હોળીકા થઇ હાય હાય ! હાય હાય ને હડડડડડ ! રાખ થઇ ગઇ ફરરરર....!
મધપૂડો - હરીશ નાયક .
તું નહિ, તો તારો શિષ્ય હોળીકા ! એ પ્રહલાદીયાને ભસ્મિભૂત કરી નાખ-અત્યારે જ હોળીકા આતંકરાજ હીરણ્યકની ફાંસીગર હતી એક વખત રાજ્ય ફાંસીની સજા જાહેર કરે પછી તે તારીખ વાર કદી બદલાય જ નહિ
ગર્ગર ઋષિ શિશુ પ્રહલાદને વિદ્વાન બનાવવા ગયા પણ આતંકરાજ હીરણ્યકે તેમને જ બનાવી દીધા :- ગરરર...?
કેટલાક બાળકો નાના હોય ત્યારે કાચા હોય છે. નબળા. બોલતાં મોડા શીખે, શબ્દો પકડી ન શકે. મોટા કે ભારે શબ્દો તો ફાવે જ નહિ.
કહે છે કે પ્રહલાદ પણ બાળપણમાં કાચો હતો તેને બોલવાનું ફાવતું નહિ. બોલવાનું ગમતું જ નહિ. પણ રાજાઓને ઉતાવળ ઘણી હોય છે.
''મારો દીકરો જન્મતાંની સાથે જ બોલતો થઇ જવો જોઇએ.'' આમ દરેક બાળક ઊં-ઊં કે ઊંવા ઊંવા તો કરતું જ હોય ! તેમાં પ્રહલાદ ઉપર તે ખૂબ નાનો હતો ત્યારથી આક્રમણ શરૂ થયું.
એક ખૂબ જાણીતા વ્યાકરણશાસ્ત્રી ગર્ગર પંડિત ઋષિને રોકવામાં આવ્યા. તેમને કહી દેવામાં આવ્યું કે પ્રહલાદ પહેલેથી જ અઘરા શબ્દો બોલે, તેવો થવો જોઇએ. તમારા જેવો પંડિત.'' પણ બાળક જન્મતાંની સાથે કંઇ પંડિત કે વ્યાકરણશાસ્ત્રી બનતો નથી કે બની જતો નથી !
હવે નાનો કાચો પ્રહલાદ અને પારંગત પંડિત ગર્ગરજી. ગુરૂ-ચેલાનું કેવું શિક્ષણ શરૂ થયું તે જોઇએ.
પંડિતને એમ કે પ્રહલાદને તેના નામથી જ કેળવણી આપીએ. તેમણે બાળક પ્રહલાદને કહ્યું ''આપણું નામ પ્રહલાદ છે. બોલો પ્ર-હ-લા-દ''
બાળક કહે : ''પર પર પર હ લા...''
ગર્ગરજી કહે : ''પર પર નહિ શિષ્ય, પ્ર-પ્ર બોલો પ્ર-હ-લા-દ''
બિચારા બાળકને જોડિયા અક્ષર પહેલેથી જ ફાવતાં નહિ. તે બા-ચા-પા વાળો બાળક હતો અને ગુરૂ દબાણ કરે : ''પ્ર-પ્ર-પ્ર''
શિષ્ય કહે : ''પર પર પર''
વિદ્વાન વ્યાકરણશાસ્ત્રી આવા પરપોટા કેમ સહન કરે ? પ્રહલાદ મહામહેનતે અને ઘણી વારે પ્ર બોલતો.
છેલ્લે તે 'લા-દ'ને બદલે 'લા-ત' જ બોલતો. એવું બોલવાનું તેને ફાવતું.
ગુરૂજી કહે : ''લાત નહિ, લાત નહિ, લા-દ''
બચુડો પ્રહલાદ કહે : ''લાત લાત લાત''
ગુરૂજીના નારાજ થવાનું શરૂ થઇ ગયું. તેમણે ઘોડાની હાથીની લાદ બતાવી કહ્યું : ''આ શું છે ?''
