Get The App

મહામાનવ મહાત્મા .

Updated: Oct 1st, 2019

GS TEAM


Google News
Google News

મોહનદાસ કરમચંદ ગાંધી. એક એવું વ્યક્તિત્વ જે સર્વનામ બની ગયું. એક એવો ચમત્કાર જે કોઈ જ દૃષ્ટિભ્રમ વગર માનવીઓએ નજર સામે જોયો. આમ જુઓ તો માનવ જેવા માનવ, નજીકથી ઓળખો તો મહામાનવ, મહાત્મા. ક્યારેક નાનકડી પણ સરળ વાતમાં ખડખડાટ મનમોહક બોખું સ્મિત આપે, તો ક્યારેક સત્યના માર્ગે મક્કમ બને તો ભલભલા ચમરબંધીને મૌનથી અકળાવી નાખે. શબ્દો જેટલાં સરળ, વિચારો એટલાં જ સટીક. 

ગંભીરમાં ગંભીર વાત સરળ શબ્દોમાં માત્ર લખી-બોલીને જ રોકાઈ ન જાય, અમલ કરીને પોતે જ આદર્શ પ્રસ્થાપિત કરી જાણે. મહામાનવ મહાત્મા એટલે જાણે સત્ય, અહિંસા, સાદગી જેવાં સદ્ગુણો કળિયુગમાં માનવ સ્વરૂપે અવતર્યા ન હોય! દોઢસોમા જન્મ દિવસે એમના જીવન-કર્મને જાણવાનો એક પ્રયાસ..

મહામાનવ મહાત્મા                                  . 1 - image

રમૂજના રાજા
ગાંધીજીએ લખ્યું છે કે જો મારામાં રમૂજવૃત્તિ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી લીધી હોત. ગમે તેવા સંજોગોમાંથી પણ એ રસ્તો કાઢી શકતા હતા, સરળ રહી શકતા હતા અને ભાગ્યે જ ગુસ્સે થતા હતા તેનું એક કારણ દરેક બાબતમાંથી હાસ્ય શોધવાની એમની આદત હતી.  

આજે સતત વ્યસ્તતાનાં કારણે યુવાપેઢીમાં માનસિક થાક વધ્યો છે; ડિપ્રેશનની સમસ્યા વિશ્વને પજવી રહી છે, ત્યારે ગાંધીજી પાસેથી હળવા રહેવાનો જીવનસંદેશ શીખવા જેવો છે. ગાંધીજીએ સતત વ્યસ્તતા વચ્ચે, અંગ્રેજી સલ્તનત સામેની આકરી લડાઈ વખતે પણ હાસ્યવૃત્તિ જાળવી રાખી હતી. એમના જીવનના રમૂજી પ્રસંગો લલ્લુભાઈ મકનજીએ 'ગાંધીજીનો વિનોદ' નામના પુસ્તકમાં એકઠાં કર્યાં છે. એમાંથી કેટલાક હાસ્યસભર પ્રસંગો..

મારા કાન લાંબા હશે?
ફ્રાન્સના એક સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટે દિલ્હીમાં ગાંધીજીને મળ્યા પછી તેમનું એક સરસ ઠઠ્ઠાચિત્ર તેમણે દોર્યું. પેરિસ વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે તે ચિત્ર ગાંધીજીને ભેટમાં આપ્યું હતું. કાર્ટૂનિસ્ટની કળા જોઈ ગાંધીજીને આનંદ થયો. ધારી ધારીને તે ચિત્ર જોયા પછી આશ્ચર્ય વ્યક્ત કરતાં ગાંધીજી બોલ્યા : ''ચિત્ર તો સારું છે પણ મારા કાન કેમ આટલા લાંબા દોર્યા છે?''

પ્રોફેસર: કારણ કે આપા કાન એવા જ છે.

ગાંધીજી (હસીને): હું તો અરીસામાં જોતો જ નથી. તેથી મારા કાન આટલા લાંબા છે તેની મને ખબર નથી.

