ઊંટ ઉપર પુસ્તક .
ઊંટની વણઝાર ચાલી, તે પર ચાલ્યું પુસ્તકાલય રણની વચમાં, રણભેરી, ને ગાજ્યું પુસ્તક મહાલય
પુસ્તક ઉપર ઊંટ તમે જોયું હશે ! આજે હું તમને ઊંટ પરના પુસ્તકની વાત કરીશ. સાચીવાત અને એકદમ સાચ્ચી વાત.
જ્યાં ખાવા પીવા રહેવાનું જ ન મળે. ત્યાં વળી શાળા કેવી ?
ફેંકાયેલા, ત્યજાયેલા, મરવા માટે હડસાયેલા બાળક વળી ભણવાનું કેવું ?
પણ હસન માસ્તર એવા જ બાળકોના શિક્ષક હતા. તેમને ખબર પડે કે અમુક જગાએ બાળક તરફડી રહ્યું છે કે દોડે, ઉપાડી લાવે એ બાળકને, જિંદગી બક્ષે, ભણાવે ગણાવે.
હસન સાહેબની એ શાળાને શાળા ય કેમ કહેવાય ? પગ નીચે બળબળતી રેતી, તે પર જેવા તેવા ટેબલ, બેસવા માટે બાંકડા.
શાળામાં જ ભોજન મળે. બધાં વિદ્યાર્થીઓ મેજ પર ખાણું આવી જાય.
સાહેબ કહે: 'ચાલો, ખાવા માંડો.'
બાળકો ખાવાની શરૂઆત કરે. બધાને જ ભાવે તેવું કંઇ નહિ. પણ ભૂખે મરવું કરતાં ખાવું સારૂં. ભાવવા લાગે પછી તો ચાનક ચઢે.
પણ એક બાળક તરંગી.
સાહેબ ખોંખારે: 'એઈ મુખતાર, કેમ ખાતો નથી ? ખાવા માંડ.'
મુખતાર કહે: 'સાહેબ, મારૂં ઊંટ...?'
હા, મુખતાર ઊંટ સાથે જ મોટો થયો હતો. જેવો તે ફેંકાયો હતો, તેવું જ ઊંટ ફેંકાયું હતું. તેના માતા-પિતા ન હતા. પણ જે વડીલ હતા, તેમણે કહ્યું હતું: 'મુખતાર, આ રણ પ્રદેશમાં ઊંટ જ આપણાં મા-બાપ છે, અલ્લાહ છે, ખુદા છે. યાદ રાખજે પહેલા ઊંટ પછી આપણે.'
સાહેબ કહે: 'કાલે તો તું ઊંટને પણ શાળામાં લાવવા માગશે કેમ ? ચાલ ખાવા માંડ.'
મુખતાર ખાવાનો દેખાવ કરે. પછી જેવા બધાં વાસણ ધોવા જાય કે ઊંટને બધું ખવડાવી આવે.
પોતાના સાથી ઊંટને માથે, કાન પાછળ, નાક ઉપર હાથ ફેરવીને તે કહે: 'ખાય લે, મારા સાથી, ખાય લે.'
ઊંટ લબડતાં હોઠે આશીષ આપે અને ખાવા લાગે.
મુખતારે જોયું હતું કે આ રણની દુનિયામાં ઊંટ જ. સર્વસ્વ છે. ઊંટના છાણાં બળતણ પુરૂં પાડે. ઊંટના વાળના પોશાક બને. ઊંટડીનું દૂધ માનવનું પોષણ બની રહે. ઊંટ ઉષ્મા આપે, છાંયડોય આપે. એટલે જ વડવાઓ કહે: 'પહેલું ઊંટ, પછી આપણે. ઊંટ જીવશે તો આપણે જીવીશું. ઊંટ રણનું જહાજ ખરૂં, રણનું અન્નદેવેય ખરૂં.'
ભણાવતાં પહેલાં હસન સાહેબ બાળકોને ભોજન પીરસે. વહાલથી કહે: 'પોશો...! પોશો..!' 'ખાવ... ! ખાવ...!'
હસન સાહેબ ભલા હશે.
પણ ભલાથી ય ભલાઓ હોય છે ને દુનિયામાં !
