Magazines

"કંઈક કરી લઈએ ડગ ભરી લઈએ"

By GS TEAM
18 Jun 20255 mins read
"કંઈક કરી લઈએ ડગ ભરી લઈએ"

- અકળામણ પોતે કદીય રસ્તો બતાવતી નથી. તો એને સહારે અશક્ત થવાનો અર્થ શો? સ્વસ્થ ચિત્તે રસ્તો શોધીએ. નાનામાં નાના માણસનું કામ પણ મહત્વ ધરાવે છે. અનેક નાના માણસો એક જણને મોટો બનાવે છે

આપણા અન્ય કામ ગમે તેટલા મહત્વના હોય, સહુથી વધારે મહત્વનું છે જીવન જીવવાનું કાર્ય. એને કોઈ સુંદર રચના, રસમ, ઢંગ, આયોજન, વૈદ્યાનિક્તા કેમ ના આપી શકીએ.

(૧) દરેકમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે: જેની સાથે રહો છો સબંધ ધરાવો છો તે દરેકની આગવી વિશેષતા છે. (૨) વચન પળાય તો જ આપવા: તમે પાળી શકતા નથી પછી સંકોચ થાય છે માફી માંગવી પડે. (૩) જવાબદારીમાં આગળ રહેવું: પારકો પોટલા ઉપાડે ને પોતે પરમાનંદ કરીએ એમ પ્રેરનારી મનોસ્થિતિ સારી ના ગણાય. (૪) ઉતારી પાડવાની ટેવ સારી નથી: તમને કોઈ ઉતારી પાડે તો ગમે? કોઈને ઉતારી પાડીને આપણેય ઉતરી પડીએ છીએ. (૫) હોંશિયારી પકડાયા વગર રહેતી નથી: ઘણીવાર એમ લાગે છે કે સામા માણસની બુદ્ધિને બેખબર રાખીને આપણે કામ કઢાવી લીધું છે આનેજ નિષ્ફળ હોંશિયારી કહેવાય છે. (૬) આપેલું બધું જરૂર પાછું આવે છેઃ જીવનમાં જે નિયમો છે તેમાં અને સચોટ છે તેમાં આને મુકી શકાય. (૭) આપણે ચોખાચટ રહેવું: હાથ કાળા થાય તો દુનિયા જુએ, દિલ કાળુ થાય તો "દુનિયાનો નાથ" જુએ. એ ખાસ યાદ રાખવું. (૮) સામી વ્યક્તિની મુસીબતોનો ખ્યાલ રાખો: કદાચ આટલી કાળજી જ તમને મોટા માણસ બનાવી દેશે. હોઠની સાથે હાથ-પગ ચાલે તો જ મહાનતા શોભી ઉઠે. (૯) ફરિયાદો સાંભળવાની પણ આગવી કળા છે: લોકો ઉકેલ માટે જ આવ્યા હોય છે તમે શાંતિથી એનો ગણગણાટ સાંભળી લો તો પણ બસ. (૧૦) વ્યક્તિ કે પેઢીને હજાર પાસા હોય છે: હકીકતોને વિકૃત બનાવીને રજુ કરવી અને આ રીતે નુકશાન જ પહોંચાડવું એ બરાબર નથી. પાંચ દિવા સંકોરવા પણ એકેયને ઓલવવો તો નહી જ.

(૧૧) સમય છે... તો બે સારા શબ્દો કહી દો: મારા મતે દિવાલો પર લખી નાખવા જેવું. આ વાકય છે પ્રયોગ કરી જોજો. (૧૨) તમામ પ્રકારના માણસો જગતમાં જરૂરી છે: ખરાબ માણસો પણ? કેમ નહીં? જો એ ના હોત તો સારા માણસોનું મૂલ્ય શી રીતે અંકાત? (૧૩) જીભ ચુપ કરવાથી હૃદય ચુપ નથી થતું: આપણે કોઈના હૃદયને વાચા આપીએ ને તેનો ભાર ઓછો કરી શકીએ ? પછીના મૌન આશિષની વાણી કેવીય હશે. (૧૪) અનિવાર્ય હોય તો પરંપરા પણ બદલવી: આગ લાગે ત્યારે પાંખોવાળા પંખી ઉડી એ જ વધારે યોગ્ય. (૧૫) ગ્રંથ કરતા પંથ વધારે જ્ઞાન આપે છે: જ્ઞાન એ કોઈ એક જ વૃક્ષનું ફળ નથી. અનુભવના વિરાટ વૃક્ષને તો હજાર ડાળીઓ છે. સમજણપુર્વક જિંદગી જીવાય એ સારું છે. (૧૬) બધું આપણી ઈચ્છામાં કેન્દ્રિત નહી રાખવું જોઈએ: વધારે ઉદાર બનીને અન્યની ઈચ્છાને માન આપતા શીખવું જોઈશે. (૧૭) જગતમાં કોઈ પુર્ણ નથી - આપણી જેમ જ: દરેક જણ પોતાને પુર્ણ બનાવીને જગતને પુર્ણ બનવવા મથે તો કેટલું સારું? (૧૮) તમારી ખોટ સાલતી હતી: માત્ર ચાર જ શબ્દો પણ ચાર હજાર ગુલાબ કરતા વધારે સુગંધવાળા. (૧૯) બધે જ સુક્ષ્મદર્શક યંત્ર લઈને ફરવાની જરૂર નથી: માણસો જ્યારે દોષદર્શનના દાદા બની જાય છે ત્યારે એમને એ સિવાય બીજું કંઈ જ દેખાતું જ નથી. (૨૦) બેસી જ રહેવા કરતા ડગ ભરવું સારું: પદ્ધતિનું પુનરાવર્તન ચાલુ રાખશો તો એક વખત જીંદગીથી હાથ ધોઈ નાખશો એ ભ્રમકિલ્લાને તોડો, સુરંગ આપો અને કેડી પર ખેપટ માડો.

