ખુદને ખંખોળીએ, ખુશીને પામીએ : આત્મખોજની દિવ્ય કેડી

આધુનિક ટેકનોલોજીના હરણફાળ યુગમાં માનવ સ્વયં અસ્તિત્વ ટકાવવા માટે અથાગ પ્રયત્નોમાં વ્યસ્ત છે. જેથી શારીરિક અને માનસિક થકાવટથી ત્રસ્ત બનતો જાય છે. ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અતૃપ્તિનો અહેસાસ અનુભવે છે. વૈભવ વિલાસી જીવનશૈલી ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે, સામાજિક પ્રતિષ્ઠા આપી શકે છે, પરંતુ અલૌકિક દિવ્યાનુભૂતિ, આત્મિક સુખશાંતિ તથા સંતોષની ખાતરી આપી શકતી નથી.
આજનો માનવ મનનો ખાલીપો અનુભવો છે, તથા આત્મિક થનગનાટ, સુખશાંતિ અને ઉલ્લાસથી (આંતરિક આનંદથી) વિમુખ થઈ રહ્યો હોય તેવું લાગે છે, ત્યારે ખુદને ખંખોળીને ભીતરમાં ડોકિયું કરીને સત્યપ્રકાશને પામવા માટે તથા ખુશીના ખજાનાને અનુભવવા અંતમુખી યાત્રા કરવી પડશે. કાશી, વૃંદાવન, ગોકુળ, મથુરા, રામેશ્વર... વગેરે યાત્રાધામોનાં દર્શન કર્યા, નિજ અંતરમાં બિરાજમાન દિવ્ય તથા શાશ્વત આત્માને મળતાં નથી, પોતાના સાચા સ્વરૂપને ઓળખવાની તથા ભીતરની ભીનાશને પામવા માટે તલપાપડ નથી. આપણે સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, પ્રકાશ વગેરે બહારની ભૌતિક વસ્તુઓમાં શોધીએ છીએ, પણ વસ્તુત : આ બધા આત્મિક ગુણોનું સોહામણું સ્વર્ગ આપણા અંત:કરણમાં જ છે આપણે અંતરાત્માને મળવાનું છે, તેની સાથે સંવાદ કરવાનો છે, તેની સફર તથા યાત્રા કરવાની છે. આપણે આપણી જાતને મળવાનો અવસર ચૂકીએ નહીં તે માટે સતર્ક રહેવાનું છે. ' હું પોતે જ મારું તીર્થધામ તથા હું જ મારો યાત્રી' એવા આંતરિક જાગૃતિના સમર્પિત ભાવથી મનના આંગણામાં આપણે મહાલવાનું છે. જે દિવ્ય તત્ત્વને આપણે શોધીએ છીએ તે આપણા મનમંદિરમાં છે. અંતરના ઓજસની ઉપેક્ષા કરી. બાહ્ય મૃગજળ માટેની આપણી દોટ નિરર્થક છે. ભીતરની યાત્રામાં શાશ્વત સુખનો સ્ત્રોત છે.
'ખંખોળશું જો અંતરને, બેચેની બધી શમી જશે,
શાશ્વત સુખનું દિવ્ય દ્વાર, નિત્ય ખુલ્લું રહેશે.'
જીવનનું સરવૈયું તૈયાર કરવાનું છે, આત્મચિંતન કરવાનું છે, તેથી આત્મજ્ઞાાન જાગૃત થશે, શાશ્વત સુખનું તથા આત્મસંતોષનું અવિરત ઝરણું (ગુપ્તગંગા જેવું) નિત્ય વહેતું રહેશે. જેથી ભાવનાત્મક સંતુલન જળવાશે. જાતની સાથે દોસ્તી કરવાથી અંતરનો ખાલીપો અદૃશ્ય થશે. દુનિયાની દોડમાં થોડો સમય દિલને દઇને પરમ પ્રકાશને પામીએ.
પોતાની જાત સાથે આત્મમંથન કરવાથી સ્વયં વિચારો તથા વૃત્તિઓનું પૃથ્થકરણ થતાં અનેક ફાયદાઓ થાય છે. માનવ પોતાની ત્રુટિઓ સુધારી ઉન્નત દિશા પ્રત્યે પ્રગતિ કરે છે, અહંકારનો ગઢ તૂટી જશે એટલે કે અભિમાન ચકનાચૂર થશે.
પૂજય રવીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનાગીતની સુંદર પંક્તિ 'અંતર મમ વિકસિત કરો, અંતરત રહે ! આ પંક્તિને સાર્થક કરવા આત્મખોજની દિવ્ય કેડીની યાત્રા કરવી પડશે.
'રોજ રાત્રે, એક મુલાકાત આત્મા સાથે કરવી જરૂરી છે,
આત્માને મળ્યા વગરની આપણી જીંદગી અધુરી છે.'
અંતમાં આપણે અંતર્મુખ બની ભીતરની ભીનાશમાં ડૂબકી મારી ખુદને મળીએ અને ખંત, ખુમારી, ખામોશી અને ખેવનાને ખીલવીએ.
- દિનેશ એલ.જોષીપુરા









