અરુણ કદી ન આથમે .
અરુણ કોઇ માનવી ન હતો, સિંહ હતો. અરે સાક્ષાત સુરજ હતો સુરજ. તે એક વાર આગળ વધવા લાગે, પછી તેને કોઇ રોકી શકતું નહિ
આકાશમાં જ્યાં સુધી સૂરજ રહેશે ત્યાં સુધી ધરતીની આ આરુણી વિજયગાથા ગાજતી જ રહેશે
જવાનોની સાચી જવાંમર્દી મેજરો જ કહી શકે છે. તેમની સરદારી હેઠળ જવાનો કેવી રીતે લડે છે, તેનો ખ્યાલ તેમને જ આવી શકે છે.
પાકિસ્તાન સાથેનું છેલ્લું ૧૯૭૧નું યુધ્ધ ખરેખરું ત્રણ જગાએ લડાયું હતું. એક જેસલમીરના રણોમાં, બીજું કાશ્મીરની છામ્બ ઘાટીઓમાં અને ત્રીજું બંગલા દેશના જેસોર અને ખુલના મથકોમાં.
પણ પશ્ચિમ પાકિસ્તાન તરફ આવેલા છામ્બ વિસ્તારની લડાઇ તો ખરેખરી લડાઇ હતી.
૧૯૭૧. ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાને ૧૮-૧૮ વિમાનો મોકલીને આપણાં સાત વિમાની મથકો ઉપર બોમ્બમારો કર્યો એ સાથે જ તેણે છામ્બ પર મોટું લશ્કર મોકલી આપ્યું.
પાકિસ્તાનની ધારણા હતી કે વિમાનોના ખતરનાક હવાઇ હુમલા ભારતને બરબાદ કરી નાખશે. તેનાં મોટા ભાગનાં વિમાનો જખ્મી થઇ જશે. વિમાનોની સાથોસાથ હવાઇ પટ્ટીઓ પણ ખંડિત થઇ જશે, એટલે પહેલે ધડાકે જ ભારત હાય હાય કરતું થઇ જશે.
ઇઝરાઇલે જ્યારે આરબ રાજ્યો સામે યુધ્ધ શરૂ કર્યું, ત્યારે તેણે એ જ પ્રમાણે કર્યું હતું. તેણે સંખ્યાબંધ વિમાનો મિસરના હવાઇ અડ્ડાઓ ઉપર આક્રમણ કરવા મોકલી આપ્યાં. અને, એ વિમાનોની નિશાનાબાજી એવી તો અદલ હતી કે પહેલે ધડાકે જ મિસરના ૩૫૬ વિમાન નાશ પામ્યાં. હવાઇ અડ્ડાઓ ઉપર ઊભેલાં એ વિમાનો ત્યાં જ શહીદ થઇ ગયાં. પાકિસ્તાનની ધારણા પણ બરાબર એવી જ હતી.
પણ ક્યાં ઇઝરાઇલના નિશાનબાજ પાઇલોટો અને ક્યાં પાકિસ્તાનના ઉડઝુડિયા વિમાન ચાલકો ?
પાકિસ્તાન પાસે ફ્રાન્સના મિરાજ જેવા ૧૪૦૦ થી ૧૫૦૦ માઇલની ઝડપે ઊડનારાં વિમાનો હતાં. એ વિમાનો હજારથી બે હજાર રતલનો બોમ્બ ઝીંકી શકતાં.
પણ ક્યાં ઇઝરાઇલની નિશાનબાજી અને ક્યાં પાકિસ્તાનની બેફામ ગોળાબાજી ? માત્ર સાધનો સારાં હોવાથી લડાઇ જીતી શકાતી નથી ! ઉપરાંત જ્યારે ઇઝરાઇલે આક્રમણ કર્યું ત્યારે મિસર કદાચ સૂતું હશે. ૩૫૬ જેટલાં વિમાનો હવાઇ મથકો પર રાખવાની ભૂલ તો એ આરબ રાજ્ય જ કરી શકે.
જ્યારે ભારત તો પહેલેથી જ સાવધ હતું. એટલે સુધી કે જ્યારે પાક વિમાનોએ આપણાં જાણીતાં હવાઇ મથકો પર ભારે હુમલો કર્યો ત્યારે, આપણાં હવાઇ મથકો પર એક પણ વિમાન હતું નહિ.
