Get The App

હતાશ બાળકને હસતું કરી દો

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
હતાશ બાળકને હસતું કરી દો 1 - image


આજે સીમાના ઘરે ગઈ તો તેની આંખો સજી ગઈ હતી. તેનો ૮ વર્ષનો દીકરો પણ ડૂસકાં ભરી રહ્યો હતો. લાગતું હતુંજાણે કે તે ખૂબ રડયો છે. આ નાજુક સ્થિતિને સમજવાનો પ્રયત્ન નિષ્ફળ રહેતા મેં સીમાને પૂછ્યું, ''સીમા, શું વાત છે, તું પણ ઉદાસ છે અને દીકરો પણ રડે છે? બધું બરાબર તો છે ને?''

''શું કહું મમતા. અહીં ટ્રાન્સફર શું થઈ મારે તો મુસીબત આવી ગઈ. અહીં રાતદિવસ વિવેક બુમો પાડયા કરે છે કે તેની કંપનીની કેન્ટીન સારી નથી. બૉસ પણ એકદમ કડક છે. હવે સવારે તેનું લંચ પણ બનાવવું પડે છે. પાછી મારી ઓફિસ પણ ઘરથી ખૂબ દૂર છે. સવારે જલદી નીકળું છું. સાંજે મોડી આવું છું. બધું ડિસ્ટર્બ થઈ ગયું છે.''

''અમે લોકો તો ધીમેધીમે એડજસ્ટ કરી લઈશું પણ નિક્કી, આ તો આ સ્કૂલના નામે જ રડવાનું શરૂ કરી દે છે. સવારે જલદી ઊઠીને તૈયાર કર્યો તો પણ પટકીને રડવા લાગ્યો કે હું સ્કૂલે નહીં જાઉં... હું સ્કૂલે નહીં જાઉં. મમતા તને એટલે બોલાવી છે કે હું શું કરું? આટલી મોંઘી સ્કૂલમાં આનું એડમિશન કરાવ્યું, રૂપિયા પાંચ  લાખ થયા છે... મને કંઈ નથી સમજાતું?''

આ સમસ્યા માત્ર સીમાની જ નથી. સર્વિસ કરનાર તમામ પેરન્ટ્સનાં બાળકોએ હંમેશાં આ સમસ્યામાંથી પસાર થવું પડે છે. બાળકો જે એક વાતાવરણમાં ટેવાઈ ગયા હોય છે જ્યારે તેને છોડીને અન્ય વિપરીત વાતાવરણમાં જાય છે ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે. તેમને હતાશા ઘેરી વળે છે. આ અવસ્થાને મનોવૈજ્ઞાાનિક કલ્ચરલ  શોક   કહેવાય છે. તેમને સ્કૂલમાં આવી મુશ્કેલીઓ બહુ નડે  છે.   

તેમને ગુમસૂમ અથવા અજનબી સમજીને સહાધ્યાયી તેમની મજાક ઉડાવે છે અને દરેક શિક્ષકની ભણવાની પોતાની જુદી રીત હોય છે. સ્કૂલોનું સ્તર પણ જુદુંજુદું હોય છે. તેથી બાળકો આ નવા વાતાવરણમાં ગભરાઈ જાય છે. આ સ્થિતિમાં એક બાજુ તો ક્યારેકક્યારેક તેઓ આત્મવિશ્વાસ ગુમાવી દે છે તો બીજી બાજુ સ્કૂલ પ્રત્યે નિરસતા જાગે છે. આ સ્થિતિ બાળકોના નિર્દોષ મનને ઠેસ પહોંચાડે છે.

