21મી સદીના 21 વર્ષે આવતી પુખ્તતા : ગુજરા હુઆ જમાના, આતા નહીં દુબારા...
- કોરોનાના કાળમુખા સપાટામાં બધા સ્વાહા થઇ ગયા
- અનાવૃત : જય વસાવડા
- જમાનો જમાનો જ રહે છે. એ કદી કોઈનો થયો નથી, થવાનો નથી. અમારો પણ નહિ, તમારો પણ નહિ. સ્ટેશનની જેમ આપણે ઊભા રહેવાનું છે, ટ્રેનની જેમ જાતભાતના જમાના પસાર થતાં નિહાળતા રહેવાના છે
નવા વરસમાં એન્ટ્રી વખતનો એકદમ પાક્કો કરી આગળ વધવા જેવો સોનેરી બોધપાઠ શું ?
એ જ કે, કોઈ માના પેટનો જણ્યો ( કે જણી ) પૂર્ણ ત્રિકાળજ્ઞાાની ન હોઈ શકે. હોય તો એ સાક્ષાત ઈશ્વર થઇ જાય પણ આવા બની બેઠેલા ભગવાનોએ ય અદાલતી કારવાઈનો રેલો આવે ત્યારે ભાગવું પડે છે. પાછળથી ભલે બધા લાકડે માંકડું વળગાડી દાવાઓ કરે કે જુઓ અમે તો ફલાણાઢીકણા શાસ્ત્ર, વિદ્યા, પ્રેરણા,ગુરુ, ગ્રંથ, વોટએવરના આધારે કહેલું કે આ વરસ (૨૦૨૦) આવું જવાનું છે. પણ હકીકત એ છે કે પૃથ્વીના પટમાંથી કોઈએ છાતી ઠોકીને કોરોના, માસ્ક, લોકડાઉન, કવોરન્ટાઇન વગેરેને એકઝેટ આગાહી કરી નહોતી. ગોળગોળ ભજીયાં તો ઘણા તળતા હોય જ છે, દરેક વર્ષે કે - મોટી કુદરતી આફત આવશે, કપરો કાળ હશે કે ભારે ફેરબદલ થશે કે નવાજૂનીના એંધાણ છે કે રોગચાળો ફાટી નીકળશે કે મંદી આવશે, પરિવર્તનનો યોગ છે વગેરે.
પણ એ તો વીસ વર્ષ પહેલાના વરસ વિશે ખણખોદ કરો તો એના માટે ય કહેવાયું હોય અમુક જગ્યાએ. કોરોનાના કાળમુખા સપાટામાં બધા સ્વાહા થઇ ગયા. વાઈરસ વિશે ડિસેમ્બર ૨૦૧૯માં ચેતવનાર ચાઈનીઝ સાયન્ટીસ્ટ લી વેનલિયાંગ અને કોરોના હમણાં જતો રહેશે કહેનાર જ્યોતિષી બેજન દારુવાલા બેઉ જતા રહ્યા. વાઈરસનો બ્રિટનથી નવો સ્ટ્રેઇન વેક્સીન પહેલા આવી ગયો છે! શ્રદ્ધાળુ નેતાઓ અને અઢળક ચાહકો ધરાવતા અભિનેતાઓ પણ મોત સામે લાચાર થઇ ગયા.
કોઈએ ટીટવેન્ટી વર્લ્ડ કપ, ઓલિમ્પિક કે ગ્લોબલ એક્સ્પો નહીં યોજાય એમ સોઈઝાટકીને ભાખ્યું નહોતું. કોઈએ દુનિયા દિવસો સુધી ઘરમાં કેદ રહી થંભી જશે એની પરફેક્ટ ટાઈમલાઈન આપી નહોતી. સુશાંતનો આપઘાત ડ્રગ રેકેટમાં ફેરવાઈ જશે ને કંગના - અર્ણવને ફાયદો કરાવશે એ ય કોઈએ સચોટ ભાખ્યું નહોતું ને કિસાન આંદોલન કે શાહીનબાગ પણ નહિ. મોદીસાહેબ દાઢી ક્યારે ટ્રીમ કરાવશે એના પર સટ્ટો લગાવનારાઓને ય છ મહિના પહેલા બિટકોઈન અચાનક ઉછળીને દોઢેકમહિનામાં દોઢો થઇ જશે એની પાક્કી ખબર નહોતી!
