બજરંગબલીનો દીપક રાગ...!
વર્ષની અંધારામાં અંધારી રાતે એક એવી વીણા રણકી ઊઠી કે સમગ્ર અયોધ્યા નગરીના દીપકો સળગી ઊઠયા !
વીણાવાદીની એટલે સરસ્વતી. વીણા વગાડનાર દેવી. પણ વીણા વગાડનાર એક દેવ પણ છે, જાણો છો ? તમે તરત કહી દેશો નારદમુનિ. હા, નારદજીને વીણાપાણી એટલે કે હાથમાં વીણા રાખનાર પણ કહેવાય છે.
પણ નારદજી જે રાખે છે એ તંબુરો છે. સરસ્વતી જેવી જ વીણા રાખનાર બીજા દેવ છે - હનુમાનજી. નવાઈ લાગી ને ? પણ કંઇક શાસ્ત્રોમાં બજરંગબલીને અચ્છા સંગીતકાર, સંગીત શોખીન અને વીણાવાદક તરીકે બિરદાવવામાં આવ્યા છે.
પદ્મપુરાણના પાતાળ ખંડમાંના એક પ્રસંગ મુજબ અતિશય સુંદર શીતળ સરોવરને કિનારે એક સંગીત સંમેલન ભરાયું. એ સંગીત મબેફિલમાં કિન્નરો, ગાંધર્વો, પંડિતો, ઋષિઓ, દેવો, દાનવો બધાં જ પોતપોતાની સંગીત પ્રતિભા રજૂ કરવા ભેગા થયા. પણ પવનકુમાર હનુમાને જ્યારે પોતાની જ વીણાના સૂર સાથે સુમધુર સંગીત વહેતું મૂક્યું ત્યારે બધાં જ સંગીતકારો તથા સંગીત શોખીનો સ્તબ્ધ બની ગયા. તલ્લીન થઇ એક ધ્યાનથી બજરંગબલીને સાંભળતા રહ્યાં. હનુમાનની એ સંગીત રચનામાંથી અમૃતવર્ષા થવા લાગી. ત્યારબાદ કોઇ જ દેવદેવતા ગાવા તૈયાર થયાં નહિ અને પવનપુત્રને જ કહેતા રહ્યાં: હજુ વધુ ગાવ, ગાવાનું ચાલુ જ રાખો.
રામાયણના પ્રકારોમાં એક 'અદ્ભુત રામાયણ' પણ છે. તેમાંની કથા મુજબ એક વખત નારદને પોતાના વીણાવાદન ઉપર ભારે ગર્વ થયો. એ ગર્વ અને ઘમંડમાં સહુને તુચ્છ માનવા લાગ્યા.
નારદજી કિષ્કિંધાથી પસાર થતા હતા ત્યારે વાનરો ભેગા મળીને તેમને ચીઢવવા લાગ્યા. તેમની વીણા ઉછાળવા લાગ્યા.
નારદે વીણા સામે ધરીને કહ્યું: 'અરે વાનરો ! આ વીણા, નારદની વીણા ! એને વગાડવાની કળા દેવો પણ જાણતા નથી, તો શું તમે વગાડશો ?'
એક વાનરે 'હા' કહી, એટલું જ નહિ, એ વાજીંત્રની માગણી કરી.
ગુસ્સે થયેલા નારદજીએ કહી દીધું: લે વગાડ, જોઉં છું તું કેવોક વગાડે છે ? કહે છે કે એ વાનરે વીણામાંથી એક પછી એક એવી રાગણીઓ વહેતી મૂકી કે નારદજી આભા જ બની ગયા. પોકારી ઊઠયા: ઓ અદ્ભુત વીણાવાદક ! જરૂર તું વાનર નથી. બોલ તું કોણ છે ? કોણ છે ?
સામાન્ય વાનરમાંથી પોતાનું અસલ રૂપ ધારણ કરીને ખરેખરી વીણા વગાડતાં હનુમાનજી કહે: પ્રણામ મુનિરાજ !
દેવર્ષિ નારદે લાંબા થઇને સાષ્ટાંગ કરતાં કહ્યું: મારો ઘમંડ પણ ધન્ય થઇ ગયો. આજે તમારું એક નવું રૂપ જોઇને, તમને સંગીતરૂપેણ નિહાળીને હું મોક્ષ પામી ગયો અંજનિસૂત ! મને જો અભિમાન ન થયું હોત તો લોકો આપની આ સાધનાથી અજાણ જ રહી જાત !
