી તેને પોતાની 'બાયોલોજીકલ કલૉક'ની ચિંતા હોય છે. કેન્સરની સારવાર કરાવનારી અમારી યુવા  દરદીઓ કેન્સરની બીમારી પ્રત્યે આભાર વ્યક્ત કરે છે કારણકે જો તેમને કેન્સર ન થયું હોત તો તેમણે ટિસ્યૂ ફ્રોઝન ન કરાવ્યા હોત અને તેઓ પણ અન્ય મહિલા જેવી જ સ્થિતિનો સામનો કરતી હોત.

અત્રે નોંધનીય છે કે ૨૦૦૩માં બેલ્જિયમ ખાતે પહેલવહેલું ઓવરી પ્રત્યારોપણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે મહિલાએ એક વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. કેન્સરગ્રસ્ત મહિલાઓની કેમોથેરેપીની સારવાર શરૂ કરતાં અગાઉ તેમની ઓવરીના ટિસ્યૂઓને લઇ લેવામાં આવ્યા હતા અને તેઓ રોગમુક્ત થઇ ગયા બાદ તે પ્રત્યારોપિત કરવામાં આવ્યા હતા.

મહિલાઓએ સારવાર બાદ ઓવરીનું પ્રત્યારોપણ કરાવ્યું છે અને ડોકટરો ઇચ્છે છે કે અન્ય મહિલાઓ પણ તેનો લાભ લે. 

આજે ૨૧મી સદીમાં ઘણી માનુનીઓ ત્રીસીમાં માતા બનવા ઇચ્છતી નથી. જો કે તેમની માતાને ૪૦ વરસની વય અગાઉ મેનોપોઝ આવ્યું હોય તો તેમના માટે મોડેથી બાળકને જન્મ આપવો મુશ્કેલ થઇ શકે. 

બ્રિટિશ મેનોપોઝ સોસાયટીના ટ્રસ્ટી અને ગાયનેકોલોજીસ્ટ ટીમ હિલાર્ડે  કહ્યુંં હતું કે ફળદ્રુપતાની સારવારમાં આ મહત્ત્વની શોધ છે. જો કે કોઇ પણ પ્રકારના દાવા કરતાં અગાઉ વધુ ડેટા મેળવવા જરૂરી છે. વળી લાંબો સમય એસ્ટ્રોજન રહેતું હોવાથી સ્તન અને કૂખનું કેન્સર થવાનું જોખમ રહે છે .આથી સાવધ રહેવું જોઇએ. આનો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપીના વિકલ્પરૂપે પણ ઉપયોગ કરી શકાય છે.