સો મોરલ ઓફ ધ સ્ટોરી, કોઈ ભવિષ્યવેત્તા પર આંધળો ભરોસો કરવો નહિ સુખી થવું હોય નવા વર્ષે તો. આગાહી તો અભ્યાસ અને અનુભવના આધારે કરનાર જેનો ટ્રેક રેકોર્ડ એટલીસ્ટ ૮૦% ઉપર હોય એવા કોઈ એક્સપર્ટની ય ખોટી પડી શકે. બાકી દરેક ધર્મના ધર્મસ્થળો ય બંધ થઇ ગયા એ ક્યારે ખુલશે એનું ય કોઈને ઈન્ટયુઈશન નહોતું આવ્યું. હા, અમુક ગૂઢ અકળ રહસ્યો જરૂર હોય પણ એ નામ મુજબ કોઈ થિયરીમાં બાંધી ન શકાય એવા ભેદી હોય. કેટલીક વાતોમાં ભાવિના ભેદ પારખતા અમુક સાચા જેન્યુઈન નિષ્ણાતો વ્યક્તિગત ખરા પડે, પણ બધી બાબતોમાં કદી નહિ. માટે બહુ નબળા મનના બન્યા વિના શાંતિ ને ધીરજથી હસતા હસતા સંજોગોનો મુકાબલો કરવો એ કર્મયોગ કરતા રહી નીયતિની નિરાળી રમતો નિહાળતા રહેવી.
ઘટના બની ગયા પછી કોઈ નક્કર સબૂત વિના સિલેક્ટીવ મેમેરીના આધારે લાકડે માંકડું વળગાડીને ૧૦૦% આવું થશે એ ખબર હતી એનો હરખ કરનારા કે અફસોસ કરનારા શેરબજારમાં પણ મળે અને પરીક્ષાખંડની બહાર પણ. ભાવ વધી ગયા પછી ન લેવાનો ગિલ્ટ થાય ત્યારે માણસ ભૂલી જાય કે ખરીદતી વખતે જોખમ લાગતા પોતે જ મૂંઝવણમાં હતો. ધાર્યોે સવાલ પૂછાતા રાજી થનાર ભૂલી જાય કે એ બાબતે પોતે સ્યોર ન હોવાથી બીજું ય કલાકો વાંચેલું જ.
આ પાછલી અસરથી પોતાના જમાનામાં બધું પરફેક્ટ જોવાના 'હાઈન્ડસાઈટ બાયસ' વિશે ય ગુજરાતીમાં પહેલો લેખ લખેલો, હાઈન્ડસાઈટ એટલે? હમને આજ કી આંખો સે ગુજરા હુઆ કલ દેખા!
મુદ્દો જ્યોતિષ કે વિજ્ઞાાન નથી. આપણી માનસિકતા છે. ૨૦૨૦માં ઘાટા થયેલા ફ્રસ્ટ્રેશનના ધુમાડા વિખેરવા માંગતા હોય એવા ચાસણીચીકણા મેસેજીઝ આજકાલ ટ્રેન્ડમાં છે. બડા મોટીવેશનલ સ્પીકરોથી છોટા રિચાર્જ કરાવી જીવતા વોટ્સએપવિચારકો સુધી બોલબાલા છે કે 'ઓહોહોહો, બધું જ વધી ગયું પણ હાય રે હાય સુખ ઘટી ગયું!' દરેક માણસ મૂળ તો જેમ પોતે ઉંમર વધે એમ જુવાની કે બાળપણ શોધે એ સ્વાભાવિક છે. પણ એમાં એ વીતેલા સમયને જ શ્રે માની કાયમી વસવસો કરવા લાગે છે. અને એ સમયના બીજા પ્રોબ્લેમ્સ ભૂલી જઈને જાણે ભૂતકાળ જ સ્વર્ગ ને વર્તમાન તો રૌરવ નર્ક એવી વેવલાઈમાં સારી પડે છે. ખટમીઠી યાદો પીપરમિન્ટની જેમ સ્મરી લેવાની, અમુક સરસ વાતો વીતી ગઈ એમાં ટાઈમટ્રાવેલ કરવાની આગવી લિજ્જત છે. પણ પીપરમિન્ટથી પેટ ન ભરાય!
