Magazines

'મા' એટલે પ્રેરણાની પરબ .

By GS TEAM
18 Jun 20252 mins read
'મા' એટલે પ્રેરણાની પરબ                                    .

હજારો વર્ષોથી એકધારો પ્રેમનો પ્રવાહ વહાવતી મા આજે પણ એવો જ પ્રવાહ વહાવી રહી છે. મમતા અને કરૂણાની મૂર્તિ એટલે મા. દયા, ભાવના, કરૂણા અને નિખાલસ પ્રેમથી ભરપૂર એના દિલ જેવું દિલ આ જગતમાં કોઈનું નથી. દેવોને પૃથ્વી પર આવવા માટે માનું શરણું લેવું પડયું હતું. દતાત્રેય ભગવાન અનસુયા માતાના ખોળે અવતર્યા હતા. કૃષ્ણે દેવકી માતાના ખોળે જન્મ્યા હતા અને રામચંદ્રે કૌશલ્યા માતાનું શરણું લીધું હતું. આપણી સંસ્કૃતિએ માતાના ગુણ ગાયા છે.

પોતાના બાળકને નવમાસ સુધી પેટમાં લઈને ફરનાર માતા ઘણું દુઃખ સહન કરે છે. બાળકના જન્મબાદ તેની સંભાળ, હેત, પ્રેમ અને વાત્સલ્ય અવર્ણનીય છે. શું ખાવું, ન ખાવું, શું ખાવાથી બાળક તંદુરસ્ત રહેશે તેની કાળજી રાખે છે. નાનું બાળક માતાના ધાવણ પર જીવે છે. બાળક ધાવણ છોડે નહિ ત્યાં સુધી મા પોતાના આહાર વિશે કાળજી રાખે છે. બાળકની સંભાળ રાખે છે. આવી મહાન સેવા અને ગુણોને આજના સંતાનો યાદ રાખે તો ઘરડા ઘરનું નામ રહે નહિ. મા-બાપ એટલે સંતાનોના જીવનનો આધાર સ્તંભ બાળકો અને કુટુંબના હિત માટે ઘણી માતાઓએ પોતાના મંગળસૂત્રો અને ઘરેણાઓ વેચીને રક્ષણ કર્યું છે. કુદરતે માતાના દિલમાં સર્વોત્તમ પ્રેમનું પ્રદાન કર્યું છે. મમતા, કરૂણા, ભાવના અને લાગણી જેવા ઉત્તમ ગુણો ફક્ત મા પાસેથી જ મળે છે. વાત્સલ્ય તો એનો જીવનમંત્ર છે. તેની જીવન સરિતાના સ્ત્રોતમાં કદી પ્રેમની ઉણપ આવી નથી.

મા એટલે ફક્ત માનવજાતિની જ નહિ પરંતુ પશુ, પંખી, જીવજંતુ કે કોઈપણ જનેતામા પોતાના સંતાનો પ્રત્યે બિનસ્વાર્થી પ્રેમ હોય છે. પાંખ ફૂટે એટલે પંખી પોતાના બચ્ચાને ચાચ મારીને ઉડતા શીખવાડે છે. સ્વનિર્ભર થતા શીખવે છે. મા પાસેથી નિખાલસભાવસ, બિનસ્વાર્થ સેવા અને પરસ્પર પ્રેમ જેવા અમૂલ્ય ગુણો ગ્રહણ કરવા જેવા છે. તો માતાપિતાનું ઋણ ચૂકવ્યું ગણાશે. આપણા જીવનમાં આ અમૂલ્ય ગુણોનું સિંચન થાય તો જીવન ધન્ય બની જાય જીવન રૂપી ઈમારત મજબૂત થશે તો જીવન શ્રેષ્ઠ બનશે જનનીની જોડની આપણે સંભાળી રાખીશું તો માતાપિતાના આશીર્વાદ અવશ્ય મળશે જ. મા પ્રેરણાદર્શક છે, દીવાદાંડી સમાન છે. સૌના જીવનમાં માનો અમૂલ્ય ફાળો છે.

- ભગુભાઈ ભીમડા