Magazines

છડીમાં જાદુ .

By GS TEAM
29 May 20263 mins read
છડીમાં જાદુ                                                  .

- સસલો પણ બોલ્યો, 'હા, હા, અમારે પણ તમારી જેમ લટકીને મોજ કરવી છે! અમારે પણ બધા પર કાબૂ કરવો છે! અમને પણ જાદુ શીખવોને!'

- કિરીટ ગોસ્વામી

વાંદરો પોતાની લાંબી પૂંછડી ડાળમાં બાંધી ઊંધો લટકતો હતો અને હિંચકા ખાતો હતો. નીચે વહેતી નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને તે ખી-ખી હસતો હતો. એ બધું જોઈને રીંછભાઈ અને સસલો બંને નવાઈ પામ્યા. બંને વાંદરાની પાસે ગયા.

રીંછભાઈએ પૂછયું, 'વાંદરાભાઈ! આ તમે ઊંધા શી રીતે લટકી શકો છો?'

વાંદરાએ ઠાવકાઈથી જવાબ આપતાં કહ્યું, 'એ તો મારી પૂંછડીમાં જાદુ છેને, એટલે!'

સસલાએ નવાઈભેર પૂછયું, 'ઓહો! તમારી પૂંછડીમાં જાદુ છે?!'

'હા...!' કહેતો વાંદરો તો બોલ્યો, 

'પૂંછમાં છે જાદુ, 

મારી પૂંછમાં છે જાદુ! 

બધું કરું કાબૂ... 

હું તો બધું કરું કાબૂ!'

આ સાંભળીને રીંછભાઈ અને સસલો તો આંખો પટપટાવતા એકબીજાની સામે જોઈ રહ્યા. બંને અંદરોઅંદર થોડીવાર ફુસફુસાહટ કરવા લાગ્યા. પછી રીંછભાઈ બોલ્યા, 'વાંદરાભાઈ! પૂંછડીઓ તો અમારે પણ છે! અમને પણ શીખવો ને આ જાદુ!'

સસલો પણ બોલ્યો, 'હા, હા, અમારે પણ તમારી જેમ લટકીને મોજ કરવી છે! અમારે પણ બધા પર કાબૂ કરવો છે! અમને પણ જાદુ શીખવોને!'

વાંદરો બોલ્યો, 'એમ! તો તમારે બંનેને પણ જાદુઈ પૂંછડીવાળા બનવું છે?'

રીંછભાઈ અને સસલો એકસાથે બોલ્યા, 'હા, વાંદરાભાઈ, હા!'

વાંદરાએ બંનેને કહ્યું, 'પણ એમ જાદુઈ પૂંછડી સહેલાઈથી ન મળે!'

'તો? શી રીતે મળે? કહોને!' રીંછભાઈએ પૂછયું.

વાંદરાએ કહ્યું, 'એના માટે તો તપ કરવું પડે! પૂંછડીને શેકવી પડે!'

'હેં! એ કેવી રીતે?' રીંછભાઈએ નવાઈભેર પૂછયું.

સસલાએ પણ પૂછ્યું, 'હા, વાંદરાભાઈ! પૂંછડી કઈ રીતે શેકાય?'

વાંદરો બોલ્યો, 'એ જ તો આકરી કસોટી છે! એમાંથી સફળતાપૂર્વક પસાર થાઓ પછી જ જાદુઈ પૂંછડી મળે!'

રીંછભાઈ અને સસલો એક મિનિટ માટે એકબીજાની સામે જોવા લાગ્યા. સસલાએ આંખ મીંચીને સહમતી આપી એટલે રીંછભાઈ બોલ્યા, 'અમે તૈયાર છીએ પૂંછડીઓ શેકાવવા!'

વાંદરાએ કહ્યું, 'ખરેખર?'

'હા... ખરેખર! જાદુઈ પૂંછડી મળતી હોય તો એટલું તપ તો કરીએ જ ને!' રીંછભાઈએ કહ્યું.

સસલો બોલ્યો, 'હા, બોલો વાંદરાભાઈ! શું કરીએ અમે?'