માનવમાત્રને એક અદ્ભૂત આદત છે. 'ફલેશબેક'માં સરી પડવાની. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ 'ગયા વર્ષો'ની સંખ્યા 'રહ્યા વર્ષો' કરતાં વધતી ચાલે. ફંફોસવા માટે પછી પૂરતો ભૂતકાળ દિમાગી ભંડકિયામાં એકઠો થઈ ગયો હોય છે. રૂ ઝાઝું બધુંં હોય ત્યારે ગાદલામાં ઠેકડા મારવાની બચ્ચાંલોગને લિજ્જત આવે છે. બુઢ્ઢાલોગની પણ હાલત સ્મૃતિઓના બિછાના વધે ત્યારે આવી જ હોય છે. પછી સતત વાતો થયા કરે છે ઃ અમારો જમાનો આમ હતો, આજનો જમાનો તેમ છે....
જમાનો જમાનો જ રહે છે. એ કદી કોઈનો થયો નથી, થવાનો નથી. અમારો પણ નહિ, તમારો પણ નહિ. સ્ટેશનની જેમ આપણે ઊભા રહેવાનું છે, ટ્રેનની જેમ જાતભાતના જમાના પસાર થતાં નિહાળતા રહેવાના છે. પછી એ માટે શિશુની વિસ્મયભરી આંખો રાખો કે મુગ્ધાના કોડભર્યા નયનો, પ્રૌઢના કરચલીવાળા નેત્રો ખોલો કે પીડિતના અંગારભર્યા રક્તવર્ણા ચક્ષુઓ... માત્ર નજરની પસંદગી આપણી પાસે છે. સમયની ચોઈસ આપણને મળતી નથી.
ઘણા લોકોને મુખવાસમાં કાચી સોપારીની જેમ પોતાના ભૂતકાળને ચાવ્યા કરવાની ટેવ પડી જાય છે. એમનો ભૂતકાળ હરહંમેશ ભવ્ય જ હોય છે. વર્તમાન સદૈવ વાહિયાત અને ભવિષ્ય સતત ભયંકર! એમને લાગે છે કે એમના જમાનામાં ચીજવસ્તુઓ બહુ સસ્તી હતી. પણ તો એમને ઘેર એ વખતે ઘી-દૂધની ગંગા-જમના કેમ ન વહેતી - એ સવાલનો જવાબ જ નહિ... સવાલ સુદ્ધાં એ ગળી જાય છે! એક જમાનામાં 'એ...ય ને લીલાલ્હેર હતા'ની વાતો કરનારાઓ પાછા આખું ગામ એક ફળીમાં રેડિયો પર એક ગાયન સાંભળવા ભેગું થતું - એની વાતો બોખાં મોંએ કરતા જાય છે. આજે ઘેર ઘેર ઝૂંપડપટ્ટીમાં પણ ટીવી ને મોબાઈલ છે. એના વગરનું જીવન ફાવશે? કે ફરી એસટીડી કોલ જોડવા ઘોડાગાડીમાં જવું છે?
અસલના જમાનામાં સોનું કેવું સસ્તું ને ઘી કેટલું એકવીસ રૂપિયામાં આવતું એવી સોંઘવારી માત્ર કાગળ પર જ જૂના જમાનામાં લાગતી. બાકી ત્યારના પગારધોરણને ઘ્યાનમાં લો, તો ખરીદશક્તિ ત્યારે કેસર કેરીના ગોટલા ખરીદવાની ન રહેતી. આજના પગારદાર પટાવાળા પણ કેસરની પેટી નહિ તો આઈસ્ક્રીમ છોકરાંવને લઈ દે છે. જૂના જમાનાના 'અસલી ઘી-દૂધ' ખાઈને ચોખ્ખી હવામાં તંદુરસ્ત થયેલા ભડભાદર પૂર્વજોને કોગળિયું (પ્લેગ) કે ટીબી જેવો એકાદ આજે સામાન્ય લાગતો રોગ પથરાના એક ઘાએ ટપોટપ પાકાં રાવણા પડે એમ ખેરવી નાખતો હતો! સુવાવડમાં સ્ત્રીઓ બાળક જ્યાંથી જન્મતું એ મૃત્યુલોકમાં પહોંચી જતી, અને 'નવી'નું ઘરઘરણું થતું.
