Magazines

જેવા છીએ એવા-સહજ જીવીએ

By GS TEAM
10 Jun 20265 mins read
જેવા છીએ એવા-સહજ જીવીએ

- માણસને મળેલી શક્તિ તે છે એના કરતાં તે કેવો હોવો જોઈએ એ દેખાવ કરવામાં ના ખર્ચાવી જોઈએ. ખુદના સામર્થ્ય પર શ્રદ્ધા રાખી સહજ જીવવું એ જ સુખ, શાંતિ અને આનંદની 'માસ્ટર કી' છે. 

શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં રાજા પૌણ્ડ્રકની કથા આવે છે. તે કુરૂપ દેશનો અજ્ઞાાની રાજા હતો. તેની આજુબાજુ રહેતા જીહજૂરિયા સેવકોએ પોતાના સ્વાર્થ ખાતર તેને ખુબ બહેકાવ્યોહતો. 'રાજન્, તમે શ્રેષ્ઠ છો, બહાદૂર છો, તમારો જન્મ આ દુનિયાની રક્ષા કરવા થયો છે. તમે જ વાસુદેવ છો.' પ્રશંસા કોને ન ગમે ? તે પોતાની વાહવાહ સાંભળીને મહાંધ થઈ ગયો. અભિમાનમાં છકી ગયો. આનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ ખરેખર પોતાને વાસુદેવ સમજવા લાગ્યો. હદ તો ત્યારે થઈ કે શ્રીકૃષ્ણની લીલાનું રહસ્ય જાણ્યા વગર તેણે પોતાનો એક દૂત દ્વારકા મોકલ્યો. દૂત દ્વારકા આવ્યો. તેણે રાજા પૌણ્ડ્રકનો સંદેશો સંભળાવ્યો. 'હે કૃષ્ણ, અમારા રાજાએ કહેવડાવ્યું છે કે તમે તમારું નામ બદલી નાખો ! વાસુદેવ એમનું નામ છે. તમારું નહિ !! તમે જે ચિન્હો ધારણ કરો છો (શંખ, ચક્ર, ગદા, તલવાર, કૌસ્તુભમણિ, વરમાળા વગેરે) એ ઉતારી દો. એ પહેરવાનો હક્ક અમારા રાજાનો છે ! નામ અને ચિન્હો છોડી અમારા રાજાના શરણે આવો. જો આવું નહિ કરો તો યુદ્ધ કરવું પડશે ! અને યુદ્ધ થશે તો અમારી અક્ષૌહિણી સેના સામે તમે જીતી નહિ શકો !!' શ્રીકૃષ્ણ દૂતની વાત સાંભળી હસ્યા. વળતો એક સંદેશો મોકલાવ્યો. 'દૂત તમારા રાજાને કહેજો કે હું મારું નામ, મારા ચિન્હો અને મારી આત્મઓળખ છોડી ના શકું. સમજદાર રાજાએ શાંતિના પ્રયત્નો કરવા જોઈએ. છતાં... તમે યુદ્ધ જ ઇચ્છતા હો તો અમે તૈયાર છીએ.'

શ્રીકૃષ્ણ જાણતા હતા કે આવા તુંડમિજાજી સાથે કેવી રીતે વર્તવું. તેમણે કુરૂપ દેશની, રાજા પૌણ્ડ્રકની અને તેના ખાસ મિત્રોની માહિતી ભેગી કરી. રાજા પૌણ્ડ્રકનો એક ખાસ મિત્ર હતો. કાશીરાજ. શ્રીકૃષ્ણએ જાણી લીધું કે પૌણ્ડ્રક અત્યારે તેના મિત્રને મળવા કાશીનગરી ગયો છે. શ્રીકૃષ્ણએ લાગ જોઈ કાશીનગર ઉપર ચઢાઈ કરી. આક્રમણના સમાચાર મળતાં રાજા પૌણ્ડ્રક પોતાની બે અક્ષૌહિણી સેના લઈ નગર બહાર યુદ્ધના મેદાનમાં આવ્યો. શ્રીકૃષ્ણએ પૌણ્ડ્રકને જોયો. કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા તૈયાર થયો હોય એમ તે વેશભૂષા ધારણ કરી સામે ઊભો હતો. શ્રીકૃષ્ણ એ કહ્યું, 'રાજા પૌણ્ડ્રક, ખરેખર તેં મારૃં નામ ખોટી રીતે ધારણ કર્યું છે.  તું મારા જેવો બનવા કેમ ઇચ્છે છે ? કુદરતે દરેક માણસને વિશિષ્ટ શક્તિ આપેલી છે. તારે કોઈની નકલ કરવાની જરૂર નથી. તારામાં રહેલી અદ્ભુત શક્તિ ઓળખી તેને કામે લગાડ. તારી બધી ઇચ્છાઓ એ ગુહ્ય શક્તિ પૂરી કરશે.' પણ પૌણ્ડ્રક અક્કડ હતો. કશું સમજવા તૈયાર નહોતો. અભિમાનમાં છકી ગયો હતો. તેણે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું અને શ્રીકૃષ્ણના હાથે તેનું મોત થયું. એટલું જ નહિ તેના મિત્ર કાશીનરેશે પણ યુદ્ધ કર્યું અને તે પણ મરાયો.

