ભગવાન મહાવીર કહે છે માનવીમાં વસતા દ્વેષ વિશે !
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ .
ભગવાન મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક સોળ-સોળ વર્ષ સુધી સાથે રહ્યા હતા. એક સમયે પ્રભુનો મહિમા ગાવા માટે અપાર દુ:ખ સહન કરતો હતો. એના મુખેથી પ્રભુ મહાવીર પોતાના ગુરુની પ્રશંસા હંમેશાં પ્રગટતી હતી.
મન પણ કેવું છે ! ક્યાં ને ક્યાં ઊડતું રહે છે અને કેવી નવી નવી દિશાઓમાં ઘૂમતું રહે છે. આવું મન જ્યારે ભગવાન મહાવીરના જીવન વિશે વિચાર કરે છે, ત્યારે કેટલાય નવા અર્થો, નવા સંદર્ભો, નવા વિચારો અને નવાં દર્શનો જાગે છે. એમના અદ્ભુત જીવનનો વિચાર કરીએ ત્યારે એમ લાગે કે એમને કેટકેટલા ઉપસર્ગો સહન કરવા પડયા. કેવું ભવ્ય જીવન, કેવી અનુપમ સાધના અને અધ્યાત્મની કેવી ઊંચાઈ અને તેમ છતાં સાડા બાર વર્ષની સાધના દરમિયાન કુલ તેર જેટલાં ઉપસર્ગો સહન કર્યા.
શૂલપાણી પક્ષે અસ્થિકગ્રામમાં આ એકાકી, એકલવીર મહાવીરને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું નહીં. માત્ર એક જ રાતમાં અસ્થિકગ્રામ એટલે કે શૂલપાણીએ ભયંકર વીતકોનો વરસાદ વરસાવ્યો. યક્ષનું રાક્ષસીબળ મહાવીરના આત્મબળ સમક્ષ પરાજિત થયું. સાધક મહાવીરને કૂવામાં ઝબોળવું, માર મારીને દોરડા સાથે બાંધવા, માત્ર માનવો જ નહીં, પણ કટપૂતના જેવી વ્યંતરી દ્વારા ઉપસર્ગો કરવા, કર્મારગામમાં પહેલો ઉપસર્ગ ગોવાળીયાએ કર્યો અને તેરમાં વર્ષે ષમ્માણિ ગામમાં ગોવાળ દ્વારા કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ થયો.
ક્ષમાના અવતાર એવા પ્રભુ મહાવીરને દ્વેષનો કેવો સામનો કરવો પડયો. માત્ર માનવીઓ જ એમનો દ્વેષ કરતાં નહોતાં, બલ્કે વ્યંતર અને દેવો પણ એમનો દ્વેષ કરતાં હતાં. આવે સમયે મનમાં એ વિચાર જાગે કે ભગવાન મહાવીરના જીવનને લક્ષ્યમાં રાખીને વર્તમાન સમયે સર્વત્ર વ્યાપ્ત એવી દ્વેષવૃત્તિની ચિકિત્સા કરીએ. વિચાર કરીએ કે ભગવાન મહાવીરે જેનો જીવનભર અનુભવ કર્યો, તે દ્વેષ વિશે એમણે શું કહ્યું છે ?
પ્રથમ દૃષ્ટિપાત કરીએ, શ્રી સ્થાનાંગ સૂત્ર નામના આગમ પર, જે આગમમાં તેઓ કહે છે, અર્થાત 'બંધન બે પ્રકારના હોય છે. પ્રેમનું બંધન અને દ્વેષનું બંધન.'
અહીં ભગવાન મહાવીરસ્વામીનું એક વિશિષ્ટ દર્શન પ્રગટ થાય છે. સામાન્ય રીતે જગત પ્રેમના બંધનને જાણે છે. પ્રેમના બંધન વિશે ઘણું કહે છે. પણ અહીં એક બીજું બંધન તે દ્વેષનું બંધન હોય છે એમ કહે છે. આપણા જીવનમાં જોઈએ તો કોઈક વ્યકિત સાથે આપણે ગાઢ પ્રેમથી બંધાયેલા હોઈએ છીએ. એ વ્યકિતને જોતાં કે પછી એનું સ્મરણ કરતાં આપણા હૃદયમાં પ્રેમના ભાવો જાગે છે. પ્રેમનું બંધન અતૂટ હોય છે એમ કહેવાય છે. એમાંથી માણસ મુક્ત થઈ શક્તો નથી.
