શુભનું આલંબન જીવનમાં સર્જે શુભ-લાભ .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
મંદિર ઉપર ફરફરતી ધ્વજાને નિહાળી તો છે ને ક્યારેક ? સતત વહેતી હવાઓના સપાટાના પ્રતાપે એ ધ્વજા નિરંતર હાલતી રહે છે. હવાની દિશા અનુસાર આમથી તેમ ફંગોળાતી રહે છે. ક્ષણભર પણ સ્થિર રહી શકતી નથી. બસ, જેવી વાત આ ધ્વજાની છે એવી જ વાત આપણા મનની પણ છે. આપણું મન પણ અંદર ચાલતા વિવિધ વિચારપ્રવાહોનાં કારણે નિરંતર પરિવર્તનશીલ રહે છે-બદલાતું રહે છે. આને જ આપણે કહીશું મનની ત્રીજી વિલક્ષણતા. આ ત્રીજી વિલક્ષણતાનું નામકરણ કરવું હોય તો કહેવાશે કે (૩) મન અસ્થિર છે...
દૂધમાં મેળવણ નાંખ્યા બાદ જો તપેલીને વારંવાર અસ્થિર કરવામાં આવે તો દૂધમાંથી દહીંનું સર્જન થતું નથી. એમ જીવનમાં કો'ક શુભનિશ્ચય કર્યા બાદ મન વારંવાર અસ્થિર થઈ જાય તો પરિણામ મળતું નથી. દૂધમાંથી દહીં બનાવવું છે ? તો તપેલીને સ્થિર રાખો અને જીવનમાં કોઈ પણ બાબતમાં પરિણામ જોઈએ છે ? તો મનને સ્થિર રાખો. યાદ રહે, જે સ્થિર રહે છે તે જ લક્ષ્યને સર કરી શકે છે, જે અસ્થિર હોય છે તે લક્ષ્યને સર કરી શકતો નથી. જે સ્થિર હોય છે તે સૌનો વિશ્વાસપાત્ર બને છે, જે અસ્થિર હોય છે તે વિશ્વાસપાત્ર બની શકતો નથી. અલબત્ત, મહત્વનો સવાલ એ છે કે મનને સ્થિર કરવું કંઈ રીતે ? મનની સ્થિરતા માટે આજે બે ઉપાયોની વિચારણા કરીએ ઃ- (૧) શુભ વિચારોમાં રહીએ ઃ- સતત કરાતા શુભ વિચારો મનને સ્થિરતા બક્ષે તે સ્પષ્ટ છે અને (૨) શુભ આલંબનમાં રહીએ ઃ- નિરંતર સેવાતું શુભનું આલંબન શુભનિશ્ચયમાં ડામાડોળ મનને સ્થિર કરવા ઉપરાંત બહિર્મુખ મનને અંતર્મુખ પણ બનાવી શકે છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો તથાગત બુદ્ધના સમયની આ ઘટના ઃ એ હતો બુદ્ધનો પરમભક્ત. જ્યાં બુદ્ધની સ્થિરતા હોય ત્યાં એ દીન-દુઃખી-ગરીબોને ઉદારદિલે દાન આપે. દુઃખીઓ માટે દાનની આ રેલમછેલ વહાવવાનાં કારણે તેનું નામ પડી ગયું અનાથપિંડક. એટલે કે જેનો કોઈ નાથ નથી તેઓને પિંડ=દાન આપનાર. સૌ તેની ધર્મનિષ્ઠાની પ્રશંસા કરે. પણ ખાટલે મોટી ખોટ એ હતી કે આવા ધર્મીષ્ઠ અનાથપિંડકના પુત્રનું મન ધર્મમાં જરાય લાગતું નહોતું. ઘણી મહેનત પછી પણ પુત્રનું મન ધર્મમાં ન લાગ્યું ત્યારે અનાથપિંડકે ઉપાય અજમાવ્યો પુત્રને શુભઆલંબનમાં રાખવાનો. પુત્રને બોલાવીને કહ્યું ઃ- 'તું જો નિત્ય બુદ્ધનો ઉપદેશ સાંભળીશ તો હું રોજ તને પચાસ સુવર્ણમુદ્રા આપીશ.' ઓફર કામ કરી ગઈ. મોજ-શોખ માટે ધનની તીવ્ર જરૂરિયાત અનુભવનાર પુત્ર રોજ બુદ્ધનો ઉપદેશ સાંભળવા જવા લાગ્યો. ત્યાં મહિના પછી તેને નવી ઓફર મળી કે 'બુદ્ધનો ઉપદેશ ધ્યાનથી સાંભળીને રોજ સાંજે સંભળાવી જઈશ તો પાંચસો સુવર્ણમુદ્રા મળશે.' પુત્ર કામે લાગી ગયો. રોજ સાંજે ઉપદેશ સાંભળાવી સોનામહોરો મેળવે છે. પણ બે મહિના પછી એક દિવસ સાંજે તે આવ્યો જ નહિ. અનાથપિંડકે તપાસ કરાવતા ખબર પડી કે બુદ્ધના ઉપદેશશ્રવણે તેનું મન ધર્મમાં એટલું સ્થિર થઈ ગયું કે તેણે દીક્ષાનો સ્વીકાર કર્યો. શું દર્શાવે છે આ ઘટના ? એ જ કે મનની સ્થિરતા માટે શુભનું આલંબન એ સમર્થ અને સચોટ ઉપાય છે. આપણે આ ઉપાયને જીવનમાં અપનાવવા સાથે યાદ રાખીએ છેલ્લે આ વાત કે ઃ- 'શુભનું આલંબન જીવનને 'શુભ' બનાવે... શુભનું આલંબન જીવનમાં 'લાભ' કરાવે...'









