Magazines

સેવા, સહનશીલતા અને સમર્પણ થકી ઘરને સ્વર્ગ બનાવીએ

By GS TEAM
20 May 20262 mins read
સેવા, સહનશીલતા અને સમર્પણ થકી ઘરને સ્વર્ગ બનાવીએ

- કુટુંબના કોઈપણ સભ્યને કોઈ શારીરિક, માનસિક કે આર્થિક સમસ્યા હોય તો બધાએ સાથે બેસીને તેનું નિરાકરણ લાવવા મથતા રહેવું

ધંધા-રોજગાર માટે દુકાન જરૂરી છે. જીવવા માટે ઓક્સિજન જરૂરી છે ઘરને સ્વર્ગ બનાવવા માટે ઘરના સભ્યોમાં સહનશીલતા જરૂરી છે.

એક હાથે તાળી પડતી નથી. પોતાનો નહી તો બાજુવાળાનો હાથ ભેગો થાય તો તાળી પાડી શકાય છે. એ રીતે ઘરના તમામ સભ્યોએ એક બીજાને હુંફ પ્રેમ અને સધીયારો આપીને જ ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ સર્જી શકાય છે.

સ્વર્ગ કાંઈ આકાશમાં ઊંચે કે પાતાળ લોકમાં નીચે છે તેમ માની લેવાનું નથી. આપણે આજુબાજુના ઘર-પરિવારના સભ્યો સાથે હુંફાળું જીવન વ્યતીત કરતા હોઈએ એટલા સમયને સ્વર્ગમાં હોય છે તેવી આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ.

આપણા ઋષિ મુનીઓએ સ્વર્ગ અને નર્કની કલ્પના કરીને આપણને મઝીયારું જીવન જીવવાની શીખામણ આપી છે. સંપીને રહેવાથી સુરક્ષીત રહી શકાય છે. નિખાલસ સ્વભાવ, સેવા કરવાની ભાવના, સમર્પિત થવાની માનસિકતા અને એક બીજાને સમજવાની સમજણ કોઈ પણ ઘરને સ્વર્ગમાં બદલી શકાય છે.

ઘર એટલે જ્યાં પરિવારના નાના-મોટા તમામ સભ્યોની સુખાકારીનો ખ્યાલ રખાતો હોય, એક બીજાને સમજવાનો પ્રયત્ન થતો હોય. નાનાં-મોટાં, સાજાં-માંદાંની કાળજી લેવાતી હોય. વડીલોની આમન્યા જળવાતી હોય તેવું પવિત્ર સ્થળ. કુટુંબમાં કમાનાર વ્યક્તિઓ એક કે બે હોય પરંતુ ખાનાર વધારે હોય તો પણ દરેકની જરૂરીયાતો સંતોષાય તેવી ગોઠવણ કરવી પડે છે.

કોઈ વ્હાલું નહીં, કોઈ દવલું નહીં. કોઈ એકની કિંમત વધારે અને કોઈની ઓછી એવા ભેદભાવ ન હોય. દરેક સભ્ય પોતાના હક્ક ભોગવે પરંતુ સાથે સાથે પોતાની જવાબદારી પણ સમજ પૂર્વક નિભાવે તે ઘરને સ્વર્ગ બનાવવાની પહેલી શરત છે. કુટુંબના કોઈ પણ સભ્યને કોઈ શારીરિક, માનસિક કે આર્થિક સમસ્યા હોય તો બધાએ સાથે બેસીને તેનું નિરાકરણ લાવવા મથતા રહેવું. હસતા-બોલતા આનંદ કરતા, ખિલખિલાટ કરતા જીવન જીવવાની કલા હસ્તગત થઈ જાય તો આપણા ઘરને સ્વર્ગ બનાવી શકાય છે.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય