Magazines

અપના હાથ જગન્નાથ .

By GS TEAM
3 Jun 20262 mins read
અપના હાથ જગન્નાથ                                            .

ગુજરાતી ભાષામાં અમુક કહેવતો એવી છે કે જે ટૂંકમાં ઘણું સમજાવે છે, તેમાંની એક એટલે 'આપ્યું અને તાપ્યું તે ક્યાં સુધી ? કોઈનુ આપેલું કેટલા દિવસ ટકે ? અથવા તેનો આનંદ, અનુભૂતિ ક્યાં સુધી ?

જેમ આપેલા પૈસા, વસ્તુ કે ભોજન (કોઈનું ખાધેલું) લાંબા સમય સુધી ટકતું નથી તેમ માગસર માસની ઠંડીમાં આપણે તાપણા પાસે બેસીએ ત્યાં સુધી ઉષ્મા મળી રહેતી હોય છે પણ જેવા તાપણાથી દૂર જઈએ - તો પાછી ઠંડી લાગવાની જ. આ બંને વાતો આપેલું અને તાપેલું આપણને ક્ષણિક સુખ આપે છે. આ બરાબર 'ધક્કા ગાડી' જેવું ભાસે છે બંધ પડી ગયેલી ગાડીને ધક્કો મારો ત્યાં સુધી ઘડીક વેગ પકડે અને પછી અટકી જાય.

દ્રષ્ટાંત દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક મોટા શેઠની ફેક્ટરીમાં એક પ્રામાણિક નોકર કામ કરતો હતો, શિયાળાના દિવસો હતા. ઠંડો પવન સુસવાટા મારતો હતો. તે નોકરે તેના ઘરે સાંજે લાકડાં ભેગા કરી આખું કુટુંબ તાપી શકે તેવું તાપણું કર્યું. ઘરનાં સૌ ગોઠવાઈ ગયાં. બધાને ખૂબ આનંદ થયો. તેટલામાં તાપણું ઓલવાયું અને પરિસ્થિતિ હતી તેની તેવી જ થઈ. સવારે તે ફેક્ટરીએ ગયો. દિવાળી નિમિત્તે શેઠે તેને બક્ષિસ આપી, તેને આનંદ થયો. બે દિવસ બાદ રકમ વપરાઈ ગઈ અને સ્થિતિ તેના તેવી જ થઈ.

આ કહેવત આપણને એ સમજાવે છે કે જ્યાં સુધી આપણે આત્મનિર્ભર બનતાં નથી ત્યાં સુધી વસ્તુ કે વ્યક્તિ આધારિત સુખ ક્ષણિક જ પ્રાપ્ત થાય છે તેથી આપણે એવા સુખ, આનંદ પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ કે જે આત્મા આધારિત હોય. ભોગાનંદ કે વિષયાનંદ ક્ષણિક છે. માણસ હકારાત્મક દ્રષ્ટિકોણથી જીવનમાં સુખ, શાન્તિ, સમાધાન પ્રાપ્ત કરી શકે છે.

'અપના હાથ જગન્નાથ' સવારે ઊઠીને જમણા હાથનું દર્શન કરવા પાછળ, તે જ ભાવના રહેલી છે. તું કરી શકે છે, બની શકે છે, બદલી શકે છે, બદલાવી શકે છે. કેવળ લમણે હાથ દઈ બેઠેલા આશાળભૂત લાલચી માણસને ક્યારેય દીર્ઘકાલીન સુખ પ્રાપ્ત થતું નથી. હાથ એ પુરૂષાર્થનું પ્રતિક છે. પુરૂષાર્થ આપણા હાથની વાત છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરૂષાર્થને સમાન રીતે સેવવાની વાત વૈદિક સંસ્કૃતિએ સમજાવી છે. સિંહ જંગલનો રાજા કહેવાય પરંતુ મૃગલાં સામે ચાલીને તેનો ખોરાક બનતાં નથી, તો આપણે પણ નરમાંથી નારાયણ, કંકરમાંથી શંકર બનવાની પ્રેરણા લઈ જીવનવિકાસ કરીએ.

- પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