પ્રહલાદ કહે : ''છી''
''છી છી છી છી'' વ્યાકરણપંડિત નાક દાબીને બોલી ઊઠયા : ''છી નહિ, ઊંહ, લાદ કહો બેટમજી''
'છી'ની ગુરૂજીએ ના પાડી અને 'લાદ' બોલવાનું કહ્યું એટલે બાળ પ્રહલાદ ગુંચવાઇ ગયો. તેણે કહી દીધું : ''છી-લા-ત''
કપાળ કૂટીને પંડિતજી કહે : ''પોતાનું નામ પણ બોલતાં આવડતું નથી. નામમાંય છી નો પ્રવેશ કરાવે છે, એ છોકરો કોણજાણે મોટો થઇને શું ઉકાળવાનો છે.''
તેમને લાગ્યું કે પોતાનું 'પર-પર' નામ કદાચ તે નહિ બોલી શકે, લાવ એની પાસે તેના બાપનું નામ બોલાવું.
તેમણે કહ્યું : ''રાજકુમારજી આપણાં પિતાશ્રીનું નામ શું છે, જાણો છો ?''
બાળક પ્રહલાદ કહે : ''પિતા''
''હું તેમનું નામ પૂછું છું નામ ?''
''પિતા બાપા''
ગુરૂજીએ અધીરા બનીને કહ્યું : ''અરે બાપા ! એ બાપાય ખરા ને પિતાય ખરા, પણ એમનું નામ શું ?''
''શું ?''
ગુરૂદેવ કહે : ''બોલો હી...''
પ્રહલાદ કહે : 'હી'
ગુરૂ કહે : ''ર''
પ્રહલાદ કહે : ''ર''
ણ્ય
'ણ'ને 'ય' જોડેલો હોય તે નાલ્લો બચ્ચો ક્યાંથી બોલે ? તેણે કહી દીધું ''ણ''
''અરે મારા પિતાના પિતાજી પ્રહલાદજી'', ગુરૂજી ખળભળીને કહેવા લાગ્યા : ''ણ નહિ ણ નહિ, ણ્ય ણ્ય. બોલો હીરણ્ય.''
પાળણાનો પ્રહલાદ કહે : ''હીરણ''
ખળભળેલા વૈયાકરણ શાસ્ત્રી વધુ વળવળ્યા. જોરથી કહ્યું : ''હીરણ નહિ હીરણ્ય... રણ્ય... રણ્ય...''
પ્રહલાદ મહા મહેનતે બોલી શક્યો : ''હીરણ હીરણ હીરણ''
બે હાથ ગોઠણ પર ઠોકીને ગુરૂનામ ગુરૂ ગર્ગરજી કહે : ''અરે તારો બાપ હીરણ નથી, સિંહ છે સિંહ. જો તને નહિ આવડે તો ફાડી ખાશે મને. બોલ હીરણ્ય''
પ્રહલાદે કહી દીધું : ''હી-ર-ણ''
બે હાથે કપાળ ઠોકીને પંડિત મહાશય કહે : ''અરે રાજકુમાર બાપા, ઊંહ બાબા, રણ નહિ રણ્ય''
બાળ પ્રહલાદ કહે : ''રણ રણ રણ''
''આનો જન્મ,'' પ્રકાંડ પંડિત કહે : ''ભડભડતા સુક્કા રણમાં જ થયો લાગે છે.'' પછી જરાક શાંત પડીને કહ્યું : ''જેમ આપણે રમ્ય બોલીએ રમ્ય, તેમ બોલો''
પ્રહલાદ કહે : 'ર-મ-ય'
ઘૂંટણ કૂટયા હતા, કપાળ કૂટયું હતું. હવે માથું જ કૂટવાનું બાકી હતું. ઈચ્છા તો થઇ કે તે પ્રહલાદનુંજ માથું કૂટી મારે, પણ એ તો રાજકુમાર હતો. મોટાના બાળકને કંઇ ટપલાટાય ?
