Get The App

સદીઓથી ભારતને પરદેશમાં મહારાજા બનાવતા મસ્ત મસાલાનો ઈતિહાસ અને એક અકોણા અમેરિકનના કચુંબરનો વર્તમાન !

Updated: Sep 1st, 2021

GS TEAM

Google News
Google News
સદીઓથી ભારતને પરદેશમાં મહારાજા બનાવતા મસ્ત મસાલાનો ઈતિહાસ અને એક અકોણા અમેરિકનના કચુંબરનો વર્તમાન ! 1 - image


- અનાવૃત : જય વસાવડા

- મસાલાનો દબદબો એવો કે પહેલી સદીમાં ગ્રીકમાં લખાયેલ પુસ્તક 'પેરિપ્લસ ઓફ એરિથ્રિયન સી'માં લખ્યું છે કે તજની અડધો કિલો છાલ એવરેજ રોમનના છ મહિનાના પગારની કિંમતમાં મળતી !

સદીઓથી ભારતને પરદેશમાં મહારાજા બનાવતા મસ્ત મસાલાનો ઈતિહાસ અને એક અકોણા અમેરિકનના કચુંબરનો વર્તમાન ! 2 - imageવાત જાણે એમ બની કે અમેરિકાના ધરખમ વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં હ્યુમર કોલમનિસ્ટ જીન વેઈનગાર્ટનની એક કટાક્ષ કોલમ છપાઈ. સીરિઝનું ટાઈટલ હતું 'યુ કાન્ટ મેઈક મી ઈન ધોઝ ફુડ્સ.' જેમાં ભાઈ પોતાને નાપસંદ એવી વાનગીઓની ખીંચાઈ કરી રહ્યા હતા. ફાઈન, જગતમાં કોઈ પણ બાબત પર જોક કરી હસવાનું જ ન હોય તો જીવન એક સતત ચાલતું રૂદન થઈ જાય. પણ કાર્ટૂનની મસ્તીના ય પેરામીટર્સ હોય ને, ના, ના... ધાર્મિક લાગણીઓ ન દૂભવવી એમ નહિ. એ તો દૂભાય એવી મસ્તી થાય તો જ તાલિબાન જેવી કટ્ટરવાદી હસ્તીઓના ગાલે ફટાકા પડે અવાજ વગરના. પણ હસવાના નામે ફેક્ટ ઉંધીચત્તી ન કરી શકાય ને. વડાપ્રધાન હોય તો નરેન્દ્ર મોદીના તીક્ષ્ણ વેધક વ્યંગ વાળા કાર્ટૂન બને લોકશાહીમાં. પણ એમાં મોદીસાહેબને દાઢી વગરના બતાવો તો એ નરેન્દ્રભાઈ જ ન રહે. આ ફેકચ્યુઅલ એરર થઈ. જાહેરખબરોની હ્યુમરમાં ય આ 'કેરક્ટેરાઈઝેશન'નું ધ્યાન તો કેરિકેચરમાં ય રખાતું હોય છે.

તો પેલા જીન વેઈનગાર્ટનભાઈએ આ ગોથું ખાધું. ખાણીપીણીની સળી કરવા જતાં ફનમાંથી રીતસર 'ઈન્સલ્ટ'ના મોડમાં જતા રહ્યા. (આ ભેદ હજુ ઘણા મીમ બનાવવાવાળા મિત્રો કે કોમેન્ટશૂરાઓને સમજાતો નથી, ને નવી શિક્ષણનીતિમાં ય એ એટીકેટનો કોઈ કોર્સ નથી.) એમણે 'ઈન્ડિયન કરી'ના નામથી ઓળખાતી ભારતીય વાનગીઓ પર ગુસ્સો કાઢ્યો. હવે એ તો ઘણા ભારતીયોને ય ખબર નથી કે 'કરી' શબ્દ હિન્દુસ્તાની વ્યંજનો માટે વપરાય છે, ઈન જનરલ. જેમ આપણે રોટલા ખાવા આવો કહીએ તો માત્ર જુવારબાજરીના રોટલા નહિ, પણ ભોજનની થાળી આખી અભિપ્રેત હોય એમ. 'કરી' એટલે કઢી નહિ.

વેઈટગાર્ડને એવો લવારો કર્યો કે ''ભારતીય ભોજન તો એવું બેસ્વાદ હોય છે કે માંસના ઢગલા પર બેઠેલું ગીધ (ગીધ કદી માંસ છોડે નહિ છતાં એ ન ખાય તો કેવું!) ઉડી જાય!'' આટલું કહીને વળી એની બ્રેક વગરની ગાડી બેફામ થઈ. ''આ જગતનું સૌથી પ્રાચીન ભાતીગળ કહેવાતું ફૂડ તો ખાલી એક જ મસાલા (એના મગજમાં મરચું છંટાઈ ગયું હશે તીખાશનું) પર આધારિત છે.''