સ્વાગત!
એક દિવસ ગાંધીજી ફરવા નીકળ્યા હતા ત્યાં એક પત્રકાર પહોંચી ગયો અને પ્રશ્ન કર્યો કે, ''બાપુ! આપ તો સંત છો. એટલે મૃત્યુ પછી આપને સ્વર્ગ જ મળશે. કેમ ખરું ને?''

ગાંધીજી: મૃત્યુ પછી મને સ્વર્ગ મળશે કે નરક તે હું કહી ન શકું, પણ એટલું તો ચોક્કસ કહી શકું કે હું સ્વર્ગમાં હોઈશ કે નરકમાં પણ મારા સ્વાગત માટે ગમે ત્યાં પત્રકારોનું દળ તો જરૂર હશે જ.

આ ન્યાય ક્યાંનો?
એક વાર સેવાગ્રામમાં આશ્રમવાસીઓ ગાંધી જ્યંતી ઊજવી રહ્યા હતા. બાપુ, બા પણ તે વેળા હાજર હતાં. કેટલાંક જણ બા-બાપુને માટે ભેટો પણ લાવ્યાં હતાં. તેમાં બહેનો બા માટે સાડી લાવ્યાં હતાં. સાડી પોતાની પાસે મૂકેલી જોઈ બાપુ હસીને કહેવા લાગ્યા :'અરે, શું તમે મને સાડી પહેરાવવા ઇચ્છો છો ?'

બહેનો: 'ના જી, એ તો બા માટે છે.'

ગાંધીજી: જ્યંતી મારી અને ભેટ બાને! એ ન્યાય કેવો?

સૌ ખડખડ હસી પડયાં.

મૂંઝવણ મને કે રાજાને?
બકિંગહામ મહેલમાં યોજેલા એક મેળાવડામાં રાજા જ્યોર્જ ગાંધીજીને પણ આમંત્રણ આપ્યું હતું. પોતાના હંમેશના પોશાકમાં જ ગાંધીજી રાજાને મળવા મહેલમાં ગયા. રાજાના મહેલમાં આજ સુધી આવા પોશાકમાં કોઈને પણ પ્રવેશ મળ્યો ન હતો. એ પ્રણાલિકાભંગથી કંઈક ખિન્ન થયેલા પત્રકારે પ્રશ્ન કર્યો : ''અરે ગાંધી! આ પોશાક પહેરીને શાહી મહેલમાં પ્રવેશ કરતાં તમને મૂંઝવણ કે ખચકાટ પણ ન થયો?''

પત્રકારોનો પ્રશ્ન સાંભળી ગાંધીજી ખડખડ હસી પડયા અને બોલ્યા : ''મને શેની મૂંઝવણ? અમને બંનેને ચાલે એટલાં કપડાં પહેરીને તો રાજા બેઠો છે.''

ભલે નૃત્ય કરો
ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ઇંગ્લેન્ડ જતા હતા ત્યારે સ્ટીમર પર ગોરા ઉતારુઓએ પૂછ્યું : ''મિ. ગાંધી, અમે તમારી નજીક નૃત્ય કરીએ તો તમને વાંધો નથી ને?''

ગાંધીજી: બેશક નૃત્ય કરો. મારી નજીક શું મારી આસપાસ પણ કરી શકો છો. શરત એટલી કે મારા પર નહીં કરતા.

ડાબા હાથે રમીશ
આગાખાન મહેલની એકાંત જેલમાં ગાંધીજી સાથે સરોજિની નાયડુ, મીરાંબહેન, પ્યારેલાલજી, કસ્તૂરબા વગેરે હતાં. મીરાંબહેન અને સરોજિની નાયડુ સાંજે કેટલીક રમતો પણ રમતાં. ગાંધીજી તેમને રમતાં જોવામાં રસ લેતા અને થોડો સમય તેમાં ગાળતા. એક દિવસ સરોજિની નાયડુએ ગાંધીજીને પોતાની સાથે બૅડમિન્ટન રમવાનો આગ્રહ રાખ્યો.