પરમ શાંતિ ધારણ કરવાનો પ્રયાસ કરી પંડિતજી કહે : ''ફરીથી બોલો કુંવરજી હી....''
પ્રહલાદે કહ્યું : ''હી-હી''
''અરે મારા પિતાના પિતાના પિતા ! હી-હી નહિ,માત્ર હી...''
શિશુ પ્રહલાદ કહે : 'મા-ત-ર હી...'
ગુરૂનામ ગુરૂજીને લાગ્યું કે એનું નામ તેને આવડયું નહિ. બાપનું નામે ય આવડયું નહિ. લાવ ભગવાનનું નામ શીખવું, કદાચ ભગવાન મદદે આવે.
તેમણે કહ્યું : ''બોલો પ્રહલાદકુમાર વિષ્ણુ''
બચ્ચું કહે : ''વિ-ષ-ણુ''
''અરે ઓ વિષવેલ'', શિક્ષકશ્રીએ આઘાત પામીને કહ્યું : ''વિષણુ નહિ, વિ-વિ ષઅડધો અને ણુ''
પ્રહલાદ કહે : ''વિ વિ નહિ, ષ અડધો અને ણુ''
''એ મેં તને બોલવાનું નથી કહ્યું મારા પરમ પિતા ! તમારે માત્ર એટલું જ બોલવાનું છે વિષ્ણુ''
પ્રહલાદ કહી દીધું : ''વિ-ષ-ણુ''
વેદાંત શાસ્ત્રી ગર્ગરજી કહે : ''આના ભેજામાં કેવી રીતે ઘૂસું એ જ સમજાતું નથી.'' એણે વિષ વિષણુને પડતાં મૂક્યા. કહ્યું : ''શ્રીકૃષ્ણ બોલો. શ્રી...''
પ્રહલાદ કહે : ''શરી''
પોતાની જટાના વાળ ખેંચી વિદ્વાનશ્રી કહે : ''અરે વંઠેલ, માફ કરજો કુમાર ! શરી નહિ, શેરી નહિ, શરીર નહિ, માત્ર શ્રી-શ્રી-શ્રી''
ભાષાપંગુ પ્રહલાદે કહી દીધું : ''શરી શરી શરી''
''ઓ શ્રાવક !'' સારસ્વત પંડિતે સીસકારા મારતાં કહ્યું : ''રાક્ષસના દીકરા તો રાક્ષસ જ હોય ને ! તારો બાપ તને વય પહેલાં વિદ્વાન બનાવવાનું કહે છે, તે શું વિદ્વાનો કંઇ આકાશમાંથી ટપકવાના છે.'' બાળક બાળપણથી જ કંઇ બાળશાસ્ત્રી થોડો જ બની જાય છે ? એ ઊંમરે તો બાળક અને બળદ બંનને સરખા. ગ્રી ગ્રી કરી શકે.
પ્રહલાદ કહે : 'ગરી ગરી'
બોલવું હોય તો કૃષ્ણ બોલ''
બાળ પ્રહલાદે કહ્યું : ''ક-ર-ષ-ણ''
પોતાની નારાજી કેવી રીતે પ્રગટ કરે તે હવે ગર્ગરજીને સમજાતું ન હતું. તેને થયું કે લાવ, મારૂં જ ગર્ગરનું નામ બોલાવી જોઉં.
તેમણે કહ્યું ''બોલો કુમાર ગર્ગર''
કુમારે કહી દીધું : ''ગરગર''
પંડિત ગુરૂ શિક્ષક જે નાચ્યો છે, નાચ્યો છે, બેઠો બેઠો જ ઊછળ્યો છે, તેનું વર્ણન નારદપુરાણના નારદ પણ કરી શકે તેમ નથી. તેમને થયું કે આ પ-ર-લા-દી-યા શિષ્યને ભણાવવા જતાં તો પોતે જ ગરગરીયા થઇ જશે ! આ ભણાવવાનો વ્યવસાય જ તેમનો છૂટી જશે !
