મનોજ બાજપેયી : સ્ટાર સિસ્ટમે કલાની ઘોર ખોદી છે

- 'અર્થસભર પરિવર્તન આખરે તો માત્ર કલાકારો પર જ નહીં, પણ પ્રતિભા પસંદ કરનારા દર્શકો અને મીડિયા પર પણ આધાર રાખે છે.'
દિલ્હીમાં એક સત્ર દરમ્યાન મનોજ બાજપેયીએ સિનેમામાં પોતાની ત્રણ દાયકા લાંબી કારકિર્દી વિશેના અનુભવો શેર કર્યા હતા અને ૧૮ વર્ષની વયે બિહારથી આવ્યા પછી પોતાના પ્રારંભિક સંઘર્ષોને યાદ કર્યા. મનોજે કોઈપણ ખચકાટ વિના જણાવ્યું કે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ સ્ટાર્સની તરફેણમાં ઝૂકી ગયો છે, જ્યાં પ્રતિભાશાળી કલાકારોને ઘણીવાર માન્યતા મેળવવા લાંબો સંઘર્ષ કરવો પડે છે. મનોજનો સૂર જૂની યાદો તાજી કરવાનો નહિ પણ અત્યંત ટીકાત્મક હતો, જેના માટે વિલંબિત તકો અને મર્યાદિત રચનાત્મક સંતોષ માટે જવાબદાર પદ્ધતિસરની અસમાનતા જવાબદાર હતી.
'ગેન્ગ્સ ઓફ વાસેપુર'ના પ્રીમિયર દરમ્યાન પોતાના અગાઉના વિચારો વિશે ચિંતન કરતા મનોજે નોંધ કરી કે એક કલાકારની મોટાભાગની ઊર્જા અભિગમો, આર્થિક અસ્થિરતા અને પ્રતિભાના સ્થાને વંશને મહત્વ આપતા ઉદ્યોગ સામે સંઘર્ષ કરવામાં વપરાઈ જાય છે.
મનોજે પ્રતિભાના સ્થાને સ્ટારડમને મહત્વ આપવાની બાબતે મીડિયા તેમજ દર્શકોની પણ આકરી ટીકા કરી. તેણે દલીલ કરી કે નવાઝુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારોને વિલંબે માન્યતા મળવાથી તેમણે યુવા વયે અનેક ભૂમિકાઓ ગુમાવવી પડી. મનોજના જણાવ્યા અનુસાર ભારતીય સિનેમામાં ભાગ્યે જ કલાની કદર થાય છે અને તેના સ્થાને બોક્સ ઓફિસનાં સીમાચિહ્નો તેમજ દેખાવ જેવા આભાસી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મનોજે માત્ર બોક્સ ઓફિસ કલેક્શનના આધારે સફળતાનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ સામે સવાલ ઊભા કરતા ધ્યાન દોર્યું કે 'સત્યા' પછી તેની ગણતરીની જ હિટ ફિલ્મો થઈ હોવા છતાં તેની કારકિર્દી લાંબી અને પ્રભાવશાળી રહી છે.
મનોજે ઉદ્યોગમાં પ્રચલિત આર્થિક વિસંગતિ પર પણ પ્રકાશ પાડયો. તેણે સ્પષ્ટતા કરી કે એક તરફ સ્ટાર્સને હિટ પછી વળતરમાં ભારે વધારો મળે છે જ્યારે સહાયક કલાકારોને નજીવો લાભ મળે છે, જેના કારણે તેમની હેસિયત બીજા દરજ્જાના નાગરિકો જેવી બની જાય છે. મનોજે જણાવ્યું કે તેણે ઘણીવાર મોટા બજેટની ફિલ્મો સમાન વળતર તેમજ સુવિધાઓ ન મળવાને કારણે નકારીને દ્રશ્યતાની બદલે આત્મસન્માનને પ્રાધાન્ય આપ્યું. મનોજના જણાવ્યા મુજબ તેનો સંઘર્ષ માત્ર ભૂમિકા પૂરતો સીમિત નથી પણ સિસ્ટમમાં સન્માન માટે પણ છે.
'૧૯૭૧' જેવી નાના બજેટની ફિલ્મો વિશે વાત કરતા મનોજ બાજપેયીએ જણાવ્યું કે ફિલ્મ ઉત્તમ હોવા છતાં કેવી રીતે વિતરણ પડકારો તેમજ નબળા શો ટાઈમિંગ તેની પહોંચને મર્યાદિત કરે છે. ફિલ્મની પ્રારંભિક નિષ્ફળતા અને પછી નેશનલ એવોર્ડ્સ તેમજ ભારે ડિજિટલ સફળતા સહિત મળેલી માન્યતાથી પ્રમોશન તેમજ પ્રદર્શનમાં રહેલી ક્ષતિઓ છતી થઈ હતી. મનોજ હજી પણ યાદ કરે છે કે કેવી રીતે ફિલ્મની રજૂઆત પછી દિગ્દર્શક અમૃત સાગર હતાશામાં સરી પડયા હતા.
આ તમામ પડકારો છતાં મનોજ અડગ રહ્યો છે. તેણે કબૂલ કર્યું કે ઉદ્યોગની કડવી વાસ્તવિકતા વચ્ચે અનેક પ્રતિભાશાળી કલાકારોએ પરાજય સ્વીકારી લીધો છે, જ્યારે પોતે હજી ટકી રહ્યો છે તેમજ પોતાનું આગવુ સ્થાન બનાવવા બદલ પોતાને નસીબદાર માને છે. મનોજે નોંધ કરી કે મહામારી પછી ઉદ્યોગના પાવર માળખા હચમચી ગયા છે. મનોજ બાજપેયીના મતે આખરે તો અર્થસભર પરિવર્તન માત્ર કલાકારો પર નહિ પણ હાઈપના સ્થાને પ્રતિભા પસંદ કરનારા દર્શકો અને મીડિયા પર પણ આધાર રાખે છે.
સિને ઉદ્યોગમાં ૩૨ વર્ષ પછી મનોજ બાજપેયી આજે સાતત્યના પ્રતીક સમો ઊભો છે, બહુ મોડુ થઈ જાય તે પહેલા સમયસર પ્રતિભાને માન્યતા આપે તેવી સીસ્ટમ માટે સંઘર્ષ અને લડત ચલાવી રહ્યો છે.