હસન સાહેબને ભણાવવાની હોંશ તો ફઝલ સાહેબને વળી વંચાવવાની હોંશ, ત્રણ ઊંટ ઉપર પુસ્તકો લઇને તેઓ ઠેર ઠેર ફરે. વાચન-યજ્ઞા ગોઠવે. એક ઊંટ પર પુસ્તકો બીજા ઉપર વાંસ, થાંભલા, પાથરણાં, ટેબલ, ખુરસી વગેરે વગેરે. અને ત્રીજા ઊંટ ઉપર તંબૂઓ.
જ્યાં બાળકો નજર પડે, બાળકોનું ગામ દેખા દે, બાળકોની શાળા કે રમતનું મેદાન આવેલું લાગે ત્યાં તંબૂઓ ઊભા થઇ જાય.
બાળકો દોડીને આવે: 'ઊંટ આવ્યા, ઊંટ આવ્યા, ભણવાનું લાવ્યા ઃ ગણવાનું લાવ્યા. વાંચવાનું લાવ્યા, વાર્તા લાવ્યા ઃ નાટક લાવ્યા ગાન લાવ્યા.'
રંગબેરંગી પુસ્તકો. વાંચતાં ખૂટે નહિ એટલાં પુસ્તકો. રાખવા હોય તો રાખો. શાળાનું પુસ્તકાલય બનાવો. તમે કહેશો ત્યારે આગળ જઈશું.
પાથરણાંય પાછા જેવા તેવા નહિ. મુલાયમ, ભરેલાં ગૂંથેલા ચિતરેલાં આકારેલાં. તે ઉપર પશુ-પંખી અને ઊંટ તો ખરા જ.
બાળકો જાતે વાંચે.
એક બાળક વાંચે, બીજાઓ સાંભળે સાહેબ વાંચે અને વાર્તાઓ આકાર પામે.
હસન સાહેબ જે શીખવે તે ફઝલ સાહેબ જીવતું કરે.
હસન-ફઝલ સાહેબે ભેગા થઇને વાર્તાઓ ખડી કરે. નાટક કરે. ચોપડી બતાવી, તેમાંના ચિત્રો બતાવી બાળકોને કહે: 'આમાં છે આ બધું. અહીંનું જ છે. આ બધી ભણવાની વાર્તા છે. ભણો, વાર્તા કહો. વાર્તા ભણો, વાર્તા જીવો.'
બાળકો વાંચવા માટે ઘેલાં બને, ગાંડા બને, વેવલાં બને, વાંચણિયાં બને. અહીં રણમાં વળી લાયબ્રેરી ક્યાંથી ? પણ ફઝલની કૃપા, જ્યાં લ્હાય ત્યાં લાયબ્રેરી.
પણ આપણાં મુખતારની વાત જુદી. તેને ચોપડી ગમે, ઊંટ વળી વધારે ગમે. આ ચોપડિયા ઊંટો તો સેંકડો માઇલો ચાલે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ગામડાંઓ દૂર દૂર ? બાળકો એથી ય દૂર ? શાળાઓ વળી બધેથી દૂર, બધાંથી દૂર.
ત્રણ ઊંટનું આ પુસ્તકાલય, જાણે હરતી ફરતી શાળા-કૂદતી નાચતી નિશાળ. હાલતાં ચાલતાં વિદ્યાલય. હીંચતી હીંચાવતી વિદ્યાપીઠ. ઉપર સૂરજની સાક્ષી, નીચે રણની ધરતીની હૂંફ.
એક ઊંટ ઘવાયું હતું. મુખતારની નજર પડી જ ગઇ હતી. ઊંટના આંગળામાં રેતી ભરાય ગઇ હતી. ઘા પડયો હતો. ઘા પાકી ગયો હતો. ચાલવાની તકલીફ થતી હતી.
ભોજન અને ચોપડી હાથમાં લઇ તે ઘાયલ ઊંટ પાસે ગયો. તેના મોઢામાં દવાનું મૂળિયું હતું. એવા મૂળિયાં અહીં કોઈ કોઇ જગાએ મળે. મુખતારને ખ્યાલ હતો જ. તે ઊંટનો સાથી હતો. એવા મૂળિયાં ભેગાં કરે જ રાખતો.