તેઓ રાક્ષસરાજ હીરણ્યકશિપૂને પોતાનો અહેવાલ આપવા જતા હતા, નારાજી સાથે.
પણ તેની જરૂર જ ન હતી. રાજમાન રાજેશ્રી ક્યારના આ અભ્યાસ ક્રમ નિહાળતા જ હતા. તેઓ પહેલેથી જ નારાજ હતા ! તેમાં ન્યાયનો ક્યાસ શરૂ થયો. રાક્ષસરાજે પૂછ્યું : ''શિક્ષક ગરગરજી''
શિક્ષક ગુરૂને આ ય ન ગમ્યું : દીકરો તો દીકરો પણ બાપે ય ગરગરીયો ?
ગર્ગર ગુરૂએ કહ્યું : ''મારૂં નામ ગર્ગર છે, મહારાજ ! ગર્ગર ગર્ગર''
આવું રાજાને કહી શકાય ? રાક્ષસરાજાને ?
તેમણે પૂછ્યું કે, ''મેં શું ખોટું કહ્યું ?''
''આપે ગર્ગરનું ગરગર કર્યું.''
''તે એમાં શું ફેર પડયો ?''
''પડયો જ મહારાજ ! અમે ગર્ગઋષિના ગર્વિલા ગર્ગરો છીએ, ગરગર નથી, ઘરઘર નથી, ગરરર નથી, ઘરરર નથી''
પંડિત વિદ્યાગુરૂનો આ જવાબ સાંભળી દાનવરાજે કેવી દાનવતા ખળભળાવી હશે ?
તેમણે કહ્યું : ''ઓ ગર્ગર અને ઘરઘર કે જે હોય તે...
જ્ઞાાન આપ્યું છે, તેનો દાખલો આપો, પરિચય આપો, પરચો આપો''
જે વિદ્યાપતિને રાજ સામે વિદ્યાર્થીનો અર્થ સમજાવવો પડે, એ વિદ્યાપતિ મનમાં ધૂંધવાયા વગર રહે ?
ગર્ગરજીએ કહ્યું : ''આપ જ શ્રીરાજ તેમની પાસે જોડિયા અક્ષરો બોલાવો. કેળવણી ત્યાંથી જ શરૂ થતી હોય છે''
રાક્ષસરાજે પ્રહલાદને થાંભલો બતાવી પૂછ્યું : ''બોલો બેટા સ્થંભ''
શિશુ પ્રહલાદ કહે : ''સથંભ''
રાડ પાડીને દાનવદૈત્ય કહે : ''ગરગરજી, તમે શિશુને આવું શીખવ્યું છે ? સ્થંભને બદલે સથંભ ?''
ગર્ગર હવે આ-પાર કે તે-પાર પર આવી પહોંચ્યા હતા. તેઓ કહે : ''આપનો સુપુત્ર એક રીતે સુપુત્ર છે જ નહિ (એટલે કે કુપુત્ર છે) એના ભેજામાં કોઇ જ્ઞાાન પ્રવેશતું જ નથી. એના ભેજામાં વિષ્ણુને બદલે વિષાણુ ભરેલાં છે !''
હીરણ્યકને વિષ્ણુ નામની ભારે ચીઢ હતી. તેઓ પોતાની જાતને જ ભગવાન માનતા હતા. તેઓ પ્રત્યક્ષ અગ્નિમાં ફેરવાઇ ગયા. ધૂમ્રસેર અને ધૂંધ સાથે તેમણે આક્રમણ કર્યું : ''ઓ ગર્ગરીયાજી, તમે એને વિષ્ણુનું નામ શીખવ્યું ? વિષ્ણુનું ? ઓ હોળીકા !''
તેમણે બહેન હોળીકાને બૂમ પાડી.
જ્યારે તેઓ કોઇને સજા કરવા માગતા, ત્યારે બહેન હોળીકાને જ યાદ કરતાં. હોળીકા તેમની ફાંસીગર હતી. ન્યાય એટલે અંત. ન્યાય એટલે અગ્નિદાહ. ન્યાય એટલે અંતિમક્રિયા, ન્યાય એટલે અંતિમ પાઠ. હોળીકાબહેનનો આ જ ન્યાય હતો.
