'પ્રેમ' હૈયાની લાગણી નહિ પણ મગજના રસાયણોની કમાલ છે?
હૃદયની ઉર્મિઓ ડોપામાઇન, નોરિપાઇનફ્રીન, સેરાટોનીન, ઑક્સિટોસીન અને વેસોપ્રેસીન પર આધારિત છે.
અઢી અક્ષરનો પ્રેમ શબ્દ દુનિયામાં થયેલા યુદ્ધોનું કારણ બન્યો છે તો ક્યાંક છેડાયેલા મહાજંગમાં દૂતનું કાર્ય પણ કર્યું છે. બે હૈયામાં ઊછળતી સમાન ઉર્મિઓને'પ્રેમ'નું નામ આપવામાં આવે છે. પ્રેમ, પ્રીત, પ્યાર, ઇશ્ક, મહોબ્બત, લવ જેવા જાતજાતના નામથી આ લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પ્રથમ નજરે પ્રેમ થતાં તેની પછવાડે જિંદગી ફનાહ કરી દેનારા હીર-રાંજા કે શિરી-ફરહાદ જેવા અનેક પ્રેમીઓના કિસ્સા છે. તો માત્ર પ્રથમ નજરે થયેલા આકર્ષણને પ્રેમ ગણીને તે પામવા માટે મરણિયા બનીને પ્રેમિકાનો જીવ લેતાં પણ ન અચકાતાં પ્રેમીઓના કિસ્સા પણ અખબારોમાં છપાય છે.
વિશ્વની પ્રત્યેક ભાષાના સાહિત્ય, પુરાણ અને દંતકથાઓમાં પ્રેમકથાનો સમાવેશ જોવા મળે છે. પ્રેમકથા પરથી અત્યાર સુધી અગણિત નાટકો તથા ફિલ્મો બની છે અને પ્રેમને લીધે જ અનેકોના જીવન ફિલ્મીકથા જેવા બની ગયા છે. પ્રેમ એટલે પ્રેમ, પ્રેમ એટલે હૃદયમાં વહેતું લાગણીનું ઝરણું, પ્રેમ એટલે કોઇક માટે સર્વસ્વ સમર્પિત કરી દેવાની ભાવના, પ્રેમ એટલે બસ હૃદયમાં કંઇક ચોક્કસ પ્રકારનો ભાવ ઉત્પન્ન થવો જેવી અનેક વ્યાખ્યાઓ આપણે સાંભળી, વાંચી કે અનુભવી હશે. પ્રેમભંગ થતાં હૃદયને દર્દ થાય છે. મન વિહવળ બની જાય છે, દુનિયા નકામી લાગે છે. ખૂબ ઓછા નસીબવંતા લોકો હોય છે જે પ્રથમ પ્રેમમાં સફળ થયા હોય છે અને પ્રેમિકાને જીવનસાથી બનાવી શક્યા હોય છે. આ વિષય એટલો વિશાળ છે કે તેના પર મહાનિબંધ લખી શકાય છે.
આજે વૈજ્ઞાાનિકો હૃદયની આ ઉર્મિ માટે શરીરના રસાયણ વિજ્ઞાાનનું સંશોધન કરી રહ્યા છે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે આ હૈયાના ઉમળકાનો સંબંધ ખરેખર તો મગજમાં રહેલા કેટલાક રસાયણો સાથે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત વાચકો ટેસ્ટોસ્ટ્રોન, એસ્ટ્રોજન અને એન્ડ્રોફીજન્સ જેવા હોર્મોન્સથી તો વાકેફ હશે. પરંતુ હવે ડોપામાઇન, નોરીપાઇનફ્રીન, સિરોટોનીન, ઓક્સિટોસીન અને વેસોપ્રેસીનથી પણ માહિતગાર રહેવું પડશે. કારણ કે આપણી પ્રેમની લાગણીમાં આ બધાનો સમાવેશ થાય છે, એમ અમેરિકાની રુટગર્સ યુનિવર્સિટીના એન્થ્રોપોલોજીના પ્રોફેસર ડૉ. હેલન ફિશરે જણાવ્યું હતું.
