સંતુલિત આહારને બનાવો જીવનનો અધ્યાય
આપણે શાળાના સમયથી સંતુલિત આહારના ગુણગાન સાંભળતા હોઈએ છીએ. પરંતુ શું તેનો અમલ કરીએ છીએ ખરાં? વળી આધુનિક સમયમાં લોકો ફાસ્ટફૂડ ખાવાને પોતાની શાન માનવા લાગ્યાં છે.
એક તરફ ભારતીય આહાર કેટલો પૌષ્ટિક અને આરોગ્યપ્રદ છે તેના વિશે વિદેશમાં સંશોધનો થઈ રહ્યાં છે, અન્ય દેશના લોકો તંદુરસ્ત રહેવા આપણી આહારશૈલીમાંથી પ્રેરણા લઈ રહ્યાં છે. ત્યારે આપણે પણ હાંસિયામાં ધકેલી દીધેલા આપણા સંતુલિત આહારને ફરીથી સંભારીએ.
આહાર વિશેષજ્ઞાો કહે છે કે સંતુલિત ભોજન આપણા શારીરિક-માનસિક વિકાસ માટેની પ્રથમ શરત છે. આ પ્રકારના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિવિધ પ્રકારના પ્રોટીન અને વિટામીન, ખનિજ તત્વો તેમ જ પાણીનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવામાં આવે છે. તેઓ સંતુલિત ભોજનમાં શું શું અને કેટલી માત્રામાં લેવું તેના વિશે જાણકારી આપતાં કહે છે.....
આપણા શરીરને દરરોજ ૨૫ થી ૪૦ ગ્રામ જેટલાં રેષાવાળા આહારની જરૂર હોય છે. અને તે ફળો તેમ જ શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી રોજિંદા ખોરાકમાં ચારથી પાંચ ફળ- શાકભાજી અચૂક લો. જ્યારે ૫૦ થી ૬૦ ટકા જેટલા કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત અનાજ અને ઘઉં, બ્રાઉન રાઈસ, બાજરા, જુવાર, રાગી ઈત્યાદિ કડધાન્યમાંથી પૂરી કરી શકાય. શરીર માટે જરૂરી કુલ ૨૦ થી ૩૦ ટકા કેલેરી ત્રણથી ચાર ટી. સ્પૂન તેલ તેમ જ બદામ, અખરોટ અને પિસ્તા જેવા સુકા મેવામાથી મેળવી શકાય.
જો કે દિવસભર માટે ખપતી કુલ કેલેરીમાંથી ૧૦ થી ૧૫ ટકા કેલેરી સોયા અને લીલા- કાળા ચણા, રાજમા, લીલા વટાણા જેવા કઠોળમાંથી તેમ જ દૂધ સહિત દૂધની અન્ય બનાવટોમાંથી મેળવવી જોઈએ.
આપણને આખા દિવસમાં ૨૦૦થી ૩૦૦ મિ.ગ્રા.થી વધુ કોલેસ્ટેરોલ ન લેવું જોઈએ. આ મર્યાદા જાળવી રાખવા માખણ, ઠંડા પીણાં, પ્રક્રિયા કરેલા ખાદ્ય પદાર્થો, ધૂમ્રપાન અને આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ.
આહારશાસ્ત્રીઓ વધુમાં કહે છે કે આપણા રોજિંદા ભોજનમાં ઓછી ચરબીવાળા ડેરી પદાર્થો, મધ્યમ પ્રમાણમાં તેલ, મર્યાદિત નમક, ખાંડ ઈત્યાદિ લેવામાં આવે તો લાઈફસ્ટાઈલ વ્યાધિઓને દૂર રાખી શકાય છે. વળી આપણા દેશમાં પ્રત્યેક ઋતુને અનુરૂપ ફળો-શાકભાજી ઉગાડવામાં આવતાં હોવાથી આપણે તેનો છૂટથી ઉપયોગ કરી શકીએ છીએ. વિવિધ પ્રકારના કંદમૂળ, પાંદડાવાળી ભાજીઓ પણ અત્યંત પૌષ્ટિક હોવાથી રોજિંદા ભોેજનમાં તેને સામેલ કરવા જોઈએ.
આપણે આપણા વડિલોના મુખેથી 'અન્ન તેવો ઓડકાર' ઉક્તિ સાંભળી હશે. તેમનો કહેવાનો અર્થ એ હોય છે કે આપણે જે આરોગીએ તે મુજબ આપણું આરોગ્ય, આપણો સ્વભાવ ઘડાય. કાયમ તીખોતમતો ખોરાક લેનારાઓને ક્રોધ વધુ આવે. જ્યારે ફળો, શાકભાજી, દાળ-ભાત, રોટલી-શાક, ખીચડી જેવું સાદું ભોજન લેનારાઓનો સ્વભાવ પ્રમાણમાં ઘણો શાંત હોય. વળી તે પચવામાં પણ સહેલું હોવાથી શરીર માટે દરેક રીતે લાભપ્રદ પુરવાર થાય છે. તેથી જીભને ભાવે તે નહીં પણ પેટને ફાવે તે જ ખરું ભોજન ગણાય.
સંતુલિત આહાર સાથે કાયાને કષ્ટ પડે એવી કેટલીક કસરતો કરવી પણ આવશ્યક છે. વધુ કાંઈ ન કરી શકાય તો દરરોજ બે-ત્રણ કિ.મી. જેટલું ચાલવાનું અચૂક રાખવું.
- વૈશાલી ઠક્કર