Magazines

સોનાને અને સુવિચારને કદી કાટ ન લાગે

By GS TEAM
11 May 20262 mins read
સોનાને અને સુવિચારને કદી કાટ ન લાગે

- વંદના ગોસ્વામી 

બ પોરના સમયે થોડી બહેનો ભેગી થઈ અને અલકમલકની વાતો કરવા લાગી. એક બહેને કહ્યું કે આવી ખોટી ટીકા ટીપ્પણી કરવી એના કરતા બાઈબલનું વાચન કરીએ અને વાચન શરુ થયું. એમાં એક વાક્ય આવ્યું 'હી વિલ સિટ અ રિફાઇનર અન્ડ પ્યુરિફાયર આફ સિલ્વર...' બહેનો આ વાંચીને વિચારમાં પડી ગઈ. આ વાક્ય એમને કોઇને સમજાયું નહીં, ભગવાન શા માટે ચાંદી શુદ્ધ કરવા બેસે? ભગવાન સોની હતા? પણ બીજી બધી બહેનોએ થયું કે 'હશે કોઈ વાત' એમ કહી સમાધાન શોધી લીધું પણ એક  બહેનથી ન રહેવાયું અને  તેમણે ચાંદીની શુદ્ધિકારણની પ્રક્રિયા જોવી એવું નક્કી કર્યું. જેથી બાઈબલની આ વાત સમજી શકે. 

સોનીની દુકાને પહોંચી ગઈ. દુકાનમાં સોના-ચાંદીને તપાવી, ગાળીને તેનું શુદ્ધિકરણ કરવામાં આવતું હતું. બહેન બધું ધ્યાનથી જોવા લાગી. દુકાનદાર ચાંદીનો સિક્કો મોટી આગની જ્વાળામાં ગરમ કરતો હતો. બહેને જોયું કે ચાંદી-સોનાને શુદ્વ કરવા જવાળામાં તપાવવો પડે. ટુકડો તપે એટલે અશુદ્ધિઓ પછી જ સો ટચનું સોનું કે ચાંદી મળે. જો ચાંદી થોડી પણ વધુ ગરમ થાય જાય તો નકામી. એટલે ધૈર્ય અને મક્કમતાથી કામ કરવું પડે.

બહેનને બાઇબલનું વાક્ય 'હી વિલ સિટ...' નો સુવિચાર સમજાય ગયો. ધર્મગ્રંથોના ઉપરછલ્લા અર્થો લઈએ તો જીવનમાં કશું ન પામી શકીએ પણ એના ઊંડાણમાં જશો તો જીવન જીવવાની કળા મળશે. સોશિયલ મીડિયાને કારણે આજે  બધાને ફેમસ થવું છે પણ સાધના નથી કરવી. અંગ્રેજ મહાકવિ જોન મિલ્ટન કહે છે કે 'મુસીબતો સહન કરી શકે એ વધારે સારાં કામો કરી શકે છે.' પિતાનો ઠપકો ખાધેલા સંતાનો, શિક્ષકે સજા કરેલા વિધાર્થીઓ અને સોનીએ ટીપેલું સોનું છેવટે ઘરેણામાં રૂપાંતરિત થાય છે. ઈશ્વર પણ તમને દુ:ખની ભઠ્ઠીમાં તપાવે છે. એમાં ખરા ઉતારો તો તમારું મૂલ્ય પણ ઘરેણાં જેવું થાય છે. 

સમાપન 

પ્રશંસાનાં પુષ્પો શોધતો ફરે છે એ પોતાનું સુખ બીજાના હવાલે કરે છે.

 - ઓલિવર ગોલ્ડસ્મિથ