ગાંધીજી રમવા તૈયાર થયા અને સરોજિની નાયડુને રમૂજમાં કહ્યું : 'હું જિંદગીમાં બૅડમિન્ટન રમ્યો નથી પણ તમને તો હરાવી દઈશ.' બૅડમિન્ટન રમતાં રૅકેટ ક્યા હાથે પકડવું તે ગાંધીજી જાણતા નહોતા. એટલે તેમણે સરોજિની નાયડુનું અનુકરણ કર્યું અને ડાબા હાથે રમવા લાગ્યા.

ગાંધીજીને ડાબા હાથે રમતા જોઈ તે હસ્યાં અને બોલ્યાં : ''બાપુ, તમે ડાબા હાથે રૅકેટ પકડયું એ ખોટું છે.''

ગાંધીજી: ''પણ તમે કેમ ડાબા હાથે રમો છો ?''

સરોજિની નાયડુ: ''મારો જમણો ખભો આજે દુ:ખે છે, તેથી હું ડાબા હાથે રમું છું.''

ગાંધીજી ખુશમિજાજમાં હતા. પોતાની હાર સ્વીકારે એમ નહોતા. તેમણે કહ્યું : ''હું સ્ત્રીની લાચારીનો લાભ ઉઠાવવા માગતો નથી. તેથી હું ડાબા હાથે જ રમીશ.''

હાલમાં બહારવટીઓ
ગાંધીજીના જીવનની વિગતો મેળવવા કેટલાંક અધિકારીઓ ફોર્મ લઈને આવ્યા હતા. તેઓ ગાંધીજીને પ્રશ્નો પૂછતા જાય અને જવાબો કોલમમાં લખતા જાય. ગાંધીજીનો ધર્મ, સ્ટેટસ વગેરેના જવાબો આવી ગયા પછી તેમનો ધંધો શો છે એ કોલમ ભરવાની આવી. ગાંધીજીની આસપાસ બેઠેલાઓ આશ્ચર્યવત્ જોઈ રહ્યા હતા કે હવે ગાંધીજી શો જવાબ આપશે. અધિકારીઓ આતુરતાથી તેમના તરફ જોઈ રહ્યા હતાં.

ગાંધીજીની મંડળીના એક સભ્યે કહ્યું : ''લખો, સામાજિક કાર્યકર.''

બીજા બોલ્યા:''ના, ના, લખો કે રાજદ્વારી પુરુષ.''

ગાંધીજીએ આંખના રમૂજી પલકારા સાથે કહ્યું: ''અરે થોભો, થોભો લખો કે એક જમાનાનો વકીલ પણ હાલમાં બહારવટીઓ.''

સારવાર કોની!
એકવાર ગાંધીજી માંદા હતા. તેમને તપાસવા માટે ડૉ. બી.સી. રૉય બંગાળના મહિલા સી.એમ. આવ્યા. તેમને જોતાં જ ગાંધીજીએ કહ્યું : 'મારી સારવાર કરવા માટે તમે કલકત્તાથી અહીં આવ્યા છો. પણ તમે જેમ મારી મફત સારવાર કરો છો તેમ આ દેશમાં મારા ૪૦ કરોડ ભાંડુઓની મફત સારવાર કરશો ને?'

ડૉ. રૉયે હસતાં હસતાં કહ્યું : 'ના જી, બાપુ, હું બધાને મફત તપાસતો નથી. મારે પણ જીવવું છે, તેથી કેટલાંક પાસેથી પૈસા ન લઉં તો બીજાને મફત તપાસી કેમ શકું ? હું અહીં મોહનદાસ કરમચંદ ગાંધીની સારવાર માટે નથી આવ્યો પણ ભારતના ૪૦ કરોડ માનવીઓનું જે પ્રતિનિધિત્વ ધરાવે છે તેવી વ્યક્તિની સારવાર માટે આવ્યો છું. આમ તેમની સારવાર દ્વારા હું ભારતના ૪૦ કરોડ માનવીઓની સેવા અને સારવાર બંને કરું છં.'

