કવિ ઘનાનંદની કાવ્ય સાધનામાં પ્રેમ અને ભક્તિ .

ગુરનિ બતાયૌ,
રાધા મોહન હૂ ગાયૌ
સદા સુખદ સુહાયૌ
વૃંદાવન ગાઢે ગહિ રે ।
અદ્ભુત અમૃત
મહિમંડન પરે તે પરે,
જીવન કો લાહુ હાહા
ક્યૌં ન તાહિ લહિ રે ।।
આનંદ કૌ ઘન છાયૌ
રહત નિરંતર હી
સરસ સુદેય સોં પપીહા પન બહિ રે ।
જમુના કે તીર કેલિ કોલાહલ ભીર
ઐસે પાવન પુલિન પૈ
પતિત પરિ રહિ રે ।।
ભક્ત કવિ ઘનાનંદ હિન્દી સાહિત્યના રીતિકાલની રીતિમુક્ત કાવ્યધારાના અગ્રગણ્ય કવિ હતા. તેમણે તેમની કવિતામાં અમર પ્રેમની રસિક ગાથા ગાઈ છે. તે મોગલ બાદશાહ મુહમ્મદ શાહ 'રંગીલા'ના મીર મુનશી (ખાસ-કલમ) હતા. તેમનો સુજાન નામની નર્તકી સાથે અતૂટ પ્રેમ હતો જેના વિયોગમાં તેમણે અદ્વિતીય કાવ્યોની રચના કરી. એમનું વાસ્તવિક નામ 'આનંદઘન' હતું. જે પાછળથી છંદોના લયને કારણે 'ઘનાનંદ' થઈ ગયું હતું. એમના કાવ્યોમાં શુદ્ધ પ્રેમ, હૃદયની પીડા અને વિરહવેદના જોવા મળે છે. સાહિત્ય ક્ષેત્રે કેટલાક તેમને સાક્ષાત્ રસમૂર્તિ કહે છે. સુજાન સાગર, સુજાન હિત, વિરહ લીલા અને રસ કેલી વલ્લી એમની પ્રસિદ્ધ કૃતિઓ છે.
એમનો જીવનકાળ સંવત ૧૭૩૦ ની આસપાસનો મનાય છે. એમનું શરૂઆતનું જીવન દિલ્લી અને ઉત્તર જીવન વૃંદાવનમાં વીત્યું. તે કાયસ્થ જાતિના હતા. સાહિત્ય અને સંગીત બન્નેમાં તેમની નિપુણતા હતી. એક દિવસ દરબારીઓએ બાદશાહને કહ્યું કે મુનશી (ઘનાનંદ) બહુ સરસ ગાય છે. આ વાત જાણી બાદશાહે તેમને ગીત ગાવા ફરમાન કર્યું. પણ ઘનાનંદે ગાવાની કોઈ ઇચ્છા વ્યક્ત ના કરી. તેમણે કહ્યું - 'હું અહીં ગાઈ નહીં શકું ! કેટલાક દરબારીઓએ કહ્યું - શહેનશાહ, જો સુજાનને અહીં બોલાવવામાં આવે તો તે ગાશે. તે જરૂર સુજાનનું કહ્યું કરશે. સુજાનને બોલાવવામાં આવી અને તેણે બાદશાહના કહેવાથી ઘનાનંદને ગાવાનું કહ્યું તો તેમના ગાયનથી આખો દરબાર મંત્રમુગ્ધ થઈ ગયો. બાદશાહે તેમના ગાવાની પ્રશંસા તો કરી પણ પોતાની આજ્ઞાની અવહેલના કરવાના અપરાધનો દંડ આપવા દિલ્લીમાંથી કાઢી મૂક્યા. આ સમય સંજોગોમાં સુજાને તેમને સાથ ના આપ્યો. ત્યાંથી તે વૃંદાવન ગયા અને નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્ય શ્રી વૃંદાવનદેવ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. એમનું સખીભાવ સૂચક નામ 'બહુગુની' હતું.
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત થઈ પરિવારનો મોહ છોડી ભક્તિ કરવા માંડી. તેમણે રાધા-કૃષ્ણ સંબંધિત ગીતો, કવિત્ત, સવૈયા પણ લખવા માંડયા. તે સુજાનને ભૂલી ના શક્યા, તેમની રચનાઓમાં સુજાનના નામનો પ્રતીકાત્મક ઉલ્લેખ કરતા જ રહ્યા. ઘનાનંદ પ્રેમની પીડાના કવિ છે. પ્રેમિકાના વિયોગમાં એમના હૃદયમાંથી અદ્ભુત કાવ્યો પ્રગટ થયા. પ્રેમ સાધનાના પથ પર તે મોટા મોટા સાધકોની કોટિએ પહોંચી ગયા. યમુનાના તટ અને વ્રજની વીથિકાઓમાં ભ્રમણ કરતી વખતે તે આનંદના અતિરેકમાં ક્યારેક હસવા લાગતા તો ક્યારેક રડવા લાગતા. રાધા-કૃષ્ણના સ્મરણમાં ભાવાવેશયુક્ત બની હર્ષાશ્રુ વહાવવા લાગી જતા. સુજાન પ્રત્યેનો તેમનો લોકિક પ્રેમ ધીરે ધીરે અલૌકિક બની ગયો. તે રાધા-કૃષ્ણની પ્રેમ-ભક્તિમાં પરિવર્તિત થઈ ગયો.
વિક્રમ સંવત ૧૭૯૬માં નાદિરશાહે ભારત પર આક્રમણ કર્યું. વૃંદાવનમાં નાદિરશાહના સિપાઈઓએ બાદશાહ મુહમ્મદ શાહના 'ખાસ-કલમ' રહી ચૂકેલા ઘનાનંદ પાસે 'જર, જર, જર' એટલે કે સંપત્તિ આપવા કહ્યું. પરંતુ તે સમયે તો ઘનાનંદ પાસે કશું પણ ધન ક્યાં હતું ? એમનું ધન હતું વ્રજ રજ. એટલે તેમણે કહ્યું - મારી પાસે બીજું કોઈ ધન નથી. જે ધન છે તે આ વ્રજની રજ છે. તેમણે ત્રણવાર રજ, રજ, રજ કહી વ્રજની રજ તે સૈનિકો પર પધરાવી. સિપાઈઓએ પહેલાં એમનો જમણો હાથ કાપી નાંખ્યો. તે વખતે પણ તેમના મુખેથી કાવ્ય પંક્તિઓ સરી પડી - 'અધર લહે હૈ આનિ કરિ કૈ પયાન પ્રાણ । ચાહત ચલન યે સંદેશૌ લૈ સુજાન કૌ । સૈનિકોએ તેમને મારી નાંખ્યા તે વખતે પણ તેમણે રાધા-કૃષ્ણનું સ્મરણ કરી પ્રાણનો ત્યાગ કર્યો.