મૂળિયાં કડવાં તૂરાં ફીક્કા હતા. સ્વાદ અત્યંત ખરાબ. ચાવી ચાવીને મુખતાર એ મૂળિયાનો રસ ભેગો કરે, પછી ઊંટના ઘા પર એ મલમ લગાડે. ઘણો બધો મલમ લગાડે. ઘા આખો ભરી દે.
પછી ખમીસ ફાડીને ઊંટને પાટો બાંધી દે. એવો પાટો બાંધે કે છૂટે જ નહિ.
જવાનો સમય થયો.
હવે બીજી ખેપ, બીજી શાળા, બીજી નિશાળ, બીજી વાચન-યાત્રા.
ઊંટની પાસે જ રહેતા મુખતારને જોયો હસન સાહેબે, ફઝલ સાહેબે. હાથમાં પુસ્તક, બીજો હાથ ઊંટના ઘા પર. તે આંખથી વાંચે, આંગળીથી ઊંટને પંપાળે.
જતી વખતે ફઝલ સાહેબ કહે: 'મઝા આવી ગઇ હસન સાહેબ. એક માગણી કરૂં? મારે ેએક કાયમી સાથીની જરૂર છે. મને મુખતાર આપશો ?'
હવે તો મુખતાર હસન સાહેબને પણ ગમવા લાગ્યો હતો. છતાં કહે: 'પૂછીએ એને મુખતાર તો રાજીના રેડ.
ઊંટનો સાથ, પુસ્તકનો સાથ, વાંચનનો સાથ, વાર્તાનો સાથ.
ઊંટની સેવા, ચોપડીઓની સેવા. ઊંટને મલમ ચોપડી આપવાની સેવા. જ્ઞાાનનો ફેલાવો કરવાની સેવા.
આખો દિવસ વાંચ્યા કરવાની મોજ, ઊંટ સાથે ફરવાનું રોજે રોજ.
નવ-નવું નવું-નવું વાંચ્યા કરવાની ખોજ. પુસ્તકોની, પુસ્તકાલયોની, ફોજ ઉપર ફોજ.
કાફલો જતો હતો ત્યારે ફઝલ સાહેબે કહ્યું: 'મુખતાર, તું જ કેમ લખતો નથી ? આ ઊંટ ઉપર, રણનાં પશુ ઉપર, રણની શાળા ઉપર, રણના જીવન ઉપર.'
ઊંટ પર બેસીને જ મુખતારે લખવાની શરૂઆત કરી. લખ્યું જ. જેવું આવડયું તેવું લખ્યું જ.
ફઝલ સાહેબે ફજલના હસ્તાક્ષરોમાં જ એ પુસ્તક છપાવ્યું. આફ્રિકા, કેન્યા, સોમાલિયા પછાત વિસ્તાર. રણ પ્રદેશ. અછત જ અછત.
ત્યાંથી પ્રગટ થયેલાં મુખતાર એહમદ તેમના વિદ્યાર્થીના પુસ્તકને દુનિયાભરમાં ખ્યાતિ મળી. પુસ્તકનું નામ ઃ મુખતાર અને ઊંટ.
ઊંટ છે રણને વહાલા !
ઊંટ છે રણનું જહાજ
ઊંટ છે રણની લાજ
ઊંટ છે રણનો તાજ
ઊંટ છે રણનો બાજ
ઊંટ છે રણનું પુસ્તક
ઊંટ છે રણનું મસ્તક
ઊંટ છે રણનો અશ્વ
ઊંટ છે રણનું વિશ્વ
ઊંટ છે રણનો શ્વાસ
ઊંટ છે રણ - વિશ્વાસ
ઊંટ છે રણની હાશ
ઊંટ છે રણનાં લિબાશ
ઊંટ છે રણની હવા
ઊંટ છે રણની દવા
ઊંટ છે રણનો રાજા
ઊંટ રાખે સૌને તાજા
ઊંટ છે રણની ઊંઘ
ઊંટ છે રણની સૂંઘ
ઊંટ છે રણની નિરાંત
ઊંટ છે તંબૂ-પૂરાંત
ઊંટ છે રણની ગાડી
ઊંટ છે રણની ઝાડી
ઊંટ છે રણની સવારી
વાત જ ઊંટની છે ન્યારી.