ખલાસ. આવું હડહડતું જૂઠાણું વાંચીને સૌથી પહેલા તો મૂળ ભારતની, લંડનમાં જાણીતા લેખક સલમાન રશદીની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અને ટોપ શેફ શોમાં જજ તરીકે આવતી હોટ સુપરમોડેલ પદ્માલક્ષ્મીનું બોઈલર ફાટયું. પોલિટિકલ એજેન્ડાખોરો કાયમ કોઈક ભારતીય સિમ્બોલ વસ્તુઓ પર દેવાય કે વસ્ત્રો-બિંદુ પ્હેરે ત્યાં જ ગોકીરો મચાવી ઉદાર ભારતની બહાર ઈમેજ 'ઉધાર તાલિબાન' જેવી કરવા મથે છે. પણ રિયલી આપણી બાબતોના ઝંડા લહેરાવવાના હોય ત્યાં એમની ખાલી ખોપરીને ટપ્પા જ નથી પડતા. એટલે રામાયણને બદલે જગતની પ્રથમ વાર્તા 'એપિક ઑફ ગિલ્ગામાશ' સુમેરની બતાવાઈ એ સુધારવાના આંદોલન કરવા જેટલી તો અક્કલ એમનામાં સાત ભવે નહિ આવે. પણ સેલેના ગોમેઝ સાડી-બિંદીમાં ડાન્સ કરશે તો સ્ત્રીનું શરીર જોઈને ધરમના નામે આખલા જેવા ભૂરાયા થઈ જશે! વચ્ચે ઈડલી બાબતે બફાટ કરનાર એક પરદેશીને બાપદીકરા શશી થરૂર-ઈશાન થરૂરે રમૂજમાં રોસ્ટ કરેલો.

પણ આવા રિયલ ઈસ્યુઝ તો ભારતનું રિયલ બ્રાન્ડિંગ કરવા એવા જ લોકો ઉઠાવે જે ઈન્ટેલીજન્ટ હોય, ગ્લોબલ માઈન્ડસેટ ને કલ્ચરલ રૂટસ બેઉ ધરાવતા હોય અને ન્યુટ્રલી ફેક્ટ્સ સ્ટડી કરીને રંગીનમિજાજ કલરફુલ જીવતા હોય. એટલે પદ્માલક્ષ્મીએ તો સીધું કાલિકાસ્વરૂપ ધારણ કરીને ટ્રોલીયાટપોરી થવા ગયેલા હ્યુમરમાંથી ટયુમર સુધી પહોંચેલા એ મહાશય પર ધૂમધડામ એટેક જ કર્યો. અલબત્ત, સિવિલાઈઝ્ડ સોસાયટીને છાજે એમ શબ્દોથી. ટ્વીટ કરીને ઉધડો લીધો કે 'એલા ઘોઘા (આ આપણું ઉમેરેલું છે હોં) ઓન બિહાફ ઓફ ૧.૩ બિલિયન પીપલ કાઈન્ડલી ફ... ઓફ!' ચતુરાક્ષરી અંગ્રેજી એફ વર્ડની ગાળ જ ઠોકીને જે કહ્યું એનો મતલબ એ કે ''કૃપયા ભાડમાં જા, તેલ લેવા જા, પડ ચૂલામાં, મૂઆ મહાણિયા, એક અબજ ત્રીસ કરોડ ભારતીયો વતી લે લેતો જા ડફોળનઘરોળ.''

પદ્માલક્ષ્મીએ તો ભારતને મસાલાનો એન્સાયક્લોપિડિયા લખ્યો છે. એ વાંચવાની ય ભલામણ કરી એણે પેલા લલ્લુલાલને. તે કીધું કે 'એક જ મસાલાથી ભારતીય ભોજન બને છે, એવા ફાંકા ઠોકવાવાળા તારા જેવા ગપ્પીદાસને મસાલાઓ અને સ્પાઇસીઝ બાબતે ભણતરની જરૂર છે.' પછી વોશિંગ્ટન પોસ્ટને ય લબડધક્કે લઈ એણે લખ્યું કે આ તો તમારો કોલોનિયલ (સામંતશાહી) એટીટયુડ થયો. ઈન્ડિયન ક્વિઝીન (ક્વિઝીન એટલે પાક-શાસ્ત્ર, રસથાળ, ભોજન સ્વાદ) બાબતે કોઈ જાણકારી છે કે નહિ?