પણ અહીં એક નવી વાત દ્વેષના બંધનની કરી છે. જેના તરફ પ્રેમ હોય એને જોતાં અંતરમાં ઉમળકો આવે છે, એ જ રીતે જેના પ્રત્યે દ્વેષ હોય, એને જોતાં અંતરમાં વેરના અગ્નિની આગ ફેલાય છે. આપણી આંખો તો એની એ જ છે. પણ પ્રિયજનને જોતાં એમાં જે ભાવો જાગે છે તે વિરોધીને જોતાં જાગતા નથી. જેમ પ્રેમ માણસને બાંધી રાખે છે એ જ રીતે દ્વેષ પણ તમને બાંધી રાખે છે. એકમાં ઉષ્મા છે તો બીજામાં તિરસ્કાર છે. એકમાં શીતળ જળની ધારા વહે છે તો બીજામાં બાળી નાખનારો અગ્નિ ભડભડ સળગે છે.
ભગવાન આ બંને બંધનથી મુક્ત થવાનું કહે છે. જેમ પ્રેમનું બંધન જકડી રાખે છે, એ જ રીતે દ્વેષનું બંધન પણ જકડી રાખતું હોય છે. દ્વેષનું બંધન વ્યકિતની આંખમાં એવો ભાવ જગાડે એ કે એની સામી વ્યકિત માટે તીરસ્કાર થાય છે. જો એ વ્યકિત સત્તા કે સંપત્તિ ધરાવતી હોય તો સામેની વ્યકિત તરફ તિરસ્કાર કે દ્વેષ દાખવશે, જો એ બંને બરોબરીયા હશે તો દ્વેષી એની નિંદા કરશે. જેમ ઘુવડ દિવસે જોઈ શક્તું નથી, તેમ દ્વેષી વ્યકિત અન્યની પ્રગતિને જોઈ શક્તો નથી. એ મનોમન ગુસ્સાથી બળતો રહે છે. આમ દ્વેષને પણ બંધનરૂપ કહીને ભગવાને એનાથી મુક્ત થવાનું કહ્યું છે. માત્ર રાગથી મુક્ત થયે ન ચાલે. દ્વેષથી પણ મુક્ત થવું જોઈએ.
જેમ રાગ અવરોધરૂપ છે એમ દ્વેષ પણ સાધકને માટે અવરોધરૂપ છે. દ્વેષના બંધનથી બંધાયેલો માનવી રામાયણની મંથરા જેવી વૃત્તિ ધરાવે છે. એ મંથરા અયોધ્યા નગરીના કિલ્લા પર રામનો રાજ્યાભિષેક થતો હોવાને લીધે દિવાઓ પ્રકાશિત થતાં હોય છે અને એનું તેજ આખી નગરીને એક અનુપમ શોભા આપતું હોય છે.
રામાયણના કથાકાર કહે છે કે દ્વેષ ધરાવતી મંથરાને અયોધ્યાની નગરી પરના દિવાઓનું તેજ દઝાડે છે. એના દ્વેષને જાગ્રત કરે છે. ભગવાન મહાવીરની વાણીનો મહિમા એ છે કે માલકૌંસ રાગમાં વહેલી એ વાણી અત્યંત સરળ અને હૃદયમાં ઊતરી જાય તેવી છે. એ સમયે મગધદેશની ભાષા અર્ધમાગધી હતી અને ભગવાન મહાવીરે એ જનભાષામાં ઉપદેશ આપ્યો.
આ એવી વાણી છે કે જેને વિશે શ્રીમદ્દ રાજચંદ્ર કહે છે કે,' એક પળ પણ તમારા કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલાં રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.' આવી વાણી પામવાથી શું પ્રાપ્ત થાય ?
જેમ વાણી ભડભડ સળગતી જ્વાળાઓને ઓળંગી જાય છે, તેમ આ રીતે જીવનારો આદર્શ માનવી સંસારની જ્વાળાઓને ઓળંગી પરમ આનંદનો ભાગી થશે. આથી ભગવાન મહાવીરની વાણીની વિશેષતા એ છે કે સ્વયં કરેલી સાધનામાંથી પ્રાપ્ત થયેલા અનુભવ પર એ આધારિત છે.