(૨૧) ટીકાના પરિણામ સારા ન જ હોય: કોઈનેય તમારી ટીકા સાથે ટક્કર લેવડાવશો નહી. (૨૨) સાચું પગલું ખોટા પરિણામ નહીં લાવે: દરિયા તરફ વળેલો ડુંગરાઓમાં નહી અટવાય ડુંગરા તરફ વળેલો દરિયામાં નહીં ડુબે. (૨૩) એક નાનો વિચાર ઘણા મોટા પરિણામ લાવી શકે છે: પ્રત્યેક દિવસ વિકાસ માટે છે આવા વિચારને પકડી લો તમારી જિંદગી જ્વલંત બની રહેશે. (૨૪) કંઈ અવળુ થાય ત્યારે 'જવાબ મારી છે' એમ કહેવું મુશ્કેલ છે: માણસ ખરેખર પુખ્ત હશે તો બધાને પાર તરી જશે ને ટીકાના વંટોળિયા સામે તાડ જેવો ટટ્ટાર ઊભો રહેશે. (૨૫) કોઈનીય માન્યતા તમારાથી જુદી હોય તો ય શું?: તમે ભગવાનમાં માનો છો પેલો નથી માનતો એટલા માત્રથી એ તમારાથી ઊતરતો થઈ ગયો. (૨૬) બૂરી અસરો બદલાતા વાર લાગે છે: ટેવનો પહાડ કણકણ કરીને ભેગો થયો હતો એને એજ રીતે હઠાવી શકાશે. (૨૭) ભારેખમ ફરવાથી ઝાઝો અર્થ નહી સરે: સરળતા અને પારદર્શક્તા દ્વારા જે સિદ્ધ થઈ શકે છે તે ભારેખમ બનવાથી ના જ થઈ શકે. (૨૮) કોઈનેય નીચું શા માટે દેખાડવું?: અંતરની ઉદારતા અને ઉદાત્તતાને આગવી ફોરમ હોય છે. (૨૯) જગતને સુધારવા સારું જાતને સુધારો: તમારી પાસે એકાદ બાબત એવી હશે જ જેમાં ખુબ આગળ વધી શકો એ દિશાને પકડી આગળ ચાલો. (૩૦) અકળામણ તો આવ્યે જશે: અકળામણ પોતે કદીય રસ્તો બતાવતી નથી. તો પછી એને સહારે અશક્ત થયા કરવાનો અર્થ શો ? સ્વસ્થ ચિત્તે રસ્તો શોધીએ.

(૩૧) નાનામાં નાના માણસનું કામ પણ મહત્વ ધરાવે છે: અનેક નાના માણસો એક જણને મોટો બનાવે છે. (૩૨) કામને વળગેલાને વળગેલા રહો: કામને માત્ર કામ જ તારશે એને તારણહાર બનાવીએ. (૩૩) ધાર્યા કામ ક્યારેય ના પણ થાય: આવું થાય ત્યારે દિમાગ ગુમાવવાને બદલે ફરીથી આરંભ કરવાની તૈયારીઓ કરવી જોઈએ. (૩૪) કોઈ અવળુ ચાલે તો એ કેમ ચાલ્યું એ વિચારો: એ તે એની ટેવ હતી કે લાચારી હતી એની કોને ખબર? (૩૫) ઘા ને હળવો બનાવી શકાય: અહીં ભૂલી જવાની કળા કેળવીએ તો? (૩૬) મૂળભૂત રીતે માણસો સારા જ છે: માણસની અંદર સત્ય છે જ દુષ્ટમાં દુષ્ટ માણસ પણ સદ્ અંશો ધરાવે જ છે. આપણે એમાં શ્રદ્ધા દાખવવી જોઈએ. આટલું થાય તો ઘણા ગોટા અંકુરમાંથી જ ઓસરી જાય. તો સુરજ તપે છે ત્યાં સુધી કંઈક કરી લઈએ. ડગ ભરીએ સંધ્યા ઢળે એ પહેલા...

- ચેતન એસ. ત્રિવેદી