પછી તો પદ્માલક્ષ્મી જોડે બીજા ય જોડાયા. પાકિસ્તાની લેખિકા શિરીન અહેમદે એને સપોર્ટ કર્યો! એણે જે સ્વસ્તિવચનો સંભળાવ્યાં વેઈનગાર્ટનને એ આ રહ્યા ઃ ''મને પાકિસ્તાની (એટલે મૂળ તો હિન્દુસ્તાની જ ને!) કૂકિંગનું ગૌરવ તો છે જ પણ હું સાઉથ ઈન્ડિયન અને ભારતના અદ્ભુત ફ્યુઝન (મિશ્રણ) ધરાવતા સ્વાદને ય બહુ ચાહું છું. તારા જેવા આવી ખોટી રેસિસ્ટ વાતો લખવા માટે કાવડિયા રળે એ તો હદ કહેવાય. (પછી ટિપિકલ દેશી શ્રાપ ચાલુ થયા છે!) જા તારા ભાત ચીકણા રહે, રોટલી સૂક્કીભઠ્ઠ થઈ, તારા મરચાં તારી જીભ સડસડાવી દે ને તારા પાપડ હવાઈ જાય નખ્ખોદિયા!''

ઓલો વેઈટગાર્ટન પાછો ભૂલ કબૂલ કરી સુધારો કરવા જેવો નિખાલસ નહિ પણ લુચ્ચો હશે એટલે વોશિંગ્ટન ડીસીમાં કોઈ રસિકા નામના ભારતીય રેસ્ટોરાંમાં ગયો ને ટ્વીટ કરી કે 'હું ખાસ ગયો ને ખોરાક મસાલામાં તરતો હતો એ સુંદર દેખાતો હતો પણ જામ્યો નહિ. હું મારા શબ્દો પાછા ખેંચતો નથી.' પણ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભારતીય મૂળ ધરાવતી મૂંહફાટ ભત્રીજી મીના હેરિસે ય એને ઉંચકાવ્યો કે 'એલા, કોલમ્બસને ય સદીઓ પહેલા એટલી તો ખબર હતી કે ભારત એટલે માત્ર એક મસાલો નહિ!' (ભારતીય મસાલાઓની તલાશમાં નીકળેલા કોલંબસે પહેલી વાર અકસ્માતે અમેરિકાની શોધ કરી હતી) પ્રાંત ભરારા, મિન્ડી કોલિંગ જેવી ભારતીય મૂળની અમેરિકન સેલિબ્રિટીઓ ઉપરાંત શ્રી શ્રીનિવાસન, અલ્લૂ અરૂર, કેટલાક જાણીતા શેફ, હોલીવૂડની બે-ચાર હીરોઈનો, મેક્સિકનો, બ્રિટિશ મુસ્લિમો, ગોરા કાળા અમેરિકાનો બધાએ સબોડયો. લીના શ્રીવાસ્તવે તો કહ્યું કે 'મારે કોઈ ભારતીય લેખકને વાંચવા છે જે મસાલા વગરના અમેરિકન ફૂડના ચીંથરા ફાડે ને ધજ્જીયાં ઉડાવે!' ને તોરસા ઘોષાલે કહ્યું કે ''બૂડથલ, અમેરિકાના કોઈ ઈન્ડિયન સ્ટોરમાં જઈ ગરમ મસાલાનું પેકેટ લઈને વાંચ. એમાં ય એકને બદલે ડઝનબંધ મસાલા હશે!''

અંતે એક અઠવાડિયા પહેલાના શ્રાવણિયા સોમવારે વોશિંગ્ટન પોસ્ટ જે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે ય માફી નહોતું માંગતુ એવું વાયડું હતું, એણે એપોલોજી પ્રગટ કરી. ઓનલાઈન એડિશનમાં એ આર્ટિકલ એડિટ કરી નોંધ મૂકી કે 'ભારતીય ભોજન માત્ર એક જ મસાલાનું બનેલું છે, એ તદ્દન ખોટી (ઈનકરેક્ટર) વિગત છે. ઇનફેક્ટ, ભારતીય સ્વાદ માત્ર 'કરી' શબ્દમાં સમાતો નથી. અઢળક વૈવિધ્યપૂર્ણ વાનગીઓથી ભારત સમૃધ્ધ છે, જેમાં અનેક અવનવા મસાલા વપરાય છે.' અંતે વેઇનગાર્ટનમાં ય સાન ઠેકાણે આવી. ગ્રિલ્ડ એન્ડ ગ્રાઈન્ડ થઈ એણે લખ્યું કે 'સોરી, મારે એકાદ વાનગીનું નામ લઈ લખવું જોઈતું હતું. આ સીરિઝ હું કેવો બાઘો છું (ડિ..હેડ શબ્દ વાપર્યો એણે તો) એ બતાવે છે. ને ભારતીય સ્વાદમાં વિવિધ મસાલા ભેગા થાય છે. માફ કરશોજી.'