હું પૂર્ણજ્ઞાાની છું તેથી તમે સ્વીકારો તેમ નહીં, પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે, તેમ કહ્યું. આવી આ સહજ સરળ વાણીનાં કેટલાંક મોતીઓ મેળવવા માટે આપણે આગમોના મહાસાગરમાં ઊંડી ડૂબકી લગાવીએ છીએ.અને તેમા પણ એ દ્વેષની પરાકાષ્ઠા ગોશાલકના જીવનમાં જોવા મળે છે.
ભગવાન મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક સોળ-સોળ વર્ષ સુધી સાથે રહ્યા હતા. એક સમયે પ્રભુનો મહિમા ગાવા માટે અપાર દુ:ખ સહન કરતો હતો. એના મુખેથી પ્રભુ મહાવીર પોતાના ગુરુની પ્રશંસા હંમેશાં પ્રગટતી હતી. ગોશાલકના પ્રેમનું દ્વેષમાં રૂપાંતર થયું. એ ભગવાન મહાવીરનો પ્રતિસ્પર્ધિ બન્યો. એ પોતે સર્વજ્ઞા, તીર્થકર અને અર્હમ્ છે એમ કહેવા લાગ્યો.શ્રી ઠાણાંગ સૂત્રમાં અઢાર પાપસ્થાનક દર્શાવવામાં આવ્યા છે. એમાં અગિયારમું દ્વેષ દર્શાવવામાં આવ્યું છે.
અલિપ્ત વિષયોમાં અપ્રીતિ થવી તે મોહનો જ એક પ્રકાર છે. તેને દ્વેષ કહેવામાં આવે છે. અણગમતા લોકો પ્રત્યે કે અણગમતા પદાર્થોના સમૂહ પ્રત્યે વેરભાવ રાખવો તેને દ્વેષ કહે છે. ક્રોધ, માન, અરતિ, શોક, ભય અને જુગુપ્સા એ છ કષાય દ્વેષ રૂપ છે.
કોઈ પણ પદાર્થ પ્રત્યે અનુરાગ ધરાવતા હોઈએ અને તેમાં કોઈ વિઘ્ન કરનારું આવે ત્યારે એને હણવાનો કે એનો નાશ કરવાનો વિચાર થાય છે એને દ્વેષ કહેવામાં આવે છે. જેમ અનુરાગ એ આત્માથી ભિન્ન છે એ જ રીતે એના પ્રત્યે વિઘ્ન કરવાની ઇચ્છા ધરાવનાર દ્વેષ પણ આત્માથી ભિન્ન છે એમ વિચારવું જોઈએ.
આ સંસાર જીવ અને અજીવોથી ભરેલો છે તે તમામ જીવો અને અજીવો મારાથી ભિન્ન છે. જેમ કોઈને કોઈ સ્ત્રી પ્રત્યે અનુરાગ જાગે તો તે એનાથી ભિન્ન છે એમ એના અનુરાગમાં અવરોધરૂપ બનનાર જીવ પણ એનાથી ભિન્ન છે માટે એના તરફ શત્રુતા જાગે છે અને દ્વેષ થાય છે પરંતુ જો એમ વિચારવામાં આવે કે આ બંને તારાથી ભિન્ન છે તો દ્વેષ જાગતો નથી.
જેમ કે બે વ્યકિતઓ એકબીજા સાથે લડતા હોય તો દ્વેષ જાગતો નથી પરંતુ એમાં જો એક વ્યકિત પોતાનો મિત્ર કે સંબંધી હોય તો બીજા પ્રત્યે દ્વેષ જાગે છે. જો એ બંનેને જુદા માને અથવા તો એ બંને એના મિત્ર કે સંબંધી હોય તો બેમાંથી એક પણ વ્યકિત પ્રત્યે એને દ્વેષ જાગતો નથી. આથી જ 'મિથિલા નગરી બળે તેમાં મારું શું ?' એવી નમિ રાજર્ષિની અન્યત્વભાવના વિચારવી જોઈએ. એ નગરીમાં આગ લાગી હતી પરંતુ એ વિચારે છે કે જે મારું છે તે બળતું નથી, અને જે બળે છે તે મારું નથી.
આવી પરિસ્થિતિમાં કોના પ્રત્યે પ્રેમ દર્શાવું અને કોના તરફ ગુસ્સે થાઉં. આનો અર્થ જ એ કે જો વ્યકિત પોતાના પરિવાર, ધનવૈભવ અને સાંસારિક સુખો અર્પતા સાધનોને પોતાનાથી ભિન્ન માને અને વિચારે કે આ બધાથી તો મારો આત્મા ભિન્ન છે. તો તેમને અવરોધરૂપ બનનારા લોકો પ્રત્યે દ્વેષ આવતો નથી.
