Get The App

કિટી પાર્ટી :આધુનિક નારીઓનું સ્ટેટસ સિમ્બોલ

Updated: Dec 16th, 2019

GS TEAM


Google News
Google News
કિટી પાર્ટી :આધુનિક નારીઓનું સ્ટેટસ સિમ્બોલ 1 - image


'ના હો. તું આજે ના આવીશ. હું નહીં મળું. મારે બજારમાં પેલું નવું રેસ્ટોરન્ટ છે ને ત્યાં કિટી પાર્ટીમાં જવાનું છે.'' મારી બહેન સંગીતાને હું બહુ સારી રીતે ઓળખું છું. એને બહાર ફરવાનો અને નવી નવી બહેનપણીઓ બનાવવાનો ગાંડો શોખ છે. પણ આ કિટી પાર્ટી  તો મારા મને બહાર જમવાનું એક બહાનું છે. બસ, થોડી વાર કેમ છો, કેમ નહીં પૂછી લીધું, કપડાં-લત્તાંની ચર્ચા કે ઈર્ષ્યા કરી લીધી, ઘડીક પત્તાં કે તંબોલા જેવી રમતો રમ્યા અને પછી ખાધુંપીધું ને આવજો. કિટી પાર્ટી પૂરી.

ઉચ્ચ મધ્યમવર્ગથી લઈને સુખી ઘરની કોઈ પણ મહિલાને પૂછો. એ કોઈક ને કોઈક કિટી પાર્ટીનો સભ્ય હશે જ. અઠવાડિયામાં એકાદ દિવસ કાં તો કોઈના ઘેર કે પછી રેસ્ટોરન્ટમાં જલસો રખાય - બસ થઈ ગઈ પાર્ટી. આમ જુઓ તો એ એક જાતનું  સ્ટેટસ સિમ્બોલ' બની ગઈ છે. એમાં તમે કેટલી જાતની વાનગી બનાવો છો, કેવી રીતે નવી ક્રોકરીમાં પીરસી. ગરમ અથવા ઠંડા પીણાંમાં શું આપો છો વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે પછી પાછળથી એ વાતોની ચર્ચા કરવામાં આવે છે. ટાઈમપાસ કરવાનો અને પોતાની જાતને વધારે વ્યસ્ત બતાવવાનો આનાથી સહેલો ઉપાય બીજો શો હોઈ શકે?

જુદી જુદી જાતની વાનગી અને એટલી જ ચટાકેદાર બધાની વાતો સાંભળવામાં બે-ત્રણ કલાક સહેલાઈથી પસાર થઈ જાય છે. ક્યારેક અગાઉ થઈ ગયેલી પાર્ટીઓ વિશેની વાત કરવામાં આવે છે. પરંતુ કોઈ સર્જનાત્મક અથવા તો લાભ મળે એવા કશાં જ નક્કર કામને આ કિટી પાર્ટીઓમાં પ્રવેશવાની મનાઈ હોય છે.

વસુધા કહે છે, ''પાર્ટીમાં જવાથી મનોરંજન તો મળે છે જ, સાથે હળવાશ પણ અનુભવાય છે. બાળકો અને પતિ ઘેર ના હોય ત્યારે આપણે નવરાંધૂમ હોઈએ છીએ. એકલા ઘરમાં બેસી રહેવું એના કરતાં કિટી પાર્ટીમાં જવાથી હસવા-બોલવાનું મળે, સમય પસાર થઈ જાય અને થોડું નવું લાગે છે. હવે ઝઘડા વગેરે તો થતા રહેવાના જ. મને તો કિટી પાર્ટીઓમાં બહુ મઝા પડે છે.''

કિરણ એક બ્યૂટિશિયન છે. આખો દિવસ ગ્રાહકો આવતા હોય છે. એમની સાથે કામ કરવાનું. કામ પણ એવું જ કે મોં કાયમ હસતું જ રાખવું પડે, નહીં તો કોઈને ક્યાંક ખોટું લાગી જાય તો ગ્રાહક જાય. જે દિવસે એ બ્યુટિપાર્લર બંધ રાખે છે એ દિવસે જ કિટી પાર્ટીમાં જાય છે. એમના મતે કિટી પાર્ટી એક રીતે હળવામળવાનું અને આનંદનું સાધન છે.

સામાન્ય રીતે દરેક કિટી પાર્ટીના નિયમો એકસરખા જ હોય છે. કેટલા સભ્યો રાખવા, કયા કયા કાર્યક્રમો યોજવા એ બધું પાર્ટીના સભ્યો એકત્ર  થઈને જ નક્કી કરે છે, એટલે કોઈને અંગત મનદુ:ખ થયું હોય તો એ દૂર થઈ જાય છે. કોઈની સાથે અબોલા હોય તો પાછી દોસ્તી બની જાય છે. નવી નવી ઓળખાણો થાય છે, એટલું જ નહીં, કોઈના માટે ગેરસમજ થઈ હોય તો દૂર થઈ જાય છે. રમા કહે છે કે, ''કિટી પાર્ટી એટલે નો કીટ્ટા.''

કિરણબહેને એવી વિગતો આપતાં કહ્યું, ''કિટી પાર્ટી બે રીતની હોય છે. પહેલાં ક્યાંક ભેગા મળીને ચિઠ્ઠીઓ નાખવામાં આવે છે અને જેના નામની ચિઠ્ઠી હોય એને બધા મળીને પૈસા આપે છે. એને 'ટેબલ પેમેન્ટ' કહેવાય છે. આ રીતની પાર્ટીઓ બહુ ઓછી થાય છે. આ મહિને જેના નામની ચિઠ્ઠી નીકળે એના ઘેર અવતા મહિને પાર્ટીમાં  થાય. જ્યારે પાર્ટી થાય ત્યારે જ પૈસા આપવામાં આવે છે.

