Magazines

લમ્હે : યશ ચોપરાની સૌથી ડેરીંગ લવ સ્ટોરી

By GS TEAM
21 May 20268 mins read
લમ્હે : યશ ચોપરાની સૌથી ડેરીંગ લવ સ્ટોરી

- દાસ્તાન-એ-સિનેમા

- સિનેમાનો ઇતિહાસ અનેક એવી ફિલ્મોથી ભરેલો છે, જે બોક્સ ઓફિસ પર તો ન ચાલી પરંતુ, તેણે દર્શકોના દિલો પર વર્ષો સુધી રાજ કર્યું. ગુરુ દત્તની 'કાગઝ કે ફૂલ', રાજ કપૂરની 'મેરા નામ જોકર', બિમલ રોયની 'સૂજાતા' આવી જ ફિલ્મો. આ લિસ્ટમાં યશ ચોપરાની 'લ્મહે' પણ સામેલ છે. જ્યારે, ફિલ્મ ૪ નવેમ્બર, ૧૯૯૧ના રોજ રીલિઝ થઈ ત્યારે, થિયેટરોમાં ન ચાલી. પરંતુ, જેમ જેમ સમય ગયો તેમ તેમ આ ફિલ્મનો જાદુ જોવા મળ્યો. આજે આ ફિલ્મની ગણતરી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બેસ્ટ લવ સ્ટોરીઝમાં થાય છે. 

આપણે એવા યુગમાં જીવી રહ્યાં છીએ જ્યાં, સફળતાની માપણી બેંક બેલેન્સથી થાય છે. એટલે, કોઈપણ સફળતા પછી એક જ સવાલ હોય કે, બેંકમાં તે દેખાય છે કે નહીં? ફિલ્મોમાં પણ એવું. કોઈ ફિલ્મ કેટલી સારી બની કે ન બની, તેની ચિંતા નહીં. બસ, એક જ ચિંતા કે બોક્સ ઓફિસ પર કમાણી કરી કે નહીં. આ કંઈ ખોટું નથી. પૈસા જરૂરી છે. પરંતુ, એક કલાકાર, આર્ટિસ્ટના દિલને અહીં સમજવું જરૂરી બની જાય છે. એક કલાકાર માટે મહત્તમ અગત્યતા એની હોય છે કે, તેને જે કલા કુદરત દ્વારા ભેટમાં આપવામાં આવી છે, તેનો તેણે સાચો ઉપયોગ કર્યો કે નહીં. કારણ કે, જતાં દિવસે અંતર-આત્મા સવાલ પૂછશે, કુદરત પૂછશે કે, મારી આપેલી ભેટ યોગ્ય જગ્યાએ વાપરી કે નહીં? તે સમયે બેંક બેલેન્સ કામમાં નહીં આવે. તે સમયે કરેલી કારણ વગરની ઉજવણીઓ યાદ નહીં આવે. તે સમયે સમજાશે કે, બીજાને ખુશ કરવામાં પોતાની ખુશીઓની બલિ ચઢાવી દીધી. અને જેને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો તે તો ખુશ થયા જ નહીં. કુદરતની એક ભેટનો ઉપયોગ જ ન કર્યો કે, જે મને અને ખાસ મને જ આપવામાં આવી હતી. તે સમયે ખાલીપો ફીલ થશે. તે સમયે કોઈ દિલાસો કામ નહીં કરે.

