કુબરા સૈત : પટકથા મજબૂત હોય તો કોઈપણ પાત્ર ભજવવા તૈયાર

- એકસરખા બીબાઢાળ રોલમાં ફસાઈ જવાની ચિંતા વચ્ચે કુબરા મક્કમ અભિગમ અપનાવે છે. તેના મતે ટાઈપકાસ્ટિંગ ફિલ્મ ઉદ્યોગને કારણે નહિ મોટાભાગે કલાકારની પોતાની મર્યાદાથી પ્રેરિત હોય છે.
- 'સં કલ્પ'ની સફળતાએ શોમાં પ્રતિબદ્ધ ડીએસપીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુબરા સૈત માટે પ્રશંસાની લહેર સર્જી છે. એક નિખાલસ મુલાકાતમાં અભિનેત્રીએ દર્શકોના અભૂતપૂર્વ પ્રતિસાદ, ફિલ્મસર્જક પ્રકાશ ઝા સાથે કામ કરવાના અનુભવ તેમજ સદા વિકસતા મનોરંજન ઉદ્યોગમાં પૂર્વધારણાઓને પડકારવાના પોતાના સતત પ્રયાસો વિશે ખુલીને વાત કરી છે.
સંકલ્પને મળેલા જોરદાર પ્રતિસાદ બાબતે કુબરાએ ખુશી વ્યક્ત કરતા નોંધ કરી કે આ સીરીઝ અન્ય સામાન્ય શો કરતા અલગ છે. તેના મતે આ સીરીઝ સામાન્યપણે દર્શાવવામાં આવતી ચિલાચાલુ હિંસા અને મહિલાઓના જાતીયકરણથી દૂર રહી છે અને તેના સ્થાને મજબૂત કથાનક તેમજ ઝીણવટભર્યા આલેખન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. તેણે આ પ્રોજેક્ટને તેના વ્યાપ તેમજ વિશિષ્ટ કથાનકને કારણે બેમિસાલ કૃતિ તરીકે વર્ણવ્યો. કુબરા માટે સૌથી સંતોષજનક બાબત હતી દર્શકોનો પ્રતિસાદ અને કંઈક નવું તેમજ બિનપરંપરાગતની કદર કરવાની તેમની વૃત્તિ.
પોતાના રોલ વિશે વાત કરતા કુબરા તેના પાત્ર ડીએસપી પરવીનના ભાવનાત્મક ઊંડાણ પર પ્રકાશ પાડે છે. પોલીસ અધિકારીઓ વિશે પ્રચલિત ગંભીર અને અજેય તરીકેની સામાન્ય છાપથી વિપરીત પરવીન અસહાય અને ભાવનાત્મક જટિલતા સાથેનું બહુસ્તરીય પાત્ર છે. કુબરા સ્પષ્ટતા કરે છે કે પાત્રની સફર એક ગાઢ સત્ય પ્રતિબિંબિત કરે છે કે એકતરફ વ્યક્તિઓ સુધારો કરવાના આશયથી સીસ્ટમમાં પ્રવેશ તો કરે છે પણ એ જ સીસ્ટમો આવી વ્યક્તિઓને બદલી નાખે છે. કુબરાના મતે આ આંતરિક સંઘર્ષ જ રોલનું સૌથી મહત્વનું પાસુ છે અને એવી બાબત છે જે તેને ગાઢ રીતે સુસંગત અને વિચારપ્રેરક લાગી.
પ્રકાશ ઝા સાથે તેનો સહયોગ પ્રોજેક્ટના સૌથી મહત્વના પાસા પૈકી એક તરીકે ઊભરી આવ્યો છે. કુબરાના જણાવ્યા અનુસાર પ્રકાશના સેટ પરનું વાતાવરણ સમાવિષ્ટતા અને ટીમવર્કને કારણે સકારાત્મક અને સ્વતંત્રતાનો અહેસાસ કરાવતું હતું.
અગાઉ પણ પોલીસ અધિકારીઓની ભૂમિકા ભજવી હોવા છતાં કુબરાએ સંકલ્પના રોલ માટે તાજગીભર્યો અને નવીન અભિગમ અપનાવ્યો. તેણે કબૂલ કર્યું કે શરૂઆતમાં ફરી આવો રોલ કરવા બાબતે તે થોડી અવઢવમાં હતી, પણ ટૂંક સમયમાં જ તેને અહેસાસ થયો કે કોઈ બે પાત્રો એક સરખા નથી હોતા. પ્રત્યેક રોલ નવા આયામ શોધવાની તક આપે છે અને તેની સમક્ષ એક તદ્દન વિપરીત રીતે પોલીસ અધિકારીનું ચિત્રણ કરવાનો પડકાર હતો. આ માનસિકતા જ તેના મતે શાશ્વતતા અને રચનાત્મક સંતોષ ઝંખતા કોઈપણ કલાકાર માટે મહત્વની છે.
એકસરખા બીબાઢાળ રોલમાં ફસાઈ જવાની ચિંતા વચ્ચે કુબરા મક્કમ અભિગમ અપનાવે છે. તેના મતે ટાઈપકાસ્ટિંગ ફિલ્મ ઉદ્યોગને કારણે નહિ મોટાભાગે કલાકારની પોતાની મર્યાદાથી પ્રેરિત હોય છે. 'રેડી'માં પોતાના રોલ તેમજ 'સેક્રેડ ગેમ્સ'માં કુકુ તરીકે તેને વ્યાપક પ્રસિદ્ધિ અપાવનાર તેના પરફોર્મન્સ સહિત પોતાના પ્રારંભિક કાર્યને યાદ કરતા તેણે જણાવ્યું કે ક્યારેય ટાઈપકાસ્ટ થવાની આગાહી ક્યારેય ખરી નથી પડી. તેના સ્થાને તેણે પાત્રોની વૈવિધ્યતા તેમજ પાત્રોને જોડતી ભાવનાત્મક્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કુબરા માટે પ્રત્યેક તક કંઈક શીખવાનો અને વિકસવાનો અવસર છે તેમજ જો અભિગમ અને ચિત્રણ વિશિષ્ટ હોય તો સમાન રોલનો અર્થ પુનરાવર્તન થાય તે જરૂરી નથી.
કુબરાએ પોતાની પૃષ્ઠભૂમિ વિશે પણ સ્પષ્ટતા કરી અને જણાવ્યું કે તેના મૂળ રાજકીય પરિવારમાં છે. કુબરા વિવિધ મંત્રાલયમાં સેવા આપનાર પોતાના દાદા વિશે ગર્વથી વાત કરીને જાહેર સેવા અને જવાબદારી વિશે તેની સમજને આકાર આપનાર પોતાના ઉછેર માટે તેમને પૂરુ શ્રેય આપે છે.
પોતાની રાજકીય પૃષ્ઠભૂમિને કારણે તે ભવિષ્યમાં રાજકારણ સંબંધિત ભૂમિકા સ્વીકારશે તેવી માન્યતાના પ્રતિસાદ તરીકે કુબરાએ ખુલાસો કર્યો કે પટકથા મજબૂત હોય તો તે કોઈપણ રોલ સ્વીકારવા તૈયાર છે. એક કલાકાર તરીકે તે જડ કારકિર્દી આયોજનના સ્થાને રચનાત્મકતા, નવીનતા અને પરફોર્મન્સના આનંદને પ્રાધાન્ય આપે છે.