ગાંધીજી (હસીને) : દાક્તર, તમે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચોથી પંક્તિના વકીલ જેવી દલીલ કરી રહ્યા છો.

પથારીની આસપાસ ઊભેલાં બધાં જ હસી પડયાં!

મહામાનવ મહાત્મા                                  . 2 - image

શિલ્પમાં રજૂ થયેલી ગાંધીજીની વ્યથા
રવિન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિનિકેતનમાં ગાંધીજીનું એક પૂતળું એવું છે, જેમાં ગાંધીજી વ્યથિત અને ગુસ્સામાં હોય એવી રજૂઆત થઈ છે. આ પૂતળામાં તેઓ માનવ ખોપરી પર પગ મુકીને ચાલતા હોય એવું દર્શાવાયુ છે. રામ કિનકર બાજી નામના બંગાળના ખ્યાતનામ શિલ્પકારે એમ જ આ પૂતળું તૈયાર નથી કરી દીધું, તેની પાછળ કારણ છે. આઝાદી પછી દેશનું કોમી વાતાવરણ ડહોળાયું હતું. એ વખતે ગાંધીજી પૂર્વ સરહદે શાંતિ સ્થાપવા બંગાળ-બિહાર-નોઆખલીની સફરે નીકળ્યા હતા.

પરંતુ ગાંધીજી નોઆખલી પહોંચ્યા ત્યારે બંગાળને ભારત અને પાકિસ્તાન વચ્ચે, હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વહેંચી દેવાનો વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. ચોતરફ મારામારી અને કાપાકાપી ચાલી રહી હતી. સરહદી વિસ્તારના હિન્દુઓને ફરજિયાત ઈસ્લામ કબુલ કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. જેઓ એમ ન કરે તેમની હત્યા થતી હતી. હજારો લાશો ઢળી હતી. ત્યાં ગાંધીજી શાંતિ સ્થાપવા પહોંચ્યા ત્યારે અનેક લાશો ઢળી ચૂકી હતી. પરિણામે મહાભારતના યુદ્ધ પછી ગાંધારીએ લાશો વચ્ચેથી રસ્તો શોધવો પડયો હતો એમ ગાંધીજીએ પણ જાણે કે લાશોના ખડકલા વચ્ચેથી રસ્તો શોધવાનો હતો, લાશોના અંબાર પર પગ મૂકીને આગળ વધવાનું હતું. એ વ્યથા અને એ સમયની સ્થિતિ શિલ્પકારે ગાંધીજીના આ શિલ્પમાં કલાત્મક રીતે રજૂ કરી છે. 

મહામાનવ મહાત્મા                                  . 3 - image

ગાંધીજીના જન્મદિવસ ક્યાં ક્યાં ઉજવાયા હતા?
ગાંધીજી તારીખને બદલે તિથિ પ્રમાણે રેંટિયા બારસને પોતાનો જન્મદિવસ ગણતા હતા. પરંતુ બધી નોંધો તારીખના સંદર્ભમાં જ રહેતી હોય છે. મોહનદાસ ૧૯૧૫માં આફ્રિકાથી ભારત આવ્યા અને ૧૯૪૮માં મૃત્યુ પામ્યા એ દરમિયાન તેમના ૩૩ જન્મદિવસ પસાર થયા હતા. ૩૩ જન્મ દિવસ પૈકી તેમના સૌથી વધારે ૬ જન્મ દિવસ જેલમાં પસાર થયા છે.

ચાર જન્મ દિવસ યરવડા જેલમાં અને બે પુનાના આગાખાન પેલેસમાં હતાં. પુનાનો આગાખાન મહેલ આમ તો પેલેસ છે, પરંતુ ગાંધીજી અને કસ્તુરબા સહિતના આઝાદીના અગ્રણીઓને અહીં નજર કેદ રાખવામાં આવ્યા હતાં. માટે આ મહેલ તેમના માટે જેલ બન્યો હતો. પાંચ વખત તેઓ બીજી ઓક્ટોબરે અમદાવાદમાં અને પાંચ વખત દિલ્હીમાં હતાં. ચાર જન્મ દિવસ વખતે વર્ધા હતાં જ્યારે ૩ જન્મ દિવસે મુંબઈ રહ્યાં હતાં. ૧૯૩૧ના એક જન્મ દિવસે તેઓ લંડનમાં પણ હતાં. 