યે હુઈ ન બાત. ઝંડા ઉંચા રહે હમારા. સત્યમેવ જયતે. પણ આ બહાને યાદ આવ્યું કે ખાવાપીવાના શોખમાં તો ભારતને કશું કહેવાપણું નથી. પણ આપણા સંગીત કે શિલ્પના વારસા જેટલી ય સમજ આ ગુણકારી અને સ્વાદિષ્ટ મસાલાના વારસા બાબતે આજે કેટલાને છે? જૂઠી દંભી ધાર્મિકતાના હાકલાપડકારામાં જેમ વિશ્વનો અણમોલ શૃંગારરસનો ભારતીય વારસો ભારતમાં જ ભૂલાઈ ગયો છે, એવું મસાલાનું, ઇનફેક્ટ સ્વાદનું ય ગણવું. જેનું ગૌરવ તો દૂર, ખાલીખોટા ચીકણા પથ્યાપથ્યની એલર્જીથી અધૂરિયાઓ આવી જ સાવ ખોટી અવૈજ્ઞાાનિક માહિતી પ્રાચીન આહારવિહારના નિયમોના નામે ફેલાવે છે, ને શાસ્ત્રોના ઓઠાં લઈ અપગ્રેડેશન વગરની ગપ્પાઠોક માટે માફી ય નથી માંગતા. ઉલટા, ધમકીઓ ને ગાળાગાળીઓ પર ચડી જાય છે. અમુક તો વૈદકના નામે કોક ટેસથી ખાય ને પચાવે એ જોઈને ય ઝાડા થઈ જાય એવા બંધિયાર દિમાગ હોય છે.

પણ જૂની 'જો બીવી સે સચમુચ કરતે પ્યાર વો પ્રેસ્ટિજ સે કૈસે કરે ઇન્કાર'ની જાહેરાતની માફક જ ચિંતા થાય કે આપણે છોડવા જેવું જૂનું છે એનો અહંકાર રાખીએ છીએ, ને જે સાચે આપણું જ અનોખું અભૂતપૂર્વ છે એનો કોઈ અહોભાવ જ નથી કે જગત સામે છાતી કાઢી ફરીએ. તો 'જો ભારત સે સચમુચ કરતે પ્યાર, તો રંગ, કામસૂત્ર ઔર મસાલોં સે કૈસે કરે ઇન્કાર?'

એમાં આ સ્પાઇસીઝ, યાને મસાલાઓએ તો ભારતનો શું આખા જગતનો ઇતિહાસ પલટાવી દીધો હતો! સ્પાઇસીઝ અંગ્રેજી શબ્દ એ જ કૂળમાંથી આવ્યો છે, જેમાંથી 'સ્પિશિઝ' (યાને જાતિ-પ્રજાતિ) શબ્દ આવ્યો છે. અને 'સ્પેશ્યલ' શબ્દ પણ એ જ મૂળની ડાળી છે લેટિનમાંથી. મસાલાને સ્પેશ્યલ ને વરાયટી ગણવામાં આવ્યા કારણ કે પાછળથી દુનિયા પર રાજ કરનાર પશ્ચિમ માટે સાચે જ એ ખાસ હતા. ખાસ એટલે સોનાચાંદીહીરારત્નોની હારોહાર. કહેવામાં નહિ, રિયલમાં, ભાવપત્રક મુજબ.

પાંચમી સદીમાં ત્યારે તો ઈજીપ્ત પણ જેના કબજામાં હતું એ રોમનોએ ટેક્સ માટેનું ડોક્યુમેન્ટ બહાર પાડેલું 'એલેક્ઝાન્ડ્રિયા ટેરિફ' નામથી. જે ખાસ લક્ઝરી ચીજ ગણાય કે જેના પર તગડો ટેક્સ (આપણે ત્યાં અત્યારે ઇમ્પોર્ટેડ પ્રીમિયમ કાર કે શરાબ પર છે એવો) ઝીંકાયો હોય. એમાં ૫૪ આઇટેમ્સ પર ૨૫% જેવો એ સમયનો હેવી ટેક્સ હતો. જે પૂર્વથી આયાત થતી હતી. જેમાં સિંહ, ચિત્તા, રેશમ, હાથીદાંત, ભારતીય કિન્નર જેવી ચીજો સાથે તજ, મરી, એલચી, જાયફળ, આદૂ, હળદર જેવા મસાલા પણ હેવી ડયુટી ટેક્સ ધરાવતી ઇમ્પોર્ટેડ આઈટેમ્સમાં હતા ! એ વખતે એપિકુરસે જે કૂકબુક લખેલી ત્યાં ૪૭૮ વાનગીઓની રેસિપી બતાવતી એમાંથી બે તૃતિયાંશ (ટુ થર્ડ-ઓલમોસ્ટ સેવન્ટી પર્સેન્ટ) વાનગીઓમાં મસાલા હતા.

