જીવન સે લંબે હૈં બંધુ, યહ જીવન કે રસ્તે .

- દુનિયાના સંગીતરસિકો રૅપ સિંગિંગ માટે ભલે યુરોપને યશ આપે. એક ભારતીય તરીકે આપણે એ વાતે ગૌરવ લઇ શકીએ કે સમગ્ર વિશ્વમાં રૅપ સોંગનો પહેલવહેલો પ્રયોગ સંગીતકાર વસંત દેસાઇએ છેક 1967-68માં 'આશીર્વાદ' ફિલ્મમાં કરેલો.
ગાવાની ઇચ્છા હોય પણ કંઠ મધુર ન હોય અથવા સૂર-લયનું પૂરતું જ્ઞાાન ન હોય એવા ઘણા લોકો મળી આવે. હળવી ભાષામાં એમને બાથરૂમ સિંગર પણ કહે છે. જોકે એમને માટે આશ્વાસન રૂપ એક ગાયનકલા છે. ખપ પૂરતો લય ધરાવી શકે તો ઘણું. એ છે રૅપ સિંગિંગ. શબ્દોને ચોક્કસ લયમાં આરોહ અવરોહ સાથે પઠન કરવાની આ કલા આધુનિક કાળમાં રૅપ સિંગિંગ તરીકે જાણીતી છે. આપણે ત્યાં બાદશાહ, ડિવાઇન, એમસી સ્ટાન, રફ્તાર, ક્રિષ્ના વગેરે રૅપર્સ ખૂબ જાણીતા છે. એક અભિપ્રાય મુજબ વિશ્વનું સૌથી પહેલું રેકોર્ડેડ રૅપ હિટ ગીત 'કિંગ ટીમ થ્રી' હતું. ૧૯૭૯ના પૂર્વાર્ધમાં આ ગીત જબરદસ્ત હિટ નીવડયું હતું. એ જ વરસે સપ્ટેંબરમાં 'રૅપર્સ ડિલાઇટ' નામે આવેલા બીજા રૅપ સોંગે યૂરોપમાં ધમાલ મચાવેલી.
દુનિયાના સંગીતરસિકો રૅપ સિંગિંગ માટે ભલે યૂરોપને યશ આપે. એક ભારતીય તરીકે તમે એ વાતે ગૌરવ લઇ શકો કે સમગ્ર વિશ્વમાં રૅપ સોંગનો પહેલવહેલો પ્રયોગ સંગીતકાર વસંત દેસાઇએ છેક ૧૯૬૭-૬૮માં કરેલો. હા, આજની પેઢીને આ વાત અતિશયોક્તિ ભરેલી લાગતી હોય તો આજે જે ફિલ્મના સંગીતની વાત કરવાની છે એનાં ગીતો યુટયુબ પર સાંભળી શકે છે અથવા આ આખીય સુપરહિટ ફિલ્મ માણી શકે છે.
વાર્તાકાર અનિલ ઘોષની એક કથા પરથી એન.સી. સિપ્પી અને હૃષીકેશ મુખરજીએ એક ફિલ્મ બનાવેલી-'આશીર્વાદ'. એનાં સંવાદો અને ગીતો ગુલઝારે રચ્યાં હતાં. સંગીત વસંત દેસાઇનું હતું. આ ફિલ્મમાં વેટરન અભિનેતા અશોકકુમારે એક-બે નહીં, ત્રણ-ચાર રૅપ સોંગ રજૂ કરેલા. આ ફિલ્મના નાયક તરીકેના અભિનય માટે અશોકકુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અને નેશનલ એવોર્ડ બંને મળેલા. અશોકકુમાર સાથે વિશ્વવિખ્યાત બંગાળી અભિનેતા-ગીતકાર-સંગીતકાર ડૉક્ટર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે અભિનયની જુગલબંધી કરેલી. ફિલ્મમાં સંજીવ કુમાર, બંગાળી અભિનેત્રી સુમિતા સંન્યાલ, સજ્જન, એસ.એન. બેનરજી, અભિ ભટ્ટાચાર્ય, બિપિન ગુપ્તા વગેરે હતાં.