૧૯૧૮ના જન્મ દિવસે તેમની તબિયત બગડી જતાં અંતકાળ નજીક આવી ગયો છે એમ માની બધા આશ્રમવાસીઓને એકઠા કરી લેવાયા હતાં. તેમના ધબકારા અનિયમિત થઈ ગયા હતા. હરિલાલ તથા દેવદાસ દૂર હતા તેમને તાર કરી બોલાવ્યા હતા. 

૧૯૪૭ના જન્મ દિવસ વખતે દિલ્હીમાં લેડી માઉન્ટ બેટન સહિતના મહાનુભાવો આવ્યા હતાં. પરંતુ પાકિસ્તાન સાથે ચાલતા વિખવાદને લઈને તેઓ અસંતુષ્ટ હતાં. માટે આવનારા કેટલાકને તેમણે કહ્યું હતું કે આને અભિનંદન નહીં ખરખરો કહેવો વધુ યોગ્ય છે. એ જ દિવસે તેમણે લાંબુ જીવવાની ઈચ્છા ન હોવાનું પણ કહ્યુ હતું. અગાઉ પણ ગાંધીજી વારંવાર મરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા હતાં. જોકે ૧૯૪૭માં તેમણે મોતની વાત ઉચ્ચારી એ પછીના ત્રણ જ મહિના પછી તેમની હત્યા થઈ હતી.

મહામાનવ મહાત્મા                                  . 4 - image

રાષ્ટ્રસંઘે રજૂ કરી ગાંધીજીની ટિકિટ
૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રસંઘે ખાસ ટિકિટ બહાર પાડી હતી. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વડાપ્રધાન મોદી રાષ્ટ્રસંઘની બેઠકમાં ન્યુયોર્ક હતા ત્યારે જ આ સ્ટેમ્પ રિલિઝ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ૧૪૦મી જન્મજયંતિ વખતે પણ રાષ્ટ્રસંઘે આ પ્રકારે ટિકિટ ખૂલ્લી મુકી હતી. જગતના ૧૫૦થી વધારે દેશોએ ગાંધીજીને ચમકાવતી ટપાલ ટિકિટો બહાર પાડી છે.

એકલા ભારતે જ ગાંધીજીનું ચિત્ર ધરાવતી હોય એવી ૫૦થી વધુ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. તો વળી ગાંધીજીનું ચિત્ર ન હોય, પણ વિષય ગાંધી વિચારનો હોય એવી ટિકિટોની આખી દુનિયામાં સંખ્યા ૮૦૦થી વધુ થાય છે. ગાંધીજીએ આજીવન જેમની સામે લડત આપી એ બ્રિટિશરોએ પોતાના દેશમાં ગાંધીજીને ચમકાવતી ૩ ટપાલ ટિકિટ બહાર પાડી છે!

મહામાનવ મહાત્મા                                  . 5 - image

ગાંધીજી પર દોઢ લાખ પંક્તિનું મહાકાવ્ય
ગુજરાતી ભાષામાં ગાંધીજી પર એક મહાકાવ્ય લખાયું છે. વડોદરાના કવિ સ્વ. ડાહ્યાભાઇ પટેલે ૧.૫ લાખ પંક્તિ ધરાવતું 'મોહન ગાંધી મહાકાવ્ય' લખ્યુ છે. મહાત્મા ગાંધીના બાળપણથી લઇને જીવનપર્યંતના વિવિધ પ્રસંગોને આ મહાકાવ્યના ૧૨ ભાગમાં આલેખવામાં આવ્યા છે. ૩૦ વર્ષના સતત સર્જનના અંતે આ મહાકાવ્ય તૈયાર થયુ હતું. 

