લેક બૈકાલ (રશિયા) : લેક બૈકાલનું ક્ષેત્રફળ અધધધ 31722 ચોરસ કિલોમીટર છે
- દુનિયાના સૌથી પ્રાચીન મીઠા પાણીના સરોવરનો શિરપાવ પણ લેક બૈકાલને મળ્યો છે
- ઈશ્વરની આર્ટ-ગૅલરી : રીતેશ ક્રિસ્ટી
યુરોપ અને એશિયા એમ બે ભૂખંડોમાં પથરાયેલા દુનિયાના સૌથી વિશાળ દેશ એવા રશિયાના સાઇબીરિયાનું નામ સાંભળતા જ શરીરમાં ઠંડીનું લખલખું પસાર થઇ જાય. દુનિયાના સૌથી ઠંડા પ્રદેશ તરીકે જાણીતું સાઇબીરિયા છે તો એટલું વિશાળ કે રશિયાનો ત્રીજો ભાગ આવરી લે છે. ૧૩ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું સાઇબીરિયા પૃથ્વીના ભૂભાગનો લગભગ દસ ટકા જેટલો ભાગ ધરાવે છે. સાઇબીરિયાને રશિયાથી અલગ કરીને અલગ દેશ બનાવવામાં આવે તો પણ તે દુનિયાનો સૌૈથી મોટો દેશ બને. જોકે ઠંડોગાર પ્રદેશ હોવાના કારણે વસતી સાવ પાંખી છે. ધરતી ઉપર ગીચતાની દૃષ્ટિએ સૌથી ઓછી વસતી ધરાવતા સાઇબીરિયામાં દર ચોરસ કિલોમીટરે માંડ સાતથી આઠ જણા વસે છે.
શિયાળા દરમિયાન સાઇબીરિયાના અમુક ભાગમાં તાપમાન માઇનસ ૭૦ ડિગ્રી સુધી પહોંચી જતુૅં હોય છે. તો ઉનાળાના મહિના દરમિયાન પણ સાઇબીરિયામાં તો ઠંડી અને હિમ જ છવાયેલા હોય. જોકે આ ઉનાળામાં ક્લાયમેટ ચેન્જના કારણે પશ્ચિમ સાઇબીરિયાનું તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ફ્રિઝર કરતાયે ઓછું તાપમાન ધરાવતા સાઇબીરિયામાં પ્રાકૃતિક સંપત્તિના ભંડારો છે. અહીંયા કુદરતી ગેસ અને પેટ્રોલિયમના વિશાળ ક્ષેત્રો આવેલા છે.
દુનિયાભરમાં ફરવાલાયક અને પિકનિક માણવાના સ્થળોમાં સરોવર ટોચના સ્થાને બિરાજે છે. ચારે તરફ જમીનથી ઘેરાયેલા અને સ્થિર જળ ધરાવતા સરોવરો વળી પાછા વિવિધ પ્રકારના હોય છે. કેટલાંક સરોવરો મીઠા પાણીના હોય છે તો કેટલાક વળી ખારા પાણીના. પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દુનિયામાં અનેક સ્થળોની ભરમાર છે. કેટલાંક સ્થળોની સુંદરતા આંખોને ઠારે છે તો કેટલીક જગ્યાઓ સાહસિકોને લલચાવે છે. સાઇબીરિયાના બરકતિયા અને ઇરકુત્સ્ક ક્ષેત્રમાં પથરાયેલા દુનિયાના સૌથી ઊંડા સરોવર લેક બૈકાલ માટે તમામ વિશેષણો શ્રેષ્ઠતમ જ વાપરવા પડે.