આ રીતે અન્યત્ર ભાવના દાખવવાથી વ્યકિત રાગ અને દ્વેષથી પર બની જાય છે. જેમ જીવની વાત થઈ તેમ અજીવ(પુદગલ) વિશે વિચારવું જોઈએ. જો કોઈ પુદ્ગલ દ્રવ્ય પ્રત્યે મને અનુરાગ જાગે તો એમાં અવરોધરૂપ બનનારું બીજું પુદ્ગલ દ્રવ્ય દ્વેષનાં સંબંધવાલું બને છે. પુદ્ગલ એવા દેહ પ્રત્યે મોહ જાગે તો એ દેહને પીડા પહોંચાડનારા શસ્ત્ર પત્થર, વગેરે તરફ દ્વેષ જાગે પરંતુ જો દેહ પ્રત્યે અનુરાગ જ દાખવે નહીં તો એ દેહને પીડા આપનારા પ્રત્યે દ્વેષ નહીં જાગે.
તીર્થકરોને થયેલા ઉપસર્ગો આ જોઈ શકાય છે. ભગવાન મહાવીરને વિના કારણે દંશ આપનારા ચડંકૌશિક સર્પ પ્રત્યે દ્વેષભાવ જાગતો નથી. ખંધકમુનિ, ગજસુકુમાલમુનિ જેવા મુનિરાજોને પણ એમના દેહને પીડા આપનારા પ્રત્યે કોઈ દ્વેષ જાગતો નથી. વળી જેમ રાગ ચંચળ છે તે જ રીતે દ્વેષ પણ ચંચળ છે. આજે જેના પ્રત્યે દ્વેષ હોય તેના તરફ આવતી કાલે દ્વેષ ન પણ હોય.
જેની સાથે પૂર્વેવેર બંધાયું હોય તે વેર ચાલ્યું જાય તો એના પ્રત્યેનો દ્વેષ પણ વિદાય લે છે. એટલે કે વ્યકિતને એક વ્યકિત તરફ રાગ કે મોહ હોય તો એના અવરોધ બનનાર પ્રત્યેનો દ્વેષ થતો હોય છે. પરંતુ એક સ્ત્રી સાથે કંકાસ થતાં એ છૂટાછેડા લે તો પેલો રાગ ચાલ્યો જાય છે અને જેના પ્રત્યે દ્વેષ હતો તે પણ દૂરથી જાય છે. આમ જેમ રાગ એના રંગ બદલી શકે છે એમ દ્વેષ પણ એના રંગ બદલી શકે છે.
વળી દ્વેષને કારણે વ્યકિત સદા વ્યથિત રહેતો હોય છે. એના વિરોધી તરફનું અપ્રીતિ એને વારંવાર સ્મરણમાં આવતી હોય છે અને એથી એનું હૃદય દ્વેષથી બળતું હોય છે, એનામાં ક્રોધ પણ જાગતો હોય છે અને ક્રોધને કારણે એ ઉત્તરોત્તર અધમ દશાને પામતો હોય છે. તાપસ ચંડકૌશિકમાંથી સર્પ ચંડકૌશિક બન્યો તેની પાછળનું કારણ તેનો ક્રોધ છે. વ્યકિત પોતાના જીવનમાં વારંવાર ક્રોધ કરે તો એવો અનુબંધ થાય છે કે ભવાંતરમાં પણ એ વ્યકિત દ્વેષવાળી બની રહે છે. વળી આવા અનુબંધને કારણે એનો દ્વેષ વધુને વધુ તીવ્ર બનતો હોય છે અને એને કારણે એ અપ્રિય બની જતો હોય છે. તાપસ ચંડકૌશિકે શિષ્ય પર કરેલા ગુસ્સાના આવેશને એ ચીકણો અનુબંધ કરી ચંડકૌશિક સર્પ બન્યો જેને પરિણામે એ સહુ કોઈને અપ્રિય બની ગયો.
આ રીતે ભવાંતરમાં પણ દ્વેષનો વિકાર નરકાદિ દુર્ગતિ આપનારો બને છે અને જીવ અનંતભવ સુધી રખડતો રહેતો હોવાથી દ્વેષનો વિપાક અને ભવભ્રમણ કરાવે છે.