મસાલાથી માંસ લાંબો સમય જળવાતું કે બગડી ગયું હોય તો એની દુર્ગંધ દૂર થતી આ બધી ખોટી માન્યતાઓ છે. તેલ, નમક, ખાંડની ચાસણી પ્રિજર્વેટિવ છે. તે મોંઘાદાટ મસાલા અમીર વર્ગને જ પોસાતા જે વાસી ખોરાક ખાય એવા મુફલિસ નહોતા. પણ શરૂઆતમાં ધૂપસળી માટે વપરાતા મસાલાથી ફિક્કાં ભોજનમાં સ્વાદ સરસ આવતો. અને આરોગ્ય પણ સારું રહેતું. ખાસ યાદ રહે કે મરચું અને લિવંગ ત્યારે આપણા તેજાનાનો હિસ્સો નહોતા. ટમેટા બટેટાની જેમ એનો વધુ ઉપયોગ ૧૬મી ૧૮મી સદીમાં પરદેશીઓ લઈ આવ્યા પછી થયો. જીરૂં, રાઈ, મેથી, સુવા, અજમો, કોકમ, બાદિયાન, તમાલપત્ર વગેરે ભારતીય મસાલામાં ઇરાન-અફઘાનિસ્તાનની હિંગ અને વર્ષો પહેલા આવેલી કોથમીર એકરસ થઈને ભળી ગઈ છે. એ વખતે ભારતીય મસાલામાં શિરમોર હતા ઃ તજ અને મરી. પછી હળદર અને સૂંઠ. તુલસી આપણે પવિત્ર ગણીએ, ને સ્વાસ્થ્યવર્ધક હોવા છતાં મસાલામાં ન ખાસ વાપરીએ, પણ યુરોપમાં બેસિલના નામે એના-કઝીન વપરાય.

પશ્ચિમમાં ભારતીય મસાલાઓ તો પાછલા મિલેનિયમના આરંભે સ્ટેટસ સિમ્બોલ બની ગયેલા. ઠંડા બરફીલા પ્રદેશમાં આ બધું બહુ ઉગે નહિ. ને ફરજીયાત ખાવું ને જાળવવું પડતું માંસ કે બ્રેડ પ્રિઝર્વેટિવ નમકને લીધે બેસ્વાદ લાગે. ભારતીય મસાલા સાથે જાદૂઈ વાર્તાઓ જોડાયેલી હતી, એ કેમ ઉગે ને એના ફૂલછોડફળ કેવા હોય એ વેસ્ટર્ન વર્લ્ડે કદી જોયું જ નહોતું. માટે કિસમ કિસમની કાલ્પનિક કહાનીઓ ચાલતી. ભારત તો બહુ દૂર હતું ને ત્યારે સેટેલાઇટ વ્યૂ કે વિમાની સેવાઓની તો કલ્પના જ નહોતી. ચીન નો ટ્રેડિંગ સિલ્કરૂટ પણ અજાણ્યો હતો. ગ્રીકો તો એવું માનતા કે ભારતની તરફ દક્ષિણ દિશામાં જાવ તો સમુદ્ર ગરમ થઈ જાય ને વસવાટ હોય જ નહિ. પણ સિકંદરના લીધે એશિયાના નકશાની ત્યાં ખબર પડી અને ભારતના સુવર્ણયુગ કહેવાય એવા ઇસ્વીન પૂર્વે ૫૦૦થી ઈ.સ. ૫૦૦ના મૌર્ય-ગુપ્તયુગ- કુષાણ, ચોલ વગેરે રાજાઓના સમયમાં ઉત્પાદન ધમધોકાર હતું. નવી દુનિયા ખેડવાનું સાહસ તો આજની જેમ પહેલેથી ઓછું, એટલે સંતોષી ભારતીયો કદી દુનિયા ખોળવા ન નીકળતા. આરબ ખલાસીઓ કે યુરોપિયનો ભારતની ખોજ કરતા. વાસ્કો ડી ગામાની પેઢીઓ ય ન જન્મી હોય ત્યારે ઈ.સ. ૧૨૦માં રાતા સમુદ્રમાં ભેદી રીતે એક ભૂતિયા ફિલ્મ જેવું જહાજ દેખાયું, જેમાં માત્ર એક ખલાસી જીવતો બચેલો, ત્યારે એલેકઝાન્ડ્રિયા બંદર ઈજીપ્તનું ગ્રીકોના કબજામાં હતું, અને સમ્રાટ પ્રોલેની આઠમા સામે એને પેશ કરાયો, ત્યારે બેમાંથી કોઈને ભાષા આવડે નહિ. અંતે એ મૂળ ભારતના ખલાસીને ગ્રીક શીખવા મોકલી દેવાયો. એ વખતે ઈજીપ્તથી ભારત આવવાના દરિયાઈ માર્ગ પર આરબોનો કબજો હતો (ઇસ્લામ પછી આવ્યો, અરેબિયા તો એ પહેલા ય હતું.) ખલાસીએ વતન પરત જવાની વાત કરી. સમ્રાટને સાચું બોલવાની સાબિતી માટે ભારતનો અલાયદો દરિયાઈ માર્ગ બતાવવાની વાત કરી. ભૂગોળનો અભ્યાસુ ગ્રીક ઉમરાવ એકઝોડયુઅમ એની જોડે ગયો. અનેક મહિનાઓ પછી એ દક્ષિણ ભારતથી મસાલા અને રત્નોની ખેપ ભરીને પાછો આવ્યો. રાણી કિલ્યોપેટ્રા ત્રીજીએ ફરી મોકલ્યો. પણ પછી સમંદરમાં એ ગાયબ થઈ ગયો તે દેખાયો નહિ.