ગર્ગરજીને થયું ભાગો રામ ! હવે તો સાક્ષાત વિષ્ણુ ભગવાન પણ આપણને બચાવી શકશે નહિ. તેઓ ભાગવા જતા હતા.
ગર્ગર પંડિત થરથરતાં કહે : ''બોલો રાજકુમાર પ્રહલાદજી, હીરણ્યક...''
શિશુ કહે : ''હી-હી-હી''
હીરણ્યક લાલપીળા થતા ગયા.
ગર્ગર ગુરૂ કહે : ''શિશુકુમાર, હીર હીર હીર...''
શિશુકુમાર પ્રહલાદ કહે : ''હ-હ-હ હરિ હરિ હરિ''
હીરણ્યકના ચહેરા પર હવે લાલ-પીળા નહિ, મેઘધનુષના તમામ રંગો રંગાઇ રહ્યા. તેમણે ગરગરીને કહ્યું : ''અલ્યા ઓ પંડિત, તેં એની પાસે હરિનું નામ લેવડાવ્યું ? મારા દુશ્મનનું ? હોળીકા !''
ભાગ્યા વગર ભૃગુરૂષિના કે ગર્ગઋષિના અનુયાયી ગર્ગરજીનો છૂટકો ન હતો. તેઓ ભાગ્યા. હોળીકા પ્રત્યક્ષ આગ બનીને તેની પાછળ પડી.
ભાગતા ભડવીર ગર્ગરે જતાં જતાં કહ્યું : ''દાનવરાજ ! હું તમને શ્રાપ આપું છું કે તમારો આ હરિ-પુત્ર જ તમારા વિનાશનું કારણ બનશે.''
''વિનાશ કોનો થાય છે તે હમણાં જ ખબર પડશે'' હયદાનવ હરીણ્યકપિતાએ ક્રોધને જ્વાળામૂખીમાં ફેરવતા કહ્યું : ''હોળીકા, એ જ્ઞાાનને સળગાવી મૂક''
ઘણે દૂર સુધી ભાગી ગયેલા ભાગ્યપંડિતે કહ્યું : ''જો બચીશ, તો વિદ્યાપીઠોને કહીશ કે, હવે કોઇ દિવસ નાના શિશુને જોડિયા અક્ષરથી શિક્ષણ શરૂ કરવું નહિ.'' તેઓ કદાચ એ સૂત્ર સજીવન કે ચિરંજીવ બનાવવા માટે જ ભાગી છૂટયા. બચી છૂટયા.
ગરગરીયાજી હાથમાં ન આવ્યા તો હીરણ્યકે ગરગરીને એટલે કે ગરજીને કહ્યું : ''હોળીકા, એ નહિ તો એનો શિષ્ય, આ પ્રહલાદીયાને અગ્નિમાં લઇને બિરાજો.''
આતંક કદી પારકા પોતાનાને ય પિછાનતા નથી. તેમણે જેવો ભગિનિ હોળીકાને શિશુ સહિત અગ્નિશાસ્ત્રનો આદેશ આપ્યો કે હોળીકા બાળ પ્રહલાદને લઇને આગના બાગમાં અગ્રેસર થઇ. તેને અગ્નિ બાળી નહિ શકે તેવું વરદાન હતું. પણ વરદાનનો ઉપયોગ જે અવરદાનમાં કરે છે, સદ-ઉપયોગનો દૂરઉપયોગ કરે છે તે જાતે જ ભસ્મિભૂત થઇ જાય છે.
હોળીકા જાતે જ રાખ થઇ ગઇ.
શિશુ પ્રહલાદ જોડિયા અક્ષર વગરની પ્રાર્થના કરવા લાગ્યો :
''હરિ હરિ હરિ
હર હર હરરર...
ગરગર થાય ગરરર...
ફઈ થાય ફરરર...''