કુંદનનો કરિશ્મા 2,500 વર્ષ પછી પણ અકબંધ

ભારતમાં ઘડાતાં અનેકવિધ અલંકારોમાં કમાલ કરે છે કુંદનનો કરિશ્મા. લગભગ ૨,૫૦૦ વર્ષથી ચાલી આવતી કુંદનના ઘરેણાંની પરંપરા રાજસ્થાન અને ગુજરાતના રાજવી ઘરાનાઓમાં શરૂ થઈ હતી. રાજા-મહારાજાઓ, મહારાણીઓ અને રાજકુમાર/ રાજકુમારીઓના ઠાઠમાઠમાં કુંદનના આભૂષણો સૌથી મોટો ભાગ ભજવતાં. પછીથી મોગલકાલ દરમિયાન કુંદન જાણે કે સોળે કળાએ ખીલ્યું હતું. અને આજે આ ઘરેણાં ઉત્તર ભારતમાં સૌથી વધુ પહેરાય છે. ખાસ કરીને ઉત્તર ભારતની નવોઢાઓ કુંદનના ઘરેણાં પર પહેલી પસંદગી ઉતારે છે. અલબત્ત, રાજસ્થાન અને ગુજરાતે તેમની કુંદન જ્વેલરીની પરંપરા આજે પણ જાળવી રાખી છે.
જ્વેલરી ડિઝાઈનરો કહે છે કે એક તબક્કે ચોક્કસ પ્રાંતો સુધી સીમિત રહેલાં કુંદનના અલંકારો આજે સર્વત્ર પ્રચલિત થઈ ગયાં છે. કુંદન એટલે શુદ્ધ સુવર્ણ. જોકે હવે સામાન્ય લોકો માટે તો અણીશુદ્ધ સોનુ સ્વપ્ન સમાન બની ગયું છે. આવી સ્થિતિમાં તેઓ કુંદનના અલંકારો પહેરવાનો શોખ ઈમિટેશન કુંદન જ્વેલરી ખરીદીને પૂરો કરે છે. અને શા માટે ન કરે? સોનામાં હીરા અને કિંમતી તેમ જ અર્ધકિંમતી રત્નો જડવામાં આવે ત્યારે તેની શોભા મન મોહ્યા વિના ન રહે. એટલે જ આ હજારો વર્ષ પુરાણી જ્વેલરીની ડિઝાઈન પર આધુનિક યુવતીઓ જ નહીં, સેલિબ્રિટીઓ પણ ઓવારી ગઈ છે.
આ ઝવેરીઓની વાતમાં તથ્ય પણ છે. છેલ્લાં કેટલાંક સમયમાં બોલીવૂડ સેલિબ્રિટીઓ, ટીવી સ્ટાર્સ, સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅર્સ પોતાના લગ્ન પ્રસંગે મોટાભાગે કુંદન જ્વેલરીમાં જોવા મળી છે.
જો કે ફેશન ડિઝાઈનરો કહે છે કે કુંદનના અલંકરો પહેરતી વખતે ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે તારો પોશાક અને અન્ય એક્સેસરી. તેઓ આ વાત સમજાવતાં કહે છે કે કુંદનના ઘરેણાંને મુખ્ય આકર્ષણ રાખવા હળવા ભરતકામવાળો પોશાક ધારણ કરો. હેરસ્ટાઈલ અને મેકઅપ વ્યવસ્થિત છતાં ઉડીને આંખે વળગે એવાં ન કરો. અન્ય એક્સેસરી પણ ખપ પૂરતી જ લો. આટલું કરવાથી કુંદન જ્વેલરી ધ્યાનાકર્ષક બની રહેશે. વળી તે ધારણ કરનાર માનુની પણ સાદગીના સૌંદર્ય સમી ભાસશે. તેઓ વધુમાં કહે છે....
* ભરચક ભરતકામ કરેલા બ્લાઉઝ સાથે હળવું વર્ક કરેલી સાડી કે ઓઢણી સાથે કિંમતી અને અર્ધકિંમતી રત્નો જડેલું ચોકર ખૂબ સુંદર લાગશે.
* હળવા રંગના ગાઉન, લહંગા કે પેન્ટસુટ સાથે કુંદન ચોકર અને સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ પરંપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય રચશે.
* અન્ય ધાતુ સાથે પણ કુંદન જ્વેલરી મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકાય. હા, તે તેની સાથે શોભે છે કે કેમ તે ચકાસી લો. તમે કુંદનના ચોકરને મોતી/ પોલકીના લાંબા હાર અથવા બુટ્ટી સાથે ધારણ કરી શકો. તમે ચાહો તો તેની સાથે એન્ટિક જ્વેલરી પણ પહેરી શકો.
- વૈશાલી ઠક્કર