આશ્ચર્યની વાત તો એ છે કે ત્યારે ભારતમાં વિમાનો ક્યાં હતાં એ વાત આજ સુધી પાકિસ્તાન જાણી શક્યું નથી અને એ એક રહસ્ય હોવાને લઇને, ભારત એ વાત કદી જાહેર કરતું નથી.
તાજ્જુબી તો જુઓ કે પાકિસ્તાને તો લડાઇ માટે બરાબર સોનેરી તક ઝડપી હતી, જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે ભારતનાં વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધી કલકત્તામાં હતાં. સંરક્ષણ પ્રધાન શ્રી જગજીવનરામ પટણામાં હતા, અને નાણાંપ્રધાન શ્રી ચવ્હાણ મુંબઇમાં હતા.
પાકિસ્તાને તો ભારતની ગાફેલિયત ઝડપી હતી. પણ ભારત ગાફેલ હતું જ નહિ. તે તો હંમેશા આવા યુદ્ધ માટે તૈયાર જ રહે છે. જે દેશનો પાડોશી અવિશ્વાસુ અને દગાખોર હોય તેને કાયમને માટે સાવધ રહેવું જ પડે છે.
ભારત સાવધ તો એટલું હતું કે, તેને માટે આ એક સંરક્ષણ માટેનું યુદ્ધ હતું. તે કંઇ પાકિસ્તાન પર આક્રમણ કરવા માંગતું ન હતું. તે તો માત્ર બચાવ માટે જ યુદ્ધ કરતું હતું. છતાં જ્યારે પાકિસ્તાનનાં ૧૮ વિમાનો હુમલો કરીને ભાગ્યા ત્યારે કોણ જાણે ક્યાંથી ભારતનાં વિમાનો નીકળી આવ્યાં ? અને તેમણે પાકિસ્તાનના વિમાનોનો પીછો કર્યો.
પાકિસ્તાનનાં વિશાળ અને તાજાં દસ મિરાજ વિમાનોનો ભાગતાં પાર આવ્યો નહિ, અને તે છતાં પહેલે તબક્કે પાકિસ્તાનનાં ત્રણ વિમાનોને ભોંય ભેગાં કરી દેવામાં આવ્યાં.
પાકિસ્તાનનો ઇરાદો આકાશમાર્ગે ભારતને ડરાવી દઇ, જમીનમાર્ગે મોટું સૈન્ય ભારતમાં ધકેલી દેવાનો હતો. જનરલ યાહ્યાખાનનાં સ્વપ્નાંઓ તો કોઇ ગજબનાં હતાં. જ્યારે પાછળથી આપણે ઘણા બધાં નકશાઓ તથા દસ્તાવેજો પકડયા, ત્યારે આપણને એ સ્વપ્નાઓનો ખ્યાલ આવ્યો.
પણ યાહ્યાખાન પાસે તેનાં તરંગી સ્વપ્નાઓ હતાં-તો આપણી પાસે અરુણ ક્ષેત્રપાલ જેવા લડવૈયાઓ હતા.
અરુણ એક ભારે તરવરિયો જવાન હતો. તે સેકન્ડ લેફ. હતો. તેના મેજર જશવંતસિંહ તેનું ક્ષેત્રપાલ જેવું નામ બોલી શકતા નહિ એટલે તેને ખેતરપાલ જ કહેતા.
જ્યારે અરુણ ખેતરપાલ તેમની ટુકડીમાં સામેલ થયો, ત્યારે તેના નામનો અર્થ મેજરને સમજાવવામાં આવ્યો હતો.
અરુણનો અર્થ સૂરજ થતો હતો, અને ખેતરપાલનો અર્થ થતો હતો ખેતરનું રક્ષણ કરનારો.
મેજરે એ અર્થ જાણીને કહ્યું: 'શું તું જાતે જ ખેતરનું રક્ષણ કરી શકશે ?'
ત્યારે અરુણે જવાબ આપ્યો: 'જરૂર કરી શકીશ સર, મારા પ્રાણ જવા દઇશ, પણ એક ઈંચ જમીન નહિ જવા દઉં.'
