થોડું પોતાના માટે પણ જીવો .

- આયખાના અર્ધશતક પછી...
સામાન્ય રીતે ભારતીય મહિલાઓ પોતાના કરતાં પોતાના પરિવારજનો માટે વધુ જીવે છે. કુટુંબના નાના-મોટા સઘળા સભ્યોની નાનામાં નાની બાબતની કાળજી લેવામાંય તે પાછીપાની નથી કરતી. આવી સ્થિતિમાં તેને પોતાનું ધ્યાન રાખવાનો સમય જ નથી મળતો. પરંતુ જો તમે આયખાના ૫૦ વર્ષ પૂરાં કરી દીધાં હોય તો હવે થોડું થોડું પોતાના માટે પણ જીવતાં શીખો. કહેવાનો અર્થ એ છે કે હવે પોતાની કાળજી લેવાનો સમય પાકી ગયો છે. નિષ્ણાત તબીબો પણ આ વાત સાથે સંમત થતાં કહે છે..,
ઉંમરના પાંચ દશક વટાવી લીધાં પછી મહિલાઓના શરીરમાં ઘણાં બદલાવ આવે છે. તેઓ શારીરિક અને ભાવનાત્મક પરિવર્તન અનુભવે છે. આ વયમાં તેમની માંસપેશીઓ સંકોચવા લાગે છે અને ત્વચા પર કરચલીઓ દેખાવાનો આરંભ થઈ જાય છે. આવી સ્થિતિમાં આ ઉંમરમાં સ્વસ્થ-સુંદર રહેવા અને ચહેરાની રોનક જાળવી રાખવા પોતાની જીવનશૈલીમાં થોડું પરિવર્તન કરવું જરૂરી બની જાય છે.
સૌથી પહેલા તો તમને જે પ્રવૃત્તિમાં આનંદ આવે તે કરો. ચાહે તે પ્રવાસ હોય, મેડિટેશન હોય કે સખી-સહેલીઓને મળવાનું હોય. જો તમે આટલું પણ નહીં કરો તો શારીરિક અને ભાવનાત્મક રીતે થાકી-કંટાળી જશો. આવી સ્થિતિમાં તમારો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય એવું પણ બને.
આ ઉંમરમાં હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. તેને માટે નિયમિત રીતે બ્લડ પ્રેશર, બ્લડ ગ્લુકોઝ લેવલ, કોલેસ્ટરોલનું સ્તર, તેમ જ હૃદયને લગતાં અન્ય ચેક અપ કરાવતાં રહો. હૃદય જેવા મહત્વના અવયવમાં આવેલી નાની અમસ્તી ક્ષતિ પણ ૫૦ વર્ષ વટાવી લીધાં પછી ભારે પડી શકે છે.
વધતી જતી વય સાથે પેટમાં એસિડનું ઉત્પાદન આપોઆપ ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં શરીરમાં કેલ્શિયમ, વિટામીન ડી, વિટામીન બી-૧૨ની ઊણપ સર્જાય છે જે શરીર અને મગજની કામગીરીમાં અડચણ પેદા કરે છે. બહેતર છે કે આ સઘળા તત્વો પૂરતાં પ્રમાણમાં મળી રહે એવો આહાર લો અને જરૂર પડયે સપ્લીમેન્ટ્સ લેવામાં પણ પાછીપાની ન કરો.
ઉંમરના પાંચ દાયકા વટાવતી સ્ત્રીને રજોનિવૃત્તિ આવી ગઈ હોય છે અથવા તે આ તબક્કામાંથી પસાર થતી હોય છે. સ્વાભાવિક રીતે જ આ સમય દરમિયાન તેના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સની કમી પેદા થાય છે જેને પગલે તેના હાડકાં, માંસપેશીઓ નબળાં થવા લાગે છે. સાથે સાથે તેનું વજન વધે છે જે હાઈ બ્લડ પ્રેશર કે મધુપ્રમેહનું કારણ બને છે. આ સમસ્યાઓને અંકુશમાં રાખવા નિયમિત રીતે વ્યાયામ કરો. દરરોજ એક કલાક કસરત કરો અથવા ચાલો. વ્યાયામ એન્ડોર્ફિન તણાવ ઓછું કરવા સાથે વજન વધતું રોકવામાં પણ મદદ કરે છે. જોકે કોઈપણ યોગ કરવાનું વિચારતા હો તો સૌથી પહેલા તમારા તબીબની સલાહ લો. ત્યાર પછી પણ યોગ નિષ્ણાતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જ યોગ કરવાનું શરૂ કરો.
૫૦ વર્ષ સુધી પહોંચતા હાડકાં અને માંસપેશીઓ નબળી પડવા લાગતી હોવાથી શરીર માટે વિટામીન 'ડી' અત્યાવશ્યક બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે વૉક કરવા જતાં હો તો કુણા તડકામાં ચાલો. વજન વધી ન જાય તેના માટે ઓછી કેલરી અને વધુ રેષા ધરાવતો ખોરાક લો. મોસમી ફળો અને લીલા શાકભાજી ઉપરાંત ફ્લેક્સ સીડ્સ લો. ફ્લેક્સ સીડ્સમાં ઓમેગા-૩ પ્રચૂર પ્રમાણમાં હોય છે. તે ધમનીઓ સ્વસ્થ રાખવા સાથે એસ્ટ્રોજનનું સ્તર સંતુલિત રાખવામાં સહાયક બને છે. તેવી જ રીતે હાડકાં મજબૂત રાખવા કેલ્શિયમની કમી પૂરી કરતાં છોલે, દૂધ, પનીર, દહીં, આમળા જવા ખાદ્ય પદાર્થોનું નિયમિત રીતે સેવન કરો. ચાળીસી વટાવી ગયા પછી ટામેટાં પણ પૂરતાં પ્રમાણમાં લો. ટામેટાંમાં રહેલું લાઇકોપીન હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘટાડે છે.