દક્ષિણના તો કંઇક હનુમાન મંદિરમાં હનુમાનને વીણા સાથે દર્શાવવામાં આવ્યા છે. દક્ષિણી રામાયણ મુજબ તો બજરંગ બલીએ 'સંગીત પરિજાત' નામના સંગીત શાસ્ત્રની પણ રચના કરી છે. તેમના વિશેષણોમાં પવનપુત્રનો ઉલ્લેખ સર્વવિદ્યાધર, કલાધર તથા સંગીતાચાર્ય તરીકે પણ કરવામાં આવ્યો છે.
શ્વીશેલમના જૂના ખંડિયેરોના ખોદકામમાંથી જે મંદિરો મળી આવ્યાં છે, તેમાં હનુમાનજી વીણા વગાડે છે, અને ગણેશજી વાંસળી વગાડે છે. બીજી એક મૂર્તિમાં હનુમાનજી એક હાથે વીણા તથા બીજા હાથે મંજીરા વગાડતાં દેખાય છે.
કેરળના પ્રસિદ્ધ ત્રિવેન્દ્રમ સંગ્રહાલયમાં એક કાંસાની મૂર્તિ છે, જેમાં હનુમાનજી શ્રોતાઓને સ્વરચિત નાટક સંભળાવી રહ્યાં છે, અલબત્ત વીણા પરની રાગરાગણી સાથે જ.
નારદ-પુરાણની એક કથામાં હનુમાનજી ગૌતમ ઋષિના આશ્રમમાં એવા સંગીતમય બની જાય છે કે તાંડવ નૃત્ય થોભાવી ખુદ શિવજીને હાજર થવું પડે છે. તેમણે હનુમાન સંગીતની ભારોભાર પ્રશંસા કરતા કહ્યું ઃ મારા તાંડવને શાંત કરવાની ક્ષમતા એક માત્ર તમારા સંગીતમાં છે પવનસૂત હું તમને અહર્નિશ સંગીતના આશીર્વાદ આપું છું.
હનુમાનજીને શાસ્ત્રીય સંગીતના પ્રવર્તક પણ માનવામાં આવે છે. 'સંગીત રત્નાકર'ના મંગલાચરણમાં ભટ્ટજીએ સંગીત શાસ્ત્રના આઠ પ્રવર્તકોમાં હનુમાનજીનો ઉલ્લેખ કર્યો છે. તેમને પરમ સંગીતાચાર્ય તરીકે સંબોધ્યા છે. પણ તમને થશે કે દિવાળીના આ દિવસોમાં આ વળી હનુમાનના હાથમાં વીણા ક્યાં પકડાવી દીધી ? એનું ય કારણ છે... કહે છે કે દશેરાને દિવસે શ્રીરામ ફરીથી અયોધ્યા પહોંચ્યા. શરદ પૂનમે અયોધ્યા નગરીમાં પૂરા ચંદ્રની પૂરબહારમાં સંગીત મહેફીલ જામી, જે પાંચ રાત સુધી ચાલી.
હનુમાનજીને ગાવા ન મળ્યું, વગાડવા ન મળ્યું. હનુમાનજી ત્યારબાદ દશ દિવસ ખામોશ રહ્યા, સૂનમૂન રહ્યા, પણ વર્ષાંતની ંઅંધારામાં અંધારી રાતે ચુપ રહી શક્યા નહિ.
તેમણે વીણા વગાડવી શરૂ કરી અને એવું સંગીત છેડયું કે આખી સૃષ્ટિના તમામ નગરીના દીવડાઓ આપોઆપ પ્રજ્વલિત થઇ ઊઠયા.
ભગવાન શ્રીરામજીએ તેમને અવરોધ્યા નહિ, આખી રાત જાગીને એ સંગીતની અમૃતવર્ષા માણી. શ્રી બજરંગબલીના આ દીપક રાગની તો આપણને ખબર જ ન હતી !
જી હા, આ આપણા જ દેશની વાત છે. જ્યાં વસતી હતી, ફૂલો હતા એ ફૂલોને સાચવવા સેના હતી. પછી વન ખાતુ, પાણી ખાતુ, ખાતર ખાતુ વસંતનો વિકાસ કરવાના કામે લાગી ગયું. પણ આજે તો તપાસ સમિતિ બેઠી છે અને એ તપાસ કરે છે કે બાગ ક્યાં ગયો ? એ ફૂલો ક્યાં ગયા ? ભરી ભરી વસંતઋતુમાં જ એ વસંત ક્યાં ગઇ ?