એટલે જ વિશ્વના જેટલા પણ મહાન કલાકારો છે. તેમણે ભલે થોડા સમય માટે કે એકાદ પ્રોજેક્ટ માટે બોક્સ ઓફિસ સફળતાની લ્હાય છોડી છે. અને એવી રાહ પકડી છે જે તેમના અંતર મન સાથે મેળ ખાય. આ પોતાના મનની વાત કહેવાનું સહેલું નથી હોતું. તે સમયે દુનિયાની કળા પ્રત્યેની એક ખાસ પ્રકારની ક્રૂરતાનો સામનો કરવો પડે છે. આ એટલે કારણ કે, ઘણી વખત કલાકાર કંઈક એવું રજૂ કરે જેને માટે દર્શકો તૈયાર જ ન હોય. જો તે કવિ હોય તો ક્રૂરતાના રૂપમાં ખાલી રૂમ જોવા મળે. તાળીઓ, વાહ વાહના બદલામાં ભાવહીન ચહેરાઓ જોવા મળે. આ ક્રૂરતા જૌન એલિયા જેવા મહાન કવિએ પણ સહન કરી છે. આજે દર બીજી શાયરીની રીલમાં જોવા મળતા જૌન એલિયા જીવતા હતા ત્યારે આટલા ફેમસ નહોતા. તેઓ જ્યારે, એકલતા અને ખાલીપો સમજાવતા બોલ્યા કે, 'કિતને અપને થે જબ ન થે અપને, અબ તો અપને ભી અપને હી જૈસે હૈં.' ત્યારે તે સમયે લોકોને ન સમજાયું. તેઓ પોતાના પર જ કટાક્ષ કરતા બોલ્યા કે, 'ક્યા સિલા મિલા તુમકો વફા કા જૌન? લોગ અબ તુમકો તન્હા દેખકર હંસતે હૈં...' તેઓ જ્યારે, વિરહ માટે બોલ્યા કે, 'નયા એક રિશ્તા પૈદા ક્યૂં કરેં હમ? બિછડના હૈ તો ફિર રોયેં હી ક્યૂં હમ?' તેઓ જ્યારે, હાર્ટબ્રેક બાદ બોલ્યા કે, 'જો ગુઝારી ન જા સકી હમસે, હમને વો જિંદગી ગુઝારી હૈ.' ત્યારે તેમને ખાસ કોઈ સમજ્યું નહોતું. તે સમયે તેમને હાલ જેવી પ્રસિદ્ધિ નહોતી મળી. આ તો સમયનો ખેલ કે, તેમને જે ગમ્યું તે સમય જતાં લોકોએ સ્વીકાર્યું. આ તો વિદ્રોહી પ્રકૃતિના જૌન હતા કે જેઓ લાંબા સમય સુધી પોતાને ગમતી કલા પ્રસ્તુત કરતા આવ્યા પણ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી છૂટ ઓછા કલાકારોને મળી છે. રાજ કપૂરે તેમને મનગમતી ફિલ્મ 'મેરા નામ જોકર' કરી. ફિલ્મ થિયેટરોમાં ન ચાલી. પરંતુ, સમય જતા ફિલ્મના ચાહકો વધતા ગયા. આ ફિલ્મની ભલે કેસેટો ન વેચાઈ પણ જ્યારે ડીવીડીનો જમાનો આવ્યો ત્યારે અનેકે તેની ડીવીડી ખરીદી. આવી જ રીતે યશ ચોપરાએ તેમને ગમતી ફિલ્મ 'લ્મ્હે' બનાવી. તે પણ બોક્સઓફિસ પર ચાલી. આજે આ ફિલ્મની ગણતરી બોલિવુડની સૌથી પ્રસિદ્ધ લવ સ્ટોરીમાં થાય છે.

ફિલ્મના મૂળમાં જીન વેબસ્ટરની નોવેલ ડેડી લોંગ લેગ્સ

યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાએ જીન વેબસ્ટરની ૧૯૧૨ની નવલકથા 'ડેડી લોંગ લેગ્સ' વાંચી હતી. યશ ચોપરાએ આ કહાણીનું જ માળખું લીધું અને તેને એક નવું રૂપ આપ્યું. તેમણે ફિલ્મમાં ઈમોશન્સનો તડકો ઉમેર્યો અને પ્રેમના વારસાની કથા રજૂ કરી. આપણે સામાન્ય રીતે કહીએ કે, પ્રેમ ક્યારેય મરે નહીં. અને બીજી સામાન્ય રીતે ઓબ્ઝર્વ કરવામાં આવતી વાત એ કે, જો માતાને પ્રેમમાં વિશ્વાસઘાત મળ્યો હોય તો તે દીકરીને પણ સમજાવે કે, પ્રેમમાં ક્યારેય વિશ્વાસ કરવો નહીં. ફિલ્મમાં આ બે વાતને અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે. જેમાં, એક દીકરીને પ્રેમ વારસામાં મળે છે. આ પ્રેમના ભવ્ય વારસાની કહાણી અને તેમાં પણ રાજસ્થાનના મહેલો. જાણે કહેવામાં આવ્યું છે કે, સાચો વારસો મહેલો નહીં પ્રેમ હોય. બાકી, પ્રેમ વગરના મહેલો ખંડેર છે. આ ફિલ્મ દ્વારા યશ ચોપરાએ એવા પ્રેમને વાચા આપી કે, જે દેવદાસ, મજનૂ, રાંઝા જેવો જગજાહેર નહોતો. પ્રેમ કે જે ઈન્ટ્રોવર્ટ હતો. યશ ચોપરાએ આ પ્રેમને એક બીજો ચાન્સ આપ્યો. આ બીજા ચાન્સને ઘણા દર્શકોએ અન્યથા લીધો પરંતુ, આ કલાકારની દ્રષ્ટિ હતી. ગ્રીક ફિલોસોફર હેરાક્લિટસ કહેતા કે, 'યુ ડોન્ટ સ્ટેપ ઈન્ટુ ધ સેમ રિવર ટ્વાઈઝ'. એટલે કે, એક વ્યક્તિને તમે થોડા ઘણા વર્ષો પછી મળશો તો તે વ્યક્તિ બદલાઈ ગયો હશે. આ ફિલ્મના મૂળમાં આ જ વાત છે.