તેઓ હતાશ અને ચિડાયેલા રહે છે.   સ્થળ પરિવર્તન સમયે  પેરન્ટ્સે ધીરજ રાખવી જોઈએ. બાળકોને જૂના ઘર, મિત્રો, સ્કૂલ તમામથી જુદા થવું નથી ગમતું. તેનાથી તેમનું બાળમન દુ:ખી થાય છે. તે સમયે મમ્મીપપ્પાના ભાવનાત્મક લગાવ, લાડપ્રેમ, સહકાર જ તેમનું સૌથી મોટું મનોબળ હોય છે. જે ઘરમા આપણને રહેતા ઘણો સમય થયો હોય તે દીવાલોની સુગંધ આપણને માનસિક શાંતિ પ્રદાન કરવા લાગે છે. તેમાં બધાને પોતાનાપણું લાગવા લાગે છે. આ જુદાઈની સૌથી વધારે અસર બાળકો પર જ થાય છે.

તેથી સૌથી પહેલાં બાળકો માટે વિચારો. નવા ઘરમાં તેમના રમવા, તેમના રસનો સામાન સુવ્યવસ્થિત કરો, જેથી તેમને લાગે તેમનું બધું તેમની સાથે છે.

તમે સૌથી પહેલાં જે સ્કૂલમાં બાળકને મોકલી રહ્યા છો તેના વિશે પૂરી તપાસ કરો. ત્યાંના શિક્ષકોને મળો અને જુઓ તે તેમનું સ્તર શું છે? પબ્લિક સ્કૂલ પણ કેટલાય સ્તરની હોય છે. જો બાળક ઉચ્ચ કક્ષાનો સ્કૂલમાં જાય છે તો શિક્ષકોને પોતાના બાળકના બેકગ્રાઉન્ડની જાણકારી આપો અને તેને સ્પષ્ટ રૂપે બાળકના વિષયમાં બતાવી દો, જેથી તેઓ જલદીથી બાળકના માનસિક સ્તરને પોતાને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન કરે.

તેમને સહકાર માટે ધન્યવાદ પણ આપો અને તેમને કહો કે હમણાં તેને સજા ન આપે, ન તેની બીજાં બાળકો સમક્ષ ઉપેક્ષા કરે. બાળકોને તેમના મિત્ર બનવાનું કહો, જેનાથી તેની ગભરામણ દૂર થઈ જાય અને તે ધીમેધીમે બધા સાથે હળીમળી જાય અને ભણવામાં રસ લે.

હતાશ બાળકને હસતું કરી દો 2 - imageબાળકને પ્રસન્ન રાખો. તેના મિત્ર બનો. અપરિચિત બાળકોમાં એકલા ન મોકલો. બાગ-બગીચામાં વગેરેમાં પણ તમે સાથે જાઓ અને ત્યાંનું વાતાવરણ જુઓ, સમજો. ઈનડોર ગેમ્સને પ્રોત્સાહન આપો. છાપાં કે કોઈ પાડોશી પાસેથી માહિતી લઈને હોબી ક્લાસ જોઈન કરાવો. તેનાથી બાળકને ત્યાં પોતાનાપણું લાગશે. પોતાની ઉંમરનાં બાળકો સાથે મળીને તે ખુશ થઈ જશે.

ધ્યાન રાખવું કે બાળકને અત્યારે માનસિક મનોબળ અને મિત્રની જરૂર હોય છે. થોડા જ દિવસમાં તે નવા વાતાવરણમાં સેટ થઈ જશે. બાળકના વ્યક્તિત્વને રૂંધવાના બદલે અહીં પોતાનું સમતોલન જાળવી રાખો.

આજકાલ બાળક માનસિક રીતે પરેશાન હોય છે. તેથી તેને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરતા રહો, નહીં તો જો બાળક પણ સ્કૂલે જવામાં ચોરી કરવા લાગ્યું તો તેને સાચા રસ્તે લાવવામાં મુશ્કેલી થઈ જાય છે. તેના ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખો. સ્કૂલમાં પણ મનપસંદ લંચ આપો. ઘરમાં પણ તેનું ભાવતું ભોજન બનાવીને આપો.

Tags :