પણ દરિયાઈ પવનો સાનુકૂળ હોય ત્યારે ત્યાંથી સોએક જેટલા વહાણો પ્રતિવર્ષ કેરળ, તમિળનાડુ અને ગુજરાતના બંદરોથી ભારત ને આસપાસના ચીન, મલયેશિયા, જાવા, સુમાત્રા, બાલિ, થાઈલેન્ડ જેવા ટાપુઓના મસાલા ભરી જતા. પછી પ્રવાહ પલટાયો. ગ્રીકો-રોમનો બાદ ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે ક્રૂસેક્સ કહેવાતા યુદ્ધો શરૂ થયા. તુર્કીનું - કોન્સ્ટિનોપલ / ઇસ્તંબુલ એશિયા- યુરોપને જોડતી કડી બન્યું, અને એમાં ભારતીય મસાલાના ટ્રેડિંગમાં આરબ ખલાસીઓનો જ દબદબો રહ્યો. જે રૂટમાં અન્ય ખ્રિસ્તી યુરોપિયનોને એન્ટ્રી નહોતી.

પણ મસાલાનો દબદબો એવો કે પહેલી સદીમાં ગ્રીકમાં લખાયેલ પુસ્તક 'પેરિપ્લસ ઓફ એરિથ્રિયન સી'માં લખ્યું છે કે તજની અડધો કિલો છાલ એવરેજ રોમનના છ મહિનાના પગારની કિંમતમાં મળતી ! પ્લીની ધ એલ્ડરે રોમમાં લખ્યું કે દર વર્ષે આપણી સાડા પાંચ કરોડ મુદ્રાઓ તો ભારતીય મસાલા ખરીદવામાં વપરાય છે. આપણે ૧૬ પૈસાના કોલા ડ્રિન્કના ચાલીસ રૂપિયા કે પાંચ રૂપિયાની પોપકોર્નના બસ્સો રૂપિયા જેવો કકળાટ કરીએ, એમ એણે કહેલું કે આ તો મૂળ કિંમતથી સો ગણા હશે ! આવા કમ્મરતોડ ભાવને લીધે ઇન્ડિયન સ્પાઈસીઝ દેવતાઓ બનાવતા એવી વાર્તાઓ ય પ્રચલિત થતી. ઇ.સ. ૪૦૮માં રોમ પર ગોથ જાતિના રાજા એલરિકે હુમલો કર્યો ત્યારે ખંડણીમાં ૨૩૦૦ કિલો સોનું, ૩૦૦૦૦ સિક્કા રૂપું, ૪૦૦૦ રેશમી તાકા, ૩૦૦૦ વસ્ત્રો ઉપરાંત ૧૩૦૦ કિલો મરી માંગેલા !

સોના કરતાં ય મરી વધુ પ્રીમિયમ ભારતના ! એક કારણ એ ય કે વજનદાર સોના કરતા હળવા મસાલાની જથ્થાબંધ હેરફેર આસાન ને નફો તગડો ! એમાં જ ઈટાલીના વિખ્યાત ખગોળશાસ્ત્રી પાઓલો તોસ્કેનેલીએ ૧૪૭૪માં પોર્ટુગીઝ દરબારમાં લિસ્બન ખાતે ધડાકો કર્યો કે 'ઇન્ડિયા ઃ ધ લેન્ડ ઓફ સ્પાઈસીઝ' જવાનો શોર્ટેસ્ટ રૂટ એણે અનુમાનથી તારવ્યો છે. જેમાં ટિપિકલી સાઉથ જવાને બદલે વેસ્ટ જવાથી ભારત ઝડપથી મળશે ! એની પ્રતિષ્ઠા અવકાશ વિજ્ઞાાની તરીકે મોટી એટલે જરા ચર્ચા ચાલી, ને એને મળી એણે કલ્પનાથી બતાવેલ- નકશો મેળવવા ગયો ખલાસી ક્રિસ્ટોફર કોલંબસ.

