મારા જીવનનાં યાદગાર 15 વર્ષ: કીર્તિ સુરેશ

- 'લગ્નવિધિ દરમિયાન મેં એન્ટનીને પહેલી વાર રડતાં જોયો. એ ખૂબ ઇમોશનલ થઈ ગયો હતો. તે ત્રીસ સેકન્ડ મારા આખા જીવનની સૌથી અર્થપૂર્ણ ક્ષણો છે.'
રાષ્ટ્રિય પુરસ્કાર વિજેતા કીર્તિ સુરેશે ડિસેમ્બર, ૨૦૨૪માં પોતાના લાંબા સમયના પ્રેમી એન્ટની થટ્ટિલ સાથે ગોવામાં સ્વપ્ન સમા સમારંભમાં લગ્ન કરીને જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ કીર્તિએ પોતાના સ્વપ્ન સમાન વિવાહની એવી ભાવુક પળો શેર કરી, જેણે તેના એ વિશેષ દિવસને કાયમ માટે અવિસ્મરણીય બનાવી દીધો.
કીર્તિનું માનવું હતું કે તે અને એન્ટની ચૂપચાપ ભાગીને સાદગીથી લગ્ન કરી લેશે. તેણે સ્મિત સાથે જણાવ્યું કે તેણે ભાગીને લગ્ન કરવાની તમામ યોજના પણ બનાવી રાખી હતી. પણ જ્યારે ગોવામાં સંપૂર્ણ રીત-રિવાજ સાથે ભવ્ય સમારંભ આયોજિત થયો, ત્યારે કેટલીક ક્ષણો માટે તો તે અવાક રહી ગઈ હતી. કીર્તિને વિશ્વાસ જ નહોતો બેસતો કે તેનું ખાનગી, શાંત સ્વપ્ન એક શાનદાર અને જીવંત ઉત્સવના રૂપમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. જ્યારે મંગળસૂત્ર પહેરવાનો સમય આવ્યો ત્યારે અત્યંત ભાવુક થઈ ગઈ હતી. તેને આસપાસનું કંઈ જ નજરે નહોતું પડતું, માત્ર એ પવિત્ર ક્ષણ અને તેનો જીવન-સાથી. કીર્તિએ ભાવુક થઈને શેર કર્યું કે આ પહેલીવાર તેણે એન્ટનીને રડતા જોયો. આ ત્રીસ સેકન્ડ તેના સમગ્ર જીવનની સૌથી ગાઢ અને અર્થપૂર્ણ ક્ષણો પૈકી એક હતી.
કીર્તિ અને એન્ટનીની પ્રેમ કહાની કીર્તિના ફિલ્મી દુનિયામાં પ્રવેશ થવા પહેલા જ શરૂ થઈ ગઈ હતી. દુબઈમાં વ્યવસાય કરતા એન્ટનીના મૂળ કોચી સાથે જોડાયેલા છે અને કીર્તિ તેના બાળપણની સાથી રહી છે. જ્યારે કીર્તિ ભારતમાં પોતાની કારકિર્દી આગળ વધારી રહી હતી ત્યારે એન્ટની વિદેશમાં હતો. લાંબા અંતરે તેમના સંબંધને નબળો બનાવવાના સ્થાને વધુ મજબૂત કર્યો, અને આ જ સ્થિરતા આખરે વિવાહના રૂપમાં પરિવર્તિત થઈ.
વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો ૨૦૨૪માં વરુણ ધવન સાથે 'બેબી જોન'થી બોલીવૂડમાં પદાર્પણ કરનાર કીર્તિ તાજેતરમાં 'રિવોલ્વર રીટા'માં જોવા મળી હતી. જો કે આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો અને બોક્સ ઓફિસ પર અપેક્ષિત સફળતા હાંસલ ન કરી શકી, પણ કીર્તિ પોતાના પરફોર્મન્સ બાબતે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. હાલ તે દિગ્દર્શક ઋષિ શિવકુમારની આગામી ફિલ્મ 'થોટ્ટમ'ની તૈયારીમાં વ્યસ્ત છે, જેમાં એન્ટની વર્ગીસ પણ સાથ આપી રહ્યો છે. કીર્તિ આ પ્રોજેક્ટ બાબતે ઉત્સાહિત છે.








