સારથિ બનીએ, સ્વાર્થી ન બનીએ .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
ફેક્ટરી !! આ એક એવું સ્થાન છે જ્યાં સવારથી સાંજ યાવત્ ચોવીશ કલાક પર્યંત નવી નવી પ્રોડક્ટોનું સર્જન થાય છે. એમાંય જ્યારે યાંત્રિક પ્રોડક્ટનું સર્જન ફેક્ટરીમાં થતું હોય ત્યારે ત્યાં એક પ્રક્રિયા અવશ્ય કરવામાં આવે છે. યાંત્રિક પ્રોડક્ટનું સર્જન થયા બાદ તેનું સીધેસીધું ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. પરંતુ તેને માર્કેટમાં મોકલતા પહેલા ફેક્ટરીના જ એક વિભાગમાં તેનું ક્વોલિટી ચેક કરવામાં આવે છે અને જો તેમાં ખામી હોય તો તેને સુધારવામાં આવે છે. આ પ્રક્રિયા પછી માર્કેટમાં પહોંચેલી પ્રોડક્ટ માટે કોઈને ફરિયાદ રહેતી નથી. સર્જન બાદ યાંત્રિક પ્રોડક્ટની ખામી શોધવા અને સુધારવા જેવી પ્રક્રિયા કરાય છે. એવી જ પ્રક્રિયા કરવાની છે આપણે મન માટે. આપણા મનની ખામીઓને આપણે જ શોધવાની છે અને પુરૂષાર્થ દ્વારા સુધારવાની પણ છે. આ માટે છેલ્લા ચાલ લેખોથી આપણે વિચાર કરીએ છીએ અને મનની વિલક્ષણતાઓનો-ખામીઓનો-દોષોનો. એ ક્રમમાં આજે આપણે વિચાર કરીશું મનની પાંચમી વિલક્ષણતાનો.
(૫) મન સ્વાર્થી છે.
મનમાં જ્યારે સ્વાર્થવૃત્તિ જામી હોય છે ત્યારે વ્યક્તિને માત્ર પોતાની અનુકૂળતાનો અને ફાયદાનો વિચાર આવે છે. અન્યોની પ્રતિકૂળતાનો કે નુકસાનનો ખ્યાલ સુદ્ધાં ત્યારે તેને આવતો નથી. કોઈનું શુભ થાય ત્યારે તેનો આનંદ થવાના બદલે સ્વાર્થી મન વિચારે છે કે 'આમાં મારે શું ?' અને કોઈની તકલીફ-દુ:ખ જોયા પછી હમદર્દી પ્રગટવાના બદલે તેને વિચાર આવે છે કે 'આમાં મારે શું ?' મનની આ લાક્ષણિકતા આપણને વારંવાર અનેક ઘટનાઓમાં નિહાળવા મળશે. આપણે નિહાળીએ અહીં આવી જ એક ઘટના :
એક શ્રીમંત શેઠ હતા. શેઠને બે પુત્રો હતા. બે ભવ્ય બંગલા હતા. સંપત્તિ અને સુખની કોઈ કમી ન હતી. એક દિવસ શેઠના એક બંગલામાં આગ લાગી. આખો બંગલો આગની જ્વાળામાં લપેટાઈ ગયો. આ જોઈ શેઠ 'મારો બંગલો બળી ગયો' એમ રાડારાડ કરવા લાગ્યા. ત્યાં મોટો દીકરો બોલ્યો : 'પપ્પા ! રડો નહિ. આ બંગલો ગઈકાલે જ આપણે વેચી દીધો છે.' આ સાંભળી શેઠને શાંતિ થઈ. રડતા બંધ થયા. ત્યાં જ બીજો દીકરો બોલ્યો : 'પણ ગઈકાલે શહેરની કચેરી બંધ હોવાથી રજીસ્ટ્રી થઈ શકી નથી, માટે બંગલો આપણો જ કહેવાય.' શેઠને આ સાંભળતા જ પાછી મમતા જાગી. રડવાનું શરૂ થઈ ગયું. ત્યાં જ મોટો દીકરો બોલ્યો : 'પરંતુ બીજા શહેરમાં જઈને રજીસ્ટ્રી કરાવી લીધી છે માટે હવે એ આપણો નથી.' આ સાંભળતા જ શેઠને પાછી હાશ થઈ. બંગલો બળે તો ભલે ને બળે. એ મારો ક્યાં છે ? આ વિચારે તેઓ પાછા રડતા બંધ થઈ ગયા. આ છે આપણા મનની વૃત્તિ. આવી વૃત્તિ જેની છે એનાં જીવનમાં સર્જાય છે બે ભારે નુકસાન : (૧) કોમળતા ઘટે છે : કોઈનું દુ:ખ નિહાળ્યા પછી 'મારે શું ?' આ વિચાર આવે ત્યારે હૃદયની કોમળતા ઉપર ધક્કો પહોંચે છે અને (૨) કઠોરતા વધે છે : કોઈનું દુ:ખ જોયા પછી સ્વાર્થવૃત્તિનાં કારણે 'આંખ આડા કાન' કરવામાં આવે ત્યારે કઠોરતા વધે છે. યાદ રહે, કોમળતાની ગેરહાજરીમાં અને કઠોરતાની હાજરીમાં આપણી સાચી પ્રગતિ શક્ય નથી. તેથી મનની સ્વાર્થવૃત્તિને દૂર રાખીને કોઈ દુ:ખીનો ટેકો બનીએ. આ માટે યાદ રાખીએ આ વાત કે : 'શક્ય હોય તો કોઈના સારથિ બનીએ, સ્વાર્થી કદી ન બનીએ...'








