માણસના લોહી વિશે આ પણ જાણો
માણસનું લોહી લાલ રંગનું પ્રવાહી છે. તેમાં પ્લાઝમા, સફેદ કણો અને લાલ કણો હોય છે. લોહીમાં ૫૪ ટકા પ્લાઝમા છે. પ્લાઝમા લોહીના એક ટીપાંમાં લગભગ ૩૦ કરોડ લાલકણો હોય છે. તેને કારણે તે લાલ દેખાય છે.
લોહીમાં ચેપી બેકટેરિયા સામે લડવા શ્વેત કણો હોય છે. તેનું પ્રમાણ એક ટકો જ છે. પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. શ્વેતકણો ૯ કલાક જીવે છે ત્યાર બાદ નવા બને છે. લાલકણોનું મુખ્યકામ શરીરને ઓક્સિજન આપી કાર્બનડાયોકસાઈડ મેળવવાનું છે. લાલ કણ ૧૨૦ દિવસ જીવે છે તે શરીરને ઓક્સિજન અને શક્તિ પહોંચાડે છે. નાશ પામેલા લાલકણોની જગ્યાએ નવા ઉમેરાતાં રહે છે. હાડકાં વચ્ચેના પોલાણમાં દર સેંકડે કરોડો નવા લાલકણો બનતા રહીને લોહીમાં ઉમેરાય છે.
લોહીમાંના શ્વેત અને રક્તકણો બરોળમાં નાશ પામે છે. બરોળ નાશ પામેલાં કણો ઉપરાંત અન્ય ઝેરી અને હાનિકારક દ્રવ્યોનો સંગ્રહ કરી પિત્તાશયમાં મોકલી નિકાલ કરે છે. લોહીમાં લાલ અને સફેદ કણ ઉપરાંત પ્લેટલેટના કણો પણ હોય છે.