લેક બૈકાલનું ક્ષેત્રફળ અધધધ ૩૧૭૨૨ ચોરસ કિલોમીટર છે અને મહત્તમ ઊંડાઇ ૧૬૪૨ મીટર છે અને સરેરાશ ઊંડાઇ ૭૪૪ મીટર છે. બૈકાલ સરોવરની લંબાઇ ૬૩૬ કિલોમીટર છે અને મહત્તમ પહોળાઇ ૭૯.૫ કિલોમીટર છે. હકીકતમાં બૈકાલ દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. ધરતી ઉપર બરફ સ્વરૂપે રહેલા પાણી અને ભૂગર્ભજળને બાદ કરવામાં આવે તો પૃથ્વીની સપાટી પર રહેલા કુલ મીઠા પાણીનો ૨૦ ટકા જેટલો જંગી જથ્થો લેક બૈકાલમાં સમાયેલો છે. રશિયાની પીવાના પાણીની ૯૦ જેટલી
જરૂરિયાત લેક બૈકાલ પૂરી પાડે છે. લેક બૈકાલમાં પાણીનો આટલો મોટો જથ્થો હોવાનું કારણ એ કે આશરે ૩૩૦ નદીઓના પાણીની આવક આ સરોવરમાં થાય છે અને સરોવરમાંથી એક માત્ર અંગારા નામની નદી વહે છે.
દુનિયાના સૌથી પ્રાચીન મીઠા પાણીના સરોવરનો શિરપાવ પણ લેક બૈકાલને મળ્યો છે. અનુમાન છે કે લેક બૈકાલ અઢીથી સાડા ત્રણ કરોડ વર્ષ પુરાણું છે. તાજ્જુબની વાત તો એ છે કે બૈકાલ સરોવરની નિર્માણ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. કારણ એ કે આ સરોવર ભૂકંપીય ક્ષેત્રમાં આવેલું છે. બૈકાલ ક્ષેત્રમાં દર વર્ષે ત્રણથી આઠ હજાર નાનામોટા ભૂકંપો આવે છે. ઘણાંખરાં ભૂકંપો તો એટલા મામૂલી હોય છે કે ખ્યાલ પણ ન આવે. જોકે છેલ્લી એક સદીમાં રિક્ટર સ્કેલ પર ૬થી વધારે તીવ્રતાના છ ભૂકંપો અહીંયા આવી ચૂક્યાં છે. વર્ષ ૧૮૬૨માં તો લેક બૈકાલ ખાતે રિક્ટર સ્કેલ પર ૧૦ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો.
લેક બૈકાલનું પાણી અત્યંત શુદ્ધ છે. સરોવરના પાણીમાં નહીવત્ માત્રામાં ખનીજદ્રવ્યો રહેલા છે તો ઓક્સિજનની માત્રા ભરપૂર છે. વળી જૈવિક અશુદ્ધિઓ પણ સાવ ઓછી છે. કેટલાક સ્થળોએ તો જળની પારદર્શકતા ૪૦ મીટરે પહોંચે છે. બૈકાલ સરોવરનું જળ શીતળ છે અને ઉનાળાના દિવસોમાં પણ જૂજ સ્થળોએ પાણીનું તાપમાન ૧૦ ડિગ્રીએ પહોંચતું હોય છે. પાણીની શુદ્ધતા અને પારદર્શકતાના કારણે શિયાળામાં જામતો બરફ પણ ઘણો પારદર્શક હોય છે. શિયાળો આવતા આખું સરોવર થીજી જાય છે અને મે મહિનો આવતા બરફ પીગળવાની શરૂઆત થાય છે. શિયાળો બરાબર જામ્યો હોય ત્યારે તો સરોવરની એકથી બે મીટર જળસપાટી થીજી જાય છે.
બૈકાલ સરોવરનો બરફ તો મનમોહક છે જ સાથે સાથે રહસ્યમયી પણ છે. આ સરોવરના બરફમાં કોઇ ગુણ રહેલો છે જેના કારણે શિયાળામાં આઇસ ટેન્ટ એટલે કે બરફના તંબુ જેવી રચના બની જાય છે. ઘણાં તંબુની ઊંચાઇ તો ૬ મીટરે પહોંચે છે. વૈજ્ઞાાનિકોને હજુ સુધી આવા આઇસ ટેન્ટ બનવાનું રહસ્ય સમજાયું નથી.