- ગામમાં એક લોભી વેપારી રહેતો હતો. એ વિચાર કર્યા કરે કે કિશન અને એની મા તો ખૂબ ગરીબ હતાં. એમની પાસે ઓચિંતા આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા કે તેઓ રોજેરોજ ગરીબ લોકોને જમાડી શકે છે?
કિરણબેન પુરોહિત
એક નાનકડા ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. કિશન એનું નામ. કિશન નાનો હતો ત્યારે જ એના પિતા મૃત્યુ પામ્યા હતા. કિશન અને એની મા ઘણી મહેનત કરતાં, છતાંય ઘણી વાર એમને પેટ પૂરતું ભોજન સુધ્ધાં ન મળતું.
એક દિવસ કિશન જંગલમાં લાકડાં એકઠાં કરવા ગયો. અચાનક તેને એક માટીની હાંડી મળી. કિશન આશ્ચર્યમાં પડી ગયો. તે હાંડી લઈને ઘરે આવ્યો. એની માતાએ રસોઈમાં વાપરવા માટે હાંડીને સાફ કરી નાખી. કિશનને ખીર ખાવાનું મન થયું હતું, પણ ઘરમાં સાવ થોડા ચોખા હતા. કિશન થોડું દૂધ લઇ આવ્યો. માએ નાની વાટકી દૂધ અને ચોખા હાંડીમાં નાખ્યાં અને એ ખીર બનાવવા લાગી.
કિશનની માએ જોયું તો ખીર તો સાવ થોડી બનશે. અધૂરામાં પૂરું, કિશને ઉત્સાહમાં આવીને એના મિત્રોને જમવાનું આમંત્રણ આપી દીધું હતું. આટલીક ખીર છોકરાઓને કેવી રીતે પૂરી થશે? માએ વિચાર્યુંઃ કાશ.... આ આખી હાંડી ખીરથી ભરેલી હોત તો છોકરાઓ પેટ ભરીને ખીર ખાઈ શકત...
કિશનની માતા આમ વિચારતી હતી ત્યાં જ ચમત્કાર થયો! આખી હાંડી ખીરથી છલોછલ ભરાઈ ગઈ! કિશન અને તેની મા તો આ જોઈને નવાઈ પામી ગયાં ને ખુશ પણ થઈ ગયાં...
એમને સમજાઈ ગયું કે આ જાદુઈ હાંડી છે. જાદુઈ હાંડીને કારણે કિશન અને એની માની ખાવાપીવાની સમસ્યા દૂર થઈ ગઈ. કિશનની મા હાંડીમાં થોડુંક શાક બનાવે તો પણ આખી હાંડી શાકથી ભરાઈ જાય. પછી તો કિશનની મા જાદુઈ હાંડીમાં અવનવી વાનગીઓ બનાવવા લાગી. એક દિવસ એણે હાંડીમાં ચાર-પાંચ સમોસા બનાવ્યા. પળવારમાં આખી હાંડી સમોસાથી ભરાઈ ગઈ.
કિશનની માએ હવે નાસ્તાની દુકાન ખોલી. તેમાંથી કમાણી થતી એટલે કિશન અને એની માની ગરીબી દૂર થવા માંડી. કિશનની માતા ગામના ગરીબ લોકોને સેવાભાવે જમાડતી. ગામમાં ગરીબ લોકોને હવે પેટ ભરીને ભોજન મળવા લાગ્યું.
ગામમાં એક લોભી વેપારી રહેતો હતો. એ વિચાર કર્યા કરે કે કિશન અને એની મા તો ખૂબ ગરીબ હતાં. એમની પાસે ઓચિંતા આટલા બધા પૈસા ક્યાંથી આવી ગયા કે તેઓ રોજેરોજ ગરીબ લોકોને જમાડી શકે છે?
એક રાત્રે એણે ચોરીછૂપીથી કિશનના ઘરની બારીમાંથી અંદર ડોકિયું કર્યું. એને જાણવા મળ્યું કે આ તો જાદુઈ હાંડીનો પ્રતાપ છે. જાદુઈ હાંડીને લીધે કિશનની મા ખૂબ બધું ખાવાનું બનાવી શકે છે.
લોભી વેપારીએ એક દિવસ તક ઝડપીને કિશનના ઘરેથી હાંડી ચોરી લીધી. પોતાની ઘરે આવીને એણે હાંડીમાં થોડા રૂપિયા નાખ્યા. એને એમ કે થોડી વારમાં આખી હાંડી રૂપિયાથી છલકાઈ જશે. પણ એવું કશું થયું નહીં. લોભી વેપારીએ હાંડીમાં થોડું સોનું નાખ્યું. તો પણ કશો જાદુ થયો નહીં. લોભી વેપારીના મનમાં કપટ હતું. તેથી હાંડીનો ચમત્કારિક ગુણ ગાયબ થઈ ગયો હતો.
વેપારી ગુસ્સે થઈ ગયો. એણે હાંડી તોડી નાખી. તૂટેલી હાંડી એ કિશનના ઘરની બહાર ફેંકી આવ્યો.
આ બાજુ ઘરમાંથી હાંડી ગાયબ થઈ જવાથી કિશન અને એની મા બન્ને પરેશાન હતાં. અચાનક ઘર આગળ તેમણે તૂટેલી હાંડી જોઈ. કિશન અને એની મા દુખી થઈ ગયાં. કિશને તૂટેલી હાંડી હાથમાં લીધી. ત્યાં જ પાછો ચમત્કાર થયો. હાંડી પહેલાં હતી એવી જ થઈ ગઈ! સાજીસારી અને સક્રિય! મા-દીકરો રાજી રાજી થઈ ગયાં. જાદુઈ હાંડી અગાઉની જેમ ભરપૂર ભોજન બનાવી શકતી હતી.
કિશનની મમ્મીએ દુકાનમાં નવી નવી વાનગીઓ વેચવાનું અને ગરીબોને અન્નદાન કરવાનું ફરીથી શરૂ કરી દીધું. કિશન સ્કૂલમાં નિષ્ઠાપૂર્વક ભણતો અને ફાજલ સમયમાં માને મદદ કરતો.
થોડાં વર્ષોમાં એમની દુકાન એટલી જામી ચૂકી ગઈ અને એમની પાસે એટલું ધન એકઠું થઈ ગયું કે હવે જાદુઈ હાંડીનો ઉપયોગ કરવાની જરૂર ન રહી. હવે એમની પાસે દુકાનમાં કામ કરવા માટે પૂરતા માણસો હતા, રોજ સરસ આવક થતી હતી અને ગરીબોને અન્નદાન પણ કરી શકાતું હતું. કિશન અને એની માએ જાદુઈ હાંડીને ભાવપૂર્વક નમન કર્યાં, હૃદયથી ઈશ્વરનો આભાર માન્યો અને પછી નદીમાં હાંડી વહાવી દીધી..


