કફોડી હાલતમાં મૂકી દેતી હેડકી કેમ મટાડશો?
'મામા નક્કી ટ્રેનમાં મામી તમને યાદ કરતા લાગે છે.' સવારમાં ઊઠતાંની સાથે જ શૈલેષને શરૂ થયેલી હેડકી અંગે નાનકા ભાણિયાએ કોમેન્ટ કરી. શૈલેષની પત્ની રક્ષાબંધનના તહેવાર માટે સુરત સવારની ટ્રેનમાં વિદાઈ થઈ ત્યારથી શરૂ થયેલી હેડકી ઘરગથ્થુ ઉપાય પછી બપોરે પણ બંધ ન થઈ ત્યારે આમાં કંઈક ગંભીરપણે કરવું પડવું એવું શૈલેષને લાગ્યું. સાંજ સુધીમાં તો અકળામણ ઔર વધી ગઈ. ડોક્ટરની દવા લીધી ત્યારે ત્રણ દિવસે જેમ તેમ હેડકી બેઠી. આ નાની લાગતી તકલીફ ઘણી વખત મુંઝવણમાં મુકાઈ જવાય એ હદે મુશ્કેલી ઊભી કરતી હોય છે. બીજી ઘણી બિમારીની જેમ એક્યુપ્રેશરની મદદથી હેડકી મિનિટોમાં મટાડી શકાય છે એવો એક્યુપ્રેશરની પ્રેકટીસ કરનારાઓનો દાવો છે.
અન્નનળી અને જઠરની વચ્ચે આવેલા ઉદરપટલ, ફેફસા અને ગળાના સ્નાયુઓમાં ઘણી વખત તાલબધ્ધ સંકોચન થાય ત્યારે હેડકી આવવી શરૂ થાય છે. સાકર ખાવાથી માંડી નાક બંધ કરી પાણી પીવા જેવા નુસખા વડે સામાન્ય રીતે હેડકી બંધ થઈ જતી હોય છે.
એક્યુપ્રેશરની પધ્ધતિમાં કરાતા મસાજ અને પેટના સ્નાયુઓને શ્વસનક્રિયા દ્વારા નિયંત્રીત કરવાથી હેડકી અટકી શકે છે. અહીં જે એક્યુપ્રેશરના પોઈન્ટ્સ આપ્યા છે તેના પર માલીશ કરતી વખતે દર્દીએ સ્નાયુઓને ઢીલા મુકી ઊંડા શ્વાચ્છોશ્વાસ લેવા જોઈએ.
પોઈન્ટ- ૧: કાનના ખુલ્લા ભાગ નજીક આવેલા પોઈન્ટ પર ભારપૂર્વક દબાણ આપવું, અને ત્યાર પછી આંગળી નાક તરફની દિશામાં આંગળી ધીમેથી ઊંચકી લેવી. આ પોઈન્ટ પર દબાણ આપવાથી તેનું પ્રેશર આખા શરીરમાં અનુભવાય છે અને ઘણું ખરું તો એક જ વખતના દબાણ- ટ્રીટમેન્ટથી હેડકી બંધ થઈ જાય છે. આ જ પોઈન્ટ પર દબાણ આપવાથી હાઈ બ્લડપ્રેશરમાં પણ તાત્કાલિક રાહત થાય છે.
પોઈન્ટ ૨ઃ કાનની બૂટની નીચેના ભાગમાં આ બે પોઈન્ટ્સ આવેલા છે. પહેલી અને બીજી આંગળીનું વડે કાનની બૂટના આ પોઈન્ટ્સ પર માલીશ કરવું. આ પોઈન્ટ પર એકદમ હળવે હાથે માલીશ કરવું અને હળવેકથી આ બૂટના નીચેના ભાગને પકડવો કારણ કે આ અત્યંત સંવેદનશીલ પોઈન્ટ ગણાય છે. બે કાનની બૂટની નીચે આવેલા આ પોઈન્ટ્સને હળવે હાથે પકડી હળવેથી ઊંડા શ્વાસ લેવાથી હેડકી બંધ થાય છે.
પોઈન્ટ ૩ઃ પાંસળીના માળખામાં નવમી અને આઠમી પાંસળીને જોડતી જગ્યાએ બે પોઈન્ટ્સ આવેલા છે. આ પોઈન્ટસ પર સારવાર કરવાથી હેડકી અટકે છે એવો અનુભવ છે. પાંસળીઓના માળખાના છેક નીચેના ભાગને આંગળીઓ અને હથેળીની મદદથી ઝાલી રાખવો. ત્યાર પછી આંખો બંધ કરી ઊંડો શ્વાસ એક મિનિટ માટે લેવો, અને તે જ વખતે પાંસળીના ઝાલેલા ભાગ પર દબાણ આપવું.