ઉડું વાંચનારા માટે પછીની કથા જાણીતી છે. તોસ્કેનેલીએ યુરેશિયા અને પૃથ્વીના પરિઘના પ્રમાણમાપમાં ગરબડ કરેલી, ને કોલંબસ અમેરિકા તરફ ઇન્ડિઝ ટાપુ પહાંેચી ગયો અંતે તે ભારતીયો કે ઈવન મસાલાના છોડ-ઝાડ-પાન કશું જોયું નહોતું એના આદિવાસીઓ- પાસેથી મરચાં ઉપાડી આવ્યો ! જેમાં અમેરિકાના મૂળ નિવાસીઓને 'રેડ ઇન્ડિઅન' નામ મળ્યું. ૧૪૯૬માં કોલંબસની બીજી સફરે ભારત ગોતવામાં શક્કરવાર ન વાળ્યો ત્યારે ૧૪૯૭માં પોર્ટુગલના રાજા મેન્યુઅલે વાસ્કો ડી ગામાની કપ્તાનીમાં જહાજી કાફલો તૈયાર કર્યો. અને મુસ્લિમો-ક્રિશ્ચયનોના કન્ફયુઝન વચ્ચે આફ્રિકાથી ગુજરાતી કાનજી માલમ મળી જતા અંતે આપણા મલબારી કાંઠે કાલિકટ (કોઝિકેડે) માં રાજા ઝામોરિનને મળ્યો. હિન્દુ ધર્મ (એ નામ પણ પહેલા વપરાતું નહોતું) કશું ન જાણતા ગામોને દેવીઓના મંદિરો વર્જીન મેરીના લાગેલા. પણ એણે પશ્ચિમ માટે દ્વાર ખોલી નાખ્યા. ભારત સાથેનો વેપાર માત્ર મુસ્લિમ આરબ વચેટિયાઓ / મિડલમેનને બદલે બધો ડાયરેક્ટ કરવા માટે. વેપારનો મુખ્ય મુદ્દામાલ ? મસાલા અને કાપડ !

આ તો લાંબો ને રસપ્રદ ઈતિહાસ છે, ભારત શરૂ થયેલી આવી પશ્ચિમી યાત્રાઓનો. પણ એ બાજુએ રાખી એ પોઇન્ટથી ૧૦૦ વર્ષ પાછળ જઈએ તો ૧૪૦૦ની સાલમાં યુરોપની શાન જેવા ધમધમતા ઇટાલીયન બંદર વેનિજામાં વર્ષે ૫૦૦ ટન મસાલા ભરીને વહાણો આવતા ! અને એમાં ૬૦% હિસ્સો ભારતીય મરીનો હતો ! એ મરીના ભાવ ૧૪૧૦થી ૧૪૧૪ વચ્ચે આઠ ગણા થઈ ગયા ! ને ૧૪૫૩માં કોન્સ્ટિનટિનોપલનું બામેન્ટાઇન સામ્રાજ્ય બાદ પતન થયું. પછી ઇન્ડિયા સાથે ડાયરેક્ટ ટ્રેડિંગ કરવા ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓ સ્થપાઈ.

જેમાંથી અંતે અંગ્રેજો ફાવી ગયા ને છીડું શોધતાં લાધી પોળની જેમ મરી શોધવા જતાં ભારત કબજે કરી લીધું ! ૧૭૩૩માં નોરિસ સ્ટ્રીટ કાફેએ લંડનમાં ભારતનો સ્વાદ પીરસવાનો પ્રથમ પ્રયોગ કર્યો પછી શેખ દીન મોહમ્મદ નામના બ્રિટીશ આર્મીમાં કામ કરી ચૂકેલા ને આઇરિશ સ્ત્રીને પરણેલા ભારતીયે ૩૪, જ્યોર્જ સ્ટ્રીટમાં શરૂ કર્યું ઇન્ડિયન કાફે. ને ૧૮૨૪માં બ્રિટિશ ઓરિયેન્ટેલ કલબે ભારતમાં કામ કરી આવેલા ગોરા સાહેબો માટે ભારતીય વાનગીઓ શરૂ કરી ને ૧૮૩૯માં એને 'કરી' નામ અપાયું ત્યાં. ૧૯૨૬માં હૈદ્રાબાદી રાજકુમારી અને ઇંગ્લિશ લેફટનન્ટ જનરલના પ્રેમલગ્નના પ્રપૌત્ર એડવર્ડ પાદમરે આજે ય ચાલુ એવું ફુલફલેજડ પુલાવથી ઢોસા પીરસતું 'વીરાસ્વામીઝ' ૯૯, રીજન્ટ સ્ટ્રીટમાં શરૂ કર્યું.