તેમણે સેક્સ કોન્ટ્રેક્ટ, એનેટોમી ઓફ લવ અને વાય વી લવ, ધ નેચર એન્ડ હિસ્ટરી ઓફ રોમેન્ટિક લવ જેવા પુસ્તકો લખ્યા છે. ઇ.સ. ૧૯૯૨થી તેમણે જુદા-જુદા ૧૬૬ સમાજનો એન્થ્રોપોલોજીકલ અભ્યાસ કર્યો હતો. આ સર્વેક્ષણના તારણમાં તેમણે જણાવ્યું હતું કે, રોમેન્ટિક આકર્ષણ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે. દુનિયાભરની ૮૯ ટકા સંસ્કૃતિમાં લોકોએ પ્રેમ ગીત ગાયા છે, પ્રેમની કવિતાઓ લખી છે, પ્રેમ વિશે જાતજાતની માન્યતાઓ તથા દંતકથાઓ ધરાવે છે તથા પ્રેમ માટે મરવા મારવાના કિસ્સા પણ બન્યા છે. હવે ડૉ. ફિશર રોમેન્ટિક પ્રેમના માનસિક અને શારિરીક ગુણધર્મોની તપાસ કરી રહ્યા છે.
પ્રેમના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. આ ત્રણે એક સાથે અથવા અલગ-અલગ રીતે સ્ત્રી અને પુરૂષ પર અસર કરે છે. જો કે એવું પણ નથી કે એક પ્રકાર બીજા પ્રકારને દોરે છે.
મોહ સૌથી પહેલી અને પાયાની બાબત છે. ટેસ્ટોસ્ટ્રોન અને એસ્ટ્રોજન જેવા હોર્મોનને કારણે સેક્સની ઇચ્છા થાય છે. જે પ્રકારના પ્રેમની વાત આપણે કરીએ છીએ તેને આની સાથે કંઇ લેવા-દેવા નથી. જ્યારે તમે કોઇના મોહમાં હો તો તમે કોઇ એક વ્યક્તિ સાથે જાતીય સુખની કલ્પના કરી શકતા નથી. કારણ કે પ્રેમ કોઇ એક વ્યક્તિ સાથે થાય છે જ્યારે મોહ તો ઘણી વ્યક્તિનો હોઇ શકે. જેના પર મોહ હોય તેની સાથે સંભોગ કર્યા બાદ આનંદનો અનુભવ થતો નથી.
ડૉ. ફિશર જેને રોમેન્ટિક આકર્ષણ કહે છે તેને આપણે પ્રેમ કહીએ છીએ. જ્યારે તમે કોઇ એક વ્યક્તિ પર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરો છો, તેના પર તમારી લાગણી ન્યોછાવર કરો છો, તેની સાથે લાગણીનું ઐક્ય અનુભવાય છે તો તે ડોપામાઇન, નોરીપાઇનફ્રીન અને સેરોટોનીનને કારણે થાય છે.
ડોપામાઇન મગજમાં રહેલું એક એવું રસાયણ છે જે કુદરતી રીતે ઉત્તેજિત કરે છે. જે રીતે કોકેન, આલ્કોહોલ અને નિકોટીનથી મગજમાં રહેલા ડોપામાઇનનું પ્રમાણ વધે છે તે જ રીતે પ્રેમથી પણ વધે છે. તેથી જ રોમેન્ટિક પ્રેમ નશા જેવો નથી પણ નશો જ છે. જેમાં તે વ્યક્તિ સાથે રહેવાની તમારી ઝંખના પૂરી થતી નથી અને તમે સતત તેને ઝંખતા જ રહો છો.
કેફી દ્રવ્યના બંધાણીની જેમ ડોપામાઇનથી પ્રદિપ્ત થયેલા પ્રેમના પણ ત્રણ તબક્કા છે- સહિષ્ણુતા, છૂટા પડવું, ઉથલો. જેમ કોકેન લેવાની શરૂઆત થાય ત્યારે સપ્તાહમાં એક વખત લેવામાં આવે છે. પછી સપ્તાહમાં બે વખત લેવામાં આવે છે. પછી દરરોજ અને પછી કાયમ માટે લેવાની આદત પડી જાય છે. એવું જ પ્રેમનું છે. તમે પહેલાં સપ્તાહમાં એક વખત મળો છો પછી બે વખત અને પછી દરરોજ મળો છો. પરંતુ જ્યારે છૂટા પડી જાવ છો ત્યારે તમે તેનો પ્રેમ મેળવવા તરફડો છો, તે માટે ગુસ્સે થાવ છો, અપસેટ થાવ છો, હતાશ થાવ છો અને પછી ઉથલો...ન રહેવાતાં તમે ફોન કરો કે ઇ-મેઇલ મોકલાવો છો.