સો વર્ષ પહેલા ૩ એપ્રિલ ૧૯૨૦ના રોજ જન્મેલા ડાહ્યાભાઇને ૧૯૮૯માં તત્કાલિન ગવર્નરના હસ્તે વિશ્વ ગુર્જરી' એવોર્ડથી સનમાનવામાં આવ્યા હતા. કવિ ડાહ્યાભાઇ આશાભાઇ પટેલ 'દિનેશ' આમ તો મૂળ સુણાવ ગામના વતની હતા. માત્ર એક વર્ષની નાની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. ૧૯૩૮માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી તેઓ આફ્રિકા ગયા જ્યાં તેમણે કસ્ટમ વિભાગમાં નોકરી કરી. ત્યારબાદ બ્રિટનમાં રહીને વકીલાતની પદવી મેળવી અને યુગાન્ડા આવીને પ્રેક્ટીસ શરૂ કરી. સુણાવ ગામના તેઓ પહેલા વકીલ બન્યા. 

૧૯૭૧માં જ્યારે યુગાન્ડા સ્વતંત્ર થયુ. સ્વતંત્ર રાષ્ટ્રની બંધારણ ઘડવા માટેની સમિતિમાં ડાહ્યાભાઇ પટેલને સ્થાન મળ્યુ હતું. ઉપરાંત સ્વતંત્ર યુગાન્ડાની ચૂટણીમાં એ સમયે સર્વાધિક મતથી પાર્લામેન્ટના મેમ્બર તરીકે ચૂંટાયા હતા. બીજી ચૂંટણીમાં પણ તેઓ એકમાત્ર એશિયન મેમ્બર ચૂંટાયા હતાં. યુગાન્ડા બાદ ડાહ્યાભાઇ લંડનમાં સ્થાયી થયા. 

તેઓ જ્યારે ૧૩ વર્ષના હતા હતા ત્યારે ગાંધીજી સુણાવ આવ્યા હતાં. ગાંધીજીએ ડાહ્યાભાઇની પીઠ પર ધબ્બો માર્યો હતો અને તેમના ખભે હાથ રાખી થોડુંક અંતર ચાલ્યા હતાં. ત્યારથી જ તેઓ ગાંધીજીના ચૂસ્ત અનુયાયી થઇ ગયા હતાં. ગાંધીજી પ્રત્યેની અપાર ભક્તિના લીધે તેમણે 'મહાત્મા ગાંધી ફાઉન્ડેશન'ની સ્થાપના કરી હતી.

ડાહ્યાભાઇ ગાંધીજીના જીવનકાર્ય અને વિચારધારાના ઉંડા અભ્યાસુ હતા. ગાધીજીને તેઓ જે રીતે સમજ્યા હતાં તે રીતે તેમણે શબ્દોમાં ઉતાર્યા છે. લગભગ કુલ ૧૪ જેટલા દળદાર પુસ્તકોમાં તેમણે ગાંધીજીને આલેખ્યા છે. તેઓ માત્ર કવિ જ નહી પરંતુ ઉત્તમ વાર્તાકાર પણ હતા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૮માં લંડનમાં તેઓ અવસાન પામ્યા હતા.

 મોહન ગાંધી મહાકાવ્યની કેટલીક પંક્તિ

મહાત્મા ગાંધી જ્યારે ઇંગલેન્ડ વકીલાતના અભ્યાસ માટે ગયા તે ઘટનાને કવિએ કંઇક આ રીતે રજુ કરી છે....

સને અઢારસો સત્યાસીની, સાલે પ્રભુ ગયા

અમદાવાદમાં આવી, ઉત્તીર્ણ મેટ્રીક થયા.

ગાંધી કુટુંબના મિત્ર, હિતેચ્છુ માવજી દવે

હતાં વિદ્વાન ને જ્ઞાાની, વ્યવહારુ વદે :'હવે

'ઇંગલેન્ડ મોકલો હાવાં, મોટા બેરિસ્ટર થવા

પિતાની સાચવે ગાદી, દેશ કાળ છે નવા.

Tags :