વાંદરો કહે, 'ચાલો મારી સાથે!'

'હા, ચાલો!' 

રીંછભાઈ અને સસલો વાંદરાની પાછળ-પાછળ જવા લાગ્યા. વાંદરો કૂદકા મારતો જાય અને મનોમન રાજી થતો જાય - 'બરાબર લાગમાં આવ્યા છે બંને! આજે તો બંનેને સરખા કરીને મૂરખ બનાવીશ!'

એમ કરતાં એક જગ્યાએ વાંદરો અટક્યો, જ્યાં કોઈ માણસ હમણાં જ તાપણું કરીને ગયો હતો. તાપણું હજી ઠર્યું નહોતું. એ તાપણા પાસે વાંદરાએ રીંછભાઈ અને સસલાને થોભાવ્યા. પછી કહ્યું, 'બંને ધ્યાનથી સાંભળો મારી વાત!'

'હા, હા.. બોલો!' રીંછભાઈ અને સસલો બોલ્યા.

વાંદરાએ કહ્યું, 'તમારે પૂંછડીને જાદુઈ બનાવવા માટે આ તાપણામાં શેકવી પડશે!'

'હા, શી રીતે?' રીંછભાઈએ પૂછયું.

વાંદરો બોલ્યો, 'બંને ઊંધા ફરીને પૂંછડીઓ તાપણા તરફ રાખો!'

રીંછભાઈ અને સસલાએ એકવાર એકબીજાની સામે જોયું અને પછી જાદુઈ પૂંછડીની લાલચે બંનેએ વાંદરાની સૂચના મુજબ તાપણા તરફ પોતપોતાની પૂંછડીઓ રાખી. વાંદરો મનોમન રાજી થતો હતો. ઠાવકો થઈ તે બોલ્યો, 'હજી તમે થોડા દૂર છો મિત્રો! તાપણાની નજીક જાઓ!'

રીંછભાઈ અને સસલો તાપણા તરફ ઊંધા પગે ખસ્યા. ધીમે-ધીમે બંનેની પૂંછડીઓ ગરમ થવા લાગી. એક મિનિટ રહી વાંદરો ફરી બોલ્યો, 'હજી વધારે નજીક ખસો મિત્રો! જાદુઈ પૂંછડી માટે તપ તો બરાબર કરવું જ પડે!'

રીંછભાઈ અને સસલો તાપણા તરફ ફરી ઊંધા પગે ખસ્યા. હવે ગરમાહટ વધી. વાંદરાએ ફરી કહ્યું, 'હજી થોડા વધારે નજીક મિત્રો! પછી જુઓ જાદુ!'

બંને વધારે ખસ્યા! એમ વાંદરો 'હજી નજીક... હજી નજીક...' એવી સૂચના આપતો ગયો અને રીંછભાઈ તથા સસલો ખસતા ગયા. એમ કરતાં તાપણાની આગમાં બંનેની પૂંછડીઓ અડી!

'ઊઈઈઈઈઈ... મારી પૂંછડી..!' રીંછભાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ... અને તે તો ભાગ્યા!

'ઓય.. ઓય.. ઓય.. મારી પૂંછડી..!' સસલો પણ ઠેકાઠેક ચીસો પાડતો ભાગ્યો.

વાંદરો કહે, 'અરે! ઊભા રહો! ભાગો છો ક્યાં? બરાબર પૂંછડીઓ તો શેકો! તો જ જાદુઈ થશે તમારી પૂંછડીઓ!'

'નથી કરવી મારે જાદુઈ પૂંછડી..! ઓય રે!' એમ બૂમાબૂમ કરતા રીંછભાઈ ભાગ્યા.

'નથી જોતો જાદુ.. ઊઈઈઈ...' સસલાના મોંમાંથી પણ ચીસ નીકળી ગઈ! તે પણ પોતાની પૂંછડી પંપાળતા ત્યાંથી ભાગી ગયો!

આ જોઈ ખી-ખી કરતો વાંદરો હસ્યો અને પછી ગાવા લાગ્યો:

'પૂંછમાં છે જાદુ, 

મારી પૂંછમાં છે જાદુ!'