પિયોનવાલી મથકે પાકિસ્તાને પહેલા જ હુમલામાં મોટા જથ્થામાં સૈનિકો મોકલ્યા. એટલાં મોટાં ધાડા મોકલ્યા કે વાત ન પૂછો.
એ ઉપરથી પાકિસ્તાનની લશ્કરી તૈયારી કેટલી હતી તે સમજી શકાય તેવી વાત છે.
પાકિસ્તાન બે રીતની લડાઇ અજમાવવા માગતું હતું. એક રીત હતી અમેરિકન પદ્ધતિ, બીજી હતી ચીની પદ્ધતિ.
અમેરિકન પદ્ધતિમાં સંખ્યાબંધ શસ્ત્રો ખડકી દેવામાં આવે છે. અને એવો મારો ચલાવવામાં આવે છે કે સામા પક્ષને પીછેહઠ કરવી જ પડે. એક વાર શત્રુ સૈન્ય પીછેહઠ કરે એટલે પછી અમેરિકનો આગળ વધી જતા હોય છે.
ચીની પદ્ધતિ એથી જુદી જાતની છે. અગણિત સંખ્યામાં સરહદ પર લશ્કર મોકલી આપે છે.
પહેલે તબક્કે તો તમે આગલી હરોળને મારી શકો છો. પણ ચીની પદ્ધતિ એવી છે કે ચીનાઓનું લશ્કર બસ આવ્યે જ જાય છે.
હજી તમે પહેલી ટુકડીને મારી શક્યા નથી, ત્યાં જ પાછળ બીજા ચીનાઓ હાજર થઇ જાય છે. એ બીજા સૈન્યને તમે પૂરું કરો તે પહેલાં જ તેની જગા ત્રીજા ચીની ધાડાંએ લઇ લીધેલી જ હોય છે. તેની પાછળ જ ચોથું ધાડું હોય, પાંચમું હોય, છઠ્ઠું હોય. એમ ઉપરાઉપરી ચીન, શરૂઆતમાં એટલું લશ્કર હોમી દે છે કે સામેનું સૈન્ય થાકી જાય છે. હારી જાય છે, નિરાશ થઇ જાય છે. અરે મારી મારીને પણ થાકી જાય છે, અને કાં તે શરણે આવે છે, કે તે પછી ભાગી જાય છે. ચીનાઓની જીતનું આ જ એક કારણ છે.
પાકિસ્તાન આ બે પદ્ધતિનું અનુકરણ કરતું હતું. પણ અનુકરણથી યુધ્ધ જિતાતાં નથી.
પાકિસ્તાનનાં શસ્ત્રોની કેવી દશા થઇ તેનો દાખલો અરુણ ક્ષેત્રપાલ પૂરો પાડે છે.
અરુણ પહેલેથી જ ચાર કોઠાનો જાણકાર છે. જેમ અભિમન્યુ છ કોઠા જાણતો હતો, તેમ અરુણ ચાર જાણે છે, તે કહેતો: 'હું મારા પિતાનો ચોથો પુત્ર છું. હું શાળામાં હંમેશા ચોથે નંબરે પાસ થયો છું. ચોથી ડિસેમ્બર મારી જન્મ તારીખ છે, અને એમ દરેક રીતે ચાર નંબર મારે માટે શુભ છે, અનુકૂળ છે.''
સંજોગવશાત પિયોનવાલી ક્ષેત્ર પર જ્યારે તે આગળ વધ્યો ત્યારે પણ તારીખ ૪થી ડિસેમ્બર જ હતી, તેની પોતાની જન્મતારીખે જ તે લડાઇમાં આગળ વધ્યો.
