ત્રાજવાંને એના ભારથી તૂટવા દેજો !
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
જે વ્યકિત રાગ-દ્વેષ કરતી હોય એ એનો તપ અને સંયમ નિમ્ન કોટિનો ગણવામાં આવે છે. પરિણામે જૈન ધર્મના ભાષ્ય સાહિત્યમાં 'નિશિથ ભાષ્ય'માં કહેવાયું છે કે રાગની જેવી મંદ, મધ્યમ અને તીવ્ર માત્રા હોય છે, એ અનુસાર મંદ, મધ્યમ અને તીવ્ર કર્મબંધ થાય છે.
શ્રીઠાણાંગ સૂત્ર નામના જૈન આગમનું એ કથન મળે છે કે 'બંધન બે પ્રકારના હોય છે, પ્રેમનું બંધન અને દ્વેષનું બંધન.' એમ કહીને ભગવાન મહાવીરે જગતને એક વિશિષ્ટ દર્શન આપ્યું. જેમ પ્રેમ વ્યકિતને બાંધી દે છે, એ જ રીતે દ્વેષી માનવીનું મન એને બાંધી રાખે છે. ક્યારેક એવું બનતું હોય છે કે એક જ સમયે પ્રેમના બંધનથી બંધાયેલી વ્યકિત અહંકારને કારણે દ્વેષના બંધનમાં બંધાઈ જતી હોય છે. આનું ઉદાહરણ ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં આવતો ગોશાલક સાથેનો પ્રસંગ છે. દ્વેષ કરનાર પોતે મનમાં સતત બળતો, વિચારોમાં જલતો અને વ્યવહારોમાં ઉગ્ર બની રહે છે.
એક સમયનો ભગવાન મહાવીરનો શિષ્ય ગોશાલક ગુરુ મહાવીર પ્રત્યે અપાર ભક્તિ રાખતો હતો. સુખી, સમૃદ્ધ અને સંપન્ન એવા પરિચિત આર્યદેશમાંથી ભગવાન મહાવીર વિહાર કરતાં-કરતાં અનાર્ય દેશમાં ગયા, ત્યારે ગોશાલક એમની સાથોસાથ રહ્યો. ગુરુમહિમા ગાવા માટે ગોશાલક અપાર દુ:ખ વેઠતો હતો. જંગલી અને અજ્ઞાાની લોકોનો માર પણ સહન કરતો હતો. એ સતત પોતાના ગુરુની પ્રશંસા કરતો હતો. પરંતુ એની ભીતરમાં દ્વેષ વળગ્યો અને દ્વેષને કારણે આ પરમ શિષ્ય પ્રખર વેરી બન્યો. એ ભગવાન મહાવીરનો પ્રતિસ્પર્ધિ બનીને કહેવા લાગ્યો કે પોતે સર્વજ્ઞા છે. તીર્થકર છે, અને અર્હત્ છે.
ભગવાન મહાવીરથી વિખૂટા પડયા પછી ગોશાલક શ્રાવસ્તી અને એની આસપાસના પ્રદેશમાં ભ્રમણ કરતો હતો. આ શ્રાવસ્તી નગરીમાં વસતા હાલાહલા કુંભાર અને અયંપુલ ગાથાપતિ ગોશાલકના પરમ ભક્ત હતા. ગણધર ગૌતમ ભિક્ષાને માટે શ્રાવસ્તી નગરીમાં તો બે તીર્થકરો એકસાથે વિચરી રહ્યા છે. ગણધર ગૌતમસ્વામી ભિક્ષા લઈને પાછા વળ્યા, ત્યારે એમણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે શું ખરેખર ગોશાલક તીર્થકર છે ખરો ?
ભગવાને કહ્યું,'ગોશાલક નથી સર્વજ્ઞા કે નથી તીર્થકર. યોગ્યતા વગર ઉપાધિ કેવી ? આજથી ચોવીસ વર્ષ પહેલાં એણે મારી પાસે દીક્ષા લીધી હતી. છ વર્ષ મારી સાથે રહ્યો. મને સ્નેહથી અનુસર્યો, પરંતુ પછી શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. એ મારાથી જુદો પડીને સ્વચ્છંદે વિહરવા લાગ્યો. એને છ મહાનિમિત્તોનું જ્ઞાાન છે. પણ નથી એ સર્વજ્ઞા કે નથી એ તીર્થકર. એ અષ્ટાંગનિમિત્તનો શ્રેષ્ઠ જ્ઞાાતા હોવાથી કેટલુંક ભવિષ્યકથન કરી શકે છે, પરંતુ એ સિવાય એ જે પદનો દાવો કરે છે તે પદની કોઇ યોગ્યતા એની પાસે નથી.'