સામાન્ય રીતે ૧૦ થી ૨૦ જેટલા સભ્યો હોય છે. આ બધા સભ્યો નક્કી કરેલા પૈસા ભેગા કરી 'હોસ્ટ'ને 'સરપ્રાઈઝ ગિફ્ટ' આપે છે. કોઈક વાર કશુંક લાવવાના બદલે સીધા પૈસા જ આપી દેવાય છે. કિટી પાર્ટીમાં એક વાર ગયા પછી આખી પૂરી થાય નહીં ત્યાં સુધી ફરજિયાત રહેવું પડે છે. વચ્ચેથી પાર્ટી છોડીને ચાલ્યા જાય તેને પૈસા પાછા મળતા નથી.''

''કોઈ રેસ્ટોરન્ટમાં પાર્ટી હોય તો બિલ ચૂકવવા માટેના પૈસા બધા સભ્યો પાસેથી ઉઘરાવવામાં આવે છે. કેટલીક વખત દરેક પોતપોતાના ભાગના પૈસા ચૂકવી દે છે. મોટા ભાગે તંબોલા રમવામાં આવે છે. એના માટે એક ચોક્કસ રકમ નક્કી કરવામાં આવે છે. પછી એ પ્રમાણે ત્રણ કે ચાર ગેમ રમી શકાય છે. ઘણી વાર લડાઈ-ઝઘડા પણ થતા હોય છે.''

આ ઉપરાંત કિરણ કહે છે કે અમે બીજી પણ ઘણી રમત રમીએ છીએ. નોટબુક ઉછાળતા, મ્યૂઝિક વગાડતા હસવાનું, મ્યૂઝિક બંધ થઈ જાય એટલે ચૂપ થઈ જવાનું અથવા ચાર સભ્યો ચાર ખૂણામાં ઊભા રહે છે. જ્યારે મ્યૂઝિક બંધ થઈ જાય ત્યારે એ જેને બેસવાનું કહે એ બેસી જાય છે. એમ એક પછી એક એમ બધી બેસી જાય છે અને છેલ્લે જે રહે છે એ જીતે છે.

સુધા કહે છે કે ગમે એના નામવાળી ચિઠ્ઠી કાઢવામાં આવતી નથી. જેના નામની ચિઠ્ઠી નીકળે એને જ પૈસા મળે છે. પાર્ટીમાં જે લીડર હોય છે એ આ ચિઠ્ઠી ઉપાડે છે. પોતાના નામની ચિઠ્ઠી કાઢવા એ એની ચિઠ્ઠી કાઢી બીજી ચિઠ્ઠીઓ ઉપર-નીચે કરે છે પછી એની જ ચિઠ્ઠી કાઢે છે. એક રીતે આ પણ છેતરામણી છે.

તમે તો ઘણી બધી કિટી પાર્ટીઓના સભ્ય છો નહીં? એમ પૂછતાં સુધા કહે છે, ''પાર્ટીઓમાં જવાથી એકસામટા પૈસા મળે છે. એની બચત કરીને મોટી વસ્તુ ખરીદી શકાય છે. નવી નવી ઓળખાણ થાય છે. એકબીજાની રહેણી-કરણીની ખબર પડે છે. નવું નવું જાણવા શીખવાનું મળે છે. અલગ અલગ વ્યક્તિઓને મળવાથી એમના જીવવાની રીતભાત જાણવા મળે છે.''મોટા ભાગની પાર્ટીઓ રેસ્ટોરન્ટમાં જ થાય છે. દરેક હાજર સભ્ય તરફથી ૫૦૦ કે તેથી ઓછા રૂપિયા હોસ્ટને મદદ થાય એ માટે આપવામાં આવે છે. કારણ કે હોસ્ટ જ બધો ખર્ચ ઉઠાવે છે. બધાની પસંદ અલગ અલગ હોય છે માટે મેનૂ પણ એજ નક્કી કરે છે.

આ ઉપરાંત બોલીવાળી કિટી પાર્ટી પણ થતી હોય છે. જોકે આ પાર્ટી સ્ત્રીઓ ઓછી પસંદ કરે છે, એમાં અમુક ટકા કપાત હોય છે. માની લો કેે ૫૦,૦૦૦ ની કિટી પાર્ટી લાગે તો ઓછામાં ઓછા ૫ ટકા કપાય છે. નફો બધા સભ્યોને સરખા ભાગે વહેંચવામાં આવે છે. આવી પાર્ટીઓમાં જમવા વગેરેની સગવડ હોતી નથી. પાર્ટીમાં બાળકો લાવી શકાતા નથી.

આ કિટી પાર્ટીઓમાં આખો દિવસ કામ કરતી સ્ત્રીઓ જ વધારે સંખ્યામાં આવતી હોય છે. જેમને કંઈ કામ નથી હોતું એ અથવા આખું અઠવાડિયું કામ કરીને કંટાળી જતી સ્ત્રીઓ કંઈક ચેન્જ મળે એ માટે આવી પાર્ટીઓમાં જાય છે. કિટી પાર્ટીના બહાને એ એકાદ દિવસ સારી રીતે તૈયાર થઈ બહાર જઈ શકે છે.

પાર્ટીઓમાં ઝઘડાઓ થતા હોય છે. છતાં આ પાર્ટીઓને સમય પસાર કરવાનું અને મનોરંજનનું સાધન માનવામાં આવે છે. એક દિવસ રાંધવાની માથાકૂટ તો જાય છે જ, સાથે સાથે જુદા જુદા હાથની રસોઈ જમવાનો આનંદ પણ મળે છે.

Tags :