વિરેન્દ્ર પ્રતાપ સિંહ એટલે કે, વીરેન પલ્લવીના પ્રેમમાં પડે છે. તેને કહે ના કહે ત્યાં તો પલ્લવીના લગ્ન અન્ય સાથે થઈ જાય છે. લગ્નના થોડા સમય બાદ જ પલ્લવીનું મોત થાય છે. તે પોતાની પાછળ દીકરી પૂજાને છોડીને જાય છે. આ વાતના બે દાયકા બાદ પણ વીરેન પ્રેમના આઘાતમાંથી બહાર નથી આવતો. સમય જતાં પલ્લવીની દીકરી પૂજા વીરેનના પ્રેમમાં પડે છે. વીરેનની દ્વિધા વચ્ચે દાયજાની સમજણ અને મિત્ર તેને બચાવે છે. આ ફિલ્મ સાથે યશ ચોપરા આડકતરી રીતે કહી રહ્યાં છે કે, 'આદમી મરતે હૈ, પ્યાર નહીં.'

યશ ચોપરાની પહેલી પસંદ વિનોદ ખન્ના

યશ ચોપરાએ શરૂઆતમાં વિનોદ ખન્નાને ધ્યાનમાં રાખીને 'લમ્હે'ની કલ્પના કરી હતી. તેમણે વિનોદ ખન્નાને વચન પણ આપ્યું હતું. પરંતુ, જેમ જેમ સ્ક્રિપ્ટ લખાતી ગઈ તેમ તેમ તેમને સમજાતું ગયું કે, ખન્ના વીસ વર્ષના યુવાનના રોલમાં દર્શકોને પસંદ નહીં આવે. વિનોદ ખન્ના બાદ જેકી શ્રોફ રેસમાં આવ્યા. જેકીએ અન્ય એક પ્રોજેક્ટ માટે મૂછો કપાવી હતી. તેમણે યશ ચોપરાને ફોટોગ્રાફ્સ મોકલ્યા. યશને તેમનો લૂક ગમ્યો. પણ લાગ્યું કે, જેકી યંગ નથી લાગતા. આ વચ્ચે અનિલ કપૂર યશ ચોપરાને મનાવવા લાગી પડયા હતા. પોતાને રોલ મળે તે માટે દરેક પ્રકારનું માર્કેટિંગ કર્યું. આ વચ્ચે અનિલ કપૂરને ઈજા થઈ અને તેમને એક મહિના સુધી બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી. આ મહિના દરમિયાન તેમણે મૂંછો કઢાવીને યશ ચોપરાને ફોટા મોકલ્યા. જેને જોતા જ યશ ચોપરાને થયું કે, વીરેનના રોલ માટે અનિલ કપૂર પરફેક્ટ છે. આ અનિલ કપૂરની પહેલી ફિલ્મ બની કે જેમાં તેઓ મૂંછો વગર જોવા મળ્યા.