ભગવાન મહાવીરની આ વાત આર્ય ગોશાલક સુધી પહોંચી ગઈ. ગોશાલકને ભય લાગ્યો કે આ મહાવીર તો મારી સોળ-સોળ વર્ષની કીર્તિને સાફ કરી નાખશે. મેં રચેલી બાજી ખુલ્લી પડી જશે અને હું ક્યાંયનો નહીં રહું. આથી ભગવાન મહાવીરના સ્થવિર શિષ્ય આનંદ ગોચરી માટે જતા હતા, ત્યારે એમને બોલાવ્યા. સરળ અને વિનયી આનંદ હંમેશાં છઠ્ઠ તપ કરતા હતા. ગોશાલકે ભયંકર ગર્જના કરતાં આનંદને કહ્યું કે જો મહાવીર મારા વિશે કંઈ પણ કહેશો તો હું એમને ભસ્મ કરી નાખીશ. મને છંછેડીને એ સાર નહીં કાઢે.
ભયભીત બનેલા આનંદને પ્રભુ મહાવીરે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ગોશાલક એના તપ-તેજથી અન્યને ભસ્મ કરી શકે, પરંતુ અરિહંત ભગવાનને ભસ્મ કરવા એ અસમર્થ છે. એની શક્તિથી અનંતગણું અરિહંતનું તપ-તેજ હોય છે, કારણકે એમનામાં ક્ષમાનો વિશેષ ગુણ હોય છે.
ભગવાન મહાવીરે ગણધર ગૌતમ વગેરે શિષ્યોને કહ્યું કે ગોશાલક આવે, તો પણ એની વિરુદ્ધ કશું બોલવું નહીં. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય. આખરે ગોશાલક શિષ્ય પરિવાર સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યો. મહાવીરના શિષ્ય મુનિ સર્વાનુભૂતિ અને મુનિ સુનક્ષત્રએ ગોશાલકને શાંત પાડવા અને સમજાવવા કોશિશ કરી, તો ગોશાલકે એને ભસ્મ કરી નાખ્યા. શિષ્યોને બાજુએ રાખીને ખુદ પ્રભુ મહાવીર આગળ વધ્યા. ભગવાને એને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ગોશાલકમાં ક્રોધનું ઝનૂન વ્યાપી રહ્યું. એણે મોટીમોટી આંખોને સૂર્ય તરફ સ્થિર કરી અને સૂર્યનો અગ્નિ આંખોમાં સંગ્રહીને પ્રભુ મહાવીર પર ભયંકર ફુત્કાર કર્યો.
તેજોલેશ્યાની સળગતી આગનું એક મહાવર્તુળ ભગવાનની પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીર તરફ પાછું ધસ્યું અને એના દેહમાં સમાઈ ગયું. પળવારમાં દેખાવડો ગોશાલક બિહામણો થઈ ગયો. એનું મુખ કાળું ડિબાંગ બની ગયું. મહાવીર શાંતિના અવતાર બનીને ઉભા હતા. ગોશાલકના દેહમાં દાવાનળ પ્રગટયો હતો. એના શરીરમાં ભયંકર વેદના જાગી. દેહમાં આગ હોય એમ ક્યારેક હાથ ફેલાવતો, ક્યારેક હાથ સંકોચતો, ક્યારેક જમીન પર પગ પછાડતો તો ક્યારેક 'ઓય, મરી ગયો રે'ની ચીસ પાડતો હતો.
ગોશાલકે જાણ્યું કે એનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. એણે પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું,' જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મારા શરીરને સુગંધિત જળથી નવડાવજો. સુગંધિત ગેરુ વસ્ત્રથી લૂછજો. ગોશીર્ષ ચંદનનો લેપ કરજો, બહુમૂલ્ય શ્વેત વસ્ત્ર પહેરાવજો અને બધા અલંકારથી વિભૂષિત કરજો. એક હજાર વ્યકિત ઉઠાવી શકે એ પ્રમાણેની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તીમાં આ જ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવજો કે ચોવીસમાં ચરમ તીર્થકર મંખલિપુત્ર ગોશાલક જિન થયા, સિદ્ધ થયા, વિમુક્ત થયા અને બધાં દુ:ખોથી રહિત થયા. આ પ્રમાણે મહોત્સવ કરીને મારી અંતિમ ક્રિયાઓ કરજો.'
મૃત્યુ પૂર્વેની સાતમા દિવસની રાત્રિએ ગોશાલકનું મિથ્યાત્વ નષ્ટ થતાં એની દૃષ્ટિ નિર્મળ અને શુદ્ધ થઈ. પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું કે મેં શ્રમણોનો ઘાત કર્યો, ધર્માચાર્યોનો દ્વેષ કર્યો. વસ્તુત: શ્રમણ મહાવીર જ સાચા જિન છે. ગોશાલકે પોતાના શિષ્યોને કહ્યું કે આવા દુષ્કૃત્ય બદલ એની અંતિમ ભાવના એ છે એના મૃત્યુ બાદ ડાબા પગમાં દોરડું બાંધી એના મુખમાં ત્રણ વાર થૂંકવું અને શ્રાવસ્તીના રાજમાર્ગ પર'ગોશાલક જિન નથી, પણ મહાવીર જિન છે.' એવી ઉદ્ઘોષણા કરતાં કરતાં એના શરીરને ઘસડી જવું. એ રાત્રે એનું મૃત્યુ થતાં એની સૂચના મુજબ સ્થવિરોએ એના અંતિમ સંસ્કાર કર્યા.