પોઈન્ટ ચાર અને પાંચઃ આ પોઈન્ટ્સ સીંગલ પોઈન્ટ્સ કહેવાય છે. આમાંનું એક પોઈન્ટ હાંસડીના બે હાડકા વચ્ચે આવેલા કપ આકારના ગાળામાં છે. આ પોઈન્ટ પર જમણા હાથની વચલી આંગળીથી ગળાની નીચેના ભાગમાં હળવું દબાણ આપવું, અને દબાણ આપતા નીચેની તરફ આંગળીને લઈ જવી. સાથોસાથ ડાબા હાથની આંગળીઓ વડે છાતીના હાડકાને મજબૂતાઈપૂર્વક પકડી રાખવું. આંખો બંધ કરી એક પૂરી મિનિટ સુધી ઊંડો શ્વાસ ખેંચવો. આમ એક જ સાથે બે પોઈન્ટ પર દબાણ આણી હેડકી બંધ કરી શકાય છે.
પોઈન્ટઃ ૬ - આ સીંગલ પોઈન્ટ બરાબર પાંસળીના માળખાની વચ્ચે આવેલું છે. છાતીના હાડકાની ત્રણેક આગળ નીચે અને પેટના ઉપરના ભાગમાં આવેલું આ આ પોઈન્ટ છે. હાથના બધા આંગળા દૂંટી અને છાતીના હાડકાની વચ્ચે હાથના બધા આંગળા મુકવા અને પીઠની ઉપરની બાજુ પર દબાણ અનુભવાય એ રીતે ઝડપથી દબાણ આપવું. એજ વખતે ઊંડો શ્વાસ લઈ પ્રેશરને અડધી મિનિટ સુધી આપવું.
ચેતવણીઃ આ પોઈન્ટ પર ઊંડો કે જોરથી દબાણ આપવું નહિ. આ પોઈન્ટ પર થોડી પળોથી વધુ સમય માલીશ કરવાનું પણ સલાહભર્યું નથી.
પોઈન્ટઃ ૭- છાતીની બંને બાજુ હાંસડીના હાડકાને છેડે બગલથી બે ઈંચના અંતરે આ પોઈન્ટ આવેલું છે.
તમે જ્યારે તમે છાતી તરફ હાથ ખેંચો છો ત્યારે આ સ્નાયુમાં હલનચલન થતી અનુભવાય છે. આ સ્થળે અંગૂઠા વડે દબાણ આપી શકાય છે. દબાણ આપતી વખતે તમે શ્વાસ લઈ થોડી પળો માટે તેને રોકી શકો છો.
પોઈન્ટઃ ૮- હાંસડીના હાડકાની અંદરની બાજુના છેડે અન્ન નળી અને શ્વાસનળીની બહારની બાજુએ આવેલા પોલાણમાં આ પોઈન્ટ આવેલા છે. આ પોઈન્ટ પર દબાણ આંગળીઓ વડે આપતી વખતે ઊંડો શ્વાસ લેવો.
હેડકી જેવી સામાન્ય લાગતી બિમારી કોઈક વખત કેવું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તેનું એક દ્રષ્ટાંત જોઈએ. એક માણસને દિવસો સુધી હેડકી ન અટકતા ડોક્ટરોએ હોસ્પિટલમાં ભરતી કર્યો અને કોઈપણ ઉપાયથી હેડકી ન મટતા ઓપરેશન કરવાનો નિર્ણય લીધો. આવે વખતે કુટુંબના એક હિતેચ્છુએ એક્યુપ્રેશરની સારવાર અજમાવી જોવાની ઈચ્છા પ્રગટ કરી.
ડોક્ટરોએ તો તેને હસી કાઢયો પણ કુટુંબીજનોએ પ્રયત્ન કરી જોવામાં શું જાય છે એવું વિચારી એક્યુમસાજ કરવાની મંજૂરી આપી. દસ જ મિનિટમાં તેની હેડકી અટકી ગઈ અને દિવસોથી પરેશાન દર્દી હજી તો મસાજ ચાલુ હતું એ દરમિયાન ઘસઘસાટ ઊંઘી ગયો! બીજી વીસ મિનિટ સુધી મસાજ ચાલુ રખાયું. ફરી હેડકી આવે તો આ જ રીતે મસાજ કરવાની સલાહ આપી પેલા હિતેચ્છુ જતા રહ્યાં. દર્દી બીનજરૂરી શસ્ત્રક્રિયામાંથી બચી ગયો અને દર્દીને બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ.
આજકાલ પ્રચલિત બનતી જતી રેકી પધ્ધતિમાં પણ હેડકી અટકાવવાના ઉપાય છે. રેકીની સારવાર આપનારાઓએ દર્દીના હાથને માથાથી, ઉપર લઈ જવો. આને કારણે ઉદરપટલ પણ ઊંચકાશે. એક હથેળી ઉદરપટલ પર મુકવી અને બીજી તેની તદ્દન નીચે મુકવી. આ સ્થળે હેડકી ન અટકે ત્યાં સુધી બંને હથેળીઓ મુકી રાખવી. દર્દીને બેઠો કરી થોડા ઘૂંટડા પાણી પીવા કહેવું. ફરી હેડકી શરૂ થાય તો આ જ સારવાર ફરી આપવી. ત્યાર પછી આખા શરીરમાં રેકીની સારવાર કરવાથી હેડકીના ત્રાસમાંથી છુટકારો મળી જાય છે.