પલ્લવી અને પૂજાના રોલમાં શ્રીદેવી

યશ ચોપરા પલ્લવી અને પૂજાનો રોલ આત્મવિશ્વાસથી કરી શકે તેવી અભિનેત્રીની શોધમાં હતા. ત્યારે, તેમને ફક્ત એક જ નામ સામે આવ્યું, શ્રીદેવી. તેમનું લાગ્યું કે, ગામડાની આત્મવિશ્વાસથી ભરપૂર પલ્લવી અને તોફાની છોકરી પૂજાના રોલ માટે શ્રીદેવી જ યોગ્ય છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ઘટના ઘટી હતી. જે શ્રીદેવીની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે. લંડનમાં ફિલ્મનું ૯૦ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું હતું. ત્યારે, શ્રીદેવીને સમાચાર મળ્યા કે, તેના પિતાનું અવસાન થયું છે. તે ભારત જવા રવાના થઈ અને ક્રૂએ ૧૬ દિવસ સુધી તેની રાહ જોઈ. તે જ્યારે પાછી ફરી ત્યારે તેણે અનુપમ ખેર સાથે એક કોમેડી સીન શૂટ કરવાનો હતો. શ્રીદેવીએ તો તેનું શૂટિંગ સરળતાથી કર્યું પણ ક્રૂ ઈમોશનલ થઈ ગયું. વર્ષો પછી યશ ચોપરાએ કરણ જોહરને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ સીનના શૂટિંગ વખતે હૂં સમજી ગયો કે, શ્રીદેવી જે છે(મહાન) તે કેમ છે.

શિવ હરીનું યાદગાર મ્યુઝિક

સંતૂરના માસ્ટર પંડિત શિવ કુમાર શર્મા અને વાંસળીના માસ્ટર પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ દાયકાનું સૌથી લોકપ્રિય સાઉન્ડટ્રેક આપ્યું હતું. આનંદ બક્ષીએ લખેલા ગીતોમાં રાજસ્થાની લોકસંગીત, શાસ્ત્રીય રાગ અને રોમેન્ટિક મ્યુઝિકને એક તાંતણે બાંધવામાં આવ્યું હતું. 'યે લમ્હે યે પલ હમ', 'કભી મેં કહૂં', 'મોરની બાગા મા બોલે', 'મેધા રે મેધા', 'મોહે છેડો ના', 'યાદ નહીં ભૂલ ગયા', 'ગુડિયા રાની', 'મ્હારે રાજસ્થાન મા', 'ચુડિયા ખનક ગઈ', 'મેરી બિંદિયા' જેવા ગીતોને કારણે ફિલ્મ ભલે લાંબી થઈ પરંતુ, દર્શકો તેમાં ફિલ્મના હાર્દના દર્શન થયા.

પહેલા નિષ્ફળતા અને સમય જતાં માસ્ટરપીસ

આ ફિલ્મ બોક્સઓફિસ પર ન ચાલી. સિનેમાનો ઇતિહાસ આવી અનેક ફિલ્મોથી ભરેલો છે. ગુરુ દત્તે 'પ્યાસા' જેવી સફળ ફિલ્મ બાદ ૧૯૫૯માં 'કાગઝ કે ફૂલ' બનાવી. આ સિનેમાસ્કોપમાં શૂટ થયેલી ભારતની પહેલી ફિલ્મ પણ બોક્સઓફિસ પર ન ચાલી. આ ફિલ્મની અસફળતા બાદ ગુરુ દત્તે ફિલ્મ ડિરેક્ટ કરવાનું બંધ કરી દીધું. આજે 'કાગઝ કે ફૂલ'ની ગણના વિશ્વ સિનેમાની બેસ્ટ ફિલ્મોમાં થાય છે. આવું જ બિમલ રોય સાથે થયું. તેમણે ૧૯૫૯માં 'સૂજાતા' બનાવી. સમાજના પ્રશ્નો ઉઠાવતી ફિલ્મ બોક્સઓફિસ પર ન ચાલી. આવું જ હોલિવુડમાં જોવા મળ્યું. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ 'એપોકેલિપ્સ નાઉ' (૧૯૭૯) બનાવવા માટે પોતાની સંપત્તિ અને માનસિક શાંતિ દાવ પર લગાવી દીધી હતી. માટન સ્કોર્સીસે 'ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઇસ્ટ' (૧૯૮૮) માં પોતાનો આત્મા રેડી દીધો. અંતે તેને વિવાદોની આગમાં સળગતી જોઈ. આ કલાકારોની સફરમાંથી એક જ વસ્તુ શીખવાની કે, દુનિયા જેને નિષ્ફળતા કહીને નકારી દે છે, સમય જતાં ઈતિહાસ તેને માસ્ટરપીસ કહીને સલામ કરે છે. કલાકારની સફર જ એ છે કે, વર્તમાનમાં ભલે અસ્વીકાર મળતો, ભવિષ્યને જીતી લેવું.