પાકિસ્તાનની યુધ્ધ પદ્ધતિ ઉપર તમને કહી દેવામાં આવી, એટલે પિયોનવાલી ક્ષેત્ર પર પાકિસ્તાને મોટી સંખ્યામાં પહેલાં શસ્ત્રો મોકલી આપ્યાં. અને આપણી પાસે જો બહાદુર જવાનો ન હોત તો કદાચ આપણને ભારે પડી જાત. બીજું લેફ. અરુણ જે ટુકડીમાં હતો એ ટુકડી પર ભારેમાં ભારે આક્રમણ થયું. મેજેર મોરચો રચવા માટે થોડીક પીછેહઠ કરવાનો વિચાર કર્યો. યુધ્ધમાં ક્યારેક ઉસ્તાદી તથા યુક્તિ વાપરવા માટે એવી ચાલાકી વાપરવી પડે છે.
પણ અરુણે સલાહ આપી: 'આપણે આપણી જગ્યાએથી સહેજ પણ ખસીશું નહિ.'
મેજર કહે: 'પણ આ ક્ષેત્રમાં આપણી પાસે જેટલાં સાધનો છે, તેના કરતાં પાકિસ્તાન વધુ સાધનો લઇને આવે છે.'
અરુણ કહે: 'મેજર ! એમની પાસે વધુ સાધનો છે, આપણી પાસે વધુ જવાંમર્દી છે.'
હજી તેઓ વાત પૂરી કરે તે પહેલાં જ પાકિસ્તાનની એક ટેન્ક ધસી આવી. ભારતના જવાનો ગોઠવાઇ ગયા. લશ્કર માટે ખોદી રાખેલા ખાડાઓમાં ભરાઇને તેમણે ટેન્કવિરોધી મારો શરૂ કર્યો.
અરુણ જાતે એક ટેન્કમાં સામેલ હતો. તેણે પાકિસ્તાનની સૈફી ટેન્ક સામે પોતાની શુદ્ધ દેશી ટેન્ક આગળ કરી, અને એવી તો ફાંકડી નિશાનબાજી ચલાવી કે પાક. ટેન્ક ત્યાં જ ઘાયલ થઇ ગઇ. ત્યાં જ અટકી ગઇ.
પણ પાછળ બીજી ટેન્કો આવતી જ હતી.
મેજરે અરુણને સૂચના આપી.
પણ અરુણ એ સૂચનાઓનો અમલ કરે તે પહેલાં જ પાકિસ્તાનની ટેન્કોએ અરુણની ટેન્ક પર જીવલેણ હુમલો કર્યો.
અરુણની ટેન્ક ઘવાઇ ગઇ.
મેજરે અરુણને વાયરલેસ સંદેશામાં કહ્યું: 'પાછો ફરી જા. અરુણ, આપણે નવો દાવ અજમાવીએ છીએ.'
'ચિંતા ન કરો. મારી ટેન્ક થોડી ઘવાઇ છે. પણ હું સલામત છું, અને મારી તોપ હજી જોરદાર ગોળાઓ ફેંકી શકે છે.'
એ ઘવાયેલી ટેન્કમાંથી જોરદાર ગોળાઓ ફેંકતો અરુણ આગળ વધી જવા લાગ્યો.
સામે ટેન્કનાં ધાડાં હતાં. તેની પરવા કર્યા વગર તે પોતાની જાતે ટેન્ક લઇ જતો હતો.
આ બાજુ મેજરે વાયરલેસમાં બૂમ પાડી: 'અરુણ, તારે શું મરવું જ છે ?'
જવાબમાં અરુણનો ઉચ્ચ સ્વર સંભળાયો: 'મેં બીજી એક ટેન્ક ચૂપ કરી દીધી છે.'
મેજરે ધન્યવાદ આપીને કહ્યું: 'એટલું પૂરતું છે. થોડાંક નવા વ્યૂહ માટે...'
પણ શબ્દોના જવાબમાં વધુ ઉછાળા સહિત બોલી ઊઠયો: 'મેં ત્રીજી ટેન્ક ચૂપ કરી દીધી છે સર !'
મેજર આ ખેતરપાલ ઉપર ખુશ થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા: 'ગજબનો છે આ છોકરો ! શું ધાર્યું છે એણે ?'
ચારે બાજુ વિશાળ પાક ટેન્કોની વચમાં આપણી નાની ટેન્ક અણનમ રાખીને અરુણ ખરેખરા પરાક્રમથી લડતો હતો.