ગોશાલક અંતિમ અવસ્થામાં કંઈ સમક્તિ પામ્યો. ભગવાન મહાવીરના વચન પર વિશ્વાસવાળો થયો. પોતાના સર્વ શિષ્યની સમક્ષ અરિહંતનું શરણ કરી કાળધર્મ પામ્યો. ગોશાલકના મૃત્યુ પછી એકવાર ગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરને પૂછયું, 'સ્વામી, ગોશાલક કઈ ગતિને પામ્યો હશે ?'
ભગવાન મહાવીરે કહ્યું,' એ અચ્યુત દેવલોકમાં ગયો છે.'
ગૌતમસ્વામીએ ફરી પૂછયું,' હે ભગવન, આવો ઉન્માર્ગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગોશાળો દેવતા કેમ થયો ? એમાં મને મોટું આશ્રર્ય જણાય છે.'
ભગવાન મહાવીરે કહ્યું,'હે ગૌતમ, જે પોતાના અવસાન સમયે પોતાનાં દુષ્કૃત્યોની નિંદા કરે છે તેને દેવપણું દૂર નથી. ગોશાલકે પણ તેવું જ કર્યું.'
આ રીતે સમ્યકત્વના પ્રભાવે મૃત્યુ પામ્યા બાદ ગોશાલક બારમા દેવલોકમાં ગયો.
આમ દ્વેષી ગોશાલકના જીવનમાં જોઈએ છીએ કે દ્વેષ એને બાળી નાખે છે અને અંતે પોતાના આવા દ્વેષને માટે એ પશ્ચાત્તાપ અનુભવે છે. અહી આચાર્યશ્રી કુંદકુંદસ્વામીએ લખેલા 'સમયસાર' ગ્રંથનું સ્મરણ થાય છે. આપણે જાણીએ છીએ કે આચાર્યશ્રી કુંદકુંદસ્વામીએ 'શ્રી સમયસાર', શ્રી પ્રવચનસાર', પંચાસ્તિકાય' 'નિયમસાર' જેવાં ગ્રંથોની રચના કરી છે. મહાન અધ્યાત્મવેત્તા અને અદ્ભુત સિદ્ધાંતજ્ઞા આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યના 'સમયસાર' ગ્રંથમાં સમસ્ત પદાર્થો અથવા આત્માનો સાર વર્ણિત છે. આમાં ભેદવિજ્ઞાાનને અદ્ભુત રીતે નિરૃપિત કર્યું છે. શુદ્ધ આત્માનું અતિસુંદર અને આવું વ્યવસ્થિત વિવેચન અન્યત્ર દુર્લભ છે.
આ 'સમયસાર'માં (ગાથા ૨૬૫) આચાર્યશ્રી કુંદકુંદસ્વામી કહે છે,
અર્થાત્' કર્મબંધ વસ્તુથી નહીં, પણ રાગ-દ્વેષના અધ્યવસાય-સંકલ્પથી થાય છે.'
આમ રાગ-દ્વેષ કરનાર કર્મબંધ કરે છે અને એથી જ જે વ્યકિત રાગ-દ્વેષ કરતી હોય એ એનો તપ અને સંયમ નિમ્ન કોટિનો ગણવામાં આવે છે. પરિણામે જૈન ધર્મના ભાષ્ય સાહિત્યમાં 'નિશિથ ભાષ્ય'માં કહેવાયું છે કે રાગની જેવી મંદ, મધ્યમ અને તીવ્ર માત્રા હોય છે, એ અનુસાર મંદ, મધ્યમ અને તીવ્ર કર્મબંધ થાય છે. તો જૈન ચૂર્ણિસાહિત્ય પર દૃષ્ટિ ફેરવીએ તો શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂર્ણિ ૬માં કહ્યું છે,
અર્થાત્,' રાગદ્વેષથી રહિત સાધુ વસ્તુનો પરિભોગ (ઉપયોગ) કરવા છતાં તે પરિગ્રહી નથી.'
અહીં જૈનદર્શનની એક વિશિષ્ટ વિચારધારા જોવા મળે છે કે વસ્તુમાં કોઈ રાગદ્વેષનો ભાવ હોતો નથી. પણ તેને જોનારમાં કે ઉપભોગ કરનાર રાગદ્વેષનો ભાવ હોય છે. આથી ચીજવસ્તુનો વ્યકિત ઉપયોગ કરે, પણ એની પાછળ રાગ કે દ્વેષ વીંટળાયેલાં ન હોય તો એ અપરિગ્રહી ગણાય. સંપત્તિ ઘર જમીન કે સત્તા માટે રાગ ધરાવનાર પરિગ્રહી ગણાય. જૈનદર્શનમાં આવી એક એક વાતની ખૂબ સૂક્ષ્મ અને ઊંડાણભરી ચર્ચા થઈ છે, તે વિશે હવે પછી જોઈશું.