નોરીપાઇનફ્રીન એડ્રેનાલાઇન છે. તેનો વિચાર આવતાં તમે ઊર્જાનો અનુભવ કરો છો. તમને ઊંઘ ન આવે, જમવાનું ન ગમે માત્ર સતત પ્રેમ મેળવવા જાતજાતની તરકીબ કરો છો. ડોપામાઇનનું પ્રમાણ મગજમાં વધી જતાં સિરોટોનીન દબાઇ જાય છે. સિરોટોનીનનું પ્રમાણ ઘટી જતાં ઓબ્સેસીવ કમ્પલસીવ ડિસઓર્ડર થાય છે તેથી વ્યક્તિ ઝનૂની બની કોઇ કાર્ય કરવા લાગે છે. આજ કારણસર પ્રેમમાં પણ માણસ પાગલ બની જાય છે.
પ્રેમનો ત્રીજો પ્રકાર સાચો પ્રેમ ગણાય છે. જેમાં વ્યક્તિઓ એકમેક સાથે વચનબદ્ધતાથી એવી રીતે જોડાયેલી હોય છે કે એકબીજાના સાનિધ્યમાં શાંતિ, સુરક્ષા અને સંતોષ લાગે છે. જ્યારે થોડી ક્ષણોની જુદાઇ પણ તેમને બ્હાવરા બનાવી દે છે. આ કોઇ જાદુઇ લાગણી નથી. આ થવામાં બે હોર્મોન્સ મુખ્ય ભાગ ભજવે છે. પ્રેમ કર્યા બાદ સ્ત્રી અને પુરૂષની નર્વસ સિસ્ટમમાં ઓક્સિટોસીન અને વેસોપ્રેસીન નામના હોર્મોન છૂટા પડે છે. આ હોર્મોન તેમને એકમેકની સાથે ગાઢ રીતે બાંધે છે.
પ્રેમના આ ત્રણે પ્રકાર એક રીતે એકબીજા સાથે સંકળાયેલા હોવા છતાં સ્વતંત્ર છે. રોમેન્ટિક પ્રેમને કારણે વ્યક્તિને એકમેકમાં લીન થવાની ઇચ્છા જાગૃત થાય છે. સેક્સની ઇચ્છા પ્રદિપ્ત થતાં પરિસ્થિતિ કે અન્ય બાબતોના મુર્ખાઇભર્યા વિચારો કે તર્કો લડાવવાનું બંધ થઇ જાય છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન માનસિક સાથે શારિરીક આનંદ મેળવવા પર કેન્દ્રીત થાય છે. ત્યારબાદ બંને વચ્ચે એક અનોખો સંબંધ સ્થપાઇ જાય છે અને એમ પણ લાગે છે કે હવે આ જ વ્યક્તિ સાથે જીવન આનંદથી ગુજારી શકાશે. બાદમાં બાળકનો જન્મ થતાં ત્રણે એક અતૂટ બંધનથી બંધાઇ જાય છે.
અહીં એમ થાય કે શું વર્ષોથી પ્રેમ સાથે સંકળાયેલી લાગણીઓ ભ્રામક માન્યતાઓ છે? આ લાગણી નહીં પણ મગજના રસાયણોની કમાલ છે? ના, થોભો, આટલા ઉતાવળા ન બનો. તમારા મગજમાં બનતા રસાયણો તો માત્ર શરૂઆત છે. જો આ રસાયણો બધાને જોઇને ઉદ્ભવે તો તમને પ્રત્યેક વ્યક્તિ સાથે પ્રેમ થાય અને તે અશક્ય વાત છે. પરંતુ કોઇ એક વ્યક્તિને જોઇને જ આ થાય છે. તમારા જીવનમાં અનેક વ્યક્તિઓ હોય છે પરંતુ પ્રેમ તો એક વ્યક્તિ સાથે જ થાય છે.
આ બાબતે હજી વધુ સંશોધન થઇ રહ્યું છે. કારણ કે સ્ત્રી અને પુરૂષોની પસંદગીના પરિમાણો જુદા જુદા હોય છે. પ્રેમી પુરૂષને છેવટે સેક્સનો જ વિચાર આવે છે અને ત્યારે તેને બાળકોની ઝંઝટ ન જોઇતી હોવાથી તે ઓછી ફળદ્રુપ સ્ત્રીને જ પસંદ કરશે. જ્યારે સ્ત્રી દેખાવડા પુરૂષને બદલે દેખાવને થોડો જતો કરીને પરિવારની સંભાળ રાખનાર પુરૂષને જ પસંદ કરે છે. લગ્નવિષયક જાહેરખબરોમાંથી પણ સ્ત્રી-પુરૂષની પસંદગીના અલગ-અલગ મુદ્દાઓ ઊડીને આંખે વળગે છે. મોટાભાગના પુરૂષો સહુપ્રથમ સ્ત્રીના દેખાવને મહત્વ આપે છે જ્યારે સ્ત્રી પુરૂષની વચનબદ્ધતા જુએ છે.
આપણે ૨૧મી સદીમાં આવી ગયા છતાં જીવનભરના સાથ, પ્રેમ અને બંધનને પ્રાધાન્ય આપીએ છીએ. વય વધતાં પ્રેમ વધુ પરિપક્વ બને છે. વધતી ઉંમર સાથે પ્રેમીઓની એકબીજા પાસેની અપેક્ષાઓ બદલાઇ જાય છે. ત્યારે પ્રેમ એટલો જ હોય છે પરંતુ સેક્સને બદલે હાથમાં હાથ પરોવીને બેસવામાં જ આનંદની અનુભૂતિ થાય છે. સંબંધોને લાંબો ટકાવવા માટે જ આપણા સમાજમાં લગ્નસંસ્થાનું નિર્માણ થયું હતું. લગ્નને કારણે સ્ત્રી-પુરૂષને સામાજિક માન્યતા તો મળે જ છે તે સાથે તેઓ આજીવન પ્રેમપૂર્વક સાથે રહે છે.
આપણે સહુ અનોખા છીએ અને આપણે અનોખું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિના જ પ્રેમમાં પડીએ છીએ. ક્યારેક પ્રેમમાં દેખાવ તો ક્યારેક અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.પરંતુ મોટેભાગે આપણે રૂઢીગત વિચારસરણીથી કંઇક જુદા વિચારો ધરાવતી વ્યક્તિને જ પસંદ કરીએ છીએ. જોકે, આ બાબત પ્રત્યેકની અંગત છે. તેમાં તેની મૂળભૂત જરૂર, પ્રેમ સંબંધ પાસેથી અપેક્ષા તથા તેમનું સમર્પણ વગેરેનો પણ સમાવેશ થઇ જાય છે.
જોકે, પ્રેમમાં લેવા કરવા આપવાની વૃત્તિ હોવી જોઇએ. પ્રેમ લેવાથી નહીં પણ આપવાથી મળે છે. તમે જેને પ્રેમ કરતાં હો તેના હિત માટે કોઇ પણ સ્તરે કામ કરી શકો છો. મજાની વાત એ છે કે કોઇપણ પ્રકારના દબાણથી નહીં પરંતુ વ્યક્તિ પોતાની પસંદગીથી આ બધું કરવા તૈયાર થાય છે. પ્રેમથી આપણા વ્યક્તિગત જીવનમાં શો ફરક પડે છે? આપણે હંમેશા પ્રેમ પાસેથી સુરક્ષા, સુવિધા અને સંભાળની અપેક્ષા રાખીએ છીએ. પરંતુ ત્યારે આપણે ભૂલી જઇએ છીએ કે સામેની વ્યક્તિ પણ આપણી પાસેથી આ જ અપેક્ષા રાખતી હોય છે. જ્યારે તમે કોઇ પાસેથી પ્રેમની અપેક્ષા રાખો છો ત્યારે એક પ્રકારે તમારી જાતને પરતંત્ર બનાવો છો.
વિશ્વનો સૌથી મોટો સકારાત્મક અનુભવ પ્રેમ છે. પ્રેમ અને મોહ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. કોઇને પ્રેમ કરવાથી થતો ઉત્તેજનાનો અનુભવ અન્ય લાગણી કરતાં મહાન છે. શરૂઆતમાં બંનેની કેમેસ્ટ્રી મેચ થતી હોય છે પણ જ્યારે આ કેમેસ્ટ્રી મરી પરવારે છે ત્યારે શું? પછી આ બંધનની જરૂર શા માટે હોય છે? આ બદલ ગંભીરતાથી વિચારવું જોઇએ. જો તે જીવનનો મહત્વનો આધાર, સાથ અને સંવાદ સાબિત થાય અને સામેની વ્યક્તિ પણ આવું જ વિચારે ત્યારે તે પ્રીતિ કહેવાય છે. અહીંથી પ્રેમ વિશેનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે. હવે અહીં સેક્સ નહીં પણ પ્રીતિની કામના હોય છે જે સંતોષ આપે છે. હવે તમે જીવનસાથી બનીને પ્રીતિપૂર્ણ જીવન જીવી શકશો.
આપણા સમાજમાં સેક્સને માત્ર પ્રજોત્પતિ માટે જ ઉપયોગી ગણવામાં આવે છે અને મોટાભાગના યુગલો તે માટે જ સંભોગ કરતા હોય છે. સંભોગ બાદ ઉત્પન્ન થતાં ઓક્સિટોસીન અને વેસોપ્રેસીનની અસર બાળકના જન્મ બાદ ચાર વર્ષ સુધી રહે છે. બાળક ચાર વર્ષનું થતાં માતા-પિતા ઉપરાંત અન્ય અનેકને ઓળખતું થઇ જાય છે. તે સમયે માતા-પિતા વચ્ચે અતૂટ બંધન હોવું જોઇએ. સંબંધને સુદ્રઢ બનાવવા માટે એકબીજા સાથે જોડાયેલા હોવાની લાગણી જરૂરી છે. એકમેકના વિચારો જાણવા સાથે સંભાળ પણ એટલી જ જરૂરી છે. પ્રેમ શબ્દોથી નહીં પણ કૃત્યથી દેખાય છે. તમે તમારા પ્રેમીજન માટે શું કરો છો તે મહત્વનું છે કારણ કે તમે તેમ જ કરવા ઇચ્છતાં હો છો.
આપણા સમાજમાં સેક્સને ખરાબ વૃત્તિ ગણવામાં આવે છે અને પ્રેમને અધ્યાત્મિક સ્વરૂપ આપવામાં આવ્યં્ છે. પ્રેમ અને સેક્સ બે જુદી-જુદી બાબત છે એવું આપણને નાનપણથી સમજાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં આ બે બાબતોને અલગ-અલગ કરી શકાતી નથી. આપણે આધુનિકતાની વાતો કરીએ છીએ પરંતુ હજી આપણા સમાજમાં સ્ત્રી પોતાની જાતીય ઇચ્છા પતિ સામે પણ રજૂ કરતી નથી. કેટલાક નિષ્ણાતો એમ કહે છે કે જો સ્ત્રી-પુરૂષ વચ્ચે સેક્સ ન હોય હોય તો તેઓ જીવનસાથી નથી ગણાતા. તેને તમે પ્રેમ કરતા હો છતાં તે પ્રેમ ભાઇ-બહેન, સંતાનો કે માતા-પિતાને કરવામાં આવતાં પ્રેમ જેવો ગણાય. જ્યારે બે વ્યક્તિ ખાસ પ્રકારના સંબંધ માટે તૈયાર થાય ત્યારે તેમની વચ્ચે સેક્સ જરૂરી છે. જો સેક્સ ન હોય તો તેમના પ્રેમમાં થોડી ઉણપ હોવી જોઇએ.
આનો અર્થ એવો પણ નથી કે સંબંધમાં જાતીય સુખ જ મહત્વનું છે. એકબીજાના સમાન રસ, જરૂરિયાત, વિચારો, મૂલ્યો વગેરે જેટલું જ મહત્વ સેક્સનું છે. ખરા જીવનસાથીઓ વચ્ચે મૈત્રી અને પ્રીતિ એમ બંને પ્રકારની લાગણી હોવી જોઇએ.
સ્ત્રી-પુરૂષ વચ્ચે પ્રેમ થાય એટલે તેમનું આખરી લક્ષ્ય લગ્ન ન હોવું જોઇએ. પ્રત્યેક પ્રેમસંબંધો લગ્નમાં પરિણમે તે જરૂરી નથી. કેટલાક સંબંધો સામાજિક દ્રષ્ટિએ અયોગ્ય ગણાય છે છતાં તેમની વચ્ચે આજીવન પ્રેમ અકબંધ રહે છે કારણકે તેમનું લક્ષ્ય બહુ વિશાળ હોય છે. પ્રેમમાં એક તબક્કે પહોંચી ગયા પછી બંને પ્રેમીઓ સાથે મળી આત્મખોજ, ધ્યાન, મનન અને અધ્યાત્મિક ચિંતન કરી શકે છે. અહીં બીજી એ મહત્વની વાત કરવી છે કે પ્રેમમાં સફળતા કે નિષ્ફળતા જેવા કોઇ શબ્દો પણ હોતા નથી. પ્રેમ હંમેશા નિ:સ્વાર્થ હોય છે કારણ કે સાચા પ્રેમમાં હંમેશા આપવાની વાત હોય છે.
છેવટે દરેક પ્રેમીના 'મન'માં તેના પ્રિયપાત્ર માટે એક જ ભાવના હોય છે,
ને ઉરથી ઇચ્છું સદા સુખી રહે જીવનમાં,
વળી બની સ્વાર્થી માગું મળે તું ભવેભવમાં.