માણસ પોતાની જિંદગીને બીજા જીવે એમ જીવવા પ્રયત્ન કરે છે. ખાસ પ્રસંગે જ્યારે બધા સાથે હોય ત્યારે સમૂહજીવન જીવીએ એ સમજાય એવું છે. પણ આપણી અંગત બાબતોમાં તો સહજતા જળવાવી જ જોઈએ. શું ખાવું ? શું પીવું ? શું જોવું ? ક્યાં જવું ? કોની સાથે વાત કરવી ? શું વાંચવું શું સાંભળવું ? એ આપણી ખાનગી બાબત છે. એમાં દેખાદેખી કરીએ તો સુખ, શાંતિ અને આનંદ છિનવાઈ જાય ! જીવને મળેલી ગુહ્ય શક્તિ કુંઠિત થઈ જાય. કુદરતે બક્ષેલી અદ્ભુત શક્તિ વપરાયા વગરની પડી જ રહે.

આખો દિવસ કુહૂ... કુહૂ... કરતી કોયલને એક દિવસ કાગડાએ કહ્યું, 'કોયલબેન, આ શું ? તમે રોજ એક જ રાગમાં ટહુક્યા કરો છો. ક્યારેક કોઈ બીજા રાગમાં પણ ગાવ !' કોયલે કહ્યું, 'કાગડાભાઈ તમારી વાત તો સાચી છે. રૂઢિ અને પરંપરામાંથી છૂટવા ક્યારેક આપણે પરિવર્તન કરવું જોઈએ. પણ એ બદલાવ સારા-શુભ કાર્ય માટે થવો જોઈએ. કોઈ ઉમદા હેતુ વગર બીજાને જોઈને બદલાઈ જવું યોગ્ય ના ગણાય. મારો ટહુકાર મારી ઓળખ છે. મારૃં કૌવત છે. મારા સ્વત્વનું સન્માન છે.'

જિંદગીની લાંબી સફરે ઊપડતો પ્રવાસી પોતાના વહાણને રસ્તો આકાશમાં દેખાતા ધ્રુવતારાને જોઈને નક્કી કરે છે. ધ્રુવતારાને જોઈને પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. તે સામેથી આવતા કે બાજુમાંથી પસાર થતા વહાણોનો પ્રકાશ જોઈને રસ્તો બદલતો નથી. જો બીજાનો પ્રકાશ જોઈને વારંવાર રસ્તો બદલે તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જ ના શકે. અને દરિયામાં જ ખોવાઈ જાય. માણસે પોતાની આવડતનું, ભીતર રહેલા સામર્થ્યનું માપ કાઢી ઇચ્છા પ્રમાણે સહજ રીતે જીવવું જોઈએ. સહજતા જીવન જીવવાની સાચી રીત છે.

કિશોરકુમારે જ્યારે ગીતો ગાવાની શરૂઆત કરી ત્યારે સાયગલની બોલબાલા હતી. સાયગલના મધુર ગીતો સાંભળવા લોકો પાગલ હતા. કિશોરકુમારે પણ સાયગલ જેવો અવાજ કાઢી ગાવાનું શરૂ કર્યું. એક સ્વરસપ્તકના જાણકાર ઉસ્તાદ તેમના ઘરે આવતા. તેમણે કિશોરકુમારને ગીતોની પંક્તિ ગણગણતા સાંભળ્યો હતો. એક દિવસ તેમના પિતાની હાજરીમાં તેમણે કિશોરકુમારને કહ્યું, 'તારો પહાડી અવાજ ગાયક તરીકે પરફેક્ટ છે. એમાં કોઈ શક નથી. તું સાયગલ જેવો જ અવાજ કાઢી શકે છે. પણ એ નકલ ગણાશે. સાયગલના અવાજની કોપી ગણાશે. તારે સાયગલ નહિ કિશોર બનવાનું છે. સાયગલના પ્રભાવમાંથી છૂટીને તારે તારો કુદરતી અવાજ બહાર કાઢવાનો છે. તને ઇશ્વરે આપેલા કંઠમાંથી ગીતો ગાવાના છે. તું સહજ બન. પછી તને કોઈ રોકી નહિ શકે. અને, એવું જ થયું. કિશોરકુમાર ફિલ્મી દુનિયામાં ગાયક તરીકે છવાઈ ગયા.

માણસને મળેલી શક્તિ તે છે એના કરતાં તે કેવો હોવો જોઈએ એ દેખાવ કરવામાં ના ખર્ચાવી જોઈએ. ખુદના સામર્થ્ય પર શ્રદ્ધા રાખી સહજ જીવવું એ જ સુખ, શાંતિ અને આનંદની 'માસ્ટર કી' છે. આપણું સર્જન ઇયળની જેમ ઘસડાઈને વેદના અને જખમ મેળવવા નથી થયું. ભીતરના આકાશમાં સ્વેચ્છાએ ઊડવા માટે થયું છે.

- સુરેન્દ્ર શાહ