આ ફિલ્મનો કથાસાર બે-ચાર લીટીમાં કહી શકાય એવો નથી. તમારે ફિલ્મ માણવી પડે એટલી હૃદયસ્પર્શી બની હતી. એમાં આમ તો સાત-આઠ ગીતો હતાં. બે -ત્રણ ગીત રાગ આધારિત હતાં અને બાકીનાં રૅપ સોંગ હતાં. સૌથી વધુ હૃદયસ્પર્શી બે ગીત હતાં એમાંનું એક લતાજીએ ગાયેલું અને બીજું મન્ના ડેના કંઠમાં હતું. વરસો પહેલાં પિતાથી વિખૂટી પડી ગયેલી એક પુત્રી નીના (સુમિતા સંન્યાલ) યુવાન થઇ ત્યારે રેડિયો પર પિતાને યાદ કરીને જે ગીત ગાય છે એ લતાના કંઠમાં છે. પ્રાત:કાલીન રાગ મનાતા તોડીનો એક પ્રકાર છે ગૂર્જરી તોડી. સાઉથમાં આ રાગ શેખરચંદ્રિકા તરીકે ઓળખાય છે. અત્યંત કરુણરસ પ્રધાન આ રાગના ઉપયોગ દ્વારા વસંત દેસાઇએ પુત્રીના હૈયાનું આક્રંદ વ્યક્ત કર્યું છે. 'ઇક થા બચપન, ઇક થા બચપન, છોટા સા નન્હા સા બચપન, ઇક થા બચપન, બચપન કે એક બાબુજી થે, સચ્ચે અચ્છે બાબુજી થે, દોનોં કા સુંદર થા બંધન...' છ માત્રાના દાદરા તાલમાં જે રીતે આ ગીત પરદા પર રજૂ થાય છે એ રાગદારી નહીં જાણનાર વ્યક્તિની આંખો પણ ભીંજવી દે એવી તર્જ ધરાવે છે.
મન્ના ડેના કંઠે રજૂ થતું ગીત આમ તો બંગાળી લોકગીત હોય એવી અસર ધરાવે છે. વાસ્તવમાં આ ગીત રાગ ચારુકેશી અને કીરવાણીના સમન્વયથી સજેલું છે. કારાવાસમાંથી છૂટીને જોગી ઠાકુર (અશોકકુમાર) પોતાની અસલ ઓળખ છૂપાવીને પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા આવે છે. ટ્રેનમાંથી ઊતરીને એક ટાંગામાં બેસે છે ત્યારે ટાંગાવાળો આ ગીત છેડે છે- 'જીવન સે લંબે હૈં બંધુ યે જીવન કે રસ્તે...' મન્ના ડેએ પણ કંઠ દ્વારા જબરી કરુણતા પ્રગટ કરી છે. બંગાળી શૈલીનો કહરવા તાલ આ ગીતની કરુણતાને ઘેરી બનાવે છે. ગીતને માણતાં માણતાં અશોકકુમારના ચહેરા પર લાગણીના આરોહ અવરોહ સર્જાય છે એ પણ નિહાળવા જેવા છે.
રાગ મલ્હારનો આછોપાતળો આધાર ધરાવતું એક ગીત 'ઝીર ઝીર બરસે સાવની અંખિયાં સાંવરિયા ઘર આજા, તેરે સંગ સબ રંગ બસંતી, તુજ બિન સૂના સબ સુખ સાંવરિયા ઘર આજા...' આ વિરહગીત પણ લતાએ ગાયું છે.
બાકી રહેલાં ગીતોને રૅપ સોંગ કહેવા પડે એ રીતે લયબદ્ધ પઠન પરદા પર ગજબ મોહિની સર્જે છે. બાળકોને આકર્ષે એ રીતે આ રૅપ સોંગ મૂકાયાં છે. પહેલું ગીત 'આઓ બચ્ચોં ખેલ દિખાયેં, છુક છુક કરતી રેલ ચલાયેં, સીટી દેકર સીટ પે બૈઠો, એક દૂજે કી પીઠ પર બૈઠો...' ગુલઝારે શબ્દોની ચમત્કૃતિ સર્જી છે. બાળકો એકમેકના શર્ટ કે ફ્રોક પકડીને ટ્રેનની રમત રમે એવા આ ગીતમાં અશોકકુમાર જે ખીલ્યા છે એ શબ્દાતીત છે. શબ્દોની સાથે કથાનાયકના ચહેરા પર જે વિવિધ ભાવભંગિમા પ્રગટે છે એ જુઓ ત્યારે ખ્યાલ આવે કે અશોકકુમારે કેવો અદ્ભુત અભિનય કર્યો છે. આ ગીત સીધાસાદા કહેરવા તાલમાં ચાલે છે.
તો બીજું એક રૅપ સોંગ છ માત્રાના દાદરા તાલમાં રજૂ થાય છે. આ ગીતમાં અશોકકુમાર સાથે ડાક્ટર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય જોડાય છે. 'નાવ ચલી, નાવ ચલી, નીના કે નાની કી નાવ ચલી, સામાન ઘર સે નીકાલે ગયે, નાની કે ઘર સે નીકાલે ગયે...' બાળકો માટે ખાસ રચના કરાઇ હોય એવી કમાલ અહીં અનુભવી શકાય છે.
ઔર એક રૅપ સોંગ ફરી એકવાર અશોકકુમાર અને ડૉક્ટર હરીન્દ્રનાથ સંભળાવે છે. અહીં શબ્દોની તુલનાએ બંગાળી લયવાદ્ય ખોલ અને ઢોલકની જુગલબંધી સાંભળવા મળે છે. 'ઝિંગાપુર તાકુર તકુર, ઝિંગાપુર તાકુર તકુર, સડા સડ દેખ કે પકડ, સડા સડ દેખ કે પકડ, ધ ગિ ન કી ન કી ધીન...' વચ્ચે વચ્ચે રમૂજી શબ્દો ઉમેરાતા જાય છે. ખોલ અને ઢોલકની જુગલબંધી જામે છે.
આટલું ઓછું હોય તેમ વધુ એક રૅપ સોંગ કોમેડી રૂપે આ બંને રજૂ કરે છે- 'કાનોં કી એક નગરી દેખી જીસ મેં સારે કાને થે, એક તરફ સે સારે કાને, એક તરફ સે સ્યાને થે...' ચારે ચાર રૅપ સોંગ પરદા પર જબરી જમાવટ કરે છે. ઓડિયન્સમાં બેઠેલા દરેક દર્શકને જકડી રાખે છે.
વસંત દેસાઇ સાવ નાનકડા હતા ત્યારે કોલ્હાપુરમાં મરાઠી લોકસંગીતના નામે તમાશા મંડળી અને લાવણી મંડળી વિવિધ કાર્યક્રમ કરતી. એનું નાનકડા વસંતને જબરું આકર્ષણ હતું. અહીં કોણ જાણે શી રીતે સંગીતકારે હૃષીકેશ મુખરજી અને અશોકકુમારને આવું કંઇક કરવા માટે મનાવી લીધા હશે. ચાર-પાંચ મહિલા ડાન્સર્સની એક મંડળી સંગીતમય ઉખાણાં રજૂ કરતી હોય એવું ગીત છે. એમાં આશા ભોંસલે, હેમલતા, અશોકકુમાર અને હરીન્દ્રનાથ એમ ચાર જણ સામસામે ઉખાણાં અને એના જવાબ રજૂ કરે છે. ઉપાડ આ રીતે થાય છે- 'સાફ કરો, ઇન્સાફ કરો, ભાઇ ભૂલભૂલૈયા માફ કરો, એક પહેલી બડી નવેલી, જો બુઝે સો બને કલંદર, અરે ના બુઝે તો બંદર...' ત્યારબાદ વારાફરતી મહિલા ડાન્સર્સ અને અશોક-હરીન્દ્રની જોડી ઉખાણાંફેંક કરે છે. રમતિયાળ તર્જ-લય દ્વારા મરાઠી લોકસંગીતની સરસ ઝલક મળે છે.
આમ આશીર્વાદ બધી રીતે સુપરહિટ નીવડી હતી અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેકને યશ પ્રાપ્ત થયો હતો. અગાઉ કહ્યું એમ અશોકકુમારને બેસ્ટ એક્ટરના બબ્બે એવોર્ડ મળ્યા હતા-ફિલ્મ ફેર અને નેશનલ એવોર્ડ. ફિલ્મના સંગીતમાં ક્લાસિકલ ઉપરાંત લોકસંગીત અને રૅપ મ્યુઝિક એમ અનેરો ત્રિવેણી સંગમ થયો હતો.