૧૬૦૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીવાળા અમુક ખલાસીઓ ને સાહેબો નવી દુનિયા જેવા અમેરિકા તરફ સેટ થવા લાગ્યા. ૧૮૨૦માં બંગાળી મુસ્લિમ ફેરિયાઓ ત્યાં ભારતીય ચીજો વેંચતા. પછી શરૂઆતમાં ત્યાં પરણતા થયા. મેકિસકન, આફ્રિકન અમેરિકન, પ્યુઅર્યેરિકન સાથે. ૧૯૨૦માં તો ન્યુયોર્કમાં અડધો ડઝન ભારતીય રેસ્ટોરાં હતા. પછી આજે તો ટાઇમ્સ સ્કવેરમાં ગુજરાતીએ ખોલેલું ઇન્ડિયન રેસ્ટોરાં ય જોવા મળે. શિકાગોના દેવોનમાં પાણીપુરી મળે સ્વીત્ઝર્લેન્ડના માઉન્ટ ટિટિલસ ખાતે પાઉંભાજી મળે એમ ! પટેલ બ્રધર્સના સ્ટોર્સમાં અમેરિકા ખાતે મસ્ત ભારતીય મસાલા મળે. અને કેસર પણ કાશ્મીરથી સ્પેન સુધીનું મળે ! સ્ટારબક્સમાં હળદરવાળું ગોલ્ડન મિલ્ક પણ મળે.

હા, તટસ્થભાવે સ્વાદશોખીન જીભે એક ફરિયાદ ખરી, અપવાદો બાદ કરતાં દૂબઈથી સિડની ને લોસ એન્જલ્સથી નાઇરોબી સુધી ફુટી નીકળેલા પરદેશી ઇન્ડિયન રેસ્ટોરાંમાં ઘણી જગ્યાએ ઓથેન્ટિક ટેસ્ટ નથી ય હોતો. ફ્રોઝન ફુડ સાચવી ગરમ કરી પીરસી દેવાય છે. વેઇનગાર્ટને આવું જ કંઈક ફ્રિજમાંથી કાઢેલું ને ફરી તળેલું સમોસું ઝાપટી લીધું હશે. પણ એણે તો માણેકચોક કે આઠવાલાઇન્સ કે પછી ઇન્દોર, દિલ્હી, મુંબઈ, કલકત્તા આવી ખાવું જોઈએ. ખાલી આંધ્ર-કર્ણાટકની ચટણીઓ ગણશે તો ય મોં ગલોફાંમાં મસ્સાલેદાર બટેટુંવડું પેસી જાય એટલું પહોળું થઈ જશે.

પણ મસાલાનું મિસ્ટીસીઝમ બરકરાર રહેશે. કોલંબસ ભેગા ગયેલા ડોકટરે આદૂ/સૂંઠના ગુણગાન ગાયા હતા. મરીનો પાચનક્રિયામાં ફાળો કે હળદરનું આંતરિક સોજા ઘટાડવાનું ને ઇન્ફેકશન સામે કામ થાય એ ભારત ને ચીનમાં હજારો વર્ષ જૂનું છે, ને આજે ય વૈજ્ઞાાનિક કસોટીએ પુરવાર થયું છે. તજ, લવિંગ, મરચાં, ડુંગળી, લસણ, જીરૂં, મેથી અમુક પ્રકારના બેક્ટેરિયા મારતા એન્ટીબાયોટિક પણ છે કુદરતના, વિરૂધ્ધ આહાર જેવા તદ્દન અવૈજ્ઞાાનિક ગપ્પાથી ભયની દુકાનો ચલાવવા કરતા ભારતીય મસાલાની સાયન્ટિફિકલી જીવન મસાલાની મોજના ઢોલનગારા વગાડવાની જરૂર છે. જેથી તીખું (મરચીના બી જેવું કે મલબારી કાળા મરી જેવું) તમતમતું ખાઈ જે પસીનો છૂટે એ 'ગરમી'ને લીધે હોટ હોટ કહેતા પરદેશીઓ પાણીપુરી ને પેટિસ ઝાપટે ને દાળ-સંભાર વઘારતા શીખે !

ઝિંગ થિંગ !

ભારતના મસાલા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપની બનીને અંગ્રેજોએ ઓલમોસ્ટ ૨૦૦ વર્ષ રાજ કર્યું છતાં એમનો ખોરાક આટલો ફિક્કો કેમ ? ખીખીખી.


Tags :