એકાએક મેજરને શંકા ગઇ. અરુણનો સંદેશો આવતો અટકી ગયો. ખાલી લડાઇના સ્વરો સિવાય બીજું કંઇ જ સંભળાતું ન હતું.
મેજરે અરુણ સાથે સંદેશાવ્યવહાર સ્થાપવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ બીજી તરફ ખામોશી હતી.
અને ત્યાં જ ફરીથી અરુણનો ઉશ્કેરાટ સહિતનો અવાજ સંભળાયો: 'મેજર ! સર ! મેં શત્રુની ચોથી ટેન્ક ચૂપ કરી દીધી છે... આ...હ.'
અરુણે પાકિસ્તાનની ચોથી ટેન્ક ચૂપ કરી હતી. પણ જ્યારે ૪થી ડિસેમ્બરે જન્મેલો એ જવાન ચોથી ટેન્ક ચૂપ કરી રહ્યો હતો ત્યારે જ પાકિસ્તાનની એક પાંચમી ટેન્ક તેને ચૂપ કરી ગઇ.
પછીથી અરુણનો સ્વર ન સંભળાયો, પણ અરુણની જવાંમર્દી સાંભળી શકાતી હતી. કેમકે અરુણે પોતાની ઘવાયેલી ટેન્કમાંથી છેલ્લી ઘડી સુધી એવી તો ભયાનક ગોલંદાજી ચલાવી હતી કે, પાકિસ્તાનની ટેન્કો પાછી ફરવા લાગી. તેમને થયું કે આ એક ટેન્ક જો આટલી ભયાનક હોઇ શકે, તો બીજી કેવીક હશે ? અને અરુણ જેવા બીજા જવાનો પણ હતા જ. એ જવાનોએ પાક ટેન્કોના લોખંડી હુમલાને જ્યાં ને ત્યાં અટકાવી દીધો. એટલું જ નહિ, એ હુમલાને પાછો મારી હઠાવ્યો.
અરુણની જવાંમર્દીએ તેના બધાં જ સાથીઓમાં સંપૂર્ણ પરાક્રમ સીંચી દીધું અને તેમણે એવો તો સામે હુમલો જમાવ્યો કે પાકિસ્તાની ટેન્કો ઊભી પૂંછડીએ ભાગી.
અરુણ તો સામેની ટેન્કોની ઠેઠ ૩૦-૪૦ ફૂટ નજીક જઇને હુમલો કરતો હતો.
આ પહેલાં જ સામી છાતીના હુમલામાં આપણે પાકિસ્તાનની ચાર ટેન્કો ચૂપ કરી શક્યા અને ચારે ટેન્કો એકલા અરુણે જ ચૂપ કરી દીધી હતી.
ચારનો આંક અરુણ માટે શુભ હતો. તેના જીવનનો એ શુભ આંક તેના મોતને પણ શુભ બનાવી ગયો. તે ખરેખરી બહાદુરીથી મોતને ભેટયો. શત્રુના મોરચા પરથી પગ ઉખાડીને તે શહીદ થયો.
જ્યાં અરૂણ જેવા અડગ, નીડર અને કદી પાછા નહિ પડનાર ખેતરપાલ હોય ત્યાં પીછેહઠની તો વાત જ કેવી રીતે સંભવી શકે ?
અને જો પીછેહઠ હોય તો તે શત્રુની જ હોય. એક સાથે અરુણના પરાક્રમોની યશગાથા બે મેજરો ગાઇ રહે છે. મેજર જશવંતસિંહ અને મેજર બાલ કહે છે તેમઃ અરુણ કોઇ માનવી ન હતો, સિંહ હતો. અરે સાક્ષાત સુરજ હતો સુરજ. તે એક વાર આગળ વધવા લાગે, પછી તેને કોઇ રોકી શકતું નહિ. તે આગળ વધી જતો, અને આખા સૈન્યનો માર્ગ ચોખ્ખો બનાવી જતો.
જ્યાં સુધી આકાશમાં સુરજ હશે ત્યાં સુધી ધરતીના આ અરુણની યશગાથા ગાજતી રહેશે.
* આજેય આપણી પાસે અરુણો છે, પછી શા માટે આપણાં જવાનો નિયમિત રૂપે સરહદ પર શહીદ થાય છે ?