જૂના એ મહાન જમાનામાં મચ્છરો હતા. વીજળી નહોતી. આખી રાત એ ટોચી ખાતા. ગેસ સ્ટવના અભાવે પરોઢિયે મહિલાઓ ચૂલો ફૂંકી ફૂકીને ધમણની જેમ શ્વાસ ચડાવી દેતી. એક ગામથી બીજે ગામ કારમાં નહિ, ઘોડા પર કે ગાડામાં જવું પડતું. વિમાન કોઈએ ભાળ્યાં નહોતા. ઇન્ટરનેટના સપના પણ દીઠાં નહોતાં. વારતહેવારે ગારમાટીના મકાનોના ગુણગાન ગાનારા એક ચોમાસું ઘોડાપૂરે એ
મકાન કેવા પાણી ભેગા કાંપ થઈ જતાં એના આંખે દેખ્યા અહેવાલો ભૂલી જાય છે. અમસ્તા જ કંઈ સિમેન્ટના પાક્કા બાંધકામ થોડા દેશભરમાં ફેલાયા છે? કેવળ આયુર્વેદથી બધા સાજા થઈ જતા હોત અને તાજામાજા જ રહેતા હોત, તો પછી ઠેર ઠેર ડોક્ટરો-હોસ્પિટલો-દવાઓની માયાજાળ કેવી રીતે પ્રવેશત? ગુજરાતી માધ્યમની શાળાઓથી અંગ્રેજી ટકોરાબંધ કર્યું હોત તો ઇંગ્લિશ મિડીયમ આવ્યું ન હોત!એ મહાન જમાનો... જેમાં ફ્રીજ, વોશિંગ મશીન કે એરકન્ડીશનર નહોતા.... જેમાં ગરમીમાં ચામડી પર ફોલ્લા પડતાં અને કપડાં ધોકાવીને સંધિવા થઈ જતો.જરાક સરકારી દફતરો જુઓ, કુટુંબનો ભૂતકાળ યાદ કરો. ઘણાખરા લોકો આ કોરોનાકાળ કરતાં ય વહેલા મરી જતાં!
ભૂતકાળ ભણી હંમેશ જેમની અમીનજર રહી છે એવા ઘણા મહાનુભાવો તો પાછા સીધા જ રામાયણ-મહાભારતકાળમાંથી પહેલી ફ્લાઈટ પકડી આપણા મનમંદિરમાં 'લેન્ડિંગ' કરે છે. 'એ ભવ્ય સતયુગના દિવસો...' પણ એમાં ય ધર્મની સત્તા માટે યુદ્ધો લડવા પડતા. જ્યાં રાક્ષસો આશ્રમો ખેદાનમેદાન કરી નાખતા હતા. જ્યાં રાજાઓ અને ઋષિઓને એકાધિક રાણીઓ રહેતી. અને પરણેતરોના અપહરણો ને વસ્ત્રાહરણો તો રાજકુટુંબોમાં ય થઈ જતાં હતા. જો એ જમાનો એટલો સુલક્ષણો હતો, તો પછી 'સત્યમ્ વદ, ધર્મમ્ચર' વાળા સુવાક્યો ગાઈવગાડીને કોના માટે કહેવામાં આવ્યા? જો ભૂતકાળ આટલો જ મહાન હોય તો પછી વર્તમાન આવો ખરાબ કેમ થયો? શ્રેમાંથી શ્રે જ નીપજવું જોઈએ. જો નબળું નીપજે તો પછી એના મૂળિયા જ નબળાં કહેવાય ને?
ખેર, આ બધા તર્કના લસરકાં છે. પણ આ ક્રિયા સમજવા માટેનો શબ્દ જ છે ઃ હાઈન્ડસાઈટ. માણસ વારંવાર ફ્લેશબેકમાં સરી પડે ત્યારે એ સફરમાંથી માત્ર સુખદ (કેફક્ત દુઃખદ) સંભારણાઓના મોતી જ વીણતો આવે છે. આવી મીઠીકડવી 'સિલેક્ટિવ' ભૂતકાળ વાગોળતી દ્રષ્ટિ એટલે 'હાઈન્ડસાઈટ' ! બને છે એવું કે આપણને કુદરતે એક ઈનબિલ્ટ દિમાગી ઈરેઝર આપેલું છે, જે નવી નવી માહિતી અને અનુભવોને શોર્ટ ટર્મ મેમરીમાં સ્ટોર કરવા માટે જૂની જૂની પસ્તી સતત સાફ કરી નિકાલ કરે છે. આ ઝાપડઝૂપડ પછી લોંગ ટર્મ મેમરીમાં માત્ર એવી જ સ્મૃતિઓ ગોઠવાય છે - જે અતિશય આનંદદાયક, સુખદ પળોની હોય કે પછી બેસુમાર ત્રાસદાયક, દુઃખદ ક્ષણોની હોય! નેચરલી, યાદદાસ્તની તિજોરીમાં હાથ નાખતી વખતે જાણી જોઈને દુઃખી થવું તો કોઈને ગમતું નથી! માટે મોટે ભાગે સુખના ભૂતકાળને આપણે વાગોળીએ છીએ. બનેલી ઘટનાઓ પર કાળે તાણેલા ઘસરકા અને વિસ્મૃતિએ ખોદેલા ગાબડાને કલ્પનાના રંગોથી શણગારીએ છીએ!
માટે હાઈન્ડસાઈટમાં આપણને ખુદને આપણો સાચો અનુભવ તાદૃશ થતો નથી. 'રિસ્ટોર્ડ એડિટેડ વર્ઝન'માં જેવું જોવું હોય એવું દેખાય છે. મોટે ભાગે શૈશવ અચરજનું અજાયબઘર હોઈને બચપણની દરેક ઘટના અદ્ભૂત અને અતિરંજક લાગે છે. જુવાનીના તસતસતા ઘોડાપૂરમાં જે ગીતો સાંભળ્યા, જે ખાઘુંપીઘું, જે પહેર્યું ઓઢ્યું, જે જોયું જાણ્યું એ બઘું જ રંગારંગ લાગે છે, 'અલ્ટીમેટ' લાગે છે. ત્યાં આપણી સંવેદનાઓ 'સ્ટીલ એન્ડ ફ્રોઝન' થઈ જાય છે.
શરીર જીવતું રહે છે. સમયના ચાસ ચામડી પર પડતાં રહે છે. પણ મન 'ડીપ ફ્રીઝર'માં મૂકાઈ જાય છે. પછી ગમે તેટલી કર્ણમધુર બંદિશ હોય... આજના બધા જ ગીતો ઘોંઘાટિયા અને પહેલાના બધા ગીતો જ સુમધુર એવી જીદ પકડાઈ જાય છે. પહેલાના લેખકો કે ફિલ્મસર્જકો જ ઉત્કૃષ્ટ અને આજે સઘળા નપાવટ આવી માન્યતાનો મેળો ખાલી દિમાગના પોલાણમાં ઘર કરી જાય છે. આજે છોકરીની છેડતીનો દોષ આઘુનિક ફેશન પર મઢતી વખતે દાયકાઓ પહેલાં ભારેપગી થઈને ગામમાં 'કૂવો પૂરનારી' કોઈ ઘૂમટો તાણેલી વિધવાની વાત ભૂલાવી દેવાય છે. આજની વેબ સિરીઝને દોષ દેતી વખતે ટીવીના ઉદ્ભવ પહેલાં પેદા થઈ ગયેલા દુર્યોધનો કે રાવણોને,હિટલરો કે તૈમૂરો-નાદિરોને ભૂલાવી દેવાય છે!
ખરે, હાઈન્ડસાઈટની ડાઉનમેમરી લેનમાં ખોવાઈ જઈને જરા નોસ્ટાલ્જીક થવામાં કંઈ ખોટું નથી. સ્મૃતિઓ તો ઈન્સાનનો જાતે મેળવી કાઢેલો ખજાનો છે. મનના પડદા પર એની ફિલ્મ ચાહો એટલી વાર રિવાઈન્ડ કરો, ઓડિયન્સ મળે તો બોલીને એની લાઈવ કોમેન્ટ્રી આપો. પણ હાઈન્ડસાઈટમાં ડોકિયું કરતી વખતે એક સૂચના સતત યાદ રહેવી જોઈએ... એ જે કંઈ આપણને જૂનું એટલું સોનું લાગે છે... એ જ્યારે નવું હતું ત્યારે પિત્તળ જ હતું. એના પર લાગેલા સમયના ગિલેટને કારણે આજે એ સોનાની જેમ ઝગારા મારે છે. ભૂખ લાગે ત્યારે વાસી ભાત પણ પકવાન જેવા લાગે એમાં ભાતની મીઠાશ કરતાં ભૂખનો પ્રભાવ વઘુ હોય છે.
એવું નથી કે પહેલાંનું જે કંઈ હતું એ ખરાબ જ હતું. એવું પણ નથી કે આજનું જે કંઈ છે, એ શ્રે જ છે. ઘટનાઓ, વસ્તુઓ, વ્યક્તિઓ, સ્મૃતિઓ સારી કે ખરાબ હોઈ શકે છે. પણ એના સારાપણા કે ખરાબપણાના 'જજમેન્ટ' વખતે એ કયા કાળ કે જમાનાની છે, એનું લેબલ ઘ્યાનમાં લેવાની શી જરૂર? જે સારું છે, એની શાશ્વત પ્રશંસા થાય. જે ખરાબ છે એની શાશ્વત ટીકા થાય. આ છે સ્વસ્થ 'ઈનસાઈટ' !
દરેક સમયખંડને પોતાની રીતે ઈષ્ટ અને અનિષ્ટ તત્ત્વો મળી રહે છે. દરેક જમાનાને પોતાના નાયક અને ખલનાયકો હોય છે. સમય ફરે એમ હીરો અને વિલનની વ્યાખ્યા ફરતી જાય છે. ભારત જ્યારે ગુલામ હતું, ત્યારે સ્વદેશીની ચળવળથી જનજાગૃતિ કરનારા મહાનાયકો ગણાતા. ગ્લોબલાઈઝેશનના યુગમાં સ્પર્ધા ટાળીને નવી ટેકનોલોજીના વિરોધમાં જૂનવાણી ચીજોને કેવળ સ્વદેશીના ઓઠાં નીચે વેચવાવાળાઓ મહાખલનાયકો પુરવાર થાય છે! હાઈન્ડસાઈટમાં સ્થિર ખોડાઈ ગયેલી નજર બદલાયેલી પરિસ્થિતિઓ અને પરિવર્તન પામતી જીવનશૈલી તરફ કદી દ્રષ્ટિપાત કરી જ શકતી નથી! પરિણામે, એક નિરંતર સંઘર્ષ ચાલ્યા કરે છે - હાઈન્ડસાઈટ વર્સીસ ફોરસાઈટનો!
ફોરસાઈટ યાને આગળ જોતી દીર્ઘદ્રષ્ટિ. વીતેલા ભૂતકાળની નહિ, આવનારા ભવિષ્યની ઓળખ કરતી પારખુ નજર. જે બદલાતા જ નહિ, ભાવિમાં બદલનારા પ્રવાહો પણ જોઈ શકે છે. વ્યક્તિ પર જ્યારે હાઈન્ડસાઈટનું જોર ખાસ્સું વધી જાય ત્યારે એની ગાડી સતત રિવર્સ ગીઅરમાં ચાલે છે. નવી પેઢી. આપમેળે જ ફોરવર્ડ ગિઅરમાં ભાગે છે અને સર્જાય છે જનરેશન ગેપ! જેમાંથી સર્જાય છે, બીજી અનેક સંબંધોના સમીકરણો ગૂંચવતી સમસ્યાઓ!
વૃદ્ધ થયેલા માનવીઓ કે માનસિક રીતે જનમઘરડાઓ - હાઈન્ડસાઈટમાં જોઈને નજર સામેના જીવાતા જીવનને વખોડતા હોય એ તો જાણે સમજ્યા, પણ ભારત પૃથ્વીના પટ ઉપર પહેલો (અને એટલે જ છેલ્લો રહી ગયેલો) દેશ છે... જે આખેઆખો દેશ હાઈન્ડસાઈટમાં જ જીવે છે! આ ગજબનાક ગમ્મત છે, જે સમજદાર અભ્યાસુને ગમગીન બનાવે છે. વાતેવાતમાં મમ્મીનો સાડલો ખેંચતા બાળકની જેમ ભારતવાસીઓ દરેકે દરેક મુદ્દા ઉપર સતત ભૂતકાળનો પાલવ પકડીને ખેંચ્યા કરે છે. સતત નવાને દોષ આપી જૂનાના વખાણ કર્યા કરવાથી વાસ્તવિકતા એક ઈંચ પણ બદલાવાની છે? જો નહિ, તો પછી આ અરણ્યરુદન શા માટે?
ભારત પાસે અપરંપાર શક્યાતાઓ છે પણ વ્હાલુડાં વારસાવાળી હાઈન્ડસાઈટની નાગચૂડમાંથી આ શક્તિશાળી યુવાઓથી ઉભરાતા દેશે ઝટ બહાર નીકળવા પુરજોશથી પ્રયત્ન કરવો પડશે. હાઈન્ડસાઈટના દૃષ્ટિદોષને લીધે આ દેશમાં દરેક પંડિતપુજારીથી વૈદવેપારી પુરાતન સનાતન મહાનતાની સાચીખોટી બિરદાવલિઓ રચ્યા કરે છે. એમાં વૈજ્ઞાાનિક કે ઐતિહાસિક સત્ય કરતાંલાગણીવેડાંની લિસ્સી લાપશી અધિક હોય છે. સગવડતાપૂર્વક જૂના જમાનાની ખામીઓ ભૂલીને માત્ર સુખાનુભૂતિ જ જૂઠ ને ગપ ભેળવી 'બઢાચઢા કે' પેશ કરવાની ખોટા નંબરના ચશ્મા પેઢીઓથી પેઢીની આંખે ચડતા જાય છે. આવા અવળા નંબરના ચશ્મા પહેરવાથી સારી આંખ પણ વિકૃત થતી જાય છે! અને જન્મે છે વાસ્તવ પ્રત્યેનો ઘેનમાં નાખતો પલાયનવાદ.
હાઈન્ડસાઈટમાં ધૂબાકા મારીએ, પણ કેવળ એમાં જ છબછબિયાં કરવાથી માંદા પડી જવાય. ફરી વાર, દરેક કાળમાં કંઈક ઉત્તમ હોય છે, અને કંઈક અધમ...! અને એમાં અત્યારનો સમય પણ આવી જાય! પ્રાચીન મંદિરો જેવું બેનમૂન સ્થાપત્ય આજે કોતરી શકાતું નથી. આજના મોલમલ્ટીપ્લેકસ જેવું લકઝુરિયસ લેવિશ કલરફૂલ સ્ટ્રક્ચર ત્યારે શક્ય નહોતું. આજનો વર્તમાન આવતીકાલે ભૂતકાળ હશે, ત્યારે વઘુ મીઠો લાગશે, સરસ અને સરળ લાગશે. સંપૂર્ણ શ્રે સ્વર્ગીય સુખ જેવું રામરાજ્ય કે ગાર્ડન ઓફ ઈડન કે બેહિસ્ત કેવળ કિતાબોના પાનાંઓમાં ફફડે છે, હકીકતોમાં નહિ! ધર્મ એ માણસની હાઈન્ડસાઈટ છે, અને વિજ્ઞાાન ફોરસાઈટ. બંનેને સંતુલિત કરે એ છે હ્યુમનસાઈટ! એ જ રિયાલીટી ચેક દિવ્યદ્રષ્ટિ! એને 'મોતી' બનાવવી કે 'મોતિયા'વાળી રાખવી એ આપણા હાથની વાત છે. ૨૧ વર્ષ નવા મિલેનિયમના પસાર કરી આ સમજ ધરાવે એ સમાજની મેચ્યોરિટી !
ઝિંગ થિંગ :
રજનીકાંત જ એવું કરી શકે કે રાજકારણમાં આવતા પહેલા જ નિવૃત્તિ પણ લઇ લે